સ્વત્વ જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વત્વ



'સટાક...' કરતો એક તમાચો રિક્તા, તમારા કોમળ ગાલે પડ્યો એ સાથે તમારા ગાલ પર અવધની ચાર આંગળીની છાપ લાલ રંગે ઉપસી આવી. તમારા કાનમાં એ તમ્મરનો અવાજ જેટલો ન્હોતો ગુંજતો એટલો મનને થયેલી પીડાનો પોકાર આંસુની ધાર બની ચચરાવતો હતો. રિક્તા તમને આજથી પંદર વર્ષ પહેલાં શું કલ્પના પણ હતી કે તમારી પાછળ પાગલ મજનુ બનીને ફરનારા તમારા પ્રેમી એવા અવધ તમારા પતિ બનીને આવા ઉદ્ધત બની જશે?

ખેર તમે વિચારી રહ્યાં કે તમે એવો તે મોટો ક્યો ગુનો કરેલો? જેની તમને આટલી અપમાનજનક સજા મળી! એવું વિચારતાં
એક જ વાત તમારા ૠજુ હૃદયને પીંખતી રહી કે કદાચ પ્રેમ કરવો એ, ખુદને કોઈની લાગણીમાં ખતમ કરવા એ, કોઈનાં મકાનને ઘર બનાવવું એ, તેના પરિવારનું ત્યાગભાવનાથી જતન કરવું એ..આ બધું ગુનાહિત પ્રવૃતિની યાદી જ તો હશે!

ખેર! બધી વાતોને હકારાત્મક વલણથી જોવાની તમારી આદતે પણ આજે તમારી સહનશક્તિની જેમ હદ જ વટાવી હશે. એટલે તમે તેર વર્ષનો દીકરો આરવ ટ્યુશનમાં હોવાથી તેની આ ઘટના વખતની ગેરહાજરીને આશ્વાસનનું કારણ બનાવ્યું.

ગાલને હથેળીનાં સ્પર્શથી આશ્વસ્ત કરી તમે અવધની પીઠને તાકી રહ્યાં. હા, એ જ વાંઝણી અપેક્ષામાં કે કદાચ એ તમારા તરફ એક અફસોસભરી નજર કરે. કાશ એ કહે, 'રિક્તા, સોરી યાર! ગુસ્સામાં મારાથી..' તમારા આ વિચારને તોડતો દરવાજો ધડામ અવાજ સાથે બંધ થઈ ગયો અને એ પીઠ તમારી તરફ કોઈ અપરાધભાવનાથી પાછી ન ફરી.
જેનાં હોઠ પરનું વંકાયેલ સ્મિત તમને છેક સુધી છેદી જવાનું હતું, એ તમારા સાસુ-સસરા તરફ તમે જોવાનું ટાળ્યું. એટલે
તમારા સાસુએ તમારા સસરાને તમને છેક રસોડામાં સંભળાય એમ કહ્યું પણ ખરા, "એ જ લાગની છે, રખડવાની ખો ભૂલી જશે હવે!"

આખરે અપમાનજનક સ્થિતિની પરાકાષ્ઠાએ તમે બધું આટોપીને નવરાશની જે પળોને તમે એટલે ટાળતા હતાં કે જે સામે આવવાથી તમારે અરીસાનું અટ્ટહાસ્ય ખમવાનું હતું, તે આવીને ઊભી ગઈ. આદમ કદનો અરીસો તમને તમારું લાલ ગાલવાળું પ્રતિબિંબ બતાવી તમને કશુંક વિચારવા મજબૂર કરી મૂકે એ વિચારે તમે સૌથી પહેલાં અમેરિકાથી દસ વર્ષે આવેલી તમારી સખી પૂર્ણાને કૉલ કર્યો અને કહ્યું, "સોરી યાર, આજે મારે અવધ સાથે ઓફિસ તરફથી અરેન્જ કરેલી પાર્ટીમાં ડિનર માટે જવાનું છે. તો.."

તમારા અવાજ પરથી મન કળી જતી પૂર્ણાએ તો આ વાત 'ઑકે' કહી ટૂંકાવી દીધી. કશું આડુંઅવળું ન પૂછ્યાની હાશ સાથે બીજે દિવસે મુંબઈ અને ત્યાંથી અમેરિકા જતી રહેવાની હોવાથી પૂર્ણાને નહીં મળી શકાય એ વસવસો તમને કનડી ગયો. નિસાસો નાખી તમે જાતને રોજિંદા કામને હવાલે કરી. બપોર આખી ગાલનો ધીમો ચચરાટ તમને તડપાવતો રહ્યો અને કાનમાં અવધનાં શબ્દો કણસતાં રહ્યાં, "એવી આછકલી પાર્ટીઓ જવાનો શું આટલો ઉધામો રાખવાનો? એક વાત સમજી લે, બહેનપણીઓ સાથે એકલું રખડવાનું મને પસંદ નથી!"
' પણ પૂર્ણાએ મને ખાસ..'એ અધૂરા રહેલાં વાક્યની તમારી ચોખવટ તો તમાચા હેઠળ દબાઈ ગઈ.

સાંજે ઘરે કોઈ ન્હોતું. ડૉરબેલનાં અવાજે તમારી પીડાને ઝબકાવી. દરવાજો ખોલ્યો તો સામે પૂર્ણા! તમે તેને એકદમ વળગી પડયાં. કોઈપણ ઔપચારિક વાત વગર પૂર્ણાએ તમને કહ્યું, " રિક્તા તારી સોજેલી આંખો, ગુલાબી ગાલ પર લાલ છાપ મને ઘણુુૃં સમજાવી ગઈ. મને વધારે નથી ખબર પણ એટલું જરૂર કહીશ કે સમર્પણ એ સ્ત્રીનો સ્વભાવ હોય શકે પણ સ્વમાન એ તેનો *અધિકાર* છે અને તેને જાળવવું એ સ્ત્રીની અનિવાર્ય ફરજ!"

તમારી આત્મીય લાગણીઓ પર લાગેલ તમાચાની છાપે લાલમાંથી કેસરી રંગ ધારણ કર્યો અને...
રિક્તા, તમે આંસુ લૂછીને, નવી સાડી પહેરીને પૂર્ણાનાં જન્મદિવસની મિજબાનીમાં તમારો ખાલીપો સ્વત્વથી ભરીને ઉજવણી કરી.

જાગૃતિ, 'ઝંખના મીરાં'...