એક ચાહત એક ઝનૂન - ભાગ 6 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાહત એક ઝનૂન - ભાગ 6

(ગયાં ભાગમાં આપણે જોયું કે તૃષા પ્રવેશ પંડ્યાનાં પ્રેમમાં ગળાડૂબ છે. રાશિ આ વાતથી નાખુશ થઈ જાય છે. બીજી તરફ રાજેશ ઘરમાં સેક્રેટરીને સાથે લઈ આવે છે અને શોભાને થપ્પડ મારતા તે અથડાયને નીચે પડતાં માથા પર ફ્લાવરવાઝ પડે છે. હવે આગળ..)

રાશિનાં મોઢામાંથી માની માથામાંથી લોહીની ધાર થયેલ દશા જોઈ એક ચીસ નીકળી જાય છે. "મા....!"
ને પલંગમાંથી સફાળી બેઠી થઈ ગઈ રાશિ. શ્વાસની ગતિ એટલી તેજ ચાલતી હતી કે તેનાં ધબકારા માપવા અશક્ય હતાં. રાશિનાં કપાળ પરથી એસી. બેડરૂમમાં પણ પ્રસ્વેદ બિંદુઓ ટપકી રહ્યાં. કોઈ તેનાં ફેફ્સાને દબાવી રહ્યું હોય તેવી અવદશામાં તે હતી.

દસ વર્ષ પહેલાં માને એ દશામાં જોઈ રાશિ હતપ્રભ બનીને રાજેશને ઉઠાડવા ચીસો પાડતી રહી પણ નશામાં ધૂત અને કામલીલામાં રત રાજેશે દરવાજો ન જ ખોલ્યો. રાશિ બેબાકળી બની ઘડીક પારકી સ્ત્રીને પોતાના ઘરમાં પત્ની અને પુત્રી સામે ભોગવતા બાપનાં બંધ રૂમનો દરવાજો ખખડાવતી હતી. તો ઘડીક માને ઊભી કરવાના વ્યર્થ પ્રયાસ કરતી હતી.

સમય વીતી ગયો. એને સરતો કોઈ અટકાવી નથી શક્યું. શોભાનાં માથામાંથી લોહી પણ દદડી રહ્યું. જેને હતપ્રભ થયેલી રાશિ પણ અટકાવી ન શકી.

"આઇ એમ સોરી, મી. આચાર્ય! શી ઇઝ નો મોર. તમે બહુ મોડા પડ્યા છો. લોહી બહુ વધુ માત્રામાં વહી ગયું હતું. અમે કોશિષ કરી પણ અમે આપની પત્નીને બચાવી નથી શક્યાં." ડોક્ટરે બોલેલાં ઔપચારિક વાક્યોમાંથી રાશિનાં કાન પર અથડાયને મનમાં એક જ વાક્ય તીરની જેમ પેસી ગયું હતું. 'તમે બહુ મોડા પડ્યા છો.'

આજે પણ તે વાક્ય હથોડાની જેમ રાશિના મગજ પર પછડાતું. એક કલાક પછી માસુમ રાશિએ જ્યારે ફરીવાર બારણું ખખડાવ્યું ત્યારે રાજેશે અણગમાથી બારણું ખોલ્યું. રાશિએ રડતાં- રડતાં બેહોશ શોભા તરફ આંગળી ચીંધી. ત્યારે છેક રાજેશ હોંશમાં આવ્યો. પરિસ્થિતિની ગંભીરતા પારખી રૂબિએ ત્યાંથી ચાલતી પકડી. રાજેશ શોભાને લઈ હોસ્પિટલ પહોંચ્યો પણ ત્યાં સુધીમાં શોભાનો તરફડાટ કાયમ માટે શાંત થઈ ગયો હતો. રાશિએ તેની વ્હાલી માને ગુમાવી હતી એમ કહેવા કરતા એમ કહેવું યોગ્ય હતું કે તે આજે જાણે અનાથ થઈ ગઈ હતી.

