અતીતરાગ - 48 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 48

અતીતરાગ-૪૮

એ સમયની વાત કરીશું જયારે ફિલ્મોમાં પાર્શ્વગાયકોની ભૂમિકા નહતી.
તે સમયમાં ફિલ્મના કલાકારો જ પરદા પર ગીતો ગાતા હતાં.
તે સમયે કરોડો દિલો પર રાજ કરતાં હતાં. કુંદનલાલ સાયગલ.

અને એ કરોડો દિલોમાં એક દિલ હતું. મુકેશચંદ્ર માથુરનું.
જેને આપણે સૌ ગાયક મુકેશના નામથી ઓળખીએ છીએ.

તે સમયમાં મુકેશજી તરુણાવસ્થામાં હતાં અને કે.એલ.સાયગલના ડાઈ હાર્ડ ફેન હતાં.

આજના એપિસોડમાં ચર્ચા કરીશું... મહાન ગાયક મુકેશ વિષે.

૨૨ જુલાઈ ૧૯૨૩માં દિલ્હી ખાતે જન્મેલા મુકેશજી,

બહોળો પરિવાર હતો. દસ ભાઈ બહેનોમાં મુકેશ છઠા નંબરે હતાં.
સંગીત મુકેશજીને શીખવાડવામાં નહતું આવ્યું પણ, જાતે જ શીખ્યા હતાં.
મુકેશજીની મોટી બહેનને સંગીત શીખવાડવા માટે સંગીત ગુરુ તેમના ઘરે આવતાં અને મુકેશજી બાજુના રૂમમાં બેસી, તેમને સાંભળી સાંભળીને સંગીત કલાની બારીકીઓ કંઠસ્થ કરતાં ગયાં.

અભ્યાસ પ્રત્યે મુકેશજીની રુચિ નહીવત હતી એટલે દસમાં ધોરણ પછી તેમણે અભ્યાસ પર પૂર્ણવિરામ મુક્યું. પણ ગીત સંગીતની સાધના સળંગ રાખી.

જયારે મુકેશજીના બહેનનો લગ્નપ્રસંગ હતો. તે પ્રસંગમાં મુકેશજી ગીતો ગાતા હતાં.
તે લગ્ન સમારંભમાં એ સમયના પ્રખ્યાત એક્ટર મોતીલાલ પણ આવેલાં. મોતીલાલ માથુર પરિવારના દૂરના સગા થાય.
આ વાત છે, વર્ષ ૧૯૪૦ની. મોતીલાલને મુકેશજીની ગાયકીમાં તેમના ઉજ્જવળ ભવિષ્યની ઝાંખી સંભળાઈ.

અને તેઓ મુકેશજીને મુંબઈ લઇ આવ્યાં. અને એક સંગીત ગુરુની તાલીમ હેઠળ મુકેશજીને ગીત-સંગીતના પાયાની જાણકારીથી અવગત કરાવવામાં આવ્યાં.

મુકેશજી મધુર સ્વરના સ્વામી તો હતાં જ, પણ સાથે સાથે તેમના માસૂમ આકર્ષક ચહેરા પર સહજ આવી જતું મનમોહક સ્મિત તેમના વ્યક્તિત્વમાં નિખાર લાવી દેતું.

મેં ઉપર જણાવ્યું તેમ તે સમયમાં પરદા પર એક્ટર ખુદ જ ગીતો ગાતાં હતાં.

એક વર્ષની અંદર મુકેશજીને તક મળી ફિલ્મમાં ગીત ગાવાની અને એક્ટિંગ કરવાની પણ. ફિલ્મનું નામ હતું.. ‘નિર્દોષ’, ગીત હતું..
‘દિલ હી બુઝા હુઆ હો તો ફસલે બહાર ક્યા..?

એ ગીત સંભાળતા એવી અનુભૂતિ થાય કે ગીત કે.એલ.સાયગલ જ ગાઈ રહ્યાં છે.

૧૯૪૫માં તેમણે પ્રથમવાર પ્રાશ્વગાયક તરીકે ગીત ગાયું. સંગીતકાર હતાં.
બુલો. સી.રાની. ફિલ્મનું નામ હતું ‘મૂર્તિ’. ફિલ્મના લીડ રોલમાં હતાં, મુકેશજીને મુંબઈ લાવનારા મોતીલાલ. એ ફિલ્મ કોઈ ખાસ કમાલ ન કરી શકી.

