સંબંધ - એક અજબ પ્રેમકહાની - 2 Kamejaliya Dipak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંબંધ - એક અજબ પ્રેમકહાની - 2

જ્યારે શ્યામ પ્રિયાને જોવા માટે દયાપર જઈ રહ્યો હતો, ત્યારે તેના મનમાં ઘણી બધી અવઢવ ચાલી રહી હતી. પરંતુ જ્યારે તેણે પ્રિયાને પહેલી વાર જોઈ તો, તેને પ્રિયા સાથે પહેલી નજરનો પ્રેમ થઈ ગયેલો. તે ખૂબ ખુશ હતો, કે તેના જીવનમાં પ્રિયા જેવી સુંદર અને સુશીલ છોકરી આવશે.

જ્યારે પણ તે પ્રિયા સાથે વાત કરવા માટે ફોન કરતો તો ઘણીવાર પ્રિયાનો ફોન વ્યસ્ત આવતો હતો. પ્રિયાની આ અજીબ હરકતો શ્યામથી છુપી નહોતી. પ્રિયા બીજા કોઈને પ્રેમ કરે છે તે જાણીને શ્યામ ને અતિશય દુઃખ થયેલું. તે ઘણીવાર રાત્રે એકલા રડી પણ લેતો. વિચારતો કે તેને એક સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા હતા પરંતુ આ તો કેરેક્ટરલેસ છોકરી છે.

ઘણી વાર તે વિચારતો કે તે સગાઈ તોડી નાખે, પરંતુ એના માટે તેને કોઈ મજબૂત કારણ બતાવવું પડે. જો તે પ્રિયાની આ હરકતો વિશે પોતાના માતા-પિતા અને સાસુ-સસરાને જાણ કરે તો બધાની ખૂબ જ બદનામી થાય. એવું પણ બની શકે કે પ્રિયાના નિર્દોષ માતા પિતા આ બદનામી સહન ના કરી શકે અને આત્મહત્યા પણ કરી લે. આવો વિચાર ઘણીવાર શ્યામને અંદરથી ધ્રુજાવી નાખતો હતો. એટલે તે સગાઈ તોડવાનો વિચાર મનમાંથી કાઢી નાખતો. પ્રિયાએ કરેલી ભૂલની સજા તેના માતા પિતા શા માટે ભોગવે..?

શ્યામ બધું સહન કરતો રહ્યો તેની હાલત અત્યારે ખૂબ જ દયનીય હતી. આમને આમ બે વર્ષ વીતી ગયા. શ્યામ ઘણીવાર પ્રિયાને સમજાવતો અને પૂછતો કે જો, તને બીજો કોઈ છોકરો પસંદ હોય તો મને કહે, હું આપણી સગાઈ તોડીને તારા લગ્ન તે છોકરા જોડે કરાવી દઈશ. આવી રીતે તો તું મને પણ હેરાન કરીશ અને આપણા પરિવારો પણ હેરાન થશે. પ્રિયા તેની વાત નકારી કાઢતી એટલે શ્યામ બધું જતું કરતો. હવે તો શ્યામે બાજુના ગામમાં પોતાનું દવાખાનું કરીને પ્રેક્ટિસ પણ ચાલુ કરી દીધેલી. ધીમે ધીમે પોતાની પ્રોબ્લેમ ભૂલીને તે દર્દીઓને સારા કરવામાં મશગુલ થઈ ગયો.

