(સાર્થકે ઘરે ફોન કરી જોયો પણ કોઈએ ફોન ઉપાડ્યો નહીં તેથી સાર્થકે ઓસ્ટ્રેલિયા જવાનું માંડી વાળ્યું અને ઘરે જવા નીકળ્યો. બીજી તરફ ચાર પાંચ માસ્ક પહેરેલાં ગુંડાઓ ઘરમાં ઘૂસી જતાં વૈદેહી અને શિખા ડરી જાય છે અને રૂમમાં પુરાય જાય છે. તો સિરાજ વિરુદ્ધ ઘણાબધા પુરાવા સીબીઆઈ પાસે હોવાથી સીબીઆઈ ગમે ત્યારે એને દબોચી શકે છે એવું વિચારી સિરાજ ક્યાંક ભાગવાની ફિરાકમાં છે અને ભાગતાં પહેલાં એ વૈદેહી અને શિખાને પણ સાથે લઈ જવાનું નક્કી કરે છે. હવે આગળ)
એરપોર્ટથી ઘરે પહોંચતા સાર્થકને બે કલાક જેટલો સમય લાગી ગયો. જેવી ગાડી ગેટ પાસે ઉભી રહી, સાર્થક ગાડીમાંથી ઉતરી દોડીને ઘરમાં ઘૂસ્યો. અંદરનું દ્રશ્ય જોઈ એનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એ દરવાજા પાસે જ ફસડાઈ પડ્યો. એની પાછળ દોડી આવેલા ગરિમાબેન અને રજીનીશભાઈ પણ ઘરની અંદર જોઈ ચોંકી ઉઠ્યા. ગરિમાબેન તો રીતસરનાં રડી પડ્યા. પોતાના માલિકને આવેલા જોઈ બધાં નોકરો કામ કરતા અટકી ગયા.
ઘરમાં બધું જ અસ્તવ્યસ્ત પડેલું હતું. ઘરનું ફર્નિચર તૂટેલું પડેલું હતું. બારીના કાચ તૂટેલા હતા. નીચે ફર્શ પર લોહીનાં દાગ ધબ્બા પડેલા હતાં. ઘરનાં સૌથી જૂના એક નોકર નરસિંહકાકા રજનીશભાઈ પાસે આવ્યા.
"સાહેબ...."
"આ...આ બધું શું છે ? શિ...શિખા અને વૈદેહી ક્યાં છે ?" રજનીશભાઈનાં અવાજમાં ડર સાફ વર્તાય રહ્યો હતો.
"બંને કોલેજ ગઈ છે અને એકદમ સેફ છે." ઘરની અંદરથી અવાજ આવ્યો..આ અવાજ સાંભળી સાર્થક તરત જ બેઠો થઈ ગયો અને ઘરમાં નજર કરી.
અડધા તૂટેલા કાઉચ પર જગન્નાથ બેઠેલો હતો. સાર્થક એની પાસે દોડી ગયો.
"જગન્નાથ, તમે...તમે અહીંયા ? અહીંયા શું થયું હતું ? તમારો ફોન બંધ કેમ આવી રહ્યો હતો ? શ....શું...શું આ બધું સિરાજે કર્યું છે ?" સાર્થકે પ્રશ્નોનો વરસાદ વરસાવ્યો.
"મારો એક ફોન જેમાં તમારો કોન્ટેક્ટ નંબર હતો એ થોડી અફરાતફરીમાં તૂટી ગયો. અને આ જે બીજો ફોન છે એ મારો પર્સનલ ફોન છે. એ બચી ગયો." જગન્નાથે જવાબ આપ્યો.
"બેટા, આ...આ કોણ છે ?" રજનીશભાઈએ જગન્નાથને ક્યારેય જોયો નહતો પણ જે રીતે સાર્થક એને પ્રશ્નો પૂછી રહ્યો હતો એ સાંભળી એમને લાગ્યું કે સામે રહેલ વ્યક્તિ એનાં ઘર વિશે ઘણું બધું જાણતો હોવો જોઈએ તેથી એમણે સાર્થકને જગન્નાથ વિશે પૂછ્યું.
"પપ્પા, આ જગન્નાથ શ્રીવાસ્તવ છે. તેઓ એક ડિટેક્ટિવ છે. મેં એમને હાયર કર્યા છે. સિરાજ વૈદેહીની સાથે સાથે તમને લોકોને પણ નુકશાન પહોંચાડી શકે એમ હોવાથી મેં આમ કર્યું હતું." સાર્થકે કહ્યું.
