મારી ડાયરી - 7 Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ડાયરી - 7

ઘડતરના વાદ વિવાદ

પ્રિય સખી ડાયરી,

તને પેલી વાર્તા યાદ છે? એક વખત વિવાહ કરવા બાબત ગણેશજી અને તેમના ભાઈ કાર્તિકેય વચ્ચે વિવાદ થયો. આથી બંને ભાઈ માતા-પિતા પાસે ગયા. માતા-પિતાએ કહ્યું, "અમારા માટે તો બંને પુત્રો એક સમાન છે. આથી અમે એવો નિર્ણય લીધો છે કે જે પુત્ર આખી પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવે તેનો વિવાહ પહેલો કરવો."

આથી કાર્તિકેય પોતાના વાહન મોર ઉપર બેસી ઝડપથી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા નીકળી પડ્યા, પરંતુ ગણેશજીએ ચતુરાઈ વાપરી. તેમણે માતા-પિતાને આસન પર બેસાડી તેમની પૂજા કરી અને તેમની સાત વાર પ્રદક્ષિણા કરી કહ્યું કે, કોઈ વ્યક્તિ માતા-પિતાનું પૂજન કરી તેમની પ્રદક્ષિણા કરે તો તેને પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાના ફળની પ્રાપ્તિ થાય છે.

સખી! આ વાર્તા મને આજે એટલે યાદ આવી કે, તે પેલી કહેવત તો સાંભળી જ હશે ને કે, માતા પિતાના ચરણોમાં જ સ્વર્ગ રહેલું છે... એ વાત શું આજના પરિપ્રેક્ષ્યમાં બંધ બેસે છે? મા બાપના વખાણ કરતાં ગીતો પણ ખૂબ લખાયા છે. એમાંય ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં એ ગીતને કોણ નહીં જાણતું હોય!

પણ શું માતા પિતાના ચરણોમાં સ્વર્ગ એ વાત દરેક માતા પિતા માટે સાચી ઠરે છે ખરી? ખરેખર આ સત્ય છે? જ્યારે આ સમાજમાં આપણી આજુબાજુમાં વસતાં લોકો પર આપણે દ્રષ્ટિ કરીએ તો શું આ વાત આપણને ખરેખર સત્ય લાગે છે? મને તો નથી જ લાગતી.

આજે હું જે વાત કરવાની છું એ વાત એકદમ કડવી જરૂર છે પણ વાસ્તવિક છે. મારી આ કડવી વાત તને પચાવવી અઘરી જરૂર લાગશે પણ સત્ય છે એટલે કડવું જ છે.

તને શું લાગે છે માતા પિતા કોને કહેવાય? માતા પિતા કઈ રીતે બનાય છે? શું માત્ર સંતાનને જન્મ આપવાથી જ તમે માતા પિતા બની જાઓ છો? તો એનો સાવ સાચો જવાબ છે ના. બિલકુલ નહીં. ખરાં અર્થમાં તો તમે માતા પિતા ત્યારે જ બનો છો જ્યારે તમે નિઃસ્વાર્થ ભાવે સંતાનોને ઉછેરો છો. પણ શું ખરેખર એવું છે? શું આજના મા બાપ એમના સંતાનોને નિઃસ્વાર્થ ભાવે ઉછેરે છે? શું એમની પોતાની સંતાનો પાસેથી કોઈ જ અપેક્ષા નથી હોતી? હોય જ છે.

મેં કેટલાય એવા મા-બાપ જોયાં છે કે, જે એમના સંતાનોને એવું જતાવતાં હોય છે કે, અમે તારા માટે ઘણું કર્યું. અમે તને સારી અને મોંઘી સ્કૂલમાં ભણાવ્યો. અમારી આર્થિક શક્તિ ન હોવા છતાં પણ અમે પેટે પાટા બાંધીને પણ તને ભણાવ્યો. તને ભણાવવા માટે અમે અમારા ખર્ચમાં કાપ મૂક્યાં છે. અને આજે તું જ્યાં છો એ અમે તારા પાછળ જે કંઈ પણ ભોગ આપ્યો છે એને લીધે છો. અમે તારા માટે ઘણો ભોગ આપ્યો છે.

જાણે એ બાળકને ઉછેરીને એમણે એમના પર બહુ મોટો ઉપકાર કેમ ન કર્યો હોય? એમનું વર્તન એવું હોય છે કે, એ બાળક એની પોતાની મરજીથી નહીં પણ એમના મા બાપની ઈચ્છાથી જ આ અવની પર અવતર્યું છે. એટલે એના પર એમનો હક હોય એમ આવાં મા બાપો પોતાના એ સંતાન પર હક જતાવે છે અને પછી સમય જતાં એ પોતાના બાળક પાસે પોતાના ઉછેરનું વળતર માંગે છે. એમની એમના બાળક પાસેથી ખૂબ વધુ પડતી જ અપેક્ષાઓ હોય છે અને એમની આ અપેક્ષાઓના ભાર તળે બાળકનું બાળપણ ક્યાંક છીનવાઈ જાય છે. પોતાના અધૂરાં રહેલાં સપનાઓનો બોજો એ પોતાના બાળક પર લાદે છે. પણ એ લોકો એ ભૂલી જાય છે કે, બાળકના પોતાના પણ કોઈક સપનાંઓ હોય છે. એમની પણ ઈચ્છા આકાંક્ષાઓ હોય છે.

કેટલાક મા બાપ એવા પણ હોય છે કે, જે પોતાના સંતાનોને આર્થિક રીતે સદ્ધર થવા જ દેતાં નથી. એમના પર ખૂબ જ કંટ્રોલ રાખે છે. એમના સંતાનોની કમાણીનો હિસાબ પણ પોતે જ રાખે છે. એમની કમાણીનો વહીવટ પણ પોતે જ રાખે છે. પણ એવી કમાણી પણ શું કામની કે, જે સંતાનોને ઘરની, કુટુંબની કોઈ જ જવાબદારીનું એમને ભાન થવાં જ ન દે! એમને ડર હોય છે કે, પોતાનો દીકરો કે દીકરી ક્યાંક પૈસા ખોટાં રસ્તે વાપરશે તો? અને એમના મનમાં રહેલાં આ ભયને કારણે તેઓ પોતાના જ સંતાનો પર વિશ્વાસ નથી કરી શકતાં. એમને પોતાના ઉછેર પર પણ ભરોસો નથી હોતો.

અને પછી વળી આ જ મા બાપ એવી અપેક્ષા પણ રાખે છે કે, એમના બાળકો બધી જ જવાબદારીઓને સારી રીતે સંભાળી લેશે. પણ જે સંતાનોને એમના માતા પિતાએ આત્મવિશ્વાસનાં ડગલાં ભરતાં જ ન શીખવાડ્યું હોય એ બાળક નવી કેડી પર ડગ કઈ રીતે માંડશે? એ આવા મા બાપોને કેમ નહીં સમજાતું હોય!!

બસ અત્યારે તો આટલું જ. હવે અત્યારે તો મારે મારા સંતાનને સંભાળવાનો સમય થઈ ગયો છે એટલે ફરી જલ્દી મળીશું.

તા. ૧૬/૦૬/૨૦૨૨, ગુરુવાર, 8:00 a.m.