હાસ્ય લહરી - ૩૪ Ramesh Champaneri દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાસ્ય લહરી - ૩૪

 

ઉંચી મેડીના ઊંચા મોલ..!

 

                             અમુકના તો વેણ જ એટલા કડવાં કે, હિસ્ટ્રી જાણ્યા વગર કહી દેવાય કે બંદો કારેલાનો રસ  પીઈને મોટો થયો હોવો જોઈએ. એવી ચમચમતી ચામડી જેવાં હોય કે, હાથ ઉપર મચ્છર બેઠું હોય તો પણ હાથી ચઢી ગયો હોય એમ બરાડે..! લંડનમાં  રોજ બરફની લાદી ઉપર સુતો હોય એમ,  ભારત આવે ત્યારે હાથ-પંખાને વાઈફની જેમ સોડમાં રાખે., સહેજ બફારો થાય એટલે કાનમાં કીડી ઘૂસી ગઈ હોય એમ, ચિચયારી પાડવા માંડે...! ફેણ તો એવી ચઢાવે કે, ‘ સાલી આ તો કોઈ ગરમી છે કે.? મગજ તાવી નાંખવાની યાર..!’  કહેવાય "એન.આર.આઈ " એટલે  કે. (“નોટ રીલાયેબલ ઇન્ડિયન") લંડનથી ભારતની હવા ખાવા આવ્યો છે કે, સંભળાવવા..? એના કપાળમાં કાંદા ફોડું, લંડન શું ગયો, અને બદલાઈ શું ગયો..? એક તો સાપ કાંચળી ઉતારે, એમ એ ચામડી ને બોલી બંને બદલીને આવ્યો, ને ભારતના જ બાવળિયા કાઢે..! મને કહે, ' યુ સી રમેશ....! આઈ બીકમ ટાયર્ડ બાય ધીસ હોટી એટ્મોસફીયર.!  મે કહ્યું, ' આવી જ ગરમીમાં તું જન્મેલો. તારા બાપાએ ઘોડિયામાં AC નહિ ફીટ કરાવેલું. પેલાં ઝાડવા નીચે મચ્છરદાની વગર  ટૂંટિયું વળીને સૂઈ જતો. એ ભૂલી ગયો.? તાપમાં, છાણ વીણીને  છાણા થાપતો, એ ભૂલી ગયો...?  ગરમી તે ગરમી બૂચા....!  આ એ ભારત છે કે, જ્યાં તારા જેવાં કુલાંગાર વિદેશ ભાગી ગયા છતાં, રોજ આખેઆખો ચાંદો ને સૂરજનો તડકો  જોવાં મળે, તારા દેશમાં તો એ જોવાં માટે પણ ફાંફા મારવા પડે. તારા ગ્રીનકાર્ડ કરતાં, અમારો  રેશનકાર્ડ આજે પણ પાવરફુલ છે બૂચા...? તું તો જાણે લંડનમાં જ ' ટેસ્ટ ટ્યુબ બેબી' થી પેદા થયો હોય, એમ ચીહાળા પાડે છે...! તારી ભલી થાય તારી ચમનિયા...!