"પણ આ બધું તેં ક્યારે ?" રજનીશભાઈ હજી પણ આઘાતમાં હતાં.
"પપ્પા, એ બધું હું તમને પછી જણાવીશ." સાર્થકે કહ્યું અને જગન્નાથ સામે જોઈ પૂછ્યું,
"જગન્નાથ, અહીંયા શું થયું હતું અને તમે અહીંયા કેવી રીતે...."
"જેમ તમે કહ્યું હતું એમ હું સિરાજ પર ચોવીસ કલાક નજર રાખી રહ્યો હતો. આમ જોવા જઈએ તો તમે મને હાયર નથી કર્યો. હકીકતમાં હું સિરાજ પાછળ છેલ્લા ચાર વર્ષથી લાગેલો હતો. સીબીઆઈમાં મારા અમુક ફ્રેન્ડ્સ છે એમણે મને ચાર વર્ષ પહેલાં સિરાજ વિશે અને એનાં ગેરકાનૂની ધંધા વિશે જણાવ્યું હતું અને એના વિરુદ્ધ પુરાવા એકઠા કરવા માટે કહ્યું હતું અને તેથી જ જ્યારે તમે મારી પાસે આવ્યા ત્યારે કોઈ પણ પ્રકારની પૂછપરછ વિના મેં તમારો કેસ હાથમાં લઈ લીધો" જગન્નાથે કહ્યું.
સાર્થક સહિત ઘરમાં હાજર બધાં ધ્યાનપૂર્વક જગન્નાથની વાત સાંભળી રહ્યાં હતાં. જગન્નાથે બધાં તરફ જોયું અને એની વાત આગળ વધારી.
"મારી પાસે ઘણા બધાં પુરાવા એકઠા થઈ ચૂક્યા હતા અને એમાંથી જ અમુક મેં તમને દેખાડ્યા હતા જેથી તમે એ સિરાજને દેખાડી એને ચુપ કરાવી શકો અને થયું પણ એવું જ. સિરાજે તમને ધમકાવવાનું બંધ કરી દીધું. મારી પાસે પણ પૂરતા પુરાવા હતાં જે મેં સીબીઆઈને સોંપી દીધાં હતાં અને એ બધાં પુરાવા સાથે સીબીઆઈ ગમે ત્યારે એને દબોચવા આવી શકે એમ હતી તેથી હું એનાં ઘરથી થોડે દૂર ભિખારીનાં વેશમાં છેલ્લાં એક અઠવાડિયાથી ધામો નાંખીને બેઠો હતો અને એનાં પર નજર રાખી રહ્યો હતો. પણ આજે મળસ્કાનાં સમયે મેં એના ઘરમાં કંઇક હલચલ જોઈ. ટેલિસ્કોપથી જોતા જણાયું કે સિરાજ એની સાથે મોટી બેગ લઈને જઈ રહ્યો છે તેથી મેં......"
જગન્નાથ આગળ શું થયું એ જણાવ્યું. એનાં જણાવ્યા પ્રમાણે જ્યારે સિરાજ એનાં ઘરેથી નીકળ્યો ત્યારે અચાનક જગન્નાથ રોડ વચ્ચે આવીને ઊભો રહી ગયો. સિરાજ ગુસ્સે ભરાયો અને જગન્નાથને ઉડાવી દેવા કાલિયાને ઓર્ડર આપ્યો. સિરાજ કે પછી એની પલટન એ વાતથી અજાણ હતી કે રોડ વચ્ચે ઊભો રહેલો ભિખારી હકીકતમાં કોણ છે. કાલિયાએ બંદૂક જગન્નાથ તરફ તાકી અને ટ્રિગર પર આંગળી મૂકી કે તરત જ જગન્નાથ ગાંડાની જેમ દોડતો દોડતો ગાડી પાસે આવી ગયો અને કહેવા લાગ્યો,
