અતીતરાગ - 49 Vijay Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અતીતરાગ - 49

અતીતરાગ-૪૯

હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કલાકરોના એવરેજ એજ્યુકેશન ક્વોલિફીકેશન નજર નાખો તો પરિણામ નબળું આવશે.

ખુબ ઓછા પ્રમાણમાં ફિલ્મી કલાકરોએ હાયર એજ્યુકેશન અથવા ડીપ્લોમાં કે ડીગ્રી હાંસિલ કરી હોય.

આગામી કડીમાં આપણે એક એવાં મલ્ટી ટેલેન્ટેડ અદાકારની વાત કરવાના છીએ
જે એકટર પણ હતાં,
ડાયલોગ રાઈટર પણ હતાં,
થીએટર આર્ટીસ્ટ પણ હતાં,
સ્ટોરી રાઈટર પણ હતાં,
ટોચના કોમેડિયન પણ હતાં.
નામી વિલન પણ હતાં,
ડીરેક્ટર પણ હતાં,
જે સિવિલ ઇન્જીનીયરીંગના પ્રોફેસર પણ હતાં, અને ... જેમને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું હતું.. સિવિલ ઈન્જીનીયરીંગમાં...

જેમણે સૌને
ખુબ હસાવ્યાં
ખુબ રડાવ્યા અને
ખુબ ડરાવ્યા પણ ખરાં,

‘કાદરખાન.’

આજની કડી કદાવર વ્યક્તિત્વ ધરાવતાં કલાકાર કાદરખાનને નામ.

આજે આપણે એ કાદરખાન વિષે વાત કરીશું, જે માસના નહીં પણ ક્લાસના વ્યક્તિ હતાં. અને જેણે અભિનય સમ્રાટ દિલીપકુમારને પણ એકવાર કહી દીધું હતું કે,

‘મારું નાટક જોવા આવવું હોય તો સમય પર આવજો.’

સિવિલ ઈન્જીનીયર કાદરખાનની જિંદગીની શરૂઆત થઇ હતી, મુંબઈના રેડ લાઈટ વિસ્તારથી.

અફઘાનિસ્તાનના કાબૂલ પ્રાંતમાં ૨૨ ઓક્ટોબર ૧૯૩૭માં જન્મ થયો કાદરખાનનો.
કાદરખાનની નાની વયે તેમનો પરિવાર સ્થળાંતરિત થઇ ગયો મુંબઈમાં.

સ્થળાંતર થવાનું કારણ એ હતું કે, કાદરખાનથી મોટા ત્રણ ભાઈઓનું અકાળે અવસાન થયું હતું. એટલે તેમના માતા એવું માનતા હતાં કે, અફઘાનિસ્તાનની ભૂમિ તેમના માટે અપશુકનિયાળ છે, એવું વિચારીને સમગ્ર પરિવાર આવ્યો મુંબઈ.

તેઓ અહીં આવ્યાં ત્યારે તેમનું કોઈ પરિચિત મુંબઈમાં નહતું અને આર્થિક સંકડામણ પણ હતી. એટલે તે સમયમાં મુંબઈની જે સસ્તી જગ્યા હતી તે તેમણે પસંદ કરી અને તે જગ્યા હતી રેડ લાઈટ એરિયા, કમાઠીપુરા.

ઘરમાં હંમેશા પૈસાની તંગી પરિવારના સદસ્યની માફક હાજર રહેતી. અને તે કારણે તેના માતા-પિતા વચ્ચે સતત ઝઘડાઓ ચાલ્યાં કરતાં. જેના કારણે અંતે બન્ને એ તલાક લઇ લીધા.

એ પછી કાદરખાનના નાનાએ તેમની માતાને સમજાવતા કહ્યું કે, આ વિસ્તારમાં એકલાં રહેવું હિતાવહ નથી અહિયાં દરેક પ્રકારના લોકોની અવરજવર થતી રહે છે, એટલે તું બીજા લગ્ન કરી લે.
એ પછી કાદરખાનની માતાએ બીજા લગ્ન કર્યા.
પણ બન્યું એવું કે, બકરું કાઢતા ઊંટ પેધી ગયું.
કાદરખાનના સાવકા બાપ કોઈ હિન્દી ફિલ્મના સાવકા બાપથી કમ નહતા.
તેઓ કાદરખાનની માતા અને કાદરખાનએ માર ઝૂડ કરતાં. પરિવારના જીવન નિર્વાહ માટે કોઈ જ આર્થિક સહાય નહતા કરતાં.

