"બાયોપોલર ડિસઑર્ડર." ડો.જતીન વિશ્વને સમજાવી રહ્યાં હતાં. "આ એક એવી માનસિક સમસ્યા છે કે જેમાં માણસ બાળપણ અથવા તરુણાવસ્થામાં બનેલ કોઈ અસામાન્ય ઘટના મન પર એટલી હાવી
થઈ જાય છે કે તે આ બનાવને ભૂલી નથી શકતો. એ આ પરિસ્થિતિને જીવનભર પોતાની સાથે જોડી દે છે. જેને પરિણામે તે ક્યારેક તેને સંલગ્ન ઊભી થતી ઘટનાને પોતાની સાથે બનેલી વાત સાથે સરખાવીને દુઃખી થાય છે. એટલું જ નહીં તે દિશાશૂન્ય બનીને ગોલ નક્કી કરે છે. જેનાથી પોતાને કોઈ વ્યકિતગત ફાયદો ન થવાનો હોય તેવી વાતને લઈને તે પોતાની નકારાત્મક પ્રતિક્રિયા બતાવે છે. રાશિનાં કેસમાં પણ કંઈક આવું જ છે. તેની જિંદગીમાં તેને કદાચ કોઈ હૂંફાળો સંબંધ જે તેનું બાલ્યમન ચાહતું હતું તે ન મળી શકવાને કારણે તે વધુ ને વધુ માયુસ થતી ગઈ. સારું છે કે તે હજુ વાયલન્ટ બિહેવિયર ડિસઑર્ડર સુધી નથી પહોંચી. બાકી આ પ્રકારનાં કિસ્સામાં આવા બનાવો પણ બનતાં જોવા મળ્યાં છે. લેટ્સ હોપ કે તમે અને રાશિનાં મિત્રો તેને મદદરૂપ બની શકો અને આ તકલીફમાંથી બહાર નીકળી શકે. હોપ ફોર ધ બેસ્ટ!" ડો. જતીનની વાતો સાંભળી તેને પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી વિશ્વ તેમની સાથે હસ્તધૂનન કરી ઊભો થઈ તેમને આશ્રમનાં દરવાજા સુધી મૂકવા ગયો.
વિશાળ પટાંગણ ધરાવતા આશ્રમમાં એક મોટા વૃક્ષ નીચે બેસી વિશ્વ રાશિ વિષે કેટલુંય
વિચારી રહ્યો. હવે પછી જો પોતાને રાશિ માટે ખરેખર કશું કરવુ હોય તો એ એ જ હતુુુું કે વહેેેલી તકે રાશિની સારવાર ચાલુુ થાય અને સારવાર ચાલુુ કરવા માટે થઈને રાશિને ડોક્ટર જતીન પાસે લાવવી, લાવવા માટે સમજાવવી તે સૌથી મોટી કઠિન બાબત હતી. વળી બંને તરફથી લાગણીનો કોઈ પરસ્પર એકરાર ન થયો હોય ત્યાં સુધી રાશિને આવવા માટે પોતે સમજાવી પણ કેવી રીતે શકે!
આ માટે વિશ્વએ પ્રવેશ અને રાશિના અન્ય મિત્રોની મદદ લેવાનું નક્કી કર્યું જોકે તે ઓલરેડી બધા સાથે સંપર્કમાં હતો જ, કેમકે રાશિના જીવનનાં તમામ બનાવથી તે મહદંશે વાકેફ હતો. ખરેખર બન્યું એવું હતું કે રાશિ વિશે જ્યારે પોતાના પપ્પા પાસેથી બધું સાંભળ્યું અને તેને જોઈ ત્યારથી વિશ્વને
તેનાં તરફ ખૂબ જ લગાવ થઈ ગયેલો. તેણે તેનાં વિશે વધારે જાણવા માટે એફબી અને ઇન્સ્ટા સર્ચ કરેલું ત્યારે તેના અન્ય મિત્રો પણ વિશે પણ એમ જ કુતૂહલવશ જાણેલું, તો તેનાં આશ્ચર્યની વચ્ચે રાશિને ફક્ત ચાર જ સહેલીઓ હતી. વળી દૂર સુધી તેનાં પરિવારમાં પણ કોઈ લાગતું વળગતું કે જાણીતું સોશિયલ મીડિયા પર કોઈ મિત્ર ન હોવું કે ન તો કોઈ સગા-સંબંધનો ઉલ્લેખ!
આટલી મોટી કંપનીને, ફેક્ટરીને ચલાવનાર મેનેજિંગ ડાયરેક્ટર રાશિ આચાર્યની સામાજિક જિંદગી આટલી બધી સીમિત કેવી રીતે હોઈ શકે તેના વિશે જાણવા તેણે તેનાં પપ્પાને વધુ પૂછપરછ કરી. પરેશભાઈ મહેતાએ ન્યુજર્સીમાં બેઠા-બેઠા જ રાજેશનાં મૃત્યુનું કારણથી માંડી તેની સામાજિક જિંદગીનો થોડો ચિતાર મેળવ્યો. વળી શોભાના અચાનક આકસ્મિક મૃત્યુ વિશે જે કંઈ જાણવા મળ્યું તેના આધારે રાશિની એક માસી એટલે કે શોભાની નાની બહેનનો સંપર્ક કોઈ સગા મારફતે થતાં રાશિની જિંદગી વિશે ઘણું ખરું જાણવા મળ્યું.
