Atut Bandhan - 18 books and stories free download online pdf in Gujarati

અતૂટ બંધન - 18








(જગન્નાથ સાર્થક અને એની ફેમિલીને જણાવે છે કે કઈ રીતે એણે વૈદેહી અને શિખાની મદદ કરી. આ જાણ્યા પછી સાર્થક જગન્નાથને નક્કી કરેલ ફી કરતાં વધુ ફી આપે છે. ગરિમાબેન જગન્નાથને શિખા સુરક્ષિત છે કે કેમ પૂછે છે. એ વાત પર સાર્થક વિચારમાં પડી જાય છે કારણ કે ગરિમાબેને એકપણ વાર વૈદેહી વિશે પૂછ્યું નહતું. હવે આગળ)

રજનીશભાઈ ઓફિસ જવા માટે તૈયાર થયા અને ગરિમાબેનને કંઇક કહ્યું. પણ ગરિમાબેન કંઈ બોલ્યાં નહીં. એમણે બે ત્રણવાર ગરિમાબેનને કંઇક પૂછ્યું પણ એમનાં તરફથી કોઈ જવાબ ન મળ્યો તેથી રજનીશભાઇએ ગરિમાબેનના ખભે હાથ મૂક્યો. રજનીશભાઈનાં સ્પર્શથી ગરિમાબેન એમનાં વિચારોમાંથી બહાર આવ્યા.

"ગરિમા, શું વિચારે છે ?" રજનીશભાઈએ પૂછ્યું.

"હં...કંઈ જ તો નહીં. હું તો બસ...."

"ગરિમા, આપણો સંબંધ કંઈ પાંચ પચ્ચીસ દિવસનો નથી કે હું સમજી નહીં શકું કે તું કોઈ ચિંતામાં છે. આપણે છવ્વીસ વર્ષથી સાથે છે. હું તારી આંખો જોઈ સમજી જાઉં છું કે તું ક્યારે ખુશ હોય છે, ક્યારે નારાજ હોય છે કે પછી ક્યારે ચિંતામાં હોય છે. તો બોલ, શું વાત છે ? આજે જે કંઈ થયું એનાં વિશે વિચારે છે ને ?" રજનીશભાઈએ ખૂબ જ પ્રેમથી પૂછ્યું.

ગરિમાબેન એમનાં તરફ એકીટસે જોવા લાગ્યા.

"આમ શું જોઈ છે ? તું એવું જ વિચારે છે ને કે જો શિખા કે વૈદેહીને કંઈ થઈ ગયું હોત તો ?" રજનીશભાઈએ કહ્યું.

"હા રજનીશ. મને ખરેખર ડર લાગે છે. જો આજે એ સિરાજનાં માણસોએ...."

"શ્શ્શ્શ્શ ! બસ હવે આગળ કંઈ નથી વિચારવાનું. આપણી બંને દીકરીઓ સેફ છે એ જ બહુ મોટી વાત છે. હવે આવા નકામા વિચારો મગજમાંથી કાઢી નાંખ અને થોડીવાર આરામ કર. હું ઓફિસ જાઉં છું." રજનીશભાઈએ ગરિમાબેનને બેડ પર બેસાડી કહ્યું.

ગરિમાબેન પણ કંઈપણ બોલ્યાં વિના બેડ પર આડા પડ્યાં પણ એમનાં મસ્તિષ્કમાં કંઇક તો ઉથલપાથલ મચેલી હતી.

બીજી તરફ વૈદેહી અને શિખા એમનું પેપર લખી કેમ્પસમાં બેઠાં હતાં. શિખાનાં મનમાંથી હજી પણ સવારવાળી ઘટના નીકળવાનું નામ નહતી લઈ રહી. એણે વૈદેહીનો હાથ મજબૂતીથી પકડી રાખ્યો હતો.

'શિખુ, મને માફ કરી દે. જે કંઈપણ થયું એ બધું મારા કારણે જ થયું છે. આજે મારાં કારણે તારો જીવ પણ જોખમમાં મૂકાયો. પણ તું જરાય ટેન્શન નહીં લે. હવે પછી મારાં કારણે તારે કંઈપણ ભોગવવાનું નહીં થાય.' વૈદેહી શિખા તરફ જોઈ મનમાં બોલી.

"શિખા, ગાડી આવી ગઈ હશે. આપણે જવું જોઈએ." વૈદેહીએ ધીમે રહી શિખાના હાથ પર હાથ મૂકીને કહ્યું.

