મારી પ્રિય સખી,
આજે તો તને મજા પડે એવી વાત કહું. આજે પણ રોજની જેમ જ મારા મોબાઈલમાં એલાર્મ વાગતાં જ સવાર પડી અને મેં મોબાઈલમાં એલાર્મ ઓફ કર્યુ પણ એ મોબાઈલને જોઈને મને જે વિચાર સ્ફુર્યો એ તને કહું. જાણવું છે તારે કે, એ વિચાર શો હતો? ચાલ ને હવે તને બહુ રાહ ન જોવડાવ્યા વિના કહી જ દઉં. તો સાંભળ!
પહેલાંના જમાનામાં એક કહેવત હતી.
પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ.
પણ આજે હવે આ જ કહેવતને મને કંઈક આવી રીતે કહેવી વધુ યોગ્ય લાગે છે કે,
મોબાઈલ મારો પરમેશ્વર ને હું મોબાઈલનો દાસ.
કેમ સાચું કહ્યું ને સખી? આજે મોબાઈલ વિના કોને ચાલે છે? ભિખારીથી લઈને પૈસાદાર સુધી બધાંના હાથમાં આ મોબાઈલ નામનું રમકડું તો છે જ. એવું કયું કામ છે જે મોબાઈલમાં થતું નથી?
તમે રસ્તો ભૂલ્યા છો? તો તમારા મોબાઈલમાં જી.પી.એસ છે એ ઓન કરો અને ગુગલ મેપ પર જઈ પહોંચો. મજાલ છે કોઈની કે, તમને ખોટો રસ્તો દેખાડે? તમારે ખરીદી કરવી છે? ઓનલાઈન શોપિંગ માટેની ઢગલાબંધ એપ તમારા આ રમકડામાં છે. ફ્લિપકાર્ટ, એમેઝોન, મીંત્રા વગેરે...વગેરે... શું તમારે ફરવા જવું છે? હોટલમાં બુકિંગ કરાવવું છે? તો ઓયો, ઈઝ માય ટ્રીપ, મેક માય ટ્રીપ વગેરે ટ્રાવેલિંગ એપ પણ છે. તમારે બસમાં, ટ્રેનમાં કે પ્લેનમાં જવું છે? બુકિંગની લાઈનમાં નથી ઉભું રહેવું? તો પે ટી એમ, ફોન પે વગેરે વાપરો. મુવી જોવા જવું છે? તો બુક માય શો પર ઓનલાઈન બુકિંગ કરાવો. અને જો તમારે ઘેરબેઠાં જ મુવી જોવું હોય તો એમેઝોન, નેટફ્લિક્સ, હોટસ્ટાર વેગેરે...નું સબસ્ક્રીપશન લો અને મોબાઈલમાં જ મુવી જોઈ લો. છે ને મજા!
તમે ખરીદી કરવા ગયા છો અને તમારી પાસે કેશ હાજરમાં નથી તો કંઈ વાંધો નહીં પણ તમારી પાસે મોબાઈલ છે? તો તમે રાજા છો. તમે ક્યુ આર કોડને સ્કેન કરો અને તમારા યુ પી આઈ આઈ ડી થી બિલની રકમ ઓનલાઈન ચૂકવો.
તમને રસોઈ બનાવવાની આજે આળસ ચડે છે અને રાંધવાનું મન પણ નથી થતું? પણ ચટપટું ખાવાનું મન છે તો કંઈ વાંધો નહીં. તમારી પાસે ઝોમેટો અને સ્વીગી જેવાં વિકલ્પો છે એ વાપરો.
તમારે સોનુ ખરીદવું છે? તો ડીજીટલ ગોલ્ડ ખરીદો. લોકરમાં રાખવા જવાની કોઈ ઝંઝટ જ નહીં. ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવા છે? તો મોબાઈલ બેન્કિંગ વાપરો. જસ્ટ વન ક્લિક અને પૈસા ટ્રાન્સફર. છે ને કમાલ! શેરબજારમાં રૂપિયા રોકવા છે તો એના માટે ડીમેટ એકાઉન્ટ પણ ઓનલાઈન ખોલાવો અને શેરોની લે-વેચ પણ ઓનલાઈન કરો.
તમારે મિત્રો સાથે સમય પસાર કરવો છે? લોકોને કહેવું છે કે, તમારા જીવનમાં શું ચાલી રહ્યું છે? તો એના માટે તમારી પાસે ફેસબૂક, વ્હોટ્સ અપ, ટેલીગ્રામ જેવા વિકલ્પો મોજૂદ છે. શું તમારી અંદરનો આર્ટિસ્ટ ઠેકડાં મારે છે? તો ઈન્સ્ટાગ્રામ પર રીલ બનાવો. શું તમને વિદેશમાં વસતાં તમારા સગાસંબંધીઓની બહુ યાદ આવે છે? તો વિડીયો કોલ પર વાતો કરો અને એમને હાજરાહજૂર મળો.
તમારી અંદરનો લેખક જીવ કૂદકા મારે છે અને તમારે કંઈક લખવું છે? તો એના માટે પણ તમારી પાસે પ્રતિલિપિ, માતૃભારતી, શોપિઝેન જેવાં વિકલ્પો છે. ઉપાડો મોબાઈલ અને લખી નાખો મનની વાત. જેમ અત્યારે હું આ ડાયરી લખી રહું છું.
તો વિચાર કર સખી કે, જો આપણાં હાથમાં આ છ ઈંચનું રમકડું આવી જવાથી આપણું આ જીવન કેટલું સરળ થઈ ગયું છે! આપણાં બધાં જ કામ જો આવી રીતે થઈ જતાં હોય તો આ મોબાઈલને તો પરમેશ્વર જ કહેવાય ને? પણ પછી ધીમે ધીમે આ પરમેશ્વર આપણાં મન પર એવો ભરડો લે છે કે, એના વિના આપણે આપણી જિંદગીની કલ્પના પણ નથી કરી શકતા. મોબાઈલનું આપણને એટલું વ્યસન થઈ જાય છે કે, એના વિના આપણને ચાલતું જ નથી. અને અંતે આપણે મોબાઈલના દાસ બની જ જઈએ છીએ.
તો થઈ ને એ વાત સાચી કે, મોબાઈલ મારો પરમેશ્વર મેં હું મોબાઈલનો દાસ.
તા. ૧૬/૦૬/૨૦૨૨, ગુરુવાર, 08:30 a.m.