Our expectations from today's newspaper. books and stories free download online pdf in Gujarati

આજના વર્તમાનપત્ર પાસેથી અમારી અપેક્ષાઓ.

*'આજના વર્તમાનપત્ર પાસેથી અમારી અપેક્ષાઓ.'*

રોજ સવાર પડતા જ હાથમા ચા નો કપ અને સમાચાર પત્ર મોટાભાગના લોકોની આ આદત હોય છે કેટલાક લોકો ઓફિસ પર જઈને અથવા કેટલાક લોકો ચા ની લારી કે પાનના ગલ્લા પર જઈને સમાચાર વાંચતા હોય છે. સમાચારમા પણ દરેક વ્યક્તિ પોતાના રસ પ્રમાણે જે-તે વિષય પર વધુ ધ્યાન આપી વાંચતો હોય છે જેમકે કોઈને રમતનો શોખ હોય છે તો કોઈને રાજકારણ તો કોઈને શેરબજાર તો કોઈને પૂર્તિમા જેને જેવો શોખ એવુ એનુ વાંચન અને એ વાંચનને અનુરૂપ દરેકની અલગ અલગ અપેક્ષા રહેલી હોય છે કોઈ વખત એમના વિચાર પ્રમાણે જો છપાઈને આવ્યું હોય તો ઘણા ખુશ થઈ જાય અને જો એ પ્રમાણે ના હોય તો ફરિયાદ જોકે આ રોજિંદા જીવનમાં ચાલ્યા જ કરવાનું. અહીં આપણા નિબંધનો વિષય છે '*આજના વર્તમાનપત્ર પાસેથી અપેક્ષાઓ.'*

મારા મત મુજબ વર્તમાનપત્રમા જેટલી સચ્ચાઈ અને હકારાત્મકતા બતાવવામાં આવે એટલો જ સીધો પડઘો માનવ સમાજ પર વધુ પડે. વર્તમાનપત્રનાં પહેલા પેજ પર હંમેશા કોઈ સારા કોઈની સિદ્ધિ મેળવ્યાના અથવા કોઈ વૈજ્ઞાનિકની નવી શોધનાં વિચાર છાપવા જોઈએ જેથી સવારથી દરેક માણસ એક હકારાત્મક ઉર્જા સાથે જોશવાળા વિચાર સાથે દિવસની શરૂઆત કરે. હકારાત્મક વિચારોના કારણે એક અલગ જ ઉત્સાહ આવતો હોય છે અને એ વ્યક્તિ આખો દિવસ પોતે ઉત્સાહમાં રહેતો હોય છે અને બીજા લોકોને પણ ઉત્સાહમાં રાખતો હોય છે. આજે ઘણા બધા લોકો પાસે સારી અદ્ભૂત કળા છે પરંતુ કેટલાક એમાંથી અભણ છે અથવા ગરીબ પરિવારથી હોવાના કારણે આગળ નથી આવી શકતા.આપણે મેળામાં જઈએ ત્યારે જોઈએ છીએ અથવા ઘણીવાર રસ્તા પર પણ ગરીબ અભણ છોકરાઓ વાંસળી વગાડતાં જોવા મળતા હોય છે આપણામાંથી મોટાભાગે આ દ્રશ્ય જોયેલું જ હશે આપણે એમને કહીએ કે ભાઈ તું આ ગીત પર વગાડ જે તો એ તરત એની વાંસળીમાંથી સુર રેલાવશે તો આવા લોકોની કળા જયારે બહાર આવતી થાય વર્તમાનપત્ર દ્વારા તો આવા લોકોને રોજીરોટી પણ મળે અને સમાજને નવું કંઈક કરવાની પ્રેરણા પણ જો તમે ઈન્ડિયન આઇડોલ 2021 જોયું હોય તો એમાં રાજસ્થાનનો એક છોકરો હતો સવાઈ ભાટ જે એક ખુબ જ ગરીબ પરિવારથી હતો પરંતુ એનામાં ભગવાને જાદુઈ સ્વર આપેલો હતો અને એ એની કળાને એક તક મળતા સારુ પ્રદર્શન કરી બતાવ્યું. આવા આપણા આસપાસ ઘણા કિસ્સા છે જેને વર્તમાનપત્ર દ્વારા બહાર લાવી સમાજ માટે દેશ માટે એક પ્રેરણારૂપ બતાવી શકાય અને એમના મનોબળને વધુ મજબૂતી સાથે બહાર લાવી શકાય.

