એક ચાહત એક ઝનૂન - ભાગ 11 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાહત એક ઝનૂન - ભાગ 11



એક નવાં મોબાઇલમાં રાશિએ હસતાં-હસતાં નવું સીમકાર્ડ નાખીને પોતાના મોબાઈલમાંથી કેટલાંક ફોટા સેન્ડ કર્યાં. પ્રવેશ સાથે સવારે જોગિંગ દરમિયાન તેનાં રોકેલા એક માણસ પાસેથી મેળવેલા તમામ ફોટા બીજા મોબાઇલમાં ટ્રાન્સફર કર્યા. તેને થયું કે આ ફોટા જોઈને બે ઘડી તો મને ખુદને પણ એમ થાય છે કે શું હું અને પ્રવેશ સાચે જ તો એકબીજાના પ્રેમી નથી ને? તો તૃષા જ્યારે આ ફોટા જોશે ત્યારે તેના મનમાં તો એવું જ થશે કે પ્રવેશ રાશિના પ્રેમમાં પડી ચૂક્યો છે. વળી અધુરામાં પૂરું પ્રવેશે તૃષાને પોતાને મળેલી જોબ વિશે પણ કશું કહ્યું નથી. તેથી એ રીતે પણ તૃષાના મનમાં શંકાનાં બીજ રોપાશે. વળી જે દિવસે તૃષા શહેર છોડીને જતી હતી તે દિવસે પ્રવેશને મળવા ગઈ ત્યારે પણ પોતે ચાલાકી પૂર્વક પ્રવેશને મળવા જવા પણ દીધો અને કામમાં રોકી પણ રાખ્યો તેથી તૃષાનાં મનમાં એ અભાવ પણ હજુ રોપાયેલો જ હશે. હવે તૃષાનાં મનમાં આ બધી વાતોના ધગારામાં આ ફોટા બળતામાં ઘી હોમવા જેવું કામ કરશે. પછી જો તૃષા ફોટા વિશે, જોબ વિશે, રાશિ વિશે કશું પણ પૂછવા પ્રવેશને ફોન કરશે તો તેમાંથી બંને વચ્ચે ખટરાગ ઉભો થશે જો તૃષા સાચો પ્રેમ કરતી હશે તો કદાચ તે પ્રવેશને નહીં ભૂલે અને દુઃખી થશે પણ એ દુઃખી થવું પોતાની વાલી તુસી માટે બહેતર છે. શોભા ની જેમ દુઃખી થવા કરતા તો કોઈ પણ પુરુષ ના સાથ વગર જીવતી સ્ત્રીઓ વધુ સુખી હોઈ શકે, જેમ કે પોતે છે. તેમ વિચારીને રાશિએ ઊંડો શ્વાસ ભર્યો.

એટલામાં તેનો મોબાઇલ રણક્યો. રાતના આઠ વાગ્યે પોતાના મોબાઈલમાં અમેરિકાના નંબર પરથી કોલ જોઈને રાશિ વિચારમાં પડી ગઈ પણ તેણે કોલ રીસીવ કર્યો,"હેલો!"

સામે છેડે થી અવાજ આવ્યો," હેલ્લો રાશિ બેટા હું ન્યુજર્સીથી મહેતા અંકલ બોલું છું પરેશ મહેતા. એક્ચ્યુલી આઈ ડોન્ટ નો કે પપ્પા સાથે તારે વાત થઈ હશે કે કેમ પણ બહુ દુઃખ થયું રાજેશનાં અચાનક મૃત્યુ વખતે મારે આવવું પણ હતું. તને કોલ પણ કરવો હતો જોકે સંજોગો એક પછી એક એવા ઉભા થયા કે હું ફેમિલી અને બિઝનેસ ઇસ્યુ માં ઉલજેલો રહ્યો અને તેને કારણે તને ફોન ન કરી શક્યો. વાત થઈ છે તારે પપ્પા જોડે કે પછી હું એમ જ બોલ્યે જાવ છું!