કલાકો નહીં પણ દિવસોના દિવસો કાદરખાને ભૂખ્યા પેટે વિતાવી હતી.
અને એક દિવસ કાદરખાને બીજા છોકરાઓની માફક ફેકટરીમાં જઈને મજૂરી કરવાનું વિચાર્યું.

આ વાતની તેમની માતાને જાણ થઇ અને તેમણે કાદરખાનને સમજાવ્યું કે,
‘આજે તું મજૂરી કરીશ તો જિંદગીભર મજૂરી જ કરતો રહીશ. અને જો ગરીબીને મારવી હોય તો તું તારો અભ્યાસ ચાલુ રાખ.’

માતાનું આ વાક્ય કાદરખાન માટે બ્રહ્મજ્ઞાન સાબિત થયું. તે દિવસની ઘડી પછી કાદરખાન એટલું ભણ્યાં કે પહેલાં સિવિલ ઈન્જીનીયરીંગમાં ડીપ્લોમાં કર્યું, ડીગ્રી મેળવી એ પછી પોસ્ટ ગ્રેજ્યુએશન પણ કર્યું.

આટલાં હાઈ ક્વોલીફાઈડ પર્સન બન્યાં પહેલાં કાદરખાને કઈ હદ સુધીની ગરીબી જોઈ તેનું એક ઉદાહરણ જોઈએ.

કાદરખાન જયારે ભણતાં હતાં ત્યારે તેમની પાસે પેન, પેન્સિલ કે નોટબૂક્સ ખરીદવાના પૈસા નહતા. તેમની પાસે એક ચોકનો ડબ્બો હતો. બ્લેક બોર્ડ તો હતું નહીં, તે ચોકથી તે જમીન પર ગણિતના દાખલા સોલ્વ કરતાં હતાં.

દિવસ દરમિયાન કાદરખાન અભ્યાસ કરતાં. ઘરના ઝઘડા અને મારથી તંગ આવી ગયેલા કાદરખાન રાત્રીના સમયે ઘરની પાસે એક સ્મશાન ગૃહ હતું ત્યાં ચાલ્યાં જતાં.

ત્યાં જઈને તે દિનભર તેના પર જે વિતતું, તે ઘટનાનું રાડો પાડીને પુનરાવર્તન કરતાં. દિવસભરનો બળાપો આ રીતે હળવો કરતાં.

એ કબ્રસ્તાનમાં કાદરખાનને પહેલીવાર એક્ટિંગ માટેની ઓફર મળી.

એક રાત્રે બસ આ રીતે તેઓ ઊંચાં અવાજમાં જાત સાથે સંવાદ કરતાં હતાં ત્યારે.. કોઈ વ્યક્તિએ તેના પર ટોર્ચ લાઈટથી પ્રકાશ ફેંક્યો.

તે વ્યક્તિ હતી અશરફખાન. જેને મહેબૂબ ખાનની ફિલ્મ ‘રોટી’માં કામ કર્યું હતું.
તે સમયમાં અશરફખાન એક્ટિંગ અને થીએટર પણ કરતાં હતાં.

‘તું નાટકમાં કરીશ’
આવું પૂછ્યું અશરફખાને નાની વયના કાદરખાનને.
તરત જ કાદરખાને ઉત્તર આપ્યો..
‘હાં.’

એ પછી તેમણે કાદરખાનને ‘વામક અજરા’ નામના નાટકમાં નાના રાજકુમારનો રોલ આપ્યો. એ નાટકમાં કાદરખાનને સારી એવી પ્રસંશા મળી. અને સાથે સાથે કાદરખાનના મનોબળને નવી ઉર્જા પણ મળી.

તે પછી કાદરખાનને થીએટરનો લગાવ લાગ્યો. ધીરે ધીરે નાટકો કરતાં થયાં અને તેમણે નાટકનો આનંદ એટલા માટે આવતો હતો કે, જેટલો સમય તે નાટકમાં વિતાવતા એટલો ટાઈમ તેમને ઘરની યાતનામાંથી છુટકારો મળી જતો.

