મૌસમ પ્રમાણે ટાલ પડતી નથી..!
પાડો જન્મે ત્યારથી મરે ત્યાં સુધી પાડાથી જ ઓળખાય. વચમાં એના માટે કોઈ કૃપાદ્રષ્ટિ નહિ કે, કોઈ પ્રમોશન નહિ..! એવું જ ટાલનું..! એકવાર ટાલ પડે, પછી માણસ ટળે ત્યાં સુધી ટાલ જ સાથ આપે. એની વાઈફ પણ એટલો સાથ નહિ આપે. સીનીયર ટાલનો આદર કરવાની આપણે ત્યાં કોઈ જોગવાઈ નથી. વાળંદે પણ ટાલ જોઇને ડોળા કાઢ્યા હોય..! આમ જુઓ તો ટાલ બીજું કંઈ નથી, પતિ-પત્નીની છુટાછેડી સુધી ચાલેલી ચળભળ જેવું છે. પતિ-પત્ની છુટા થાય, એમ બાલ સાથે કાંસકીની બબાલ થાય, અને કાંસકીએ કહી દીધું હોય કે, ‘હું તારા ફળિયામાં પગ નહિ મુકું’ તેમાંથી ટાલનો જનમ થાય...! બાકી, ઘટાદાર વાળ હોય, કાંસકાને ‘લોંગ-ડ્રાઈવ’ કરવાની મોકળાશ અને મઝા મળતી હોય, એવી જગ્નેયાને તો પોતીકું ‘રિસોર્ટ’ જ કહેવાય. સફાચટ સહરાના રણ જેવી ટાલને બદલે, વાળના ગુચ્છા હોવા, એ માનવજાતની વસંત છે, અને તેવી જગ્યાએ ટાલ પડવી એ, વિફરેલી મૌસમની ધીંગા-મસ્તી છે. કવિઓ અને આદિ કવિઓએ જેટલો પરસેવો બાલ માટે લખવા પાડ્યો, એટલો ટાલ માટે પાડ્યો નથી. ટાલ ઉપર કવિતા લખીને કોઈ કવિ મશહુર થયો હોય એવું મારી જાણમાં નથી. જેમણે જેમણે લખવાનું સાહસ કર્યું છે એમણે, કદાચ બીજાની ટાલનો ઉપયોગ કર્યો હશે. બાકી પોતાની ટાલ ઉપર તો હાયકુ પણ નહિ કાઢ્યું હોય..! સાચું પૂછો તો, નબળાઈઓ ઢાંકવાની ‘સેન્સ ઓફ હેબીટ’ ઓછી પડે. અસ્સલ રાજા,મહારાજા, રજવાડાઓ પાઘડી પહેરતાં. પછી વચ્ચે સફેદ ટોપી પણ આવી. એ ફેશન નહિ, પણ પોતાની ટાલ ઢાંકવાનો સઘન પ્રયાસ હતો. ટાલ દેખાય જ નહિ, તો, ટાલ જોયા વગર કવિતા લખવાના ઝરણ પણ ક્યાંથી ફૂટે એમ ને ..? તાળી પાડવા માટે બે હાથ જોઈએ, પણ ટાલને પાડવા માટે હાથ કે હાથાની જરૂર પડતી નથી. ટાલ એટલે સંપૂર્ણ સ્વાવલંબી જ નહિ, પણ વિફરેલી વાઘણ જેવી પણ ખરી. એકવાર ધારી લીધું કે, ફલાણાના માથે હુમલો કરવો છે, તો ચમરબંધીના પણ બાલ ઉખેડ્યા વગર અટકે નહિ. ભૂમાફિયાની માફક ત્રાટકી જ પડે. તમારા માથા ઉપર તમારો સર્વાધિકાર છે, એ તો ભ્રમ છે. તમારું માથું ભલે તમારી પોતીકી મિલકત હોય, પણ ટાલ એવી માથાફરેલ કે, વગર મંજુરીએ પ્રવેશ કરીને માથે દબાણ પણ કરે, અને ધારે એટલું સામ્રાજ્ય પણ ફેલાવે..! કોઈની તાકાત નહિ કે, ‘ટાલ-બંધ’ બાંધીને ટાલનો પ્રવેશ અટકાવી શકે. ટાલ એટલે સાલી..