હાસ્ય લહરી - ૬૯ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૬૯

Fri, 27 Aug, 2021 at 11:18 am
 
 


પ્રેમ એટલે અલખના ધણીનો આસ્વાદ..!

 


                                 વીજળીનો ઝાટકો લાગે ને, ‘ફોર્સ’ થી આંખ ઉઘાડી દે, એવી ચોટદાર પંક્તિ હાથમાં આવી. કોની છે, ખબર નથી, પણ જેની હોય તેની, મને ગમી. એટલે લખનારની ક્ષમાયાચના સાથે, ટપકાવવાની લાલચ રોકી શકયો નહિ.

           રાધાએ કર્યો પ્રેમ, ને મીરાએ કરી પ્રીત

           કાન્હો મળ્યો રુકમણીને થઇ વિધાતાની જીત

           થાય જીવનમાં એ જ, જે ઉપરથી નક્કી હોય

           ત્યાં સુધી તો વચ્ચે આવી રમતો જ હોય !

                                                 બળેવના તહેવાર આવે ને, બેન સાથેના બાળપણાના સંસ્મરણો યાદ આવવા માંડે. પ્રેમ ગમે તે પ્રકારનો હોય. ભાઈ-બહેનનો પણ હોય ને રાધા-મીરાંનો પણ હોય, ને આજની પેઢીનો પીઝા-બર્ગરવાળો પણ પ્રેમ હોય..! પ્રેમ ક્યાં આજકાલની પ્રોડક્ટ છે..? જેની 'એક્સપાયરી ડેઈટ’ ના અતા-પતા નથી, એમ એના મુળિયાના પણ અતા-પતા નહિ..! એટલી ખબર કે, જુના મોડલનો મામલો છે..!  જ્યાં પ્રેમની લેણાદેણી આત્માને બદલે શરીર સાથે છે, એને રોકવા માટે તો  લંકેશની  પ્રચંડ તાકાત પણ વામણી પડે. જે લોકો પ્રેમનો ખપ પુરતો ઉતારો કરતા હોય, એવાંને રોકવા માટે તો ચીનની દિલ પણ નાની પડે. એને બજારુ પ્રેમ કહેવાય. ચાવડીએ ચર્ચાતો અને પીઝા-બર્ગરમાં વહેંચાતો ને વેચાતો પ્રેમ કહેવાય. મારે વાત કરવી છે, ભાઈ બહેનના અતુટ પ્રેમની..! પ્રેમ એટલે અલખના ધણીનો આસ્વાદ. રાધા કે મીરાંનાં પ્રેમનો  નિર્દોષ અને  નિસ્પૃહ ભાવનાનો પ્રસાદ..! સંબંધે-સંબંધે પ્રેમની વ્યાખ્યા અલગ. મા ને દીકરા વચ્ચે પણ પ્રેમ હોય, ભાઈ અને બહેનની પવિત્ર સાંઠગાંઠનો પણ પ્રેમ હોય. મિત્રો સાથેની ધીંગા-મસ્તીનો પણ પ્રેમ હોય. આવાં પ્રેમ તો પંચામૃત જેવાં પવિત્ર હોય. ક્યારેક કોઈ ગ્રહણ લાધતાં વિકૃત બને એ અલગ વાત છે. ગ્જ્યાંરહણ તો પ્રેમના આવિષ્કારને પણ લાગે ચાંદ જેવાં ચાંદ અને સૂર્યને ગ્રહણ લાગે તો, પ્રેમને કેમ ના લાગે ? ચાંદ બીજનો હોય કે પુનમનો હોય ત્યાં સુધી જ રળિયામણો, પણ એમાં વક્રતા આવે ત્યારે એ પણ ચોથ ચૌદશ કે અમાસના જેવો અળખામણો બની જાય..! પોતે જ ઊભાં કરેલા દુઃખને ટાળવા માટે તો પ્રાર્થના પણ એમના હાથ હેઠા મૂકી દે. એવાંને માથે જગત જગદીશ કંઈ માથે હાથ ફેરવવા નહિ આવે..! માથે ટપલા મારીને આપણે જ માથાકૂટ કરવી પડે. ઈશ્વર તો દયાનો સાગર છે. માણસનો જન્મારો લીધા પછી પ્રેમના ખોટાં રવાડે ચઢી ઈશ્વરના દરબારનો કરાર ભંગ કરે તો, સજા ભોગવવી પણ પડે. દોષ પોતાનો કહેવાય, ભગવાનનો નહિ. ભગવાન તો જન્મદાતા છે, એ ક્યારેય કોઈને દુખ આપતો જ નથી. ધરતી ઉપર મોકલવાનો વિઝા-ટીકીટનો ખર્ચ કોઈ એમને એમ ભોગવે ? મા-બાપ ક્યારેય પોતાના લોહીને દુખ આપતા નથી. દીકરા મા-બાપને દુખ આપે તો એ વિધિની વક્રતા છે. પણ બાપ ક્યારેય દીકરાને દુખી નહિ જોઈ શકે. યેન કેન પ્રકારેણ સુખના સેટિંગ કરી આપે. પિતા સૂર્ય જેવા હોય, એ ના હોય ત્યારે જ અજવાળાની અનુભૂતિ થાય. એની ગેરહાજરીમાં તો ઘોર અંધારું છવાય જાય. એ આંચકા જરૂર આપે, પણ આપણી આકાંક્ષા જ એટલાં ઊંચા શિખરવાળી હોય કે, માથે વાદળાં તો  ભમવાના..! એ વાદળાં બાંધે પણ ખરા, ને વિખેરી પણ નાંખે. કેમ કે, માણસ કરતા પ્રભુ  વધારે દયાળુ છે. ‘હળવેક હાથે મારું ગાડું હંકારજો, મારું ગાડું ભરેલું ભારી’ એવી આજીજી કરીએ તો વરસી પણ પડે..!
                               બાકી, આ બળેવ, ભાઈબીજ, વેલેન્ટાઇન ડે, ફાધર્સ ડે, મધર્સ ડે વગેરે જીવતર જીવવાના માનવીય ટોલનાકા જ છે. માનવીને સતત જાગૃત રાખે કે, તારો અધિકાર શું છે, તારી ફરજ શું છે..? ક્યારેય એવું સાંભળ્યું કે, બનેવી-ડે. સાળા-ડે. વાઈફ-ડે કે પાડોશી-ડે જેવાં તહેવાર વરસમાં એકાદ આવતા હોય..? કે પછી પાડોશીએ ઘરે આવીને હાથના કાંડે રાખડી બાંધી ઉજળા ભવિષ્યની ભાવના વ્યકત કરી હોય.?  પાડોશી સારો ના હોય તો કાંડ-પ્રકાંડ કરે, બાકી હાથના કાંડે રાખડી બાંધવા તો નહિ આવે. આપણા ઋષિમુનિઓએ ભાઈની રક્ષા કરવાના ‘જનરલ પાવર’ જેટલાં બહેનને આપ્યા છે એટલાં પાવરફુલ પાવર બીજા કોઈ સબંધોને અપાયા નથી. રાખડીના તાંતણે ભાઈની રક્ષા કરવાના અધિકાર બહેન પાસે આદિકાળથી છે. બળેવી ભાવનાનું રક્ષણ એટલે અંતરના આશિષનું પ્રાગટ્ય..! હેતાળ ભાવનાનું સંરક્ષણ, અદ્રશ્ય પરમાત્મા અને દેવ-દેવીઓને ગદગદ ભાવે કરેલી પ્રાર્થનાનાં પરિણામનું બીજ..! આવું રક્ષણ અભિમન્યુને કુંતીએ તેને રણમોરચે જતાં પહેલાં રાખડી બાંધીને કરેલું. આપણે રક્ષાના ભાવને ભલે ભાઈના પ્રેમ સુધી સીમિત કરી હોય, પણ આ પ્રક્રિયા પ્રિયજનને, માતાને, પત્નીનાં માટે પણ થયેલી. જેમાં શુધ્ધભાવ હતો.  હિંદુ સમાજમાં શ્રાવણી પૂર્ણિમાના દિવસે બધી જ બહેનો પોતાના ભાઇના કાંડે રાખડી બાંધી તેની સર્વ પ્રકારની મંગલકારી રક્ષા ઇચ્છે.  આમ તો આજે, બહેનની રક્ષા માટે ભાઈએ જ પોતાની બહેનને રાખડી બાંધવી પડે એવો સમયકાળ છે. પણ આ બધી શ્રદ્ધા અને પ્રેમ-સંવર્ધનની વાત છે. બાકી રાખડી બાંધી દેવાથી રક્ષાનું કાર્ય સંપૂર્ણ સંપન્ન થાય છે કે, કેમ, એની તો મને પણ ખબર નથી. પણ અમી ભરેલી આંખડી રાખવાથી  ભય સામે રક્ષિત રહેવાની ઉર્જા તો મળે. મહત્વ રક્ષાબંધનનું નથી, મહત્વ છે અંતરના અભિલાષનું..! રાખડી બાંધતી વખતે બહેનના મૂંગા આશીર્વાદ રાખડીના તાંતણે આપોઆપ ભળે તેનું મહત્વ છે. ફ્રેન્ડશીપ-ડે નાં દિવસે કાંડે દોરો બાંધવાનો આજકાલ મહિમા છે, પણ બહેનના હાથે બંધાતી રાખડી જેટલો એ ઉંચો નથી. એમાં એવું છે ને કે, શરીર અને આત્માના ભેદ તો રહેવાના જ..! ભપકાદાર કપડાં પહેરવાથી માણસ સજ્જન બની જતો નથી. એમ ભરાવદાર કે મોંઘીદાટ રાખડીથી પ્રેમનો ઉભરો ભરાવદાર બનતો નથી. પૈસા વેડફવાથી શ્રદ્ધા ખરીદાતી નથી. એનો ધ્યેય પવિત્ર જોઈએ. ધ્યેય વગરનો માણસ, એટલે સીમકાર્ડ વગરનો મોબાઈલ..! ટાવર જ નહિ પકડાતો હોય ત્યાં મોંઘાદાટ મોબાઈલ પણ ડબલું બની જાય..! એમ જ્યાં પ્રેમના વાવેતર જ નહિ હોય તો, તહેવાર પણ તરણું બની જાય..! શ્રદ્ધા વગરની સાધના નકામી, એમ સ્વાર્થવાળી શ્રદ્ધા નકામી. એ પછી શ્રદ્ધા જ નહિ કહેવાય, શ્રદ્ધાના  રેપરવાળું જીવી જવાનું સાધન જ કહેવાય..!

                                      લાસ્ટ ધ બોલ

         પરફેક્ટ જોડી માત્ર બુટ-ચંપલમાં જ જોવા મળે. બાકી બધી અંધ-શ્રદ્ધા જ છે, દાદૂ..!   

             એના કપાળમાં કાંદા ફોડું..!

 

----------------------------------------------------------------------------------------------------------------------------------------------