"મને ડર લાગે છે. આ....આપણે થોડીવાર અહીંયા જ બેસીએ." શિખાએ કહ્યું.

"અહીંયા બેસવા કરતાં તો સારું એ છે કે આપણે ક્યાંક જઈને પેટપૂજા કરી આવીએ. મને તો કકડીને ભૂખ લાગી છે." અપૂર્વ શિખાની બાજુમાં આવીને બેઠો અને કહ્યું.

શિખાએ એની તરફ જોયું તો એ એનાં બંને હાથ પેટ પર મૂકીને બેઠો હતો. શિખા હસી પડી.

"જો તને ખબર જ છે કે તારાથી ભૂખ્યું નથી રહેવાતું તો સવારે નાસ્તો કરીને આવાય ને !" શિખાએ કહ્યું.

"એ તો છે જ. પણ હવે ભૂલ થઈ ગઈ તો શું કરું ? પેટમાં ઉંદર, બિલાડા, સસલાં, હરણ બધાએ જ રેસ શરૂ કરી દીધી છે. જો વધારે સમય આ રેસ ચાલી ને તો હું અહીંયા જ બેભાન થઈ જઈશ." અપૂર્વએ કહ્યું અને એનાં હાથ વડે પેટ પર દબાણ આપ્યું.

આ સાંભળી શિખા અને વૈદેહી બંને ખડખડાટ હસી પડી.

"તો હવે જઈએ ?" અપૂર્વએ ઊભા થઈ પૂછ્યું અને બંને પણ અપૂર્વ સાથે ઉભી થઈ કેન્ટીન તરફ ચાલવા લાગી.

ત્યાં જઈ ત્રણેયે નાસ્તો ઓર્ડર કર્યો. અપૂર્વનાં આવવાથી શિખા રિલેક્ષ અનુભવી રહી હતી અને આ વાત વૈદેહીએ પણ નોટિસ કરી. આમ પણ ઘણાં સમયથી વૈદેહી જોઈ રહી હતી કે જ્યારે જ્યારે અપૂર્વ એમની સાથે હોય શિખા ખૂબ જ ખુશ રહેતી હતી. વૈદેહી એકધારું બંને તરફ જોઈ રહી.

"વૈદુ, શું જોઈ છે ?" શિખાએ વૈદેહીને હલાવીને પૂછ્યું.

"હં...કંઈ નહીં. એ તો હું કાલના પેપર વિશે વિચારી રહી હતી." વૈદેહીએ ખોટું કહ્યું.

"અરે યાર, એમાં શું વિચારવાનું ? તું તો સ્કોલર છે. વાંચ્યા વિના પણ તું તો ફર્સ્ટ આવી જશે." અપૂર્વએ કહ્યું અને શિખાએ પણ એની હા માં હા કરી.

ત્રણેયે આમ જ બીજી બધી વાતો કરતાં કરતાં નાસ્તો પૂરો કર્યો અને કેન્ટીનમાંથી નીકળી કોલેજ ગેટ પાસે પહોંચ્યા. ગેટ પાસે વૈદેહી અને શિખાને લેવા ગાડી આવી હતી પણ ગાડી પાસે ડ્રાઈવરની જગ્યાએ સાર્થકને જોઈ બંને આશ્ચર્ય પામી. શિખા તો દોડીને સાર્થકને વળગી રડવા લાગી.

"શિખુ, બસ. કેમ આટલું બધું રડે છે ?"

"ભાઈ, આજે સવારે....સવારે...."

શિખા ધ્રુસ્કા ભરતી હતી. સાર્થકે શિખાને બોલતાં અટકાવી અને કહ્યું,

"શ્શ્શ્શ્શ, બસ બસ. મને બધું જ ખબર છે. તારે ડરવાની કોઈ જરૂર નથી. સમજી ?" આટલું કહી સાર્થકે વૈદેહી તરફ જોયું. વૈદેહીની આંખો પણ ભીની હતી. સાર્થકને એના આંસુ લૂછી એને પણ ગળે લગાડવાનું મન થઈ આવ્યું પણ સમય અને સ્થળે એને આમ કરતાં રોક્યો.

તો સામે વૈદેહી પણ સાર્થકને જોઈ ખુશ થઈ ગઈ. એને પણ સાર્થકને વળગી રડવું હતું. એનાં હૃદયમાં રહેલું દુઃખ આંસુ દ્વારા બહાર કાઢવું હતું પણ કોઈ શું વિચારશે ? સાર્થક શું વિચારશે ? એ વિચારે એ ત્યાં જ સ્થિર એનાં આંસુઓ રોકી ઉભી રહી.

