મારી ડાયરી - 3 - કલા Dr. Pruthvi Gohel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મારી ડાયરી - 3 - કલા

હજી હમણાં બે દિવસ પહેલાં જ ઘરનું સફાઈકામ કરતી વખતે અચાનક જ મારા હાથમાં એક પુસ્તક આવ્યું. એ પુસ્તકનું નામ હતું સાવ એકલો દરિયો-મારી બારીએથી. અને એના લેખક હતા સ્વ. શ્રી સુરેશ દલાલ.

એક લેખક સારું ત્યારે જ લખી શકે છે જ્યારે એ સારો વાંચક પણ હોય. અને આમ પણ વાંચન મારી પ્રિય ઈતર પ્રવૃત્તિ હતી એટલે મેં એ વાંચવાનું શરૂ કર્યું. કલાકારોના ઘરમાં મારો જન્મ થયો હતો અને એના કારણે બાળપણથી જ મને કલા પ્રત્યે ઊંડો પ્રેમ હતો અને એમાં પાછું આવું જ એક પુસ્તકનું મારા હાથમાં આવવું. મને તો ખૂબ જ મજા પડી ગઈ.

કલા વિશેના આ પુસ્તકમાંથી મને ઘણું બધુ શીખવા મળ્યું. કલા અને સંસ્કૃતિ વિશેનું મહત્વ શું છે એની ઊંડી સમજ મને આ પુસ્તક દ્વારા મળી. કલા અને સંસ્કૃતિ પ્રત્યે મને આકર્ષણ તો પહેલેથી જ હતું, પરંતુ આ પુસ્તક વાંચ્યા પછી મને હવે કલા પ્રત્યે અનુરાગ થયો. સંસ્કૃતિની તો હું આમ પણ પહેલેથી જ પૂજક હતી. પરંતુ આ પુસ્તક વાંચ્યા પછી સંસ્કૃતિનું મહત્વ ખરા અર્થમાં મને સમજાયું.

સ્વ. કવિ સુરેશ દલાલ કેટલું ઊંચી કક્ષાનું વિચારી શકે છે! એમના એક એક લેખ પર હું મોહિત થઈ ઉઠી. જેમ જેમ હું વાંચતી ગઈ તેમ તેમ હું એમના પ્રેમમાં પડતી ગઈ એમ કહું તો એમાં કંઈ જ ખોટું નથી. સાથે મને એમ પણ વિચાર આવ્યો કે, એમના જેટલી કક્ષાએ હું ક્યારે પહોંચી શકીશ? શું હું પણ ક્યારેક એમના જેટલી ઉચ્ચ કક્ષાનું લખી શકીશ? મારે તો હજુ એ માટે બહુ લાંબી મજલ કાપવી પડશે. તેમની લખાણની શૈલી મારા મનને અત્યંત સ્પર્શી ગઈ એમ કહું તો એમાં કોઈ જ અતિશયોક્તિ નથી.

કલા તો કુદરતે દરેક મનુષ્યને આપેલી અમૂલ્ય ભેટ છે. કોઈને ચિત્રકામ કરવાની કલા, કોઈને કવિતા રચવાની કલા તો કોઈને અભિનય કરવાની કળા હોય છે. પોતાની કલા પ્રત્યે દરેક મનુષ્યને પ્રેમ હોય છે. મનુષ્યની પોતાની કલા છે, એને ગમે છે, તો પછી બીજા ગમે તે કહે તેના પર ધ્યાન આપવું જોઈએ નહીં. લોકો તો કલા વિષે સારું અને ખરાબ બંને બોલવાના જ છે. કોઈ ખરાબ બોલે એટલે શું આપણે આપણી કલાને છોડી દેવી? ના, કદાપિ નહીં. કલાની અને સંસ્કૃતિની તો આપણે પૂજા કરવી જોઈએ.

પુસ્તકમાં સુરેશ દલાલ એક સરસ વાત લખે છે. એમાં ગર્ભમાં રહેલ બાળકને એની માતા જે કહે છે તેની વાત છે. તેઓ લખે છે કે, ગર્ભમાં રહેલ બાળકને તેની માતા કહે છે કે ઓ દીકરા! અમે પ્રેમના ભૂખ્યા છીએ. તારો જન્મ એ વાસ્તવમાં તારું મૃત્યુ છે. સંસારમાં આવ્યા પછી માણસ સંગાથે જીવે છે અને પછી મૃત્યુ! અને મૃત્યુ સાવ એકલવાયુ કામ છે. સાવ એકલવાયુ! ઉદાસ થઈ જવાય એવી કવિતા છે પરંતુ એમાં નર્યું સત્ય રહેલું છે.

તેઓ એમ પણ કહે છે કે આ સંસાર પ્રેમનો ભૂખ્યો છે. બધા જ પ્રેમના તરસ્યા છે. ઘર શબ્દની વ્યાખ્યા આપતાં તેઓ કહે છે કે, ઘર શબ્દ નાનકડો હોવા છતાં કેટલો મોટો છે? બે અક્ષરનું આ નામ. બે અક્ષરનો આ શબ્દ ઘર. પોતાના ઘરને ખુશીથી જાળવી રાખવા માટે મનુષ્ય કેટલી મહેનત કરે છે!

આવી તો અનેક વાતો એમણે આ પુસ્તકમાં કહી છે. તેઓએ તેમના વિચારો તલસ્પર્શી રીતે વ્યક્ત કર્યા છે. જે એને સમજી શકે તેને તેના પ્રત્યે મોહ બંધાઈ જાય. ખરેખર એમનું વ્યક્તિત્વ પ્રભાવશાળી છે. કલાનું એમનું જ્ઞાન અત્યંત ઊંડું છે. આ પુસ્તક વાંચીને મને પણ તેમના પ્રત્યે એક સંસ્કૃતિના પૂજક તરીકે માન ઉપજી આવ્યું.