એક ચાહત એક ઝનૂન - ભાગ 2 જાગૃતિ ઝંખના 'મીરાં'.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક ચાહત એક ઝનૂન - ભાગ 2


આગળનાં ભાગમાં આપણે જોયું કે રાશિ આચાર્ય...આચાર્ય પ્લાસ્ટોની માલકિન ફેક્ટરીમાં નવી ભરતી માટે એક પર પસંદગી ઉતારવાનું મનોમન નક્કી કરે છે. જ્યારે રાજેશ તેની પત્ની શોભાને સતત અપમાનિત કરે છે. હવે આગળ....

પોતાની ફેવરિટ કિયા સેલ્ટોઝ કારમાંથી ઉતરી રાશિ આચાર્ય જ્યારે લિફ્ટ તરફ દસેક ડગલાં ચાલીને જતી ત્યારે એ ઠસ્સો જોઈ કોઈ પણ પુરુષ તેનાથી અભિભૂત થયાં વગર ન રહે તે હકીકત હતી. હાઈ હિલ્સ સેન્ડલ ને બ્રાન્ડેડ પર્સ લટકાવી એ જ્યારે રેબનનાં ગોગલ્સ આંખો પરથી માથાં પર ચઢાવી ઓફિસમાં પગ મૂકતી ત્યારે તેનાં ઇએયુ ડે પરફ્યુમની ખુશ્બુથી હવે દરેક કર્મચારીઓની ઘ્રાણેન્દ્રિય પણ વાકેફ થઈ ચૂકી હતી.

આજે પણ દરેકને અંદાજ આવી ગયો કે મેડમ આવી રહ્યાં છે. ઓફિસનાં નિયમ મુજબ ન તેમને કોઈ ગુડ મોર્નિંગ વિશ કરી શકતું કે ન કોઈ ઊભાં થઈ તેમનું અભિવાદન કરતાં. એ કોઈ તરફ નજર ન કરતી પણ તોય કશું એની બાજ નજરોથી અજાણ ન રહેતું!

સીધી પોતાની ચેમ્બરમાં જઈ તેણે લેપટોપ ઓન કર્યું. આખા દિવસનાં કામ પર સરેરાશ નજર કરી. પછી તરત ઇન્ટર કોમનું બટન દબાવી મી.શર્માને અંદર બોલાવ્યાં.

"મે આઈ કમ ઇન મેમ..?" મી.શર્મા એ દબાતાં અવાજે પૂછ્યું.

"યસ, વોટ્સ અબાઉટ અવર ઈન્ટરવ્યુસ?"
મેમ, નવ ને ત્રીસે શાર્પ વન બાય વન ચાલુ કરીએ. આપે કહ્યું તેમ વીસ કેન્ડિડેટને મેઇલ કરી બોલાવેલ છે."

"ઓકે...યુ મે ગો નાઉ.."
*****
"શોભા બેટા, તારા નસીબ ખૂલી ગયાં. એમ સમજી લે. તું એક સામાન્ય ગ્રેજ્યુએટ છોકરી છો. વળી આપણે તો તારા પપ્પાની નોકરીનાં એક પગાર પર જીવનારાં સરખે-સરખાં છ માણસો. ન તો હું અભાગણી તમને એક ભાઈ પણ આપી શકી છું કે તારા બાપને ટેકો કરે કે તમને ભવિષ્યમાં તેનો ટેકો મળશે." દીકરો ન હોવાની વાત પર શારદાબેન હજુ આજે પણ વિચલિત થઈ જતાં. તેમને એમ થતું કે રાજેશ જેવો છોકરો જો શોભા સાથે લગ્ન કરી લેવાં તૈયાર છે તો એ શોભા ખુશ નસીબ ગણાય!

જ્યારે શોભા મનોમન સમજતી હતી કે રાજેશ સાથે લગ્ન કરીને તેનાં મા-બાપની આર્થિક હાલત પર તેમજ પોતાનાં સામાન્ય ભણતર પર પોતાને કાયમ લઘુતા ગ્રંથિ જ અનુભવવી પડશે. પોતે એક અત્યંત સ્વરૂપવાન છોકરી હતી એ વાત પર માને ફકરને બદલે ફિકર વધારે હતી! પોતાની પછી ત્રણ નાની બહેનોને કોઈ સારું પાત્ર મળી શકશે એવો મોહ પોતાને પણ થયો અને મા-બાપને પણ હતો!

