//રાધે-શ્યામ-૫//
નદી-કાંઠે ધોળી માટીના ઓરિયા હતા. આખી પૂરા ગોહિલવાડ પંથકમાં એ માટી પંકાતી. ગાર-ઓળીપામાં એનો તે કાંઇ રંગ ઊઘડતો ! દયાશંકરે નવું પરણેતર, એટલે પોતાના ઓરડામાં એ ધૂળની ગાર કરાવવી ગમતી. કેડ્યે પોતાની નાની કીકલીને તેડી. ખંભે કોસ ઉપાડી, માથા પર પછેડી લઇ મંજુલાએ ઓરિયાની માટી લેવા ઘણી વાર જતી. સવાર-સાંજ તો ઘરકામ હોય, તેથી ભર બપોરે જતી. ગામથી અરધો ગાઉ દૂરના એ ઓરિયા પાસે થઇને જ રાધેશ્યામના હલકારાનો કેડો જાતો. એ રીતે કોઇકોઇ વાર એ નદીપ્રવાહ, એ બળતો વગડો અને એ હૈયાશૂન્ય ત્રણેયના નિત્ય સંગાથમાં એક ચોથી વ્યક્તિ ભળતી પતિ વિનાની મંજૂલા. મંજુલાની કીકલી સારુ રાધેશ્યામ પોતાની કેડ્યે પીપરર્મીટની પડીકી ચડાવી રાખતો. કોઇકોઇ વાર થેલો ઝાડના થડ પાસે મેલીને માટી ખોદી આપતો, ગાંસડી ચડાવતો પણ અગાઉની માફક તેહાલ પણ મૂંગો જ રહેતો. મંજુલા સામી મીટ માંડતો ખરો, પણ સસલાની માફક બીતોબીતો.
હા ! ધીરે ધીરે એક પાપ એના અંતરમાં ઊગ્યું આ ઓરિયાની અંદર મંજુલા થોડેક વધુ ઊંડાણે ઊતરી જાય.... એકાએક એના ઉપર ભેખડ ફસકી પડે... એ ક્ષણે જ પોતે નીકળે... નાની કીકલી રોતી હોય, મંજુલાનું ધોળું ઓઢણું અથવા માથાનો લીસો મૂંડો જરીક બહાર દેખાતો હોય, તે નિશાનીએ દોડીને પોતે મંજુલાને એ દડબાં નીચેથી બહાર કાઢે, પાણી છાંટે, પવન નાખે, જીવતી કરે અને પછી....
આહાહા ! પછી શું ? અદભુત કોઇ નવલકથાના વીરની માફક મંજુલાને અલૌકિક પરાક્રમથી જીતવી હતી. તેની સાથે ઘર માંડવું હતું. આ માટીથી ઓરડો લીંપાવવો હતો. મંજુલાને માથે ભલે વાંભ એકનો ચોટલો ના હોય, ભલે મૂંડો જ રહે, ભલે એનું રૂપ શોષાઇ ગયું, પરંતુ રાધેશ્યામ તો તેણી માટે તૈયાર હતો.
પણ જીવતર ક્યાં નવલકથા છે ! આવા જ કશા દટણપટણની જરૂર ન પડી, એવો એક દિવસ સીધીસાદી રીતે આવી ગયો કે જ્યારે દુ:ખના ડુંગરા હેઠ ચંપાતા ચંપાતાં બામણની રંડવાળ દીકરીએ મરવા-મારવાની હિંમત ભીડી.
મંજુલા એટલું જ બોલી “આમાંથી મને બહાર કાઢ. પછી ગમે તેવાનરકનાં દુ:ખ ભોગવવાય હું તૈયાર છું."
રાધેશ્યામે દૂર ઉભા રહી ફક્ત કીકલીને પોતાની છાતીએ ચાંપી કીકલીની નાનકડી હથેળી પોતાની આંખો ઉપર મેલી એટલું જ કહ્યું‘આ નદીની સાક્ષી આખી દુનિયાની સામે ઊભો રહીને તને ને કીકલીને હું પાળીશ.”
વૈશાખ શુદ પાંચમની રાતે નદી- કાંઠાના ઉજ્જડ શિવાલયના વાડામાં પચાસ ભેટબંધ નાગર બ્રાહ્મણોના હાથની ડાંગોની ઝડી વરસી, અને એમાં ત્રણ જણાંનાં માથાં ફૂટ્યાં: પરણવા બેઠેલાં રાધેશ્યામનું ને વિધવા મંજુલાનું તેમ જ એ લગ્નમાં પુરોહિત બની ભાગ લેનાર શંભુશંકરનું, શંભુશંકર બેભાન બન્યો ત્યાં સુધીમાં તો સપ્તપદી ગગડાવીને પૂરી કર્યે જ રહ્યો. બેશુદ્ધિમાંથી જાગ્યો ત્યારે પણ એ બહાદરિયો મંત્રો જ બબડતો હતો. ગામના બીજાબ્રાહ્મણો એને 'સાળો વીશવો આર્યસમાજીડો !' કહી ઓળખતા.
ત્રણેય જણાં એક પખવાડિયે દવાખાનામાંથી સાજાં થયાં. રાધેશ્યામનેતેની સ્કુલની નોકરી ‘બરાબર નોકરી કરતો નથી’ તે કારણે રજા મળી. કોળીવાડને પડખે એ બેય જણાંને ઓડ લોકોએ નાનું ઘર બાંધી આપ્યું. કોળીઓ ભેગા થઇને કહે, “મહારાજર ! તમે જો કહો તો , તો અમે એપચાસેય નાગરોનાં ઘરમાં આવતા અંધારિયે ગણેશિયા ભરાવીએ.” રાધેશ્યામે હસીને ના પાડી.
અને દુનિયા શું આટલી બધી નફટ છે ! એની નફટાઇની અને એના ભુલકણા સ્વભાવની તે શી વાત કરવી ! રાધેશ્યામ અને મંજુલા રોજ પેલા ઓરિયની માટી લાવે છે, ચોમાસે સીમમાંથી ખડની ગાંસડીઓ લાવે છે,ઉનાળે કરગઠિયાંની ભારીઓ લાવે છે. નફટ લોકો એ ચાંડાળોથીયે બેદ બે પાપાત્માઓની ભારીઓ વેચાતી રાખે છે !
બે વરસમાં તો કીકલી પણ પોતાની નાનકડી ભારી માથે લઇને માબાપની વચ્ચે ઊભી રહેતી થઇ ગઇ. હૈયાફૂટાં ગામ લોકો એ ત્રણ ગાંસડીઓ પર જ શા સારું અવાયાં પડતાં હશે !
ને શાં ઘોર પાપ બિચારા દયાશંકરનાં, કે સગી આખેં એને આ બધું જીવ્યા ત્યાં સુધી જોવું પડ્યું ! ઓ અંબાજી મા ! કયા ઘોર પાપે ! (સંપૂર્ણ)
DIPAK CHITNIS (dchitnis3@gmail.com)
(DMC)