તેની અભ્યાસ અને થીએટરની કારકિર્દી સમાંતર ચાલવા લાગી અને બન્નેમાં તેઓ મહારથ હાંસિલ કરવાં લાગ્યાં.

જયારે તેઓ કોલેજમાં આવ્યાં ત્યારે.. તેઓ નાટક પણ લખતા, સંવાદ પણ લખતાં અને એક્ટિંગ પણ કરતાં.

એ સમયે ઓલ ઇન્ડિયા થીએટર કોમ્પિટિશન થતી હતી. એ કોમ્પિટિશનમાં કાદરખાન પહોચ્યાં તેમનું નાટક લઈને, જે નાટકનું શીર્ષક હતું ‘લોકલ ટ્રેન’.
જજીસની ભૂમિકામાં હતાં પ્રખ્યાત ડાયરેક્ટર, રાઈટર રાજેન્દ્રસિંગ બેદી, તેમના સુપુત્ર નરેન્દ્રસિંગ બેદી અને અભિનેત્રી કામિની કૌશલ.
તે ઓલ ઇન્ડિયા થીએટર કોમ્પિટિશનમાં કાદરખાનનું નાટક પ્રથમ નંબરે આવ્યું.
તે પછી જજીસે કાદરખાનને પૂછ્યું કે,

‘આટલું ઉત્તમ લખો છો તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કેમ પ્રયત્ન નથી કરતાં ?’
તેનો પ્રત્યુતર આપતાં કાદરખાન બોલ્યાં..
‘હું પાગલ છું, કે ફિલ્મ લાઈનમાં કામ કરું ?
કાદરખાનનો જવાબ સાંભળીને જજીસ બોલ્યાં..
‘તો મતલબ કે અમો પાગલ છીએ એમ ?’
પછી સૌ ખડખડાટ હસવા લાગ્યાં.

એ પછી રાજેન્દ્રસિંગ બેદીએ કાદરખાનને કહ્યું કે,
‘મારો પુત્ર એક ફિલ્મ બનાવી રહ્યો છે, હું એવું ઈચ્છું છું કે,તેના સંવાદ તમે લખો.’

કાદરખાનની બોલીવૂડમાં એટ્રી થઇ તે ફિલ્મના સંવાદ રાઈટરથી.
ડીરેક્ટર નરેન્દ્રસિંગ બેદી, નિર્માતા રમેશ બહેલ, સંગીતકાર આર.ડી.બર્મન
લીડ રોલમાં હતાં રણધીર કપૂર અને જયા ભાદુરી અને ફિલ્મનું નામ હતું..

‘જવાની દીવાની’. વર્ષ ૧૯૭૨.

‘જવાની દીવાની’માં ડાયલોગ લખવા માટે કાદરખાનને ૧૫૦૦ રૂપિયા આપવામાં આવ્યાં, અને એક મહિનાનો સમય આપવામાં આવ્યો હતો.

કાદરખાન મનોમન હસતાં હતાં કે, આટલાં નાના કામ માટે એક મહિનાનો સમય શા માટે આપવામાં આવ્યો હશે ?

એ સમયે તેમની પાસે લમ્રેટા સ્કૂટર હતું, તે ઉપાડ્યું અને પહોચ્યાં મુબઈમાં ખુબ મોટું મેદાન હતું. ક્રોસ મેદાન, ત્યાં આવ્યાં એક વૃક્ષ નીચે બેઠાં અને માત્ર ત્રણ કલાકમાં ફિલ્મ ‘જવાની દીવાની’ ના ડાયલોગ્સ લખી કાઢ્યા.

બોલીવૂડમાં એન્ટર થયાં પહેલાં તેઓ સિવિલ ઈન્જીનીયરીંગની ડીગ્રી મેળવ્યા બાદ, એક પોલીટેકનીક કોલેજમાં પ્રધ્યાપક તરીકે સિવિલ ઈન્જીનીયરીંગના પાઠ ભણાવતાં હતાં. ત્યાં તેમને માસિક ૪૦૦ રૂપિયાનું મહેનતાણું મળતું હતું.