શ્યામ ઘણીવાર પ્રિયાના ઘરે જતો, બધા ખુશી ખુશી સાથે મળીને હસી મજાક કરતા. શ્યામ ખૂબ સારી રીતે પ્રીયાના પરિવારમાં હળીમળી ગયેલો, પરંતુ પ્રિયા કદાચ શ્યામમાં નહોતી મળી. આવી રીતે બે વર્ષ વીત્યા પછી હવે શ્યામ અને પ્રિયાના લગ્નની વાત ચાલવા લાગી. એક દિવસ લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ. લગ્નના આગળના દિવસ સુધી શ્યામ પ્રિયાને સમજાવતો રહ્યો પરંતુ પ્રિયા હવે કાંઇ નહી થાય એવું કહીને લગ્ન માટે તૈયાર થઈ ગઈ. અંતે શ્યામે નક્કી કર્યું કે પ્રિયા જ્યારે લગ્ન પછી અહી આવે એટલે હું એને એટલો પ્રેમ આપીશ કે તે પોતાનો ભૂતકાળ ભૂલી જાય. ભલે એના પ્રેમમાં કદાચ ખોટ હશે પણ મે તો એને સાચા દિલથી જ પ્રેમ કર્યો છે.

સાવ સાદા અને સિમ્પલ રીતે શ્યામ અને પ્રિયાના લગ્ન થઈ ગયા. પ્રિયા સાસરે આવી ગઈ. આમ તો અહીં શ્યામ સાથે તે ખૂબ ખુશ હતી. બધા સાથે હળી મળીને રહેવા લાગી. કોઈક વાર તે ઉદાસ થઈ જતી, કદાચ તેને પોતાનો ભૂતકાળ યાદ આવી જતો હશે. ધીમે ધીમે બધું બરાબર થઈ રહ્યું હતું. શ્યામ પ્રિયાને ખૂબ પ્રેમ કરતો હતો. શ્યામના પ્રેમના કારણે પ્રિયા પોતાની વીતેલી જિંદગી ભૂલી રહી હતી. દિવસે તો શ્યામ દવાખાને જતો અને પ્રિયા ઘરે રહેતી. ઘરે તે પોતાના સાસુ સસરા પાસે રહીને તેમની સેવા કરતા એક સંસ્કારી વહુ સાબિત થઈ રહી હતી. તેના સાસુ સસરા પણ પ્રિયાને પોતાની દીકરીની જેમ રાખતા. બધા ખુશી ખુશી પોતાનું જીવન વ્યતીત કરી રહ્યા હતા.

એક દિવસ અચાનક જ શ્યામને ચાર દિવસ માટે અમદાવાદ એક મિટિંગમાં જવાનું થયું. ચાર દિવસ સુધી તેને ત્યાં જ રોકાવાનું હતું. તે પ્રિયાને પોતાની સાથે લઈ જઈ શકે એમ નહોતું. એટલે પ્રિયાને નલિયા પોતાના ઘરે જ મૂકીને તે અમદાવાદ ગયો. મિટિંગમાં હોવાથી તે વારંવાર પ્રિયાને ફોન નહોતો કરી શકતો. મિટિંગ પૂરી થયા પછી તે ફોન કરીને પ્રિયાના હાલચાલ જાણી લેતો.

અહી પ્રિયા પોતાના સાસરે એકલી હતી. આમતો તેના સાસુ સસરા હોય પણ તેઓ જરૂર પડે ત્યારે જ પ્રિયાને કંઇક કામ કરવાનું કહેતા. બાકીના સમયમાં પ્રિયા એના રૂમમાં આરામ કરતી હોય. પ્રિયા જ્યારે એકલી હતી ત્યારે એકવાર તેને પોતાના ભૂતકાળના મિત્રને ફોન કરવાની ઈચ્છા થઇ. તે વારંવાર ફોન કરીને જ્યાં સુધી શ્યામ પાછો ઘરે ના આવ્યો ત્યાં સુધી તેના બીજા મિત્ર સાથે વાત કરતી રહેતી.

