રાધેશ્યામ - 3 DIPAK CHITNIS. DMC દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાધેશ્યામ - 3

// રાધે-શ્યામ-૩ //

મુરતિયાને આગલી બે વહુઓનાં પાંચ બચ્ચાં હતાં ખરાં, પણ તે તો મોસાળ જઇ રહેવાનાં હતાં. ટૂંકામાં, વકીલ પચાસ માણસોની જાન લઇને એક દિવસ આવ્યા. ઠાકોર સાહેબ ખુદ ટીકાબાપુ ખાસ સ્પેશ્યલ ગાડી લઇને એક કલાક માટે વકીલની જાનમાં આવ્યા, તે બનાવે આખા ગામને નવાઇ પમાડી દીધી. હસ્તીનાપુરના મહારાજા ધર્મરાજ યુધિષ્ઠિરના રથની માફક દયાશંકરકાકા પણ તે ઘડીથી ધરતીથી એક વહેંત અધ્ધર ચાલતા થયા. વકીલે ચોરાસી જમાડી, તેની તો એઠ્ય જ એટલી બધી વધી પડી કે ગામના બન્ને હરીજનવાસ ધરાયા ને મોટેમોટે ચાળીસ ઘેર પિરસણાં પહોંચ્ડયા. રાજ્યનું દરબારી બૅન્ડ આવીને ગામને ચાર-ચાર દિવસ સુધી ગીત-સંગીતનાજલસા કરાવી ગયું, એ તો અવધિ થઇ ગઇ.

આવી જાહોજલાલીથી પરણી ઊતરેલી પંદર વર્ષની ઉગ્રભાગી મંજુલાઇડર રાજ્યના વકીલની અર્ધાંગના બની. સોગંદ પર કહી શકાય કે વરરાજાનો બેઠી દડીનો, ચરબીવંત દેહ મંજુલાના શરીરથી બેવડો મોટો હતો. રાજના કનુભાઇ વકીલની પડખોપડખ બેઠેલી બહેન મંજુલા એના પિતા દયાશંકર બક્ષીને તો બરોબર કોઇ ઘટાદાર આમ્ર-વૃક્ષને વળુંભતી માધવી-લતા સમાણી લાગી હતી. પણ આતો આડા ઊતરી જવાયું. કહેવાનું એ હતું કે, બહેન મંજુલા પરણીને ગઇ તેના વળતા સવારથી જ રાધેશ્યામ ઘેર રોટલો ટીપવા આવતો બંધ થયો હતો. પોસ્ટ-ઑફિસ સામે એક બગીચો હતો, તેના બાંકડા ઉપર બેસીને બે-ચાર પૈસાના ભજિયાં કે ગાંઠિયા ખાઇને ગામના નળનું પાણી પી લેતો.

વાણિયાની દુકાનનાં ભજિયાં-ગાંઠિયા ખાઇને રાધેશ્યામે બ્રાહ્મણ જેવો પવિત્ર દેહ વટલાવ્યો હતો, એનું એક કારણ કહેતાં ભૂલી જવાયું છે, જે દિવસ મંજુલાના વિવાહની ચોરાસી જમાડી, તે દિવસે એ પણ એના દાદાની વેળાનું જાળવી રાખેલું સહેજ જળી ગયેલું રેશમી પિતામ્બર પહેરી, પટારામાંથી કાઢીને ખંતથી માંજેલો જસત નો ચક્ચકિત લોટો લઇ ચોટલી ઓળી, ખાસું ચાર ઇંચનું ત્રણ-પાંખિયાળું ત્રિપુંડ પહેરીને જમવા ગયો, પણ પંગતમાં બેસવા ગયો ત્યારે એને દરેક જણાએ અહીંયા નહીં... અહીંયા નહીં જગ્યા નથી ...' કહીને તરછોડેલ, ટલ્લે ચડવેલો. ચોરાસીની ન્યાતમાં તે દિવસ રાધેશ્યામની દશા જાણે કે દ્રૌપદી-સ્વયંવરમાંના દાસી-પુત્ર કર્ણના જેવી થઇ હતી. દાઝમાં ને દાઝમાં ગમારે બોળી માર્યું કે "શું હું નાગર બ્રાહ્મણ નથી ?"

એ વખતે કોઇકે અવાજ કર્યો: "વાં...ઢો ! ત્રીસ વરસનો ઢાં..ઢો ! "

કોઇ શિકારી જાણે શ્વાનના જૂથને સિસકારે તેવી મજાની આ શબ્દોની અસર થઇ હતી. સમયે અનેક પ્રકરની ખિખિયાટી અને હસાહસ ચાલ્યાં હતાં, કોપાગ્નિમાં સળગતા રાધેશ્યામે જવાબમાં હૈયે હતું તે હોઠે લાવીને બોલી નાખ્યું કે “વાંઢો વાંઢો કરતાં લાજતા નથી ? શા સારૂ પારકાને તેડાવી દીકરિયું દઇ દિયો છો ? શું અમે મજૂરી કરીનેય બાયડીનાં પેટ પૂરતા નથી ? શું અમને બાયડી વહાલી નથી ? શા સારૂ પારકાને –’’

એજ વખતે કાકો દયાશંકર શુક્લ આ રંગભૂમિ પર દેખાયા. એણે રાધેશ્યામની બોચી ઝલી આટલું જ કહ્યું, ‘હું સમજું છું તારા પેટનું પાપ. જાઅહીંયાથી હાલી જા ! પહેલાંતારા દેહાવસાન થયેલ તારા બાપનું કારજ કર્યા પછી જ પંગતમાં બેસવા આવજે !”

રાધેશ્યામ તો આવા કડવા દયાશંકરના વેણ સાંભળીને તેના ઘેર ચાલ્યો ગયો. પછી એ આખા બનાવમાંથી ક્ત એક જ બિનાએ વારે વારે સંભારતો, ને મનમાં ને મનમાં બબડતો કે, તે વખતે બાઇઓની પંગતમાં મંજુલા બેઠીતી ખરી ? એને ખિખિયાટા કર્યા તા ખરા ? આજ બે વરસે હું શા સાટુ નીમ તોડીને જ્ઞાતિમાં ગયો ? બીજુંતો કંઇ નહીં પણ મંજુલાને છેલ્લી વાર જોઇ લેવાનો મોહ કેમ ન છોડ્યો ? એ ત્યાં બેઠી હતી ખરી ? એ હસી હશે ખરી ? એનાં દેખતાં જ શું મારી ફજેતી થઇ ?'

બસ એ દિવસથી રાધેશ્યામ ઉઘાડેછોગ વાણિયાના ભજિયાં ખાઇને જ્ઞાતિ ઉપર દાઝ કાઢતો હતો. (ક્રમશઃ)

DIPAK CHITNIS (dchitnis3@gmail.com)

(DMC)