મારી કવિતા Ronak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી કવિતા

1.
હું હું નથી અને તું તું નથી,
તો છીએ કોણ?સમજવુ રહ્યું.

માણસ શું માણસ જ છે?
આ તો ઈતિહાસમાં જોવું રહ્યું.

વાડ પરથી વેલો નીચે પડ્યો,
જોડાયેલો હતો કે છૂટો શોધવું રહ્યું.

ધોધમાર વરસાદ વરસી ગયો,
રોડ ભીંજાયો કે ઘર,જોવું રહ્યું.

હાથ જોડી આંખ બંધ કરી,
દર્શન કોના થયા, વિચારવું રહ્યું.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".
ઉંટવા.

2.

છુપાવી બેઠો છે.

એટલું બધું છુપાવી બેઠો છે,
ઝાકમઝોળ પણ અંધારી લાગે છે.

કોઈ બોલે મીઠા શબ્દો હવે તો,
બાણથી પણ ઘાતક વાગે છે.

આંખ ભીની નથી પણ રડતો દેખાય છે,
ચહેરા પરનો પસીનો અશ્રુ લાગે છે.

હવે વાત કરીશ કે વિવાદ કરીશ તું,
ઊંઘમાં પણ એતો હવે જાગે છે.

શરીર તો છે જ એનું એની સાથે,
આ તો આત્મા હવે દૂર ભાગે છે.

-
રોનક જોષી "રાહગીર".
ઉંટવા.

3.

લે આવી ગયો તારી સામે,
મન ભરી તું જોઈ લે મને,
થાઉં હું તારા આંખનું આસું ,
તું રૂમાલ થઈ સ્પર્શી લે મને.

મન, વચન અને હૈયાંથી,
આપી જીવનભરની બાંહેધરી,
હવે તારામાં સમાવી મને,
જીવનની ક્ષણમાં જીવી લે મને.

વિચારોના વૃંદાવનમાં ખોવાઈને,
ગોપીઓ સંગે કાનનો રાસ જોઈ લે,
ના પામી શકીએ એકબીજાને તો કાંઈ નહીં,
હવે તારામાં સમાવી લે મને.

-
રોનક જોષી "રાહગીર".

4.

એમના હાસ્યમાં મને પીડા દેખાઈ ગઈ,
એમને મારા શબ્દોમાં વીણા દેખાઈ ગઈ.

પ્રશ્નો અને જવાબોની તો શું વાત કરું હું,
એમને તો મારા મૌનમાં પણ વાચા દેખાઈ ગઈ.

મારા મૌન અને શબ્દો બંનેનું મારણ ચાલુ હતું,
એમને બંનેમાં જવાબોની મહેફિલ દેખાઈ ગઈ.

કાંઈ કહું આગળ, કે આટલે રહેવા દઉં હવે,
ભર ઉનાળે મને તો નદી છલકાતી દેખાઈ ગઈ.

શબ્દોની અસર જાણે એ થઈ એમના ચહેરા પર,
નજર જ્યાં ઊંચી કરી હરખની હેલી દેખાઈ ગઈ.

-
રોનક જોષી.
"રાહગીર".

5.


*ફરે છે*

તકલીફમાં તકદીર ફરે છે,
રોગી ભોગી આમતેમ ફરે છે.

સંભાળીને ચાલજે દીકરી તું,
અહીં માનસિક રોગી તરે છે.

વ્હાલ કરી અહીં વીંધી નાખી,
સભ્યતા અહીં ખેલ કરે છે.

ભર ઉનાળો છે આવીને જો,
ઘરમાં આ છત કેમ ઝરે છે.

ને 'રાહગીર' સંભાળીને ચાલજે,
કળયુગ અહીં નાટક કરે છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
રાહગીર.
ઉંટવા.

6.

તું.

બદલાની ભાવનામાં બળી જઈશ તું,
છોડ આ ઝંઝટ ખુદને મળી જઈશ તું.

રસ્તો શું કામ શોધે છે, ચાલ્યા કર તું,
મંઝિલને આપોઆપ જડી જઈશ તું.

હાથ ફેલાવ,ચહેરા પર સ્મિત લાવ તું,
પ્રકૃતિની રોમેરોમમાં ભળી જઈશ તું.

સુરજ ચાંદ તારાની જેમ કર્મ કરે જા,
વિશ્વ આકાશમાં ઝળહળી જઈશ તું.

હસતો રે હસાવતો રે આ રંગમંચને,
એક દિવસ તો હાથતાળી આપીશ તું.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".
ઉંટવા.


7.

*બતાવું*

મુશ્કેલીમાં તને માર્ગ બતાવું,
ચાલ તને નવી રાહ બતાવું.

નજરને આભનો સ્પર્શ કરાવું,
પરમાત્માની ચાહ બતાવું.

હતું શું ને ગયું છે શું તારું,
ચાલ બધી વાહવાહ બતાવું.

જીત હાર તો ભાગ છે જીવનનો,
માણસ મનની દાહ બતાવું.

બાપડો નથી કે નથી લાચાર તું,
ચાલ દિવ્યાંગનો ઉત્સાહ બતાવું.
-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
"રાહગીર".
ઉંટવા.


8.

*શબ્દો*

કહેવાય તો જાય છે શબ્દો,
શું સહેવાય જાય છે શબ્દો?

વાત માન ના માન તારી મરજી,
અસર તો જરૂર કરે જ છે શબ્દો.

તું મૌન સેવે કે હવે માંગી લે માંફી,
બાણ સમા ઘા કરી ગયા છે શબ્દો.

જા ભૂલી જઉ, માફ પણ કરી દઉં,
તોપણ ફરી 'યાદ' અપાવે છે શબ્દો.

શું કરું શું ના કરું અઢળક છે સવાલો,
સવારથી સાંજ મનમાં આવે છે શબ્દો.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
ઉંટવા.


9.

*અલગ અહેસાસ છે.*

તારા આવવાનો અલગ અહેસાસ છે,
એટલે જ તો મારા મનને હળવાશ છે.

ઝૂમી રહ્યું છે, ગાઈ રહ્યું છે, મસ્તી કરી રહ્યું છે,
જાણે વર્ષો પછી મનમાંથી દૂર થતી સંકડાશ છે.
તારા આવવાનો અલગ અહેસાસ છે.

હારી ગયું'તુ, થાકી ગયું'તુ, સૂનમૂન બેસી ગયું'તુ,
આજે એ મનમાંથી દૂર થતી બધીજ કડવાશ છે.
તારા આવવાનો અલગ અહેસાસ છે.

થોભી ગયેલા જીવનની તું રાહ છે,
કરમાતા ફૂલની તું સુવાસ છે,
આજે દિલને તારા દિલ સાથે સહેવાસ છે,
તારા આવવાનો અલગ અહેસાસ છે.

-
રોનક ચંદ્રકાન્તભાઈ જોષી.
રાહગીર.
ઉંટવા.