રાશિના મગજમાં તરત જ ધબકારો થયો રાજેશ મરતાં પહેલાં અમેરિકામાં પોતાનો કોઈ સાઇલેન્ટ પાર્ટનર 35% ધરાવે છે તેમ કહ્યું હતું તેને તરત જ જવાબ આપ્યો "યસ અંકલ રાશિ સ્પીકિંગ... ઓળખી ગઈ છું.."
"ઓકે બેટા ધેન, વાત એમ હતી કે મારો સન વિશ્વ આવતીકાલે ઇન્ડિયા આવી રહ્યો છે અને તેને ઇન્ડિયન કલ્ચરથી ખૂબ લગાવ છે સો હી ડિસાઈડ ટુ બી સેટલ ઇન્ડિયા પરમેનન્ટલી. આઇ હોપ કે, તું મારી વાત સમજી રહી છો કે જો તેને ત્યાં જ સેટ થવું છે તો તમે સાથે મળીને આચાર્ય પ્લાસ્ટોને જ વધારે આગળ લઈ જાવ તમે બંને મળી અને આગળ બિઝનેસ ડિલ ફાઈનલ કરી લેજો. અને હા બેટા ભરોસો રાખજે અંકલ પર એ ભરોસો કે જે મેં રાજેશ સાથે કાયમ રાખ્યો હતો. વિશ્વ ખૂબ ઉત્સાહી છે ઇન્ડિયા માટે અને હું નથી માનતો કે તારાથી બહેતર કોઈ બિઝનેસ પાર્ટનર તેને ત્યાં મળી શકે. ઓલ ધ બેસ્ટ એન્ડ હેવ અ ગ્રેટ ફ્યુચર ઇન બિઝનેસ ટુગેધર." આટલું બોલીને કોલ કટ થઈ ગયો પણ તેજતર્રાર દિમાગ વાળી રાશિના મનમાં અનેક વિચારોની હારમાળા સર્જાઈ ગઈ.

મનોમન પોતાના વિચારોને આકાર આપતી રાશિ પ્રવેશ સાથે દૂરથી ખેંચાયેલા ફોટાઓને એક પછી એક ક્રોપ અને એડિટ કરી અને તૃષાને મોકલવાના ચાલુ કરે છે. આઠેક ફોટા અલગ-અલગ રીતે એડજસ્ટ કર્યાં કે જેમાં પ્રવેશ હાથ મિલાવી રહ્યો હતો, કાવાનો પ્યાલો અંબાવી રહ્યો હતો, સાથે જોબિંગ કરી રહ્યો હતો! તમામ ફોટા તૃષાનાં મોબાઇલમાં પહોંચી ગયા. તૃષાનું નેટ ઓફ હોવાથી ફોટા હજુ તેણે રિસીવ નહોતા કર્યા. રાશિએ તરત જ મોબાઇલમાંથી એ સીમ કાઢી અને બેવડું વાળી ડસ્ટબિનમાં નાખી દીધું. પછી ગરમ કોફી નો મગ મોઢે માંડી ચુસકી લેતી સોફા પરથી પોતાના બંને ટિપોઇ પર લંબાવી આરામથી કોફી પીવા લાગી. કોફીમાંથી નીકળતી વરાળો ની સાથે કેટલાય વિચારો પણ ચહેરા પર અને દિમાગ પર હુંફાળો ગરમાવો ફેલાવી ગયાં. દરેક આવા વિચાર વખતે તેના ચહેરા પર એક ખાસ ફેરફાર થતો. તેના હોઠ પર એક વિચિત્ર સ્મિત રેલાય જતું.

રાશિ નક્કી કર્યું કે બહુ જલ્દી તે તૃષાનાં રિએક્શન પછી પ્રવેશને પ્રપોઝ કરશે અને જ્યારે પ્રવેશ તેની એ પ્રપોઝલનો સ્વીકાર કરશે ત્યારે તે તેનો જવાબ રેકોર્ડ કરી અને તૃષાને મોકલશે. પછી તે જ તૃષાને જરૂર હકીકતથી વાકેફ કરશે કે પોતે શા માટે પ્રવેશને પોતાના તરફ આકર્ષ્યો હતો. તે તૃષાને એમ સાબિત કરીને રહેશે કે હજુ વેલસેટલ્ડ ન હોવા છતાં જે પ્રવેશને તે અનહદ ચાહતી હતી, તે પ્રવેશ પોતાને તક મળતા તૃષાને છોડી જઈ શકતો હતો. રાશિએ વિચાર્યું કે પ્રવેશને પોતાની તરફ ખેંચવા માટે કાલે તેની પાસે એક ઓર હથિયાર પણ આવી રહ્યું છે અને તેનું નામ છે મિસ્ટર વિશ્વ મહેતા!

ક્રમશઃ.....

જાગૃતિ, 'ઝંખના મીરાં'....