આજે આપણા દેશમાં ક્રિકેટનાં કોઈપણ ખિલાડી વિશે કોઈપણ વ્યક્તિને પૂછીશુ તો દરેક વ્યક્તિ મોટાભાગે જાણતો જ હશે બરાબરને? ખેલ જગત પ્રત્યે માન હોવું જોઈએ અને જાણતા પણ હોવા જોઈએ પરંતુ સાથે આપણે બીજી રમતો અને ખેલાડી વિશે પણ એટલો જ રસ દાખવવો જોઈએ. આ વર્ષે આપણા દેશના ઓલમ્પિકમાં અને પેરાઓલમ્પિકમાં ભાગ લીધેલ દરેક ખેલાડીએ સારુ પ્રદર્શન કર્યું અને મેડલ પણ આપણા દેશને અપાવ્યા અને જેના કારણે આ વખતે દેશના દરેક વ્યક્તિને વર્તમાનપત્ર દ્વારા આ ખિલાડીઓને ઓળખતી થઈ અને એમના પ્રત્યે પણ માન સન્માનની લાગણી વધી. જેમ આપણે ખેલાડીઓ પ્રત્યે રુચિ દાખવીએ છે એજ રીતે જો વર્તમાનપત્રમાં રોજ પહેલા પાના પર ભારતના કોઈપણ વૈજ્ઞાનિકની સિદ્ધિ અને એના જીવન ચરિત્ર એના સંઘર્ષ વિશે જો બતાવવાનું ચાલુ કરવામાં આવે તો આજના નવયુવાનોને એક નવી ઈચ્છા પ્રગતિનાં પંથે લઈ જઈ શકે એમ છે.આજે આપણે હિરો-હિરોઈનોને ઓળખીએ છીએ પરંતુ શાળામાં અભ્યાસ કરતા બાળકને પણ જો પૂછવામાં આવે કે ચાલ પાંચ વૈજ્ઞાનિકનાં નામ બોલ તો એ બાળક નહિ બોલી શકે આ વસ્તુ આપણે વર્તમાનપત્ર દ્વારા બદલાવ લાવી શકીએ છીએ અને જે સમાજ માટે ઉપયોગી છે.

એજ રીતે ગુજરાતી પિક્ચર કે હિન્દી પિક્ચરનાં ગીત આપણને મોઢે છે સવારથી સાંજ સુધી ગુનગુનવતા રહીએ છીએ પણ શું આપણા ધર્મનાં શ્લોક આવડે છે? તો દરેક ધર્મના એક એક શ્લોક રોજ વર્તમાનપત્રમાં આપવામાં આવે સાથે એની સમજણ પણ આપવામાં આવે તો ભક્તિ તરફ પણ દરેક વ્યક્તિ થોડા ઘણા અંશે દોરવાય. પૂર્તિમાં ધર્મદર્શનને લગતી વિગતો છપાય છે પરંતુ મોટાભાગનાં લોકો વાંચવી પસંદ નથી કરતા એટલા માટે જો દરેક વારની જે પૂર્તિ હોય છે એ જ રીતે એ પૂર્તિનાં અમુક ખાસ મુદ્દા જો વર્તમાનપત્રમાં જ છાપવામાં આવે તો ઘણો સારો ફર્ક રોજિંદા જીવન પર જોવા મળી શકે છે.

આપણે આપણા રાજ્યની કે દેશના બીજા રાજ્યની ભાતીગળ સંસ્કૃતિ, કળા એમના અતુલ્ય વારસા વિશે એના ઈતિહાસ વિશે એમના કુદરતી સંસાધન વિશે ટૂંકમાં દરરોજ થોડા ઘણા અંશે વર્તમાનપત્રમાં બતવતા રહેવાથી જાણકારીનો સ્ત્રોત પણ મળી રહે અને રોજ કંઈક નવું જાણવા મળશે એ જીજ્ઞાશા વૃત્તિ પણ જન્મે. આપણા દેશનો ઈતિહાસ ખુબ જ પ્રાચીન અને સમજવા લાયક અને જીવનમાં ઉતારી જીવવા લાયક છે ઘણા બધા ઋષિમુનિઓ થઈ ગયા કેટકેટલા સંતો થઈ ગયા કેટકેટલા શુરવીરો થઈ ગયા કેટલાય લોકો દેશ માટે થઈ પોતાનું અને પરિવારનું બલિદાન આપ્યું. ઘણી બધી બાબતો છે જે જો પૂર્તિ સિવાય વર્તમાનપત્રમાં રોજેરોજ થોડા અંશ લખવામાં આવે તો યુવાનો અને આવનારી પેઢીને પણ ઘણું જાણવા શીખવા અને જીવનમાં ઉતારી કંઈક નવું કરવાની દેશ ભાવના જાગૃત થઈ શકે એમ છે.

