One unique biodata - 2 - 20 books and stories free download online pdf in Gujarati

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૨૦

"દેવે અહીંયા આવી ફક્ત એની જ ઝિંદગી નથી બદલી પણ અમારા બધાની બદલી છે.અને આ બધામાં એક નિર્દોષને ઘણું સહન કરવું પડ્યું છે"

"તમે નિતુની વાત કરો છો ને?"

"હા,નિત્યાએ દેવ માટે ઘણું કર્યું છે.દેવને એની કદર છે અને નિત્યાની ફિકર પણ છે બસ જતાવતો નથી"

"હા,મેં પપ્પાની આંખોમાં નીતુ માટે પ્રેમ જોયો છે"

"પ્રેમ છે પણ સ્વીકારે તો ને"જસુબેન મનમાં બોલ્યા છતાં કાવ્યાને સંભળાયું તેથી કાવ્યાએ પૂછ્યું,"મતલબ?"

"કંઈ નહીં"

"બોલોને,સ્વીકાર નથી કરતા મતલબ?"

"આપણને દેખાય છે કે દેવ નિત્યાને પ્રેમ કરે છે પણ એ પોતે એ પ્રેમનો સ્વીકાર નથી કરતો.કારણ કે......"

"સલોનીના કારણે જ ને?"

"હા"

"તો શું પપ્પા હજી સલોનીને લવ......"

"ના બેટા,જો એ સલોનીને પ્રેમ કરતો હોત તો એનાથી ક્યારેય નફરત ના થઇ હોત"

"તો એ ફક્ત એટ્રેક્શન જ હતું?"

"એવું જ કંઈક.પણ એના મગજમાં એ વાત બેસી ગઈ છે કે એને ફક્ત એક માણસને પ્રેમ કર્યો અને એ અધુરો રહી ગયો.હવે બીજી વાર પ્રેમ ના થાય.પ્રેમ ફક્ત એક જ વાર થાય"

"પણ મમ્મી તો પપ્પાને હજી પણ ખૂબ જ પ્રેમ કરે છે"

"એ બંને એક-બીજાને અનહદ પ્રેમ કરે છે પણ બંને એકબીજાને કહેતા નથી.બંનેને એકબીજાની ખૂબ જ ચિંતા છે પણ જતાવતા નથી.મને આજ પણ યાદ છે જ્યારે દેવ સાથે આ થયેલું એ વાત નિત્યાને ખબર ન હતી છતાં દેવના કહ્યા વગર જ નિત્યા દેવની તકલીફથી વાકેફ હતી.દેવે રેસ્ટોરન્ટમાં એની સાથે ખરાબ વર્તન કર્યું છતાં એને દેવને એકલો નહોતો મુકવો.પણ બિચારી મજબૂર હતી"

"કેમ?"

"દેવે મને સલોનીની અસલિયત બતાવ્યા પછી એક ખૂબ જ અગત્યની વાત કરી હતી પણ એ વાત સાંભળી હું ખુશ થાઉં કે દુઃખી એ ખબર જ નહોતી પડતી"

"એવી તો શું વાત હતી?"

"બધું આજે જ સાંભળી લેવું છે.ચાલ સુઈ જા જઈને.હું પછી કોઈક વાર કહીશ"

"ના જસુ પ્લીઝ.મને આજે જ સાંભળવું છે"

"કાવ્યા......."જસુબેન ઊંચા અવાજે બોલ્યા.

"જસુ........"કાવ્યા પણ એમના સુરમાં સુર મળાવતી હોય એમ બોલી.અને બંને હસી પડ્યા.

જસુબેને આગળ એમના અને દેવ વચ્ચે થયેલ વાતચીત કાવ્યાને જણાવવાની શરૂઆત કરી............

"દેવ એક વાત કહું તને?"

"હા મમ્મી બોલ"

"બેટા તારી સાથે ભલે જે પણ થયું,પણ તે રેસ્ટોરન્ટમાં નિત્યા સાથે જે વર્તન કર્યું એ બહુ જ ખરાબ હતું"

"હા મમ્મી,પણ હું ગુસ્સામાં હતો એ ટાઈમે"

"ક્યારેય પણ એ માણસ પર ગુસ્સો ના કરવો જોઈએ જે તમારી ચિંતા તમારા કરતા પણ વધારે કરતા હોય"

"સાચી વાત છે મમ્મી,મને હવે ફીલ થાય છે કે એને શું ફીલ થયું હશે.એ ખૂબ સારી છે મમ્મી"

"હા એ તો છે"

"એને મને પહેલેથી જ ચેતવ્યો હતો કે સલોની તારા માટે બરાબર નથી.છતાં મેં એની વાતનો વિશ્વાસ ન કર્યો અને ઊલટું એની જોડે ઝગડો કરીને બેસી ગયો"

"અચ્છા તો આ બાબતે તમારા વચ્ચે ઝગડો થયેલો?"