"Thank you અપૂર્વ, મારા એક કોલ કરતાં જ તું તારું બધું કામ છોડી ઘરે પહોંચી ગયો." સાર્થકે અપૂર્વનો આભાર માન્યો.

"એમાં આમ આભાર માનવાની જરૂર નથી. મેં જે કંઈ કર્યું એ મારી ફરજ સમજીને જ કર્યું." અપૂર્વએ શિખા તરફ જોઈ કહ્યું.

થોડીવાર વાત કર્યા પછી અપૂર્વ એનાં ઘરે જવા નીકળ્યો અને સાર્થક શિખા અને વૈદેહી સાથે એમનાં ઘરે જવા નીકળ્યો.

સાર્થકે બંનેને ગેટ પર જ ઉતર્યા અને પોતે હોસ્પિટલમાં એડમીટ એમનાં ઘરનાં એક નોકર અને વોચમેન બહાદુર કાકાને જોવા ગયો.

વૈદેહીની ઓઢણી સહેજ ઉડી અને શિખાએ એનો ડાબો હાથ જોયો જે સુજેલો હતો.

"વૈદુ, તારો હાથ તો..."

"આ.. એ તો સવારે પેલો સળિયો વાગ્યો હતો ને તો થોડો સુજી ગયો છે." વૈદેહીlએ ઓઢણી સરખી કરી હાથ ઢાંકી દીધો.

"વૈદુ, તારે પહેલાં કહેવાય ને ? ભાઈ તને હોસ્પિટલ લઈ જાત. હું ભાઈને ફોન કરું છું. એ જ તને હોસ્પિટલ...."

વૈદેહીએ શિખાનાં હાથમાંથી ફોન લઈ લીધો અને ફોન કરવાની જરૂર નથી એમ કહ્યું અને સાથે સાથે જો એને વધુ તકલીફ થશે તો હોસ્પિટલ જશે એમ પણ કહ્યું અને બંને ઘરમાં ગયા.

જ્યારે વૈદેહી અને શિખા ઘરમાં પહોંચ્યા ત્યારે ગરિમાબેન હોલમાં જ હતાં. એ ઘરની બધી વસ્તુઓ વ્યવસ્થિત રીતે મુકાવી રહ્યાં હતાં. શિખા જઈને ગરિમાબેનને વળગી પડી.

"શિખુ, તને કંઈ થયું તો નથી ને ? એ ગુંડાઓએ તને કંઈ કર્યું તો નથી ને ? તને વાગ્યું છે ? તું ઠીક તો છે ને ?" ગરિમાબેન એક પછી એક પ્રશ્નો પૂછવા માંડ્યા.

શિખા હસી અને ગરિમાબેનના ગાલ ખેંચીને કહ્યું,

"ઓહ માય સ્વીટ મોમ, મને કંઈ નથી થયું. હું એકદમ ઠીક છું. અને એનો બધો શ્રેય વૈદુને જાય છે. એણે કોઈ ગુંડાને મારા સુધી પહોંચવા જ નથી દીધા. મને બચાવવાના ચક્કરમાં ઉલ્ટુ એનાં હાથમાં વાગ્યું. જો ને કેવો સુજી ગયો છે એનો હાથ. સવારે તો કંઈ ખબર નહીં પડી પણ જો ને હમણાં કેવો સુજી ગયો. જો પહેલાં મારી નજર ગઈ હોત તો અમે હોસ્પિટલ જઈને જ આવ્યા હોત." શિખાએ વૈદેહીનો ડાબો હાથ દેખાડી કહ્યું.

ગરિમાબેને વૈદેહીનો હાથ જોયો અને કહ્યું,

"ઓઇન્ટમેન્ટ લગાવી પેઇન કિલર લઈ લેજે." આટલું કહી તેઓ ફરીથી નોકરોને સૂચના આપવામાં લાગી ગયા.

શિખાને અજીબ લાગ્યું. ઘરનાં કોઈ નોકરને જો કંઈ થાય તો ગરિમાબેન તરત જ એમને સાઈડમાં બેસાડી જાતે એમને પ્રાથમિક સારવાર આપતાં. જ્યારે વૈદેહીનો હાથ આટલો સુજી ગયો હોવા છતાં એમણે એને પેઇન કિલર લેવા જ કહ્યું. એમણે એવું પણ નહીં પૂછ્યું કે એને દુઃખે છે કે નહીં અને કઈ રીતે વાગ્યું ? એમણે તો કંઈ ધ્યાન પણ નહીં આપ્યું.