આ મોહને વશ થઈ આખરે શોભા એક અત્યંત સીધી સાદી અને બેહદ સુંદર યુવતી રાજેશ સામે જાણે એવી રીતે રજુ કરવામાં આવેલ કે રાજેશ જો તેને પસંદ કરે તો તે શોભાનાં નસીબ આડેથી પાંદડું હટી ગયેલ ગણાશે. રાજેશ આચાર્ય એટલે વર્ષો જૂની શાખ ધરાવતી પેઢી આચાર્ય પ્લાસ્ટોનો માલિક કર્તા-હર્તા ને સર્વેસર્વા! તેને એક એવી યુવતી જ જોઈતી હતી કે જેની આર્થિક હેસિયત પોતાની સામે નગણ્ય હોય, જે પોતાની કોઈ વાત પર એક હરફ પણ ન ઉચ્ચારી શકે તેવાં માનસિક સ્તર પર જ જીવતી હોય. તેમ છતાં તે દેખાવમાં પણ સુંદર હોય.

ઈશ્વર પણ ક્યારેક ક્યું ત્રાજવું લઈ લ્હાણી કરવા બેસે તે સમજાતું નથી. રાજેશ માટે શોભા તો બગાસું ખાતાં પતાસું મળ્યાં જેવી સ્થિતિ બની. શોભાનું સુડોળ શરીર, તેનાં ઉજળો વાન અને ઝગારા મારતી ત્વચા જોઈ તે આભો જ બની ગયો! જોકે તેણે સિફતપૂર્વક પોતાનાં ભાવ છૂપાવ્યાં અને જાણે કે પોતાને શોભાને જોઈ કોઈ ખાસ ફરક ન પડ્યો હોય એવું પણ જતાવતો રહ્યો.

આખરે તેણે પોતાનાંથી થાય એટલાં ઢોંગ કરીને શોભાને પસંદ કરીને કોઈ પરોપકારનું કામ કરતો હોય એમ તેણે હા પાડી! આ રીતે શોભા એક ભોળી કબુતરી જેવી બાપડી-બિચારી જાણે બાજ પંખી જેવાં રાજેશ આચાર્યની પત્ની બની ગઈ. એમ માનોને કે તેણે નાની બહેનો માટે ખુદને કુરબાન કરી દીધી.

******
આચાર્ય પ્લાસ્ટોનું નામ વર્ષોથી આગળ પડતું તો હતું જ પણ જ્યારથી રાશિએ તેનું સુકાન સંભાળ્યું ત્યારથી તે એ મુકામ પર પ્હોંચી ચૂકી હતી કે જેમાં નોકરી મેળવવા તરવરિયા અને આગળ વધવા ઉત્સાહી એવાં યુવક-યુવતીઓની ભીડ લાગતી. એમાં પણ આજે તો રાશિ આચાર્યનાં પર્સનલ સેક્રેટરીની જગ્યા હતી. પછી તો પૂછવું જ શું? એકવાર આ જગ્યા પર તક મળી જશે તો પછી પ્રગતિ જ પ્રગતિ છે. એવાં મનમાં હજારો સપનાં સજાવીને બેઠેલાં વીસ યુવક-યુવતીઓનું ટોળું બહાર કતાર લગાવીને બેઠું હતું. કોઈ ગુફાની અંદર પણ ન હોય તેવી નીરવ શાંતિ જોઈ રાશિ આચાર્યનો સ્ટાફ પરનો દબદબો છતો થતો હતો. દરેકનાં મનમાં પોતપોતાનાં ઈશ્વરને કદાચ નોકરી મેળવવાની વિનવણીઓ ચાલતી હતી! એ વાતથી અજાણ કે રાશિનાં મનમાં શું ખેલ ચાલી રહ્યો છે!

ક્રમશઃ...
જાગૃતિ, 'ઝંખના મીરાં'..