"હા મમ્મી"

"પણ એને કેમની ખબર કે સલોની ખરાબ છે?"

"એને એવું ક્યારેય નથી કહ્યું કે સલોની ખરાબ છે.મમ્મી નિત્યા એટલી સારી છે કે સલોનીના ખરાબ વર્તનો માટે એના પર ગુસ્સો કરવાને બદલે પોતે દુઃખી થતી હતી કારણ કે મારી અને સલોનીની ફ્રેન્ડશીપ અફેક્ટ ના થાય. પણ નિત્યાએ આડકતરી રીતે મને એમ તો કહ્યું જ હતું કે સલોની તારા માટે બરાબર નથી.તું એનાથી દૂર રેજે નહીતો તું આગળ જતાં તું દુઃખી થઈશ"

"કેમ સલોની અને નિત્યા વચ્ચે પહેલેથી જ પ્રોબ્લેમ્સ હતા?"

"તને લાગે છે નિત્યાને ક્યારેય કોઈનાથી પ્રોબ્લેમ હોય?.પ્રોબ્લેમ તો સલોનીની સોચમાં છે.સલોની અમને મામુલી મિડલક્લાસ પ્રોફેસર માને છે.કારણ કે એ પોતે હાઈક્લાસ ફેમિલીથી બિલોન્ગ કરે છે"

"બેટા ક્લાસ પૈસાથી નહીં પદવી અને સન્માનથી નક્કી થાય.ઘણી વખત કરોડો રૂપિયા કમાવનારને પણ કોઈ ઈજ્જત નથી આપતું અને બહાર ચોકીદારી કરતા વોચમેન સામે પણ સલામ કરીને જાય છે.ખરેખર આપણે મિડલક્લાસ નથી.મિડલક્લાસ સલોનીના વિચારો છે"

"પણ હું એને સાબિત કરીને રહીશ કે મારામાં એના કરતાં સારી કાબીલીયત છે"

"તું શું કરી શકે છે એ તારે કોઈને કરી બતાવવાની જરૂર નથી"

"પણ મમ્મી જ્યાં સુધી હું એને સક્સેસફૂલ બિઝનેસમેન બનીને નહીં બતાવું ત્યાં સુધી મારા મનને શાંતિ નહીં મળે"

"પણ જેને તારી કાબીલીયત પર વિશ્વાસ છે એમના વિશ્વાસનું શું........"

"એ તો કોઈ પણ સિચ્યુએશનમાં મારી સાથે જ હશે એનો મને વિશ્વાસ છે"

"ઓકે તને જેમ ઠીક લાગે એમ કર પણ મારી એક વાત યાદ રાખજે"

"હા બોલ"દેવે જસુબેનના હાથ પર હાથ મુકતા કહ્યું.

જસુબેને બીજા હાથથી દેવના ખભા પર હાથ મુક્યો અને બોલ્યા,"નિત્યા જેવા મિત્રો બધાને નથી મળતા.તું નસીબદાર છે કે તને નિત્યા મિત્રના રૂપમાં મળી છે.લાઈફમાં કોઈ પણ સિચ્યુએશન આવી જાય આ મીત્રતાને ક્યારેય ગુમાવતો નહીં અને એની દરેક નાનામાં નાની વાત પર હંમેશા વિશ્વાસ રાખજે,તું હંમેશા સુખી થઈશ.બસ આ વાત ક્યારેય ભૂલતો નહીં"

"ક્યારેય નહીં ભૂલું.એક વાર ભૂલ કરી બેસ્યો છું.હવે ક્યારેય આ ભૂલ રિપીટ નહિ કરું"

"એ જ તારા માટે સારું રહેશે,કોઈ પણ ટેનશન લીધા વગર સુઈ જા હવે.જય શ્રીકૃષ્ણ"આટલું કહીને જસુબેન દેવ પાસેથી ઉભા થયા પણ દેવે એમનો હાથ પકડ્યો અને એમને પાછા પોતાની પાસે બેસવા કહ્યું અને જસુબેનના બંને હાથ પકડતા બોલ્યો,"મમ્મી,એક બીજી અગત્યની વાત છે જે મેં તારાથી છુપાવી છે"

જસુબેન મનમાં વિચારવા લાગ્યા કે વળી પાછું શું હશે અને દેવને પૂછ્યું,"કેવી અગત્યની વાત?"

"હું નિત્યાનો ઝગડો ફક્ત સલોની બાબતે નહોતો થયો"

"તો બીજી કંઈ બાબતે થયો હતો?"