*******

વૈદેહી એનાં રૂમમાં ગઈ અને ફર્સ્ટ એડ બોક્સ લઈ જાતે જાતે હાથ પર દવા લગાડી. એને હાથ દુઃખી રહ્યો હતો તેથી એણે પેઇન કિલર લઈ લીધી. જ્યારે એ ટેબ્લેટ લેતી હતી ત્યારે શિખા રૂમમાં આવી.

"અરે, તું ભૂખ્યા પેટે દવા પી રહી છે ?"

"ના, આપણે કેન્ટીનમાં નાસ્તો કર્યો હતો ને તો પછી ભૂખ્યાં પેટે કઈ રીતે થયું ?" વૈદેહીએ કહ્યું.

"ચાલ, આપણે હોસ્પિટલ જઈ આવીએ."

"આટલામાં શું હોસ્પિટલ જવાનું ? સાંજ થતાં હાથ એકદમ સારો થઈ જશે." વૈદેહીએ હસીને કહ્યું.

"સ્યોર ! તને લાગે છે કે સાંજ થતાં સારું થઈ જશે ?" શિખાએ એનો હાથ પોતાના હાથમાં લઈ પૂછ્યું.

"હા બાબા ! તું ખોટી ચિંતા કરે છે." વૈદેહીએ કહ્યું.

થોડીવાર રહીને શિખા એનાં રૂમમાં ગઈ અને વૈદેહી બુક લઈ વાંચવા બેઠી પણ વાંચવામાં એનું ધ્યાન નહતું. એનાં હાથમાં ખૂબ જ દુઃખાવો થઈ રહ્યો હતો. એની આંખોમાં પાણી આવી ગયા. એણે બુક સાઈડમાં મૂકી દીધી અને થોડીવાર આરામ કરશે તો સારું લાગશે એમ વિચારી એ બેડ પર આડી પડી. આખી રાતનો ઉજાગરો અને થાકના કારણે એને ઊંઘ આવી ગઈ.

જ્યારે એ ઉઠી ત્યારે એને સારું લાગી રહ્યું હતું. એનાં હાથનો સોજો પણ થોડો ઓછો થયો હતો. એણે ઘડિયાળમાં જોયું. સાંજનાં પાંચ થયા હતા. એણે એનું મોં ધોયું અને બાલ્કનીમાં જઈને વાંચવા બેઠી. દરવાજે પડેલા ટકોરાએ એનું ધ્યાન દરવાજા તરફ દોર્યુ.

"અરે આંટી, તમે ? આવો ને." વૈદેહીએ હસીને દરવાજે ઉભેલા ગરિમાબેનને કહ્યું.

ગરિમાબેન રૂમમાં આવ્યા અને વૈદેહીને પૂછ્યું,

"કેવો છે હવે તારો હાથ ?"

"હવે ઘણું સારું છે આંટી. સોજો પણ થોડો ઉતરી ગયો છે. સવાર થતાં તો એકદમ સારું થઈ જશે." વૈદેહીએ કહ્યું. એનાં અવાજમાં ઉત્સાહ હતો. આજ સુધી જ્યારે પણ એ બીમાર પડતી કે એને કંઈ થતું તો એને પૂછવાનું તો દૂર રહ્યું પણ કોઈ એને જોવા પણ નહતું આવતું.

"અં...જો વૈદેહી, તને તો ખબર જ છે કે આપણાં મેઈન કૂક અત્યારે હોસ્પિટલાઇઝડ છે અને બીજા કોઈનાં હાથનું રજનીશને ભાવતું નથી. હું જ રસોઈ બનાવી દેત પણ આજે મારું માથું બહુ જ દુઃખે છે અને...."

"તમે જરાય ચિંતા નહીં કરો આંટી. તમે ફક્ત મને કહી દો કે રસોઈમાં શું બનાવવાનું છે. હું બધી રસોઈ બનાવી દઈશ." ગરિમાબેન શું કહેવા માંગે છે એ સમજી જઈ હોય એમ વૈદેહીએ કહ્યું.

"Thank you. મનોજ કિચનમાં જ છે. એ તને બધું જણાવી દેશે. અને રસોઈ વહેલી તૈયાર કરી દેજે. રજનીશ અને સાર્થક આજે વહેલા આવવાનાં છે." આટલું કહી ગરિમાબેન ત્યાંથી નીકળી ગયા.

વૈદેહીએ બુક બાજુમાં મૂકી દીધી અને રસોઈ બનાવવા રસોડામાં ગઈ.

વધુ આવતાં ભાગમાં....

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED