સંબંધ - એક અજબ પ્રેમકહાની - 4 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ - એક અજબ પ્રેમકહાની - 4

જુદાઈ - ફરી એકવાર


'મારો દિકરો આવી ગયો' શ્યામના દિલથી બોલાયેલા શબ્દો જાણે સાચા પડી રહ્યા. શ્યામના ઘરે અદ્દલ શ્યામ જેવો જ દેખાવ લઈને એક સુંદર પુત્રએ જન્મ લીધો. શ્યામ અને તેના આખા પરિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. સૌ કોઈ જાણે બાળકને તેડવા અને રમાડવા માટે દોડી આવતા. પોતાના પરિવારના સભ્યો તો ઠીક, ચાલોને તેના ગામના લોકો પણ ઠીક તેના કરતા પણ વધારે શ્યામના ઘણા બધા દર્દીઓ પણ શ્યામના દીકરાને રમાડવા અને જોવા માટે આવતા. અનેક લોકોના આશીર્વાદ પોતાના પુત્રને મળી રહેલા જોઇને શ્યામ પણ ખૂબ ખુશ હતો.

પ્રિયાની તો જિંદગી જાણે સાવ બદલાઈ જ ગઈ. તે તો હવે પોતાના બાળકને છોડીને જાણે બીજો કોઈ વિચાર જ પોતાના મનમાં આવવા ન્હોતી દેતી. તેનો આખો દિવસ બસ પોતાના બાળકનું ધ્યાન રાખવામાં જ પસાર થઈ જતો. બાળકની સાથે બિનજરૂરી વાતો કરવી, બાળકને તૈયાર કરવું, બાળકની આંખોમાં આંજણ કરવું, શરીરે પાવડર લગાવવો, કપાળે તિલક કરવું, રોજ નવા નવા કપડાં પહેરાવવા, એવા કામોમાં પ્રિયાએ પોતાને મશગુલ કરી દીધી.

ખૂબ જ પ્રેમથી તેમણે બાળકનું નામ વૈભવ રાખ્યું. બાળકનું ધ્યાન રાખતા ઘણીવાર પ્રિયા રાત રાતભર જાગતી. રાત્રે જો વૈભવ પથારી ભીની કરે તો પ્રિયા તેને સાફ કરીને કપડાં અને પથારી ચેન્જ કરીને પાછો સુવડવતી. સાથે સાથે તે પોતાના પતિ શ્યામને પણ પૂરતો સમય આપતી. હવે તેમની ખુશી વૈભવના આવવાથી જાણે અનેક ગણી વધી ગઈ હતી. તેઓને હવે લાગી રહ્યું હતું કે હવે તેમની ફેમિલી, એક કંપ્લિટ ફેમિલી થઈ છે. આમને આમ જ દિવસો પસાર થવા લાગ્યા.

હજી પણ ઘણીવાર પ્રિયા અને શ્યામ વચ્ચે ક્યારેક મીઠી નોકજોક થઈ જતી પણ જ્યારે વૈભવ જ્યારે રડવા લાગતો તો તેઓ બંને એકસાથે જ તેને ચૂપ કરાવવા અને વહાલ કરવા દોડી જતા. આ રેસમાં તેમની વચ્ચેની નોકજોક પણ શમી જતી. વળી પાછા તેઓ પ્રેમથી એકબીજા સાથે રહેવા લાગતા. શ્યામ પણ જ્યારે ઘરે હોય ત્યારે પ્રિયાને વૈભવ માટેના દરેક કામમાં મદદ કરતો. ઘણીવાર રાત્રે તે પણ જાગીને પ્રિયાને મદદ કરતો. ક્યારેક પ્રિયાના મનમાં વૈભવ માટે પ્રેમનો સમુદ્ર ઉભરાઈ આવતો તો વળી ક્યારેક શ્યામના મનમાં પણ પ્રેમનું તોફાન ઉમટી પડતું. વૈભવ માટેના પ્રેમમાં કોણ ચડિયાતું છે તે કહેવું મુશ્કેલ થઈ પડતું હતું. પણ માવતરનો પ્રેમ જ્યારે બાળક માટે હોય ત્યારે તેમાં સરખામણી કે ભેદભાવ કરવો એ તો ખોટી વાત કહેવાયને. પણ અહી આ પ્રેમ એકદમ નિસ્વાર્થ અને સાચા દિલથી નીકળતો હતો.

સમયને વિતતા ક્યાં વાર લાગે છે. શ્યામ અને પ્રિયાની ખુશહાલ જિંદગીને એક વરસ થઈ ગયું હતું. હવે તો શ્યામનું દવાખાનું પણ ખૂબ સારું ચાલી રહ્યું હતું. ડો.શ્યામની હવે આસપાસના વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત અને નામચીન ડોક્ટરોમાં ગણતરી થવા લાગી હતી. એવું લાગી રહ્યું હતું જાણે વૈભવના આવ્યા પછી તેમના જીવનમાં સૂરજ ઊગ્યો હતો અને અજવાળું પથરાઈ ગયું હતું. જીવનની ઘણીબધી તકલીફો તેમને હવે દૂર થતી હોય તેવી લાગણી અનુભવાતી હતી. વૈભવના નામ પ્રમાણે તે પ્રિયા અને શ્યામની જિંદગીમાં અઢળક વૈભવ લઈને આવ્યો હોય તેવું લાગી રહ્યું હતું. તેમનો પતિ પત્નીનો જે સંબંધ હતો એ પણ હવે બે પ્રેમીઓની જેમ લાગણીસભર દેખાઈ રહ્યો હતો. આ સંબંધમાં હવે ગુસ્સો કે નફરત ની જગ્યાએ પ્રેમ અને ખુશીની લાગણી વધતી જતી હતી. તેમનો સંબંધ વૈભવના આવ્યા પછી એકદમ સરળ અને મજબૂત બની ગયો હતો. તેઓ એકબીજાને ખૂબ સારી રીતે સમજી શકતા હતા. તેમનો પ્રેમ જોઇને તેમના પરિવાર વાળા કહેતા કે કોઈની નજર ના લાગે આ બેયની જોડીને.

વૈભવના આવ્યા પછી શ્યામ અને પ્રિયાને એવું લાગી રહ્યું હતું જાણે હવે તેમની જિંદગીનું લક્ષ્ય અને તેમની મંજિલ વૈભવ જ છે. વૈભવ પણ હવે કાલીઘેલી ભાષામાં તેમની સાથે વાતો કરતો. બધા આનંદે સાથે રહેતા અનેર જીવન વ્યતીત કરતા હતા. ઘણીવાર શ્યામ પણ પોતાના ક્લિનિક માં જો કોઈ એવા પેશન્ટ આવ્યા હોય જેની વાત તેણે પ્રિયાને કરવી જોઈએ જેનાથી તેના જીવનમાં કંઇક ફેરફાર થઈ શકે એમ હોય તો તેવા કેસની ચર્ચા તે પ્રિયા સાથે કરતો. શ્યામ ક્યારેય પ્રિયાને તેના પહેલાના જીવન વિશે મેણા નહોતો મારતો. ક્યારેક જો ગુસ્સામાં તેને પહેલાની વાત યાદ આવી જતી તો તે પ્રિયા સામેથી દૂર ચાલ્યો જતો અને જ્યારે તેનો ગુસ્સો શાંત થતો પછી જ તે પ્રિયા સામે આવતો. શ્યામને કાયમ એ વાતનો ડર રહેતો કે પ્રિયા ક્યાંક પોતાના ભૂતકાળને યાદ કરીને મારાથી દૂર ના થઈ જાય.

શ્યામને પણ ઘણીવાર પોતાનો ભૂતકાળ યાદ આવી જતો. જ્યારે પોતાના જેવા કોઈ વ્યક્તિને જુએ કે જેની સાથે તેની જેમ જ કોઈક પોતાનું માણસ તેને દગો આપી રહ્યું હોય ત્યારે વળી ઘણીવાર કોઈ ફિલ્મ માં કે કોઈ ગીતમાં એવા બેવફાઈના સીન આવતા તો તેને પોતાનો ભૂતકાળ યાદ આવી જતો. આવા સમયે તે ખૂબ ઉદાસ થઈ જતો અને કોઈ સાથે વાત કર્યા વિના થોડો સમય દુઃખી મને બેસી રહેતો. પણ તેમછતાં તે પ્રિયાને આ વાત કળાવા નહોતો દેતો. તેમ છતાં પ્રિયા સમજી જતી કે નક્કી આજે તેની સાથે કોઈ એવો બનાવ બન્યો છે જેના કારણે તેઓ ઉદાસ થઈ ગયા છે.

પ્રિયા પોતાનાથી બનતા એવા બધા જ પ્રયત્નો કરતી જેથી શ્યામ તેમના ભૂતકાળને ભૂલી શકે. તેમ છતાં કોઈવાર તો એવું કોઈ કારણ ઊભું થઈ જતું કે જેના કારણે શ્યામ ઉદાસ થઈ જતો. એવા સમયે પ્રિયાને એક ખૂબ જ કારગર નિવડે એવી રીત મળી ગઈ જેથી શ્યામની ઉદાસી તરત જ ખુશીમાં પરિવર્તિત થઈ જતી. જ્યારે પણ શ્યામ ઉદાસ થઈ જતો, પ્રિયા વૈભવને લઈને તેના ખોળામાં રમવા માટે મૂકી જતી. વૈભવની માસૂમ અને રતુમડી આંખોની નિર્દોષતામાં શ્યામ પોતાનું બધું જ દુઃખ-દર્દ ભૂલી જતો. એવી રીતે જ બધા એકબીજાનો સાથ આપતા પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા.

વૈભવની જિંદગીમાં હવે કોઈ પ્રકારની તકલીફો આવશે નહિ જો શ્યામ અને પ્રિયાની જિંદગી આ પ્રમાણે જ પ્રેમથી ભરપૂર ચાલતી રહેશે. પણ તેનું નશીબ ભગવાને કઈંક અલગ જ લખેલું હતું. કોઈ જાણતું નહોતું કે વૈભવ પોતાની જિંદગી કેટલી તકલીફો અને મુશ્કેલીઓમાં જીવવાનો હતો.

શ્યામ કે પ્રિયાનો બર્થડે આવે તો સાથે મળીને પ્રેમથી મનાવતા. એકબીજા માટે ગીફ્ટ્સ લેતા અને આનંદે જીવતા. ઘણીવાર એકસાથે ફરવા જતા. તેમના આ સુખી જીવનને જોઇને એકવાર તો ગમે તેને ઈર્ષ્યા થઈ આવે. શ્યામ કે પ્રિયા કોઈ ક્યાં કંઈ જાણતા હતા કે તેમના જીવનમાં હવે આગળ શું થવાનું હતું. તેઓ જેટલી ખુશીથી જીવી રહ્યા છે તે ખુશીની ઉંમર બહુ લાંબી ન્હોતી. ભગવાને તેમના નશીબમાં વળી પાછી જુદાઈ લખેલી હતી. આ વાતથી સાવ બેખબર તેઓ અત્યારે એકબીજાના સાથનો અને પોતાના જીવનનો ભરપૂર આનંદ લઈ રહ્યા હતા.

એકદિવસ બન્યું એવું કે શ્યામ જ્યારે દવાખાને હતો ત્યારે કોઈ અજાણ્યા નંબર પરથી શ્યામને કોલ આવ્યો. એ કોલ આવ્યા પછી શ્યામની હાલત એટલી હદે ખરાબ થયેલી કે તે પોતાના ઉપર કંટ્રોલ નહોતો કરી શકે એમ. એના મનમાં એટલી હદે ગુસ્સો ઉભરાઈ આવ્યો કે તે પોતે જ જાણતો નહોતો કે હવે તેને શું કરવું જોઈએ. તેની આંખોમાંથી જાણે આંસુ, અંગારા બની વહી રહ્યા હતા. રોઈ રોઈને લાલ થઇ ગયેલી આંખોની નીચે સોજા આવી ગયેલા હતા. તેને સમજાઈ ન્હોતું રહ્યું કે જીવવું કે મરી જવું. રહી રહીને તેને મરી જવાના જ વિચારો આવી રહ્યા હતા. તે હવે એક નિર્ણય લઈ ચૂક્યો હતો. કદાચ તેનો આ નિર્ણય હવે કોઈ બદલી શકે તેમ નહોતું.

શ્યામના ફોન પર આવેલા ફોન પછી શ્યામને એટલો તો ખ્યાલ આવી ગયેલો કે પ્રિયા એ ફરી એકવાર તેના જૂના દોસ્ત સાથે ફોન પર વાત કરી હતી. અને આ વાતથી શ્યામ અંદરથી સાવ ભાંગી પડેલો. શું કરવું તે કંઈ જ સમજવાની કન્ડીશનમાં નહોતો. દુઃખી મને તે ઘરે આવ્યો. એક અલગ પ્રકારના દુઃખ સાથે તે પ્રિયાને ઘડીભર જોઈ રહ્યો. પ્રિયાને સમજાયું નહિ કે શ્યામની હાલત અત્યારે આવી કેમ છે. તે પોતાના કામમાં અત્યારે મશગુલ હતી. તેમ છતાં મનમાં એક વાતનો તેને ડર હતો કે શું થયું હશે?

શ્યામે શું નિર્ણય લીધો હશે?
તેમના જીવનમાં આવનારી જુદાઈ તેમને ક્યાં લઈ જશે?
શું તેઓ ફરી વાર મળશે?
આ કહાની હવે કેવા વળાંક લેશે?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો..
સંબંધ: એક અજબ પ્રેમકહાની..

Dr Dipak Kamejaliya
'શિલ્પી'