‘જવાની દીવાની’ના અનુભવ પછી કાદરખાનને એવું મહેસૂસ કર્યું કે, બોલીવૂડની કેરિયરને ગંભીરતાથી લેવામાં કશું ખોટું નથી. એટલે તેમણે તેમના સંપર્ક દ્વારા હિન્દી ફિલ્મ જગતમાં કામકાજની શોધખોળ શરુ કરી.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતાં તેના એક મિત્ર મારફતે કાદરખાનને એવી માહિતી મળી કે, નિર્માતા નિર્દશક મનમોહન દેસાઈને તેમની આગામી ફિલ માટે ડાયલોગ રાઇટરની જરૂર છે.

મિત્રોની મદદથી કાદરખાન પહોચ્યાં મનમોહન દેસાઈ સુધી.બંન્ને વચ્ચેના ખાસ્સા એવાં વાર્તાલાપ પછી એક અકલ્પનીય ઘટના ઘટી. લાઈક નેવર બીફોર.

મનમોહન દેસાઈએ કાદરખાનને રૂપિયા ૧,૨૫,૦૦૦ (સવા લાખ) આપ્યાં તેની ફિલ્મના સંવાદ લખવા માટે.

અને મહા સંયોગ તો હવે સર્જાયો. નાની વયના કાદરખાનને કબ્રસ્તાનમાં જે અશરફ ખાને નાટક માટે ઓફર કરી હતી. તેણે મહેબૂબ ખાનની ફિલ્મ ‘રોટી’માં કામ કર્યું હતું. અને કાદરખાનને સંવાદ લખવા માટે રૂપિયા ૧,૨૫,૦૦૦ (સવા લાખ) મળ્યાં તે ફિલ્મનું નામ પણ ‘રોટી’ હતું. જી હાં, સુપર સ્ટાર રાજેશ ખન્ના અને મુમતાઝની સુપર ડુપર હિટ ફિલ્મ ‘રોટી’.

ફિલ્મી પરદા માટે સંવાદ લખતા કાદરખાનને પહેલીવાર પરદા પર લાવવાની તક આપી ખ્યાતનામ ડીરેક્ટર પ્રોડ્યુસર યશ ચોપરાએ.

યશરાજ બેનરની પહેલી જ ફિલ્મથી પરદા પર આવ્યાં કાદરખાન.
એ ફિલ્મ હતી ફરી એક વખત સુપર સ્ટાર રાજેશ ખન્નાની ‘દાગ’.
એ પછી તેમણે પોલિટેકનીક વાળી જોબ છોડી દીધી પણ થીએટર પર નાટક ભજવવાનું અવિરત રાખ્યું.

તેમણે એક પ્લે લખ્યું હતું, અને તે નાટકમાં તેઓ અભિનય પણ કરતાં હતાં,
નાટકનું નામ હતું, ‘તાશ કે પત્તે.’
તે નાટક જોયું હતું એકટર આગાજીએ. અને આગાજી એ તે નાટક વિષે ભરપુર વખાણ કર્યા દિલીપકુમાર પાસે.

અને અચાનક એક દિવસ કાદરખાન પર કોલ આવ્યો દિલીપકુમારનો.

કોલ પર તેમનો પરિચય આપતાં દિલીપકુમાર બોલ્યાં
‘હું યુસુફ બોલી રહ્યો છું.’

‘કોણ યુસુફ ? ‘ એવું કાદરખાને પૂછ્યું
‘એ યુસુફ, જેને દુનિયા દિલીપકુમારના નામથી ઓળખે છે.’ એવું દિલીપકુમાર બોલ્યાં

આટલું સાંભળતા લગભગ કાદરખાનના હાથમાંથી ફોનનું રીસીવર પડતા પડતા રહી ગયું.

એ પછી દિલીપકુમારે કાદરખાનને કહ્યું કે, તમારા નાટકની ખુબ પ્રસંશા સાંભળી છે અને હું નાટક જોવા ઈચ્છું છું.’

અને કાદરખાને અતિ આત્મવિશ્વાસ અને ગંભીરતાથી દિલીપકુમારને એવું કહ્યું હતું કે,
‘નાટક જોવાના થોડા નિયમો હોય છે, પડદો ઉઠે તે પહેલાં આવજો અને પડદો પડે એ પછી જાજો. આ નિયમ પાળી શકો એમ હો તો મોસ્ટ વેલકમ.’