પણ..
તે જ વર્ષ ૧૯૪૫માં બીજી એક ફિલ્મ આવી. હીરો મોતીલાલ, ગાયક મુકેશજી,
સંગીતકાર અનિલ બિસ્વાસ. એ એક એવું ગીત હતું જેણે મુકેશજીને હિન્દી ફિલ્મ જગતમાં હંમેશ માટે સ્થાપિત કરી દીધા.

‘દિલ જલતા હૈ તો જલને દે.. આંસુ ન બહા ફરિયાદ ન કર..’ ફિલ્મ ‘પહેલી નઝર’
આજે પણ લોકો આ ગીત સાંભળે તો એવું કહે છે કે, ગાયક કે.એલ. સાયગલનો જ સ્વર છે.
ત્યારપછી અનિલ બિસ્વાસ અને નૌશાદ સાબે મુકેશજીને સમજાવ્યા કે, તમે આ લઢણથી ગાયકી કરશો તો લોકો એવું જ સમજશે કે, તમે સાયગલ સાબની કોપી કરી રહ્યાં છો, તમારા ખુદના અવાજની તો ક્યારેય કોઈ ઓળખ ઉભી થશે જ નહીં.

એ વાતની ગંભીરતા મુકેશજીને સમજાઈ જતાં ધીરે ધીરે તેમણે તેમના અવાજની એક અલગ ઓળખ ઉભી કરવાં સતત રીયાઝ કરતાં રહ્યાં.

સમય જતાં મુકેશજી તેમની સાધનામાં સફળ રહ્યાં.
એ પછી એક ગીત આવ્યું. સંગીતકાર હતાં, નૌશાદજી, ફિલ્મ હતી દિલીપકુમાર રાજકપૂર અને નરગીસજીની ‘અંદાઝ’.
ગીતના શબ્દો હતાં.. ‘તુ કહે અગર... જીવનભર મેં ગીત સૂનતા જાઉં..’

ફિલ્મ ‘અંદાઝ’માં રાજકપૂર પણ હતાં. તે સમયથી બન્નેની દિલોજાન દોસ્તીની દાસ્તાન શરુ થઇ.
જે ફિલ્મમાં મુકેશજીએ એક્ટિંગ કરી તે ફિલ્મો બોક્ષ ઓફીસ પર કોઈ જાદુ ન બતાવી શકી. તેમણે તે જમાનાની મશહુર ગાયિકા સુરૈયા જોડે પણ લીડ રોલમાં કામ કર્યું હતું. ફિલ્મનું નામ હતું ‘માશૂકા’.(૧૯૫૩).

એ પછી ઉષાકિરણ જોડે પણ તેમણે એક ફિલ્મ કરી હતી, નામ હતું ‘અનુરાગ’ (૧૯૫૬).

એ પછી મુકેશજીને ખ્યાલ આવ્યો કે, અભિનય કરતાં ગાયકીને વધુ પ્રાધાન્ય આપવાની જરૂર છે,

એ પછી ગાયકીની કારકિર્દી એ એવી જેટ સ્પીડ પકડી કે, આર્થિક સદ્ધર થઇ ગયેલાં મુકેશજી ફિલ્મ પ્રોડ્યુસર પણ બની ગયાં.
ફિલ્મ હતી ‘મલ્હાર’, જે ફિલ્મ ફ્લોપ ગઈ.
તે પછી તેમણે નિર્માતાની ભૂમિકા પર પણ કાયમ માટે ફૂલ સ્ટોપ મૂકી દીધું.

એ પછી તેમણે સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કર્યું સિંગિંગની કેરિયર પર.
પચાસ અને સાઈંઠના દાયકામાં મુકેશજીનો દબદબો રહ્યો.
એ સમયગાળો તેમના માટે સુવર્ણકાળ બની રહ્યો.
રાજકપૂર અને શંકર-જયકિશન સાથેની જોડી જોડે મુકેશજીની જમાવટ થતાં તેમણે તેમની કારકિર્દીના જે સર્વોત્તમ ગીતો ગાયા તે ગીતો અમર થઇ ગયાં.
મુકેશજી રાજ કપૂરનો અવાજ બની ગયાં.
રાજ કપૂર અને મુકેશની કેમિસ્ટ્રી એવી રંગ લાવી કે, બે ખોળિયા અને એક પ્રાણ જેવી દંતકથા બની ગઈ.
વર્ષ ૧૯૫૯માં મુકેશજીને તેમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
ગીત હતું.. ‘સબ કુછ સીખા હમને ના સીખી...’ ફિલ્મ હતી ‘અનાડી’.