ખરેખર રાશિને મળવા વિશ્વ જ્યારે ભારત આવ્યો તેના એક અઠવાડિયા પહેલાં જ તે ભારત આવી ચૂક્યો હતો. તે સમય દરમિયાન તે વારાફરતી હેતા, બીની અને રિયાને મળી ચૂક્યો હતો. તેમની પાસે આચાર્ય પ્લાસ્ટોનો પાર્ટનર તથા ફેમિલી બેકગ્રાઉન્ડ વગેરે ઓળખ જણાવી આ ત્રણેયને પોતે રાશિને ચાહે છે તથા તેની જ સાથે લગ્ન કરવા માગે છે, તે વિશ્વાસ અપાવ્યો.
જ્યારે રાશિ કદી કોઈ પર ભરોસો ન કરતી હોવાની વાત તથા તેનાં અમુક વર્તન વગેરે વિશે ઘણી વાતો આ બધાંએ કરી. આ બધી વાતચીત દરમિયાન જ તેને તૃષા અને પ્રવેશની લવ સ્ટોરી વખતે રાશિનાં વિચિત્ર વર્તનનાં થયેલા અનુભવ વિશે ત્રણે બહેનપણીઓ પાસેથી જાણવા મળ્યું.
પ્રેમ... દુનિયાની એક અદભુત લાગણી કે જેમાં માણસ શું નથી કરી શકતો! પ્રેમ મેળવવા માટે, પોતાને ગમતી વ્યક્તિ સુધી પહોંચવા માટે માણસ કંઈ..કેટલાય અંતરાયો પાર કરી જાય છે. એમાં પણ પ્રેમ જ્યારે પ્રથમ નજરનો અને જીવનનો પહેલો પ્રેમ હોય તેને ભુલાવવો કે તેનાથી દૂર રહેવું માણસ માટે અઘરું હોય છે. વિશ્વ પણ રાશિને આવો જ પ્રથમ નજરનો પ્રેમ કરી ચૂક્યો હતો. તેથી તેને પામવા માટે તેણે પોતાનાથી થાય એટલા પ્રયત્નો કરવાનું નક્કી કર્યુ. રાશિની વ્યક્તિત્વની તમામ વાતો સાંભળ્યા પછી મનોવિજ્ઞાનનો પીએચડી થયેલો વિશ્વ એટલું સમજી ગયો હતો કે ભારત આવી એક સામાન્ય છોકરાની જેમ રાશિને પ્રપોઝ કરી તે રાશિને લગ્ન કરવા તૈયાર કરી શકશે તેવું શક્ય ન હતું. તેથી તેણે ધીરજ રાખી રાશિની નજીક આવવાનું નક્કી કર્યું. રાશિની ઓફિસે આવ્યા પછી જ્યારે તે રાશિને મળ્યો ત્યારે પ્રવેશનું નામ સાંભળી તે ચમક્યો. વળી રાશિ તેની સાથે ઇરાદાપૂર્વક અલગ વર્તન કરી રહેલી જોઈ તેની છઠ્ઠી ઇન્દ્રિય કામે લાગી ગઈ. તેણે ઓફિસ અવર પછી પ્રવેશનો પણ સંપર્ક કર્યો તથા તૃષા સાથે પણ વાત કરી. તે દરમિયાન રાશિએ પ્રવેશ તથા તૃષાને અલગ પાડવા કરેલાં પ્રયત્ન અને તે માટે અજમાવેલ કિમીયો જોઈ વિશ્વ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ભારતનાં પોતાનાં મનોચિકિત્સક મિત્ર ડોક્ટર જતીનનો સંપર્ક કર્યો અને તેની સાથે આ આશ્રમમાં ખાનગી મુલાકાત એટલે જ ગોઠવી કે કદાચ રાશિ પોતાનાં પર નજર રાખી રહી હોય તો તેને કશો શક ન જાય.
હવે બસ રાશિ પ્રવેશ સાથે કશું અજુગતું કરી ન બેસે તે વાતની ફિકર હતી. કેમકે આ પ્રકારનાં દર્દીઓ બહારથી તદ્દન સામાન્ય હોય અને અચાનક તેનું વર્તન બદલી શકે. ખાસ તો જો પ્રવેશ રાશિને નકારશે ત્યારે તે જો ભડકી ઊઠશે તો...ઓહહ...વિશ્વએ તરત તૃષાને કૉલ કર્યો.
ક્રમશઃ...
જાગૃતિ, 'ઝંખના મીરાં'...