"યેએએએએએ...યેએએએએએ ગાડીવાલા ટાટા ડલી ગયા. ગાડીવાલા ટાટા ડલી ગયા." જગન્નાથ તાળી પાડી ગોળ ગોળ ફરવા લાગ્યો અને ગોળ ફરતાં ફરતાં એ છેક સિરાજ બેઠો હતો ત્યાં પહોંચી ગયો અને ગાડીની બારીમાંથી એને પકડી લીધો. સિરાજ એકદમ ડરી ગયો અને જગન્નાથને પોતાનાથી દૂર કર્યો પણ જગન્નાથ ફરીથી એની પાસે ગયો અને સિરાજની હેન્ડ બેગ લઈ લીધી અને નાચવા લાગ્યો. સિરાજ ગુસ્સામાં ગાડીમાંથી બહાર નીકળ્યો અને જગન્નાથ પાસેથી બેગ લેવા લાગ્યો પણ જગન્નાથ એ બેગ લઈ ગાડીની ગોળ ગોળ ફરવા લાગ્યો. સિરાજની સાથે સાથે એનાં માણસો પણ જગન્નાથને પકડવા દોડવા લાગ્યા પણ જગન્નાથ એટલો સ્ફૂર્તિલો હતો કે દસ પંદર મિનિટ સુધી એ કોઈની પકડમાં ન આવ્યો. એ એક ગાડીથી બીજી ગાડી પાસે દોડી જતો અને ગાડીની ફરતે ફરવા લાગતો. છેલ્લે જ્યારે સિરાજ સહિત બધાં જ થાકીને શ્વાસ લેવા ઊભા રહ્યાં ત્યારે જગન્નાથે એ બેગ સિરાજને આપી અને કહ્યું,
"એએએએખ ટાટા હાલી ગયા. ટાટા હાલી ગયા." આમ બોલતાં બોલતાં જગન્નાથ ત્યાંથી પાછો ફૂટપાથ પર આવી ગયો. સિરાજને ગુસ્સો તો એટલો આવ્યો કે એણે ગાડીમાંથી એની ગન લઈ જગન્નાથ તરફ તાકી પણ અબ્દુલે એને રોક્યો,
"જવા દો ને ભાઈ, પાગલ ભિખારી છે." અને સિરાજ પાછો ગાડીમાં બેઠો. અબ્દુલે ગાડી એનાં ડેસ્ટીનેશન તરફ ભગાડી. સિરાજની ગાડી દેખાતી બંધ થઈ કે તરત જ જગન્નાથે એનો ફોન કાઢ્યો અને કાનમાં ઇયર ફોન નાંખી દીધા. હકીકતમાં સિરાજનાં બેગ પર જગન્નાથે એક ડિવાઈસ ફીટ કર્યું હતું જેના દ્વારા સિરાજનું લોકેશન જાણી શકાય તેમજ એની વાતચીત સાંભળી શકાય.
એ ડિવાઈસ દ્વારા જ જગન્નાથને ખબર પડી કે સિરાજે એનાં અમુક માણસો વૈદેહી અને શિખાને લેવા મોકલ્યાં છે તેથી સમય વેડફ્યા વગર જગન્નાથ સાર્થકનાં ઘરે પહોંચ્યો. જ્યારે એ ત્યાં પહોંચ્યો ત્યારે સિરાજનાં માણસો વૈદેહી અને શિખાને બળજબરીપૂર્વક ખેંચીને નીચે લાવી રહ્યાં હતાં. જ્યારે ઘરનાં નોકરોએ એમને રોકવાનો પ્રયત્ન કર્યો તો એ માણસોએ એમની પાસે રહેલા બંદૂક, રાયફલ જેવા હથિયાર દેખાડી એમને ડરાવ્યા. અને જ્યારે એ લોકોની વાત નોકરોએ ન માની તો એ માણસોમાંથી એકે એક નોકર પર ગોળી ચલાવી જે એ નોકરનાં ખભે વાગી.
જગન્નાથ તરત જ પરિસ્થિતિ પામી ગયો અને પેલો માણસ બીજી ગોળી છોડે એ પહેલાં જગન્નાથે ફ્લાવર પોટ ઉઠાવી એનાં હાથનું નિશાન બનાવીને ઘા કર્યો અને એનું નિશાન એટલું અચૂક હતું કે પેલાનાં હાથમાંથી બંદૂક છૂટી ગઈ. જગન્નાથ એની સાથે એનાં બીજા માણસોને પણ લાવ્યો હતો જે એનાં માટે કામ કરતાં હતાં. થોડી મારામારી થઈ. પેલાં ગુંડાઓ ભાગવા માંગતા હતા પણ ત્યાં સુધીમાં પોલીસ ત્યાં આવી પહોંચી અને બધાને એરેસ્ટ કરી લીધાં.