૧૯૭૦ સુધી મુકેશજી એ મહત્તમ ગીતો રાજ કપૂર માટે ગાયા. પણ તે પછી રાજ કપૂર લીડમાં આવતાં બંધ થઇ ગયાં અને ત્યારબાદ બીજા કલાકારો માટે પણ મુકેશજીએ ઘણા અવિસ્મરણીય ગીતો ગાયા.

સિંતેરના દાયકામાં ગયેલાં ગીતો પણ હજુ આજે પણ એટલા જ લોકપ્રિય છે.

‘કઈ બાર યું ભી દેખા હે..’
૧૯૭૪માં આવેલી ફિલ્મ ‘રજનીગંધા’ના આ ગીત માટે મુકેશજીને
નેશનલ એવોર્ડ મળ્યો હતો.

સિંતેરના દાયકામાં મુકેશજીને અન્ય ત્રણ ફિલ્મફેર એવોર્ડ મળ્યાં હતાં.
ફિલ્મ ‘પહેચાન’... ‘સબ સે બડા નાદાન વહી હૈ..’
ફિલ્મ ‘બે-ઈમાન’ ..‘જય બોલો બે-ઈમાન કી..’
ફિલ્મ ‘કભી-કભી’...’કભી કભી મેરે દિલ મેં..’

ફિલ્મ ‘કભી-કભી’ની જલવંત સફળતાની ખુશી મુકેશજી વધુ ન માણી શક્યા કારણ કે.

૨૭ ફેબ્રુઆરી ૧૯૭૬ના દિવસે ફિલ્મ ‘કભી કભી’ રીલીઝ થઇ હતી અને

૨૭ ઓગસ્ટ ૧૯૭૬માં જયારે મુકેશજી અમેરિકાના પ્રવાસે હતાં ત્યારે તેમને હાર્ટ એટેક આવ્યો અને તેનું અવસાન થયું.

દર્દીલા ગીતોના તો મુકેશજી દાદુ હતાં, પણ આજે આજના એપિસોડને વિરામ આપતાં પહેલાં મુકેશજીનું એક એવું ગીત ટાંકવાનું મન થાય..જેમાં જિંદગીનો ટુંકસાર આવી જાય.

‘એક દિન બીક જાયેગા માટી કે મોલ.. જગ મેં રહે જાયેંગે પ્યારે તેરે બોલ...’

આગામી કડી...

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકરોના એવરેજ એજ્યુકેશન ક્વોલિફીકેશન નજર નાખો તો પરિણામ નબળું આવશે.

ખુબ ઓછા પ્રમાણમાં ફિલ્મી કલાકરોએ હાયર એજ્યુકેશન અથવા ડીપ્લોમાં કે ડીગ્રી હાંસિલ કરી હોય.

આગામી કડીમાં આપણે એક એવાં મલ્ટી ટેલેન્ટેડ અદાકારની વાત કરવાના છીએ
જે એકટર પણ હતાં,
ડાયલોગ રાઈટર પણ હતાં,
થીએટર આર્ટીસ્ટ પણ હતાં,
સ્ટોરી રાઈટર પણ હતાં,
ટોચના કોમેડિયન પણ હતાં.
નામી વિલન પણ હતાં,
ડીરેક્ટર પણ હતાં,
જે સિવિલ ઇન્જીનીયરીંગના પ્રોફેસર પણ હતાં, અને ... જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.. સિવિલ ઈન્જીનીયરીંગમાં...

જેમણે સૌને
ખુબ હસાવ્યાં
ખુબ રડાવ્યા અને
ખુબ ડરાવ્યા પણ ખરાં,

‘કાદરખાન.’

આગામી કડી કદાવર વ્યક્તિત્વ ધરાવતાં કલાકાર કાદરખાનને નામ

વિજય રાવલ
૦૯/૦૯/૨૦૨૨