આજે મોટાભાગે વર્તમાનપત્રમાં પહેલા પાના પર કોઈ રાજકારણ અથવા ભડકાઉ ભાષણનાં સમાચાર જ જોવા મળતા હોય છે જેના કારણે સવાર સવારમાં જે આપણા મગજને આનંદ કે શાંતિની જરૂર હોય છે એની જગ્યાએ આવા સમાચાર વાંચી ક્રોધ એક બદલાની ભાવના જન્મે છે અને આખો દિવસ અથવા દિવસો ના દિવસો આ વિચાર ફર્યા કરે છે અને માણસની માનસિકતા પર અસર કરે છે. દેશ દુનિયામાં ગમે તે બન્યું હોય પણ જો સારુ હોય હકારાત્મક હોય એવુ જ વર્તમાનપત્રના પહેલા અને છેલ્લા પાના પર છપાવવું જોઈએ.આજે રાજકારણ અને આવા ભડકાઉ સમાચાર પબ્લિકનાં મન પર એટલી હદે ખોટી અસર કરી ગયા છે કે માણસો સવારથી સાંજ સુધી એની જ ખોટી કામ વગરની ચર્ચા કરે છે જે સમય જતા સમાજ માટે દેશ માટે ખતરારૂપ સાબિત થઈ શકે છે.

વર્તમાનપત્રમાં પુરેપુરી સચ્ચાઈ અને સાબિતી સાથેના સમાચાર હોવા જોઈએ. કોઈપણ ગરીબ કે અન્યાયથી પીડાતા વ્યક્તિની વાતને મહત્વ આપી આગળ આવવું જોઈએ. નાનામાં નાના કામ પણ દેશમાં થયું છે કે ફક્ત સરકારી ચોપડા પર જ છે કઈ યોજના ક્યારે શરૂ થવી જોઈતી હતી અને ક્યારે પુરી થવી જોઈતી હતી એમાં કેટલો ખર્ચો બતાવ્યો હતો અને એના સમય પ્રમાણે જે તે અધિકારીએ સાચી રીતે સાચુ કામ કર્યું છે કે નહિ એ પણ જોવું જોઈએ. જો કોઈ જગ્યાએ ભ્રષ્ટાચાર થયો છે તો કોઈપણ જાતના ભય વગર એને સમાચારમાં છાપવા જોઈએ. સમાજ માટે એક દર્પણ કહેવાય છે વર્તમાનપત્ર તો 100%સાર્થક થવું જોઈએ.કોઈ રાજકીય દબાણ કે પૈસાની લાલચમાં આવી કોઈપણ વાતને દબાવી દેવી ના જોઈએ.

કોઈપણ વ્યક્તિની સાચી અપેક્ષા જેટલી જલદી પુરી થતી હોય તો એટલી જ જલદી એ વ્યક્તિ સમાજ માટે દેશ માટે ઉપયોગી બનતો હોય છે.કોઈપણ વાતનો વિલંબ અથવા ખોટી માહિતી માણસને ખોટા રસ્તે લઈ જતા હોય છે. વિલંબ અથવા ખોટી માહિતીથી પ્રેરિત કરેલું કાર્ય હંમેશા નુકશાનકારક જ હોય છે. આજના જમાનામાં એવુ થઈ ગયું છે કે જેને જેવું બતાવીએ અથવા સંભળાવીએ એવુ જોવે છે અને અનુસરે છે. બહુજ ઓછા માણસો છે કે જે ઊંડાણ પૂર્વક વિચારી પગલું ભરતા હોય છે. આથી વર્તમાનપત્રમાં જેટલું સચ્ચાઈ સાથે બતાવવામાં આવે હકારાત્મક વાતો લખવામાં આવે એટલો જ માણસનાં મન પર એનો સારો પ્રભાવ પડે છે.

આપણે ત્યાં કહેવાય છે ને કે *જેની જેવી દ્રષ્ટિ તેવી તેની સૃષ્ટિ* હા જેની જેવી જોવાની અને સમજવાની શક્તિ એવુ માણસ વિચારે છે અને અનુસરે છે જેમકે પાણીનો અડધો ગ્લાસ ભરેલો હોય તો કેટલાક એમ કહે કે ગ્લાસ અડધો ખાલી છે અને કેટલાક એમ કહે ગ્લાસ અડધો ભરેલો છે. બંને વાતના જવાબમાં જે ભેદ છે એવો જ ભેદ લખાણથી પેદા થાય છે જો કોઈપણ સમાચારને હકારાત્મક રીતે છાપવામાં આવે તો માણસ પર હકારાત્મક અસર જોવા મળે અને જો નકારાત્મક રીતે છાપવામાં આવે તો નકારાત્મક અસર પડે એટલે હંમેશા વર્તમાનપત્રમાં સચ્ચાઈ અને હકારાત્મક વાત છપાવી જોઈએ.



બીજા રસપ્રદ વિકલ્પો