"મેં એની સાથે એ બાબત પર ઝગડો કર્યો જે બાબત પર મારે એને થેંક્યું કહેવું જોઈતું હતું.પણ મેં શું કર્યું.....ગુસ્સે થઈ ગયો અને ગુસ્સામાં ઘણું બધું બોલી દીધું એને મેં"

"દેવ તું સરખી રીતે બોલ ને.તું શું કહેવા માગે છે મને કંઈ જ સમજાતું નથી"

"મમ્મી અમે જ્યારે મનાલી ગયા હતા ત્યારે નિત્યાએ મને એના મનની વાત કરી હતી કે હું ફક્ત એનો ફ્રેન્ડ નથી.હું એના માટે ફ્રેન્ડથી વધીને છું"

"હા તો તું એના માટે ફ્રેન્ડથી વધીને જ છે ને"

"હેહેહે??"દેવને પણ ખબર ના પડી કે જસુબેન કેમ આમ બોલ્યા એ વિચારવા લાગ્યો કે શું મમ્મીને પણ ખબર હશે કે નિત્યા મને લવ કરે છે.

"તું એના માટે ફક્ત ફ્રેન્ડ નહીં ફેમિલી પણ છે,જેમ એ આપણી ફેમિલી છે"

"એમ નહીં મમ્મી"

"તો શું?"

"નિત્યાએ મને એ દિવસે કહ્યું કે,'એ મને ખુબ જ પ્રેમ કરે છે'અને મેં"દેવ આગળ કઈ બોલે એ પહેલાં જસુબેન એટલા ખુશ થઈ ગયા કે એ સ્તબ્ધ થઈ ગયા અને બોલ્યા,"દેવ સાચે જ નિત્યાએ તને એમ કહ્યું"

"હા મમ્મી"

દેવના આટલું જ કહેતા જસુબેનની ખુશીનો પાર ના રહ્યો.એમનું મન જાણે ખુશીથી ઉછળી પડવા માગતું હોય એમ મલકાવા લાગ્યું.જસુબેન બોલ્યા,"દેવ દેવ દેવ.હું એટલી ખુશ છું કે એની કોઈ મર્યાદા નથી"

"મમ્મી બઉ ખુશ ના થઈશ"

"કેમ?"

"કેમ કે......."

"એક મિનિટ.....તે એને શું જવાબ આપ્યો?"

"મમ્મી મારાથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી એ સમયે"

"કેવી ભૂલ?"

"મેં નિત્યાના પ્રેમને વિશ્વાસઘાતનું નામ આપી દીધું"

"શું?"

"હા મમ્મી.એને મને સલોનીની સચ્ચાઈ કહી અને પછી તરત જ એના મનની વાત કરી એટલે મને એ સમયે લાગ્યું હતું કે નિત્યા મને પ્રેમ કરે છે એટલે એ મને સલોનીથી દુર કરે છે અને એટલે જ સલોની વિશે ખોટી ખોટી વાતો કરીને મને એનાથી દૂર રાખવાનો પ્રયત્ન કરે છે"

"દેવ તે બહુ જ ખરાબ કર્યું છે નિત્યા સાથે.તારે સાબિતી જોઈતી હતી ને.મળી ગઈ સાબિતી?.આવી ગઈ સલોનીની સચ્ચાઈ તારી સામે?.નિત્યાનો પ્રેમ જીત્યો છે દેવ"

"હા મમ્મી"

"તો જા જઈને એને કે"

"એનો પ્રેમ જીત્યો છે,મારો નહીં"

"મતલબ?"

"આઈ ડોન્ટ લવ નિત્યા મમ્મી.પ્રેમ એક જ વાર થાય અને મેં એ કરી લીધો છે.મને નથી લાગતું કે હવે જીવનમાં હું બીજી વાર કોઈને પ્રેમ કરી શકીશ.અને એટલે જ હું નિત્યાને મારાથી દૂર રાખું છું.એ મને સાચો પ્રેમ કરે છે.એ મારા માટે કઈ પણ કરી શકે છે.અને આજ એ વાત સાબિત થઈ ચૂકી છે.મેં એના પ્રેમનું અપમાન કર્યું છતાં પણ નિત્યા મારી ચિંતામાં મને શોધતા શોધતા રેસ્ટોરન્ટ આવી પહોંચી હતી.પણ હું હવે એને વધારે દુઃખી કરવા નથી માંગતો.એટલે જ મેં રેસ્ટોરન્ટમાં એની સાથે એવો બીહેવ કર્યો હતો જેથી મને દુઃખી જોઈને એ મારી પાછળ ના આવે.જો એ મારી પાસે આવશે એમાં એનો જ ટાઈમ વેસ્ટ થશે કેમ કે હું એની ચિંતા,એના પ્રેમ અને એની મિત્રતાના લાયક જ નથી"

જો તમને આ વાર્તા પસંદ આવી રહી હોય તો તમે તમારા અભિપ્રાય આપવાનું ચૂકતા નહીં.
ધન્યવાદ🙏🏻
જય શ્રીકૃષ્ણ🌹

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED