ye jeevan hai.. books and stories free download online pdf in Gujarati

યે જીવન હૈ...

"ડેમમાં કૂદી જાઉં કે ઘઉંમાં નાખવાનાં ટીકડા..!" ખુદને સવાલ પૂછતી, મુઠ્ઠીમાં ટીકડાં દબાવી, ઘડીક ધીમે તો ઘડીક ઝડપથી આરાધના વિચલિત મને ડેમ તરફ પગલાં ભરતી હતી. તેની આંખોનાં આંસુ વરસાદથી ભીંજાતા ચહેરા સાથે ભળતાં રહ્યાં. જાણે પાણી સાથે પાણી બની વહેતાં રહ્યાં!

ધૂંધળી નજરને સામેનું દ્રશ્ય દેખાતું ઓછું થતું જતું હતું. ત્યાં એક પથ્થરની ઠેસ વાગી પણ દદડતું લોહી પણ પાણી સાથે આછું લાલ થઈ રંગ બદલી અદ્રશ્ય થઈ ગયું.

આખી જિંદગી ઠેસ જ તો મળી છે. આજે બધી પીડાનો સામટો અંત આવી જશે! ડેમમાં કે...પછી...ફક્ત બે ટીકડાં...ને...બસ ખતમ! જિંદગીભર વેઠેલી તમામ શારીરિક-માનસિક પીડાઓનો સામટો અંત. હિલોળાં લેતાં પાણીમાં ખુદને ડૂબતી આરાધના જોઈ રહી. તરફડાટનું એક ધીમું લખલખું શરીરને ધ્રુજાવી ગયું.

ડેમ સુધીનાં રસ્તે હતો તે બધો જુસ્સો આથમતી સંધ્યાએ ડૂબતા સૂરજની જેમ આથમવા લાગ્યો. જે ક્ષણિક આવેગે અહીં સુધી મરવા ઢસડી લાવી તે પાણીનાં પૂરની જેમ ઓસરવા લાગ્યો. જીવનથી દૂર મોત પાસે આવીને તેને હાંફ ચઢી. મોત માંગવું સરસ છે પણ સામનો કરવો કઠણ. જીવનથી ભાગવાની પોતાનો નિર્ણય સાચો જ છે તેમ મનને સમજાવતી રહી. પછી વહેતાં ધોધને એક પથ્થર પર બેસી જોઈ રહી.

"તું તો મારી જિંદગીનું એક ગ્રહણ છો. તારી સાથે આવેલી તારી બદકિસ્મતીએ મને શેરબજારમાં પાયમાલ કરી નાખ્યો. એ દિવસ મારી જિંદગીનો સૌથી મનહૂસ દિવસ હશે જ્યારે મેં તારી સાથે લગ્નકર્યાં." સવારે નાસ્તાની ડિશને હડસેલો મારી મેહુલે દીકરાની હાજરીમાં કરેલું અપમાન આરાધના માટે ચાળીસી પછી અસહ્ય થઈ ગયું.

જન્મ સાથે મા ઈશ્વર પાસે જતી રહી. પિતાએ બીજાં લગ્ન કરી લીધાં. નિઃસંતાન કાકા સ્થુળકાય, બીમાર કાકીની સેવા માટે સાવકી મા પાસેથી છોડાવી સાત વર્ષની હતી ત્યારે દતક લઈ ગયાં. માની પરિભાષામાં કાકી ન્હોતા આવતાં એટલે જ કદાચ ઈશ્વરે એમને મા ન્હોતાં બનાવ્યાં !

પ્રેમ શું કહેવાય તે આરાધનાને કદી સમજાયું જ નહીં. ત્યાં કાકીનાં મૃત્યુ પછી કાકાએ મેહુલ સાથે લગ્ન કરાવી દીધાં. લકવાગ્રસ્ત સાસુની સેવા કરવામાં, મેહુલનો આકરો સ્વભાવ સહન કરવામાં અડધું જીવન આરાધનાએ ભેટ ધરી દીધું. વર્ષોની આકરી શારીરિક શ્રમ રૂપી તપસ્યા, માનસિક ત્રાસ અને આર્થિક સંકડામણમાં યંત્રવત વીતેલ જીવનથી આજે આરાધના થાકી ગઈ. પોતાની જિંદગીની નિરર્થકતાએ તેને આપઘાતનો અંતિમ નિર્ણય લેવડાવ્યો અને આજે થાકીને હારેલી, જીવનથી કંટાળેલી આરાધના ખુદને મોતને સમર્પિત કરી દેવા તૈયાર થઈ.

એવામાં અચાનક તેણે એક તીણી ચીસ સાંભળી. ડેમનાં પટમાં ઝૂંપડી બાંધીને રહેતી એક સ્ત્રી પોતાને ન મારવા પતિને વીનવી રહી હતી. આરાધનાએ જોયું તો એની એટલી જ ભૂલ હતી કે વરસાદમાં બળતણ પલળી જવાથી ચૂલો પેટતો ન હતો. મજૂરીએથી આવેલાં પતિને ભૂખ લાગી હતી!

સ્ત્રીએ માફી માંગતા પેલાંએ સોટી ફગવી ખાટલે આડો પડ્યો. ધાવણાં છોકરાને પેલીએ પોતાની સાથે ચોંટાડી છાનો રાખ્યો. ઝડપથી રોટલો ઘડી પતિને ઉઠાડ્યો. પેટની આગ બૂઝતા પેલાંને પસ્તાવો થયો હોય એમ છોકરાને ખોળામાં લીધો. પત્નીને રોટલો પરાણે પ્રેમથી મોંમાં દીધો. દસ મિનિટમાં તો જાણે જીવન બદલાય ગયું!

એક અભણ દંપતિની સમજદારી જોઈ આરાધના મનોમન વિચારી રહી કે જીવનથી ભાગવું એ જીવન નથી પણ સંજોગો સામે બાથ ભીડવી તે જીવન છે. લડવું, કર્મ કરવું, ઝઝૂમવું ને જીતવું આ સાચું જીવન છે.

વરસાદ થંભી ગયો. ઉઘાડ સાથે આકાશમાં મેઘધનુષ ખીલ્યું. વહેતાં પાણીમાં ટીકડાં સાથે બધી નિરાશા ફગાવી આરાધના 'યે જીવન હૈ..ઈસ જીવનકા યેહી હૈ રંગરૂપ..થોડે ગમ હૈ ..થોડી ખુશીયાં..' મનમાં ગણગણતી ઘરે પાછી ફરી. મેહુલ અને તેનો દીકરો ત્યારે બેબાકળા બની તેની શોધ કરતાં હતાં!

જાગૃતિ, 'ઝંખના મીરાં'...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED