endhan books and stories free download online pdf in Gujarati

એંધાણ

"અશ્રુ વિરહની રાતનાં ખાળી શકી નહીં..
પાછા નયનનાં નૂરને વાળી શકી નહીં..
હું જેને કાજ અંધ થઈ રોઈ-રોઈને..
એ આવ્યાં ત્યારે એને નિહાળી શકી નહીં.. હોહોહો..."

કાનમાં ગૂંજી રહેલી ગઝલનાં શબ્દો હૃદય પર જાણે ઉલ્કાપાત કરી રહ્યાં હતાં. વીસ વર્ષથી પ્રતિક્ષાની આગમાં શેકાતી મારી આંખો ખારું પાણી ભળવાથી વધુ ચચરી રહી. રણ જેવી શુષ્ક થયેલી આંખોને સુકૂન પામવા માટે જ્યારે મારે સમંદર બનાવવી હોય ત્યારે આવી કરુણ ગઝલો જ સહારારૂપ બનતી. મારી એકલતા ઓશિકાને ભીંજવ્યા કરતી. આદિત્યની હાજરીમાં ગળી જવી પડતી પીડાઓનું ભારણ અચાનક હિમશીલાની જેમ પીગળીને વહી જતું.

પાંચ વર્ષનો મારો દીકરો આદિત્ય હવે સી.એ. 'આદિત્ય અચલા આચાર્ય' બની ગયો છે. હા, તેણે મારું નામ પોતાની પાછળ જોડી દીધું છે. મને પોતાની ઓળખ બનાવીને તેણે મનમાંથી, જીવનમાંથી પિતા અનિલની જાણે સંપૂર્ણપણે બાદબાકી કરી નાખી!

"અચુ, હું જો કોઈ ક્ષણે કદાચ શ્વાસ લેવાનું ભૂલું તો જ તને ભૂલું. બસ તું મારા પર ભરોસો..."
"મને ભૂલીશ નહીંને?" તેવાં મારા સવાલનાં જવાબમાં અનિલે આપેલો આ જવાબ મેં તેનાં પુનરાગમનનું એંધાણ બનાવી ખુદને મજબૂત રાખી હતી. એમ માનો કે ડૂબતા માણસે આ શબ્દોમાં તણખલાનો આધાર શોધ્યો હતો. જેને આજે વીસ વર્ષે પણ મૂકવાનું મન ન્હોતું થતું.
અનિલની નબળી આર્થિક પરિસ્થિતિને કારણે અમારા પ્રેમલગ્નનો મારા માતા-પિતાએ સદંતર અસ્વીકાર કર્યો. તો વળી તેનાં માતા-પિતાએ પરાણે સ્વીકાર કર્યો. આ બે કારણો અમારો જીવવાનો સુવર્ણ સમય ખાઈ ગયાં. ત્વરિત આર્થિક વિકાસ માટે અનિલ શેરબજારમાં ફસાઈને દેવાનાં ભરડામાં એવો ફસાયો કે મારા પ્રેમ અને હૂંફનાં હથિયાર પણ તેને બચાવવામાં હેઠાં પડ્યા.

જે દિવસે અનિલ શેરબજારમાં સંપૂર્ણપણે પાયમાલ થયાં, તે સાંજે હું ફી ન ભરી શકાવાને લીધે શાળામાંથી કાઢી મૂકાયેલ, તાવમા રખરખતાં આદિત્યને લઈ સરકારી દવાખાનાની લાઈનમાં, ભવિષ્યની ચિંતાએ માયુસ બની બેઠી હતી. અમાસની એ અંધારી રાતે અનિલ નાદારીનું કલંક લઈ મને મારા દીકરા સાથે અંધકારની ગર્તામાં ધકેલી તે અમારી દુનિયામાંથી આલોપ થઈ ગયાં.

"મા, ભૂલીજા એને. એ માણસ તારી લાગણીઓ તો શું તારી પ્રતિક્ષાને લાયક પણ નથી." આદિ મને ઉપરછલ્લી હસતી પણ અંદરથી વલખતી જોઈ અકળાઈ જતો અને આમ આક્રોશ ઠલવી મને વળગી જતો. હું જવાબમાં તેને ભારેખમ મૌન આપી દેતી.

મેં મક્કમ રહી આદિત્યને આ શહેર કે ઘર પણ એટલે જ ન છોડવા દીધું. કદાચ કોઈ દિવસ અનિલ અમને શોધતાં આવે તો ...!

અસહ્ય માથાનો દુખાવો, ચક્કર, ઉલ્ટી વગેરેથી છેલ્લાં એક મહિનાથી હું પીડાતી હતી. ડોક્ટર પાસે ન જવાની મારી જીદને થોડા દિવસ ચલાવી પછી પરાણે આદિત્ય મને એમ.ડી. પાસે લઈ ગયો. બધાં રિપોર્ટ કરાવ્યાં. તેના તારણ મુજબ બ્રેઈન ટ્યુમરને લીધે હવે હું વધીને ત્રણ મહિનાની આ ધરતી પર મહેમાન હતી. મેં આ સમયમાં આદિનાં લગ્ન તેની બાળસખી વૃંદા સાથે કરાવી મારા મૃત્યુને ઉત્સવ બનાવી દીધું. જોકે દરેક ખૂટતાં શ્વાસ સાથે મારી ચાતક તરસ વધુ બળવતર બનતી જતી હતી. કાશ અનિલનાં આગમનનાં કોઈ તો એંધાણ મળે!

આખરે મરતાં માણસની આજીવન સેવેલી અંતિમ ઝંખના ઈશ્વરે જાણે અનિલ સુધી પહોંચાડી દીધી. એટલે એફ.બી.પર 'આદિત્ય અચલા આચાર્ય' વાંચી અનિલ છેક કોઈ છોકરી સાથે લીવ ઇનથી રહેવાની શરતે આફ્રિકા ફરાર થયેલાં ત્યાંથી અમને શોધતાં આવ્યાં.

વીસ વર્ષે અનિલ ઘરે પહોંચ્યા પણ તેની વીસ મિનિટ પહેલાં જ મને હોસ્પિટલ લઈ જવાઈ હતી. તે હોસ્પિટલનાં રૂમ નંબર વીસમાં મારાથી વીસ ડગલાં જ દૂર હતાં. મેં મારી ઝાંખી થતી દ્રષ્ટિમાં આંસુ નીતરતો અનિલનો ચહેરો સમાવી લીધો. આંખો એમ જ એ ચહેરા પર સ્થિત થઈ ગઈ પણ હું કશું બોલી ન શકી. અરે...આદિત્યની મરણપોક હું ક્યાં સાંભળી શકી?

જાગૃતિ, 'ઝંખના મીરાં'..

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED