પ્રેમનો અહેસાસ - 11 Bhavna Chauhan દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમનો અહેસાસ - 11

પહેલાં તો મારાં વહાલાં એવાં તમામ વાંચકોનો દિલથી ખૂબ ખૂબ ખૂબ આભાર 🙇‍♀️મારાં આ પ્રથમ પ્રયાસને તમે સફળ બનાવ્યો છે. આશા રાખું કે આગળ પણ મારો આમ જ સાથ નિભાવતા રહેશો...તો હવે મળીએ આપણાં શરદ અને કાવ્યાને જેમનાં છે આજે ભવ્યથી અતિ ભવ્ય વિવાહ..

આખરે એ દિવસ આવી જ ગયો જે દિવસની શરદ અને કાવ્યા 5 વરસથી રાહ જોઈ રહયાં હતાં. આજે શરદ અને કાવ્યાનાં લગ્ન હતાં. અને એ પણ રાજસ્થાની ઠાઠમાં.
કાવ્યા હેમંતભાઈની એકની એક દીકરી હતી. ખૂબ વહાલી અને લાડલી.અને આમ પણ દીકરી બાપને વધારે વહાલી હોય.કાવ્યાના લગ્ન હેમંતભાઈ ધામધૂમથી કરવાં માંગતા હતા. અને એ માટે એમણે પાણીની જેમ રૂપિયા ખર્ચ્યા.

કાવ્યાના લગ્ન માટે હેમંતભાઈએ એક રોયલ પેલેસ બુક કરાવ્યો ઉદયપૂરમાં.કાવ્યા નાની હતી ત્યારથી કહેતી કે મારાં મેરેજ હું રાજસ્થાની રીતે કરીશ.અને ખરેખરમાં આજે એની ઈચ્છા પૂરી થઈ ગઈ. મહેમાનો માટે અલગ વ્યવસ્થા કરેલી.જાન વાળાં માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી.પેલેસની સજાવટ જોવાં જેવી દેખાતી હતી. ઝુમ્મરો મન મોહી લે એવાં. નીચે પોચી જાજમ પાથરેલી.રાજસ્થાની લિબાસમાં ઢોલવાળાં આવેલાં.

લગ્નમાં આવનાર લોકો પણ રાજસ્થાની પોશાકમાં આવેલાં. કંઈક અદ્ભુત અને શાનદાર લગ્ન થશે આજે.એક રૂમમાં કાવ્યા તૈયાર થઈ રહી હતી. બહાર લગ્નની વિધિ કરવામાં આવી રહી હતી. ચારેબાજુ બસ આનંદની છોળો ઉડતી હતી.કાવ્યાએ રેડ અને ગ્રીન રંગનાં કમ્યુનિકેશનવાળો રાજસ્થાની પોશાક પહેર્યો. માથે બોર, ડાયમન્ડવાળી માથાપટ્ટી ,નાકે ગોળ નથ,હાથમાં રાજસ્થાની ચૂડા,બાજુબંધ,ગળામાં રાજસ્થાની હાર,કાનમાં રાજસ્થાની ઝૂમ્મર,પગમાં સોનાની પાયલ,આંખોમાં કાજલ આંજીને કાવ્યા બહાર આવી.

"આકાશી પરી પણ કાવ્યા આગળ પાણી ભરે"
એવી કાવ્યા દેખાતી હતી. જાણે યૌવનનો મોર આજે પૂરેપૂરો કાવ્યામાં ખીલી ઊઠયો હોય એવી એની યુવાની છલકી રહી હતી. કાવ્યાને જોઈ શિલ્પાબેનની આંખો ભરાઈ આવી.

"અરે મમ્મી વિદાય માટે બાકી રાખો ."

"પાગલ!મા છું તો રડુ તો આવે જ ને."

એમ કહી શિલ્પાબેને પાલવથી આંસુ લૂછી કાઢયાં.
શરદ પણ આજે રાજસ્થાની શેરવાનીમાં એક રાજકુમાર દેખાતો હતો. માથે બાંધેલો સાફો એનાં ઉપર જચી રહ્યો હતો. પગમાં રજવાડી મોજડી ને હાથમાં કટાર.આજે તો વર અને કન્યા બંને શોભી રહ્યા હતા. હજી એક બીજાને એમણે જોયા નહતાં.

શુભ ચોઘડિયું જોઈને કાવ્યા શરદને હાર પહેરાવવા આવી.જેવી કાવ્યાની ઝલક દેખાઈ શરદ તો કાવ્યાને જોતો જ રહી ગયો. એકીટશે એને જોઈ રહયો.સામે કાવ્યાની પણ એ જ હાલત હતી.કાવ્યાએ શરદનાં ગળામાં હાર પહેરાવ્યો અને શરદે કાવ્યાનાં ગળામાં. બંનેને લગ્ન મંડપમાં બેસાડ્યા. મંડપ પણ જોરદાર શણગાર્યો હતો.

પુરી રાજસ્થાની વિધિ વિધાનથી કાવ્યા અને શરદ લગ્નબંધનથી બંધાયા. લગ્નનાં સાત વચનથી એક બીજા સાથે જોડાયાં. આજે બંને ખૂબ જ ખૂશ હતાં. બંનેના માતા પિતા પણ ઘણાં ખુશ હતા.

હવે સમય હતો વિદાયનો.એ વિદાય જે દરેક દીકરીની જિંદગીમાં આવે છે. આંગળી પકડીને જે બાપ પોતાની લાડલીને ચાલતાં શીખવાડે છે એ હાથ પકડી આજે પારકાં ઘેર દીકરીને વળાવવામાં આવે છે. એક એક કોળિયો કરી જે મા દીકરીને ખવડાવતી,પોતાનાં ખોળામાં જેને હાલરડું ગાઈને સુવડાવતી એ દીકરીને પાલવ છોડાવી પારકાં ઘેર મોકલવામાં આવે છે. વિચારો ત્યારે એ માની હાલત શું થતી હશે.નવ નવ મહિનાં પોતાનાં પેટમાં સાચવી પછી આ દુનિયામાં લાવીને ઉછેરી અને સમજણી થઈ ત્યાં એને મોકલવાની થઈ. બસ આજ સમય આજે કાવ્યાનાં ઘરે આવ્યો હતો.

એક બાજુ વિદાયગીત વાગતું હતું.

બેના...રે...સાસરીયે જાતાં જોજો
પાંપણ ના ભીંજાય...દીકરી તો પારકી થાપણ કહેવાય.

દીકરી ને ગાય દોરે ત્યાં જાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય.

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે,
તું રમતીતી જે ઘરમાં એની ભીંતે ભીંતો રડશે.
બેના રે...વિદાયની આ વસમી વેળા રોકી ના રોકાય,
દીકરી તો પારકી થાપણ કહેવાય.

આમ જૂઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી,
સુખનું છે કે દુઃખનું છે એ કોઈ શકયું ના જાણી.
બેના રે...રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યુ ના નજરાય.
દીકરી તો પારકી થાપણ કહેવાય....

હવે કાવ્યાનાં આંસુનો બંધ તૂટી ગયો. શિલ્પાબેનને બાથ ભરી કાવ્યા રડવા લાગી. હેમંતભાઈ એક ખૂણામાં જઈને રડતાં હતાં. યશ પણ કાવ્યાને બાથ ભરી રડવા લાગ્યો.એક દમ કરૂણતાભર્યું વાતાવરણ ખડુ થઈ ગયું.
થોડી વાર રહી શિલ્પાબેન સ્વસ્થ થયાં અને કાવ્યાને સમજાવવાં લાગ્યાં,

"બસ બેટા ! હવે ચૂપ થઈ જા.આ તો સદીઓથી ચાલી આવતી પરંપરા છે.હું પણ તો આવી હતી મારું ઘર છોડી.દીકરી તો પારકાં ઘરનું ધન બેટા.મા બાપ કયાં સુધી રાખે.અમારે પણ અમારો ધર્મ નિભાવવો પડે.રડ નહિ બેટા.હવે આજથી તારી સાસરી જ તારું ઘર. હવે તારી વારી આવશે ફરજ બજાવવાની. સાસરીને તારું પોતાનું ઘર માનીને રહેજે દીકરી. બધાંને માન સન્માન આપજે અને આપણાં કુળનું નામ રાખજે.તારાં પતિનો પડછાયો બનીને રહેજે.સુખ હોય કે દુઃખ કયારેય સાથ ના છોડતી બેટા.મારી આ શીખ ગાંઠે બાંધી લે કાવ્યા બેટા."

દૂર ઊભા રહી રડતાં હેમંતભાઈ પાસે જતાં જ કાવ્યા ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી.

" બસ બસ બેટા ! ખૂશી ખૂશી જા મારાં દીકરા.સદા ખૂશ રહે એ જ મારાં આશીર્વાદ છે "

હેમંતભાઈએ પરાણે આંસુ ને રોકી રાખ્યા....

કેવી રીતે થશે કાવ્યા શરદનાં લગ્નજીવનની શરૂઆત?કેવી રીતે કરવામાં આવશે શાહ પરિવારમાં કાવ્યાનું સ્વાગત?

જાણવાં માટે બન્યાં રહો મારી સાથે..."આ શાનદાર સફરમાં ..

મને વાંચવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર..અભિપ્રાય આપો તમને શું પસંદ આવ્યું. જે મને આ વાર્તાને ઓર મજેદાર બનાવવામાં મદદરૂપ થશે.