જ્યારે શ્યામ પાછો આવ્યો ત્યારે તેણે પ્રિયાનો ફોન જોયો. આમ તો શ્યામ ચાલાક હતો. તેણે જ્યારે તે અમદાવાદ ગયો ત્યારે ચૂપકીથી પ્રિયાના ફોન માં ઓટોરેકોર્ડ ચાલુ કરી દીધેલું. તેના થી અજાણ પ્રિયાએ તેના મિત્ર જોડે વાત કરી એ બધું જ રેકોર્ડ થઈ ગયેલું. જ્યારે આ વાત શ્યામને જાણવા મળી તો તેને ખૂબ દુઃખ થયું. તેને લાગી રહ્યું હતું કે એટલો એટલો પ્રેમ કરવા છતાં પણ પ્રિયા હજી પોતાનો ભૂતકાળ ભૂલી નહોતી. કદાચ એવું હતું કે પ્રિયાને કોઈને કોઈ હંમેશા પ્રેમ કરવા વાળું વ્યક્તિ હાજર હોવું જોઈએ. તેને શું તકલીફ હતી એ કંઈ સમજાઈ ન્હોતું રહ્યું. તેને એક તરફ દુઃખ થઈ રહ્યું હતું તો બીજી તરફ ગુસ્સો આવી રહ્યો હતો. વળી પાછો તેને પેલો વિચાર આવવા લાગ્યો. તે વિચારવા લાગ્યો કે તે પોતાના સાસુ સસરા ને આ વાત જણાવે કે નહિ. વળી પાછો તેને વિચાર આવતો કે જો તે આ વાત બહાર પડે તો તેની અને તેના સાસુ સસરા ના પરિવારની ખૂબ બદનામી થાય.

શ્યામ હવે ગાંડો થઈ રહ્યો હતો. તેનામાં ગુસ્સો વધી રહ્યો હતો. તે નાની નાની વાતમાં ગુસ્સે થઈ જતો. ખુશીની વાત એ હતી કે આ વખતે પ્રિયાને પણ અફસોસ થઈ રહ્યો હતો. તેણે જે કર્યું હતું એ ખોટું હતું એ એહસાસ પ્રિયાને હતો. શ્યામને દુઃખી જોઇને પ્રિયા પણ ખૂબ દુઃખી થતી હતી. ઘણા દિવસો સુધી શ્યામ પ્રિયા સાથે સરખી વાત નહોતો કરતો. પ્રિયા ખૂબ પ્રેમથી વાત કરવાની કોશિશ કરતી પરંતુ શ્યામ ગુસ્સામાં મોઢું ફેરવીને જતો રહેતો. શ્યામ સમયસર જમતો નહોતો તો પ્રિયા પણ ભૂખી જ રહેતી. આમને આમ ઘણા દિવસો વીતી ગયા. ભૂખ્યા ને ભૂખ્યા એક દિવસ પ્રિયા ચક્કર ખાઈને પડી ગઈ. તેના પડી જવાથી શ્યામ ખૂબ દુઃખી થઈ ગયો. તે પ્રિયાને પ્રેમ કરતો હતો એટલે તેને તકલીફ થાય એવું તો એ ક્યારેય ના ઈચ્છે. તે પ્રિયાને બાથ ભરીને ઘણી વાર સુધી બંને રડતા રહ્યા.

આ વખતે પ્રિયા પણ સમજી ગઈ હતી કે જે વ્યક્તિ મને દિલથી પ્રેમ કરે છે હું એની સાથે જ આ ખોટું કરી રહી હતી. મારો ભૂતકાળ જે હતો એ હવે કોઈ દિવસ હવે મારી સાથે નથી રહેવાનો તો હવે એને ભૂલી જવામાં જ બધાની ભલાઈ છે. પ્રિયાના મનમાં અત્યારે શ્યામ માટે ખાલી હમદર્દી જ નહોતી. તેની આંખોમાંથી અશ્રુધારા થઈને શ્યામ માટેનો પ્રેમ વહી રહ્યો હતો. તે શ્યામને દિલથી પ્રેમ કરવા લાગી હતી એ તેને હવે સમજાઈ રહ્યું હતું.

શ્યામ અને પ્રિયાની જિંદગી હવે ફરી એકવાર સામાન્ય થઈને ચાલી રહી હતી.

શ્યામની અને પ્રિયાની જિંદગી વળી પાછો કોઈ વળાંક લેશે કે કેમ ?
પ્રિયાનો પ્રેમ સાચો છે કે ખોટો?
તેમના જીવનમાં આગળ શું થશે ?

ક્રમશઃ