દિલીપકુમારે કહ્યું. ‘હવે તો નાટક જોવાની ઈચ્છા તીવ્ર થઇ ગઈ.’
દિલીપકુમાર તે નાટક જોવા ગયાં, સમયસર.

નાટકની પુર્ણાહુતી પછી દિલીપકુમાર મંચ પર આવ્યાં અને પ્રેક્ષકોની સામે એવું એનાઉન્સમેન્ટ કર્યું કે, હું મારી આગામી ફિલ્મ ‘સગીના’માં કાદરખાનને રોલ ઓફર કરું છું.’

અને તે પછી દિલીપકુમારે ફિલ્મ ‘બૈરાગ’માં પણ કાદરખાનને તક આપી.

એ પછી કાદરખાને કયારેય પાછળ વળીને જોયું નહતું.
અસંખ્ય હિન્દી ફિલ્મોમાં સંવાદ લખ્યા, અનેક ફિલ્મો લખી.

સિંતેરના દાયકાના અંતમાં શરુ કરેલી તેમની વિલનગીરી એંસીનો દાયકો પૂરો થતાં સુધીમાં કોમેડિયનમાં તબદીલ થઇ ગઈ.

ફિલ્મ ‘હિમ્મતવાલા’ થી શરુ થયેલી કોમેડિયનની યાત્રા નેવુંનો દસક પાર કરી ગઈ.
અને ત્યાં સુધીમાં તો એક નવી જનરેશન આવી ગઈ હતી. ગોવિંદા સાથે મળીને તેમના નવા રંગ રૂપ સાથે અભિનય યાત્રાની એક નવી ઇનિંગ શરુ કરી હતી. જેમાં તેઓ ખુબ સફળ રહ્યાં.

જરા આપ તેમના વિવિધતા સભર એક્ટિંગના રેન્જની કલ્પના કરો. એક તરફ ભયનું સામ્રાજ્ય ઉભાં કરતો વિલન અને એક તરફ હાસ્યની છોળો ઉડાડતું કેરેક્ટર.

શ્રેષ્ઠ સંવાદ લખવા માટે તેમને બે ફિલ્મફેર એવોર્ડ મળ્યાં
ફિલ્મ ‘મેરી આવાઝ સુનો’ અને ‘અંગાર’ માટે.

અને બેસ્ટ કોમેડિયન તરીકે ફિલ્મ ‘બાપ નંબરી બેટા’ દસ નંબરી’ માટે પણ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
અને એ સિવાય તે નવ વખત બેસ્ટ કોમેડિયન માટે નોમીનેટ પણ થયાં હતાં

નિર્માતા તરીકે તેમણે ‘શમા’ નામની ફિલ્મનું નિર્માણ કર્યું હતું.

વર્ષ ૧૯૭૩માં ‘દાગ; થી લઈને છેક ૨૦૧૫માં આવેલી ‘હો ગયા દિમાગ કા દહીં’ સુધીમાં કાદરખાને ૩૮૩ ફિલ્મોમાં અભિનય કર્યો .

વર્ષ ૨૦૧૩માં હિન્દી ફિલ્મ જગતમાં તેમના યોગદાન માટે ‘સાહિત્ય શિરોમણી એવોર્ડ’ પણ મેળવી ચુક્યા હતાં.

૨૬ જાન્યુઆરી ૨૦૧૯માં ભારત સરકારે કાદરખાનને મરણોપરાંત પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માન્યા હતાં.

વર્ષ ૨૦૦૦ પછી ઉમ્રના પડાવ અને ચેન્જ થયેલા ફિલ્મી ટ્રેન્ડના કારણે ધીમે ધીમે કાદરખાન બોલીવૂડથી દૂર થતાં ગયાં.

૩૧ ડીસેમ્બર ૨૦૧૮ના દિવસે કેનેડાના ટોરન્ટો ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધાં.

આગામી કડી..

માત્ર ચૌદ વર્ષની ઉમ્રમાં અભ્યાસ પડતો મુકીને ફિલ્મ પડદા પર આવવું પડ્યું અભિનેત્રી રેખાને.

એવી તે શું મજબૂરી હતી ?

તે વિષે વધુ વિગત જાણીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૦૯/૦૯/૨૦૨૨