મારી ડાયરી - 4 - નારી તું નારાયણી Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ડાયરી - 4 - નારી તું નારાયણી

આપણાં સમાજમાં કહેવાય છે કે, "નારી તું નારાયણી!" પણ વાસ્તવમાં શું એ નારાયણી છે? એને એનું સ્થાન મળ્યું છે ખરા? દુનિયા આખી કહે છે તો એને નારાયણી પણ શું એને નારાયણીનું સ્થાન ક્યારેય આપ્યું છે ખરા? લગભગ એનો જવાબ છે ના.

આજે અનેક ફિલ્મોમાં, સિરિયલોમાં નારીનું મહત્વ વધારે બતાવાય છે. પરંતુ શું વાસ્તવમાં એ છે ખરા? સ્ત્રી હંમેશા સહન જ કરતી આવી છે. કારણ કે તે સહન કરી શકવા માટે સક્ષમ છે. તેનામાં સહનશીલતાનો ગુણ છે.

જમાનો ભલે ગમે તેટલો બદલાઈ ગયો હોય પણ એ તો આજે પણ સત્ય જ છે કે, આજ સુધી સ્ત્રી હંમેશા સહન કરતી આવી છે, સહન કરી રહી છે અને હજી પણ સહન કરતી રહેશે. કારણ કે, સહન કરવું એ એનો કુદરતી સ્વભાવ છે.

કહેવાય છે કે સ્ત્રીના ત્રણ રૂપ હોય છે.
પહેલું, તે જ્યારે કોઈની પુત્રી બનીને આ ધરતી પર જન્મ લે છે.
બીજું, જ્યારે તે કોઈની પત્ની કે વહુ બનીને નવા ઘરમાં આવે છે અને
ત્રીજું, જ્યારે તે સંતાનની મા બને છે અને સંપૂર્ણ સ્ત્રી હોવાની એની સફર પુરી થાય છે.

કહેવાય છે કે, દરેક સફળ પુરુષની પાછળ કોઈને કોઈ સ્ત્રીનો હાથ તો હોય જ છે. અને એ વાત તો સો ટકા સાચી જ છે, પરંતુ પુરુષ કદાચ તેને સમજી શકતો નથી.

સ્ત્રી હંમેશા પતિને પરમેશ્વર માનીને તેની પૂજા કરે છે અને તેના દરેક કદમમાં એનો સાથ આપે છે. તેની સફળતા અને નિષ્ફળતા બંનેમાં સાથ આપે છે. જ્યારે પતિ! તેની પત્નીની સફળતા સહન નથી કરી શકતો. એનો અહમ ઘવાય છે, એ તેની કમજોરી છે.

આજકાલના પુરુષોએ તો જાણે સ્ત્રીને બાળકો પેદા કરવાનું મશીન બનાવી દીધી છે. જો કે એ વાત અલગ છે કે, બધા જ પુરુષો કઈ સરખા હોતા નથી. પરંતુ મહદઅંશે આવું જ બનતું હોય છે. કહેવાય છે કે સ્ત્રી જ સ્ત્રીની દુશ્મન છે. પરંતુ યાદ રાખજો કે, સ્ત્રી જ સ્ત્રીની શ્રેષ્ઠ મિત્ર પણ બની શકે છે.

ઈતિહાસમાં સીતા, લક્ષ્મીબાઈ જેવી અનેક સ્ત્રીઓ થઈ ગઈ. સીતાએ અગ્નિપરીક્ષા આપી છતાં તેને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી અને ધરતીમાં સમાઈ જવું પડ્યું. તો પછી બીજી કોઈ પણ સ્ત્રી શા માટે અગ્નિપરીક્ષા આપે? શા માટે?

સ્ત્રીની બુધ્ધિ પગની પાનીએ જેવી કહેવતોથી આ સમાજ સ્ત્રીને હંમેશા ધિક્કારતો આવ્યો છે. જાહેરમાં તો નારી તું નારાયણીના લેબલ હેઠળ સ્ત્રીને માન અપાય છે, પણ પછી તેના પર જોર જુલમ, શોષણ, અત્યાચાર, બળાત્કાર જેવા અનેક ત્રાસ ગુજારાય છે.

સ્ત્રીએ આ જગત માટે આટઆટલું કર્યુ હોવા છતાં સમાજ એને કાગળના ડૂચાની જેમ ચીંથરુ વાળીને ફેંકી દે છે. શું સ્ત્રીનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી?શા માટે એ બીજાને માટે જ જિંદગી જીવતી આવી છે? શું એને પોતાની જિંદગી જીવવાનો કોઈ અધિકાર નથી? શું એને પોતાની કોઈ જિંદગી નથી? શું એની પોતાની જિંદગી પર પણ એનો પોતાનો અધિકાર નથી? એ હંમેશા બીજાના તાલે જ નાચતી આવી છે.

એક સ્ત્રીને પતિ અને પરિવારના સાથ સિવાય બીજું જોઈએ પણ શું? એ સિવાય એ કશું માંગે પણ ક્યાં છે? અને છતાંય આજે પણ એની આ નાનકડી માગણી પણ કોઈ સંતોષી શક્યું છે ખરા? આમાં નારી તું નારાયણી ક્યાંથી થઈ? નારાયણી એ તો સમાજમાં સ્ત્રીને આપેલું એક માત્ર નામનું લેબલ છે અને એ લેબલની નીચે નારી હંમેશા સુખને માણતી આવી છે અને દુઃખને સહન કરતી આવી છે. કારણ કે, નારી તો સહનશીલતાની મૂર્તિ છે! તે સહનશીલતાની દેવી છે! પણ નારાયણી ક્યારેય નહીં. અને આપણા ભદ્ર સમાજ એ ઈચ્છે તો પણ એને ક્યારેય નારાયણીનું સ્થાન આપી શકશે નહીં.