જે નોકરને ગોળી વાગી હતી એને તરત જ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો. બીજા બધાને પણ રાહત થઈ. જગન્નાથે રસોડાંનાં ખૂણામાં વૈદેહી અને શિખાને ડરથી ધ્રૂજતાં જોયા. જગન્નાથે બંનેને બહાર આવવા કહ્યું. વૈદેહી તો તરત નોર્મલ થઈ ગઈ પણ શિખા હજી પણ ધ્રુજી રહી હતી. આટલીવારમાં અપૂર્વ પણ ત્યાં પહોંચી ગયો. એણે અને વૈદેહીએ માંડ શિખાને સંભાળી. વૈદેહીએ જગન્નાથ તરફ કંઇક શંકાશીલ નજરે જોયું. જગન્નાથે વૈદેહી અને શિખાને પોતે કોણ છે અને અહીંયા કેવી રીતે પહોંચ્યો એ જણાવ્યું.
આ બધામાં નવ વાગી ગયા. વૈદેહી અને શિખાની એક્ઝામ દસ વાગ્યે હોવાથી જગન્નાથે બંનેને કોલેજ જવા માટે કહ્યું. જગન્નાથ પણ નીકળી જ જવાનો હતો પણ અફરાતફરીમાં જગન્નાથને પગમાં વાગ્યું હતું અને તેથી ઘરનાં જૂના નોકર નરસિંહકાકાએ એમને બેસવા કહ્યું અને એમનાં ઘાવ સાફ કરી પ્રાથમિક સારવાર આપી. વૈદેહી અને શિખાએ જગન્નાથનો આભાર માન્યો અને બંને અપૂર્વ સાથે કોલેજ જવા નીકળી ગઈ.
અત્યારે
"સીબીઆઈ સિરાજ સુધી પહોંચી ગઈ છે અને એને પણ એરેસ્ટ કરી લીધો છે. તો હવે તમારે કોઈએ સિરાજથી ડરવાની જરૂર નથી." જગન્નાથે કહ્યું.
"મારી શિખાને કંઈ થયું તો નથી ને ?" ગરિમાબેને પૂછ્યું.
"તમે જરાય ચિંતા નહીં કરો. વૈદેહીજી અને શિખાજી બંને સુરક્ષિત છે. એમને કંઈ નથી થયું." જગન્નાથે કહ્યું.
"તમારો ખુબ ખુબ આભાર. જો તમે સમયસર ન પહોંચ્યા હોત તો ખબર નહીં એ સિરાજ મારી શિખા સાથે શું કરતે ?" ગરિમાબેન બોલ્યા અને ઘરનાં મંદિરમાં જઈ દીવો પ્રગટાવી હાથ જોડી એમનાં પરિવારની રક્ષા કરવા બદલ ભગવાનનો પણ આભાર માન્યો.
રજનીશભાઈ અને સાર્થકે પણ જગન્નાથ નો આભાર માન્યો. સાર્થકે જગન્નાથને નક્કી કરેલ ફી કરતાં વધુ ફી આપી. જગન્નાથ પણ બધાની રજા લઈ રવાના થયો.
રજનીશભાઈ અને સાર્થક સોફા પર બેઠા. સાર્થકે ઓસ્ટ્રેલિયા જતી બીજી ફ્લાઈટ ક્યારે છે એ સર્ચ કરી લીધું અને બે દિવસ પછીની ફ્લાઈટની ટીકીટ બુક કરાવી.
"સાર્થક, એક કામ કર. થોડીવાર રહીને તું જ કોલેજ જઈ બંનેને લઈ આવજે. હું ઓફિસ જાઉં છું." રજનીશભાઈએ કહ્યું અને ઉભા થઈ એમનાં રૂમમાં ગયા.
સાર્થકે સોફા પર એનું માથું ટેકવી દીધું અને આંખો બંધ કરી. આંખો બંધ કરતાં જ એનાં કાનમાં ગરિમાબેનના શબ્દો ગુંજ્યા,
"મારી શિખાને કંઈ થયું તો નથી ને ? જો તમે સમયસર ન પહોંચ્યા હોત તો ખબર નહીં એ સિરાજ મારી શિખા સાથે શું કરતે ?" સાર્થકે તરત જ આંખો ખોલી નાંખી.
'મમ્મીએ એકવાર પણ વૈદેહી વિશે નહીં વિચાર્યું ! એમણે કહ્યું કે શિખાનું શું થાત પણ વૈદેહી ? એનું શું થાત એ એમણે કેમ નહીં વિચાર્યું ?' સાર્થક મનમાં જ બોલ્યો.
તો બીજી તરફ ગરિમાબેન કંઇક ઊંડા વિચારોમાં ડૂબેલા હતાં.
વધુ આવતાં ભાગમાં....