મોંઘવારી જેવી. જેમ ઉમર અને ઊંચાઈ એકવાર વધ્યા પછી અટકે નહિ, એમ ટાલ પણ વધતી જ હોય. એવી ગુપચુપ વધે કે, ધારકને અણસાર નહિ આવવા દે..! એકપણ ટાલ ધારક પાસે એની ટાલની એવો નહિ જડે કે, જેને ટાલની ‘બર્થ-ડેઇટ’ નો પુરાવો નથી. મોટી ઉંમરે જન્મેલું બાળક જેમ એના માતા-પિતાને વ્હાલું હોય એમ, મોટી ઉમરે આવેલી ટાલ પણ હરી-પ્રસાદ માનીને વ્હાલી કરવી પડે. ઘણા લોકો ટાલ પડે ત્યારે ‘લીવ એન્ડ લાઈસન્સ’ ની માફક વિગ વસાવીને ધારણ કરે છે ખરા, પણ એમને ખબર નહિ કે, આવી બલા જોરદાર પવન આવે તો ઉડી પણ જાય..! ત્યારે ટાલ તમારી ખાલ નહિ છોડે..! ટાલ મનસ્વી છે, આપખુદી છે, અને સ્વમાની પણ છે..! માથે પડ્યા પછી, સાથે ને સાથે ઊંચકીને ચાલતાં હોવા છતાં, ટાલ એના ધારકને મોંઢું બતાવતી નથી. મોંઢું સંતાડીને ફરતી હોય એમ, એના દર્શન કરવા માટે અરીસાનો આશરો લેવો પડે. ત્યારે ખબર પડે કે, એ કેટલા ચોરસ ઈંચમાં ફેલાયેલી છે..! એવો ભ્રમ તો રાખતા જ નહિ કે, બહુ વિચારો છો એટલે ટાલ પડે છે. કારણ કે, એનો અર્થ એવો નથી થતો કે, જેના માથે ટાલ પડી નથી એ લોકો લાંબુ વિચારતા નહિ હોય..!
એક ફૂટડા યુવાનની જેમ ફરતો હતો રે યાર..? એવા ફેન્સી વાળ હતાં કે, મને જોઇને કોઈપણ લલચાય જતું. ફિલ્લમમાં ચાલે એવો હતો, અને ચિલમ ફૂંકતો કરી નાખ્યો.. મને ‘કાકો’ બનાવી દીધો દોસ્ત..! ખુદ વાઈફ પણ પ્રભાતિયાં છોડીને હવે એવાં ગીત ઉપાડે છે કે, ‘કા કરું રામ મુઝે બુદ્ધા મિલ ગયા' ટાલે એવું આસન જમાવી દીધું કે, સોસાયટીના રીઝર્વ પ્લોટની માફક માથે ઉપર ટાલ પણ પથરાયેલી હોય..! ટાલ મૌસમ પ્રમાણે નહિ, ઉમર પ્રમાણે પડે..! મારી ઉમર જેટલી જ મારા માથાની ઉમર થઇ હોવા છતાં, માથાની ખાલે ઉમર પરખાવા દીધી નથી, પણ ટાલે મારી પથારી ફેરવી નાંખી. લોકો નામ કરતાં હવે મને ‘ટાલ’ થી વધારે ઓળખે છે, બોલ્લો..! જાણે ટાલ જ મારો ઓળખ-કાર્ડ બની ગયો..!
નવોઢાની માફક યુવાનીમાં તો ખાલ પણ કેવી શરમાતી હતી..? ગુચ્છાવાળા વાળથી એવી ઘૂંઘટ ઢાળીને રહેતી કે, ટાલ વગરની ખાલ પણ શોભા વધારતી. પણ કેસ જેમ જુનો થાય, એમ દાવ બતાવવા માંડે, એમ ટાલ પણ, એના અંગ કસરતના ખેલ કરવા લાગી, ને ટાલ-દર્શન આપતી થઇ ગઈ..! માથે ટાલ પડે ત્યારે વાઈફને બદનામ કરવાની અફવા હજી ગઈ નથી. બાકી ટાલની વસ્તી તો એની મસ્તીથી આવે છે..! માણસ જ દો-રંગી હોય છે એવું નથી, એની ટાલ પણ દો-રંગી હોય. કોઈ ટાલ એવી કે, આગળ-પાછળના રોડ-ટચ પકડીને પડે, તો કેટલીક ટાલ ‘પાર્ટી-પ્લોટ’ ની માફક વચમાં પડે. કોઈની ટાલ આગળથી દર્શન આપે તો, કોઈની ટાલ પાછળથી. ડોકાં કાઢે..! માથાનો મધ્યવર્તી ભાગ પકડીને જેની ટાલ પ્રગટ થાય છે, એને લોકો શુકનિયાળ કે બરકતી માને. એવું કહેવાય જેની ટાલ વચમાં પડે એ ભાગ્યશાળી હોય છે..! એ ટાલ ધારક બેંકમાં ભલે વ્યાજના હપ્તા ભરતો હોય તો પણ લોકો એને રઈસ માને. બાકી ટાલના ત્રણેય પ્રકારમાં કઈ ટાલ ચચરાટીવાળી હોય, એ વિષે જ્યોતિષ નિપુણોએ કોઈ ફોડ પાડ્યો નથી. મને મારી ખબર છે કે, દેવાદાર થયો ત્યારે જ મારા માથે ટાલનું પ્રાગટ્ય થયેલું..! ટાલ જોઇને ઘણા એવું કહેતાં પણ કે, પ.પૂ. સ્વામી રમેશ ચાંપાનેરીની કુંડળીમાં અંબાણી છે. બાકી કોણે મારી ટાલ પાડેલી એને તો હું જ જાણતો હોઉં ને..? માટે સોળે કળાએ થનગનાટ કરતી મારી ટાલ જોઇને કોઈએ ભરમાવું નહિ. ટાલ પાડનારાઓને માથે ટાલ પાડવાનો ઉપરવાળાને ત્યાં રીવાજ નથી. આવું કહીને મારો ઈશારો મારી વાઈફ તરફ છે, એવી ગેરસમજ કરવાની કે અફવા ફેલાવવાની કોઈ જરૂર નથી. શાંત સરોવરમાં પથ્થર નાંખીને તરંગોના કુંડાળા કરવાની મને આદત નથી. પણ એવું સાંભળેલું ખરું કે, મા માથે હાથ ફેરવતી એટલે વાળ ઉગેલા, ત્યારબાદ માથા ઉપર વાઈફનો હાથ ફરવા માંડ્યો, એમાં બાલોએ શહીદી વહોરી લીધી, ને મોર થનગનાટ કરીને આવે એમ, માથે ટાલ આવતી થઇ ગઈ. સ્ત્રીઓને માથે ટાલ પડતી નથી, એ જોઇને વાતને ભલે સમર્થન મળતું હોય, બાકી ટાલવાળી વાતમાં કોઈ માલ નહિ..! અફવા ફેલાવે એને સ્ત્રી-દ્રોહી જ જાણવો..! ટાલ એ માનવીને મળેલુ અનુભવનું સર્ટીફીકેટ છે.
ફરીથી કહું છું કે, ટાલ જેટલો સાથ કોઈ આપતું નથી. એ છેવટ સુધી માણસને સાથ આપે છે.
( રમેશભાઈ ચાંપાનેરી ' રસમંજન ' )