                   જો ભાઈ આ તો ગરમી છે..! ઉંચી નીચી પણ થાય, ને આડી અવળી પણ કરાવે. તું ઉનાળામાં આવે એમાં એનો શું દોષ.?  સારું છે કે, ચોમાસામાં નથી આવ્યો. બાકી તારી કાયાને પણ કાદવ વરણી બનાવી આપે..! મને કહે, '' રમેશિયા...! તને મારી  મશ્કરી સુઝે છે. તને ખબર નથી,  અમારાથી અમારી ઘરવાળી સહન થાય, પણ આ ગરમી નહિ. રહું ત્યાં સુધીમાં તો આ મારાં ભીંગળા કાઢી નાંખવાની.! સારું છે કે, મારી જોડે મારા કુતરાને નથી લાવ્યો, નહિ તો ઘરમાં રાખવાને બદલે તળાવમાં સુવાડ્યા પડ્યા હોત..! સાલા કપડાં પહેરીએ તો એનો ભાર લાગે. નહિ કપડાં પહેરવા ગમે કે, નહિ કપડાં કાઢવા ગમે..! સાલા જે તે પ્રોબ્લેમ છે..? મારા  જ માથે પડેલો એટલે ઝાઝું તો કહેવાય નહિ. બાપુજીએ કહેલું કે, અતિથી દેવો ભવ:...! મે કહ્યું, " ચાંચડના ત્રાસથી કપડાનો ત્યાગ ના કરાય દોસ્ત...!  તું જો કહે તો શૌચાલયમાં એ.સી. મુકાવી દઉં. બાકી તારા લેંઘા-ઝભ્ભામાં એ.સી. ફીટ કરાવવાની મારી સવલત નથી....! ટાઢક રાખ દોસ્ત...! જજેલા તો નથી પડ્યા ને...? શરીર છે, ગરમીમાં લાલ પણ થઇ જાય. તમે આવીને અમારી લાલ કરો, ને અમારું હવામાન તમારી લાલ કરે. થોડુક ચલાવી લેવાનું..! કોઈની લાલ કરવા માટે અમારી પાસે માત્ર આ એક જ ઉનાળો હાથવગો હોય..! અંગ્રેજ સાથે રહીને તમે પણ  સાવ પોચકા થઇ ગયાં. બ્રેડ બટરને ચીઝ ખાઈને સાવ બટર જેવાં થઇ ગયાં. એક કામ કર. ગરમી બહુ જ લાગતી હોય તો, એકવાર રોટલીમાં આઈસ્ક્રીમ ચોપડીને ખાવાની ટ્રાઈ કરી જો. ઠંડા ઠંડા ફૂલ ફૂલ થઇ જવાશે. એ લેંચુએ એની પણ ટ્રાઈ કરી. એવી આઈડિયા બતાવવામાં હું લાંબો થઇ ગયો. એક મહિનો રહ્યો, એમાં દોઢ મણનો આઈસ્ક્રીમ રોટલી સાથે એકલો ઝાપટી ગયો...! ગુસ્સો તો ત્યારે મને આવ્યો, કે એણે મારા ભગવાનની ભૂલ કાઢી. મને કહે, '' ભગવાને ભારતના લોકોનું મગજ, માથાને બદલે પગના ઢીંચણમા મુકવાની જરૂર હતી. ડાબા ઢીંચણમા નાનું મગજ અને જમણા ઢીંચણમાં મોટું મગજ..! જેથી સીધી ગરમીથી  મગજને બફારો નહિ લાગે. મગજ સાલું માથામાં હોવાથી,  મગજની તો સાલી ગ્રેવી થઇ જાય...! મે પણ એને પછી સલાહ આપી કે, ભારત આવે ત્યારે ઉંધા માથે ચાલવાનું કર. જેથી મગજ પણ નીચે આવે ને. ધરતી માતાને પણ ખાતરી થાય કે, વિદેશ જઈને બબૂચક ઉંધે માથે પટકાવા જ ભારત આવે છે..! એક દિવસ તો ઉંધે માથે ચાલવાની ટ્રાય પણ કરી, પણ ચામાચિડિયું જાણે રસ્તા ઉપર પાન ખાવા જતું હોય તેવો લાગ્યો...!

                              વલસાડમાં સમ ખાવા પૂરતો એક દરિયો છે. આપણને વળી દયા આવી કે, ચાલ લંડનથી આવ્યો છે તો તિથલનો દરિયો બતાવું. ભૂલ પણ મારી જ હતી કે, મે જ એને મેસેજ કરેલો કે, તિથલનો દરિયો જોવા તું એક વાર આવી જા. એ આવ્યો એટલે મેં એને દરિયો બતાવ્યો. દરિયાનું પાણી જોઈને મને કહે, ' લોકોની આ સંગ્રહખોરી ની દાનત ક્યારે અટકશે..? લોકોને  પીવાના પાણી માટે વલખાં મારવા પડે, અને અહીં પાણીનો જથ્થો એકત્ર કરીને બેઠાં છો. કાળા બજાર કરવાં જ ને..? મેં કહ્યું, ‘ આ અમારું મેજિક વોટર છે. શિયાળામાં ઠંડુ બરફ જેવું લાગે. ચોમાસામાં સ્વાદિષ્ટ લાગે ને, ઉનાળા માં એ એટલું મીઠું લાગે કે, લીંબુ નીચોવ્યા હોય તો ‘લેમન જ્યુસ’ જેવું લાગે, ને બુદ્ધિમાં વધારો કરે..!’ એના કપાળમાં કાંદા ફોડું એક ગ્લાસ તો મેં એને પીવડાવી જ દીધું. મને કહે, ‘તારો બાપ..! આ તો ખારું લાગે છે..!’ મેં કહ્યું તો તમારામાં બુદ્ધિ આવી ગઈ, હજી એક ગ્લાસ ઠોકી દો, એટલે લેમન જ્યુસ જેવું લાગશે..!’ છેલ્લે મેં એને કહ્યું કે, આ પાણી પીવા નહિ, માત્ર ધોવા જ કામ આવે....!

 

__________________________________________________________---------------------------------------------------------------------------__