તે પછીથી શોભાની અંતિમ વિધિ પતાવ્યાં પછી રાજેશે બુદ્ધિ વાપરી રાશિને ઘરથી, પોતાની કામલીલાઓથી દૂર ભગાડવા માટે તેને પંચગિનીની એક સ્કૂલમાં ભણવા મોકલી દીધી. જ્યાંથી તે માત્ર વર્ષમાં એકવાર ઘરે આવતી. શોભાએ પોતાના જીવતા જ માવતર પક્ષનાં સંબંધ પર રાજેશને લીધે પૂર્ણ વિરામ મૂકી દીધેલું. શોભાની બધી બહેનો પોતપોતાના સાસરે ઠરીઠામ થઈ ગઈ હતી. જેમને સુખી કરવાના ઈરાદે શોભાએ પોતાની જિંદગી બરબાદ કરી તે બધી તેમનાં નસીબે સુખી થઈ ગઈ. મા-બાપ વ્હાલી દીકરી શોભાની પાછળ અનંત યાત્રા એ ચાલી નીકળ્યાં.

ટૂંકમાં રાશિ પાસે એવો કોઈ હુંફાળો સંબંધ ન હતો જે તેને લાગણી આપી શકે. તેનાં પરિણામ સ્વરૂપ રાશિ ભીતર ને ભીતર ચિમળાતી ગઈ. પોતાને ભરપૂર લાડ-પ્યાર કરતી માની ગેરહાજરી તેને એક તરફથી સંપૂર્ણ પણે તોડી રહી હતી તો બીજી તરફ તેને એકલી ઊભતા શીખવી રહી હતી. તેને મન હવે રાજેશ એટલેકે પોતાના પિતા એ જાણે સમગ્ર પુરુષ જાતનું પ્રતિબિંબ હતાં. પુરુષ કદી સાચો પ્રેમ કરી જ ન શકે. તે માત્ર સ્ત્રીઓની લાગણીઓને મજાક બનાવી શકે. તેની સાથે રમકડું ગણી રમી શકે. મન ભરાય જાય એટલે કચરાની માફક ફેંકી શકે. આવાં નકારાત્મક વિચારોથી રાશિનું મન એટલી હદે ભરાઈ ગયું હતું કે તેણે નક્કી કર્યું હતું કે તે કદી કોઈ પુરુષને આધીન નહીં થાય.

ચાહત નામનાં દંભ પર તે પૂરા ઝનૂનથી વાર કરશે. પોતાની માની લાગણીઓને અય્યાશ બાપનાં પગ તળે કચડાતી જોઈ હોવાની પીડાનો જખમ તેણે ખુદ જ પંપાળીને મોટો કર્યો. એટલુંજ નહીં જ્યારે પણ કોઈ પુરુષ સ્ત્રીને પ્રેમનાં રૂપાળા નામે છેતરતો દેખાશે ત્યારે તે કોઈ પણ રીતે તેને બરબાદ કરશે.

જ્યારે પણ રાશિને માનો અંતિમ સમય યાદ આવતો, તેણે આજીવન વેઠેલી લાચારી યાદ આવતી ત્યારે રાશિ પર એક ઝનૂન સવાર થઈ જતું. તેને એમ થઈ આવતું કે તે એક ઝાટકે રાજેશનાં....

પણ તેણે એવું કશું કરવું જ ન પડ્યું. જે પિતાની લાગણીથી તે વંચિત રહી ગઈ હતી તે પિતાની સાથે ભણીને તેની ઓફિસમાં બેસવું પડશે એ વિચારે તેને ધ્રુજારી આવી જતી હતી. બી.બી.એ. કર્યા પછી તે જ્યારે વેકેશનમાં ઘરે આવી ત્યારે તેણે ઓફિસ અને ધંધાકીય બાબતોમાં રસ બતાવી ઘણી ખરી આંટીઘૂંટીઓ શીખી લીધી હતી.

રાજેશ તો ઈચ્છતો હતો કે રાશિ ઝડપથી અમુક વહીવટો સંભાળે. કેમકે હવે રાજેશ પરથી જુવાનીનું ભૂત ઉતરી રહ્યું હતું. શરીર હવે અચાનક સાથ ન્હોતું આપતું પણ રાશિએ જ્યારે પણ આચાર્ય પ્લાસ્ટો સંભાળશે ત્યારે પૂરેપૂરી ધૂરા પોતાને હાથ લઈ શકે તેવી કાબેલ બને ત્યારે જ સંભાળશે એવું નક્કી કરેલું. એમ વિચારી તે મુંબઈ એમ.બી.એ.કરવા ચાલી ગઈ. જ્યાં તેને જિંદગીમાં પહેલીવાર ચાર બહેનપણીઓ રૂપે એક સંવેદનશીલ સંબંધ મળ્યો.

ક્રમશઃ...
જાગૃતિ, 'ઝંખના મીરાં'..