Atitrag - 10 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 10

અતીતરાગ-૧૦


નેવર અન ફોરગેટેબ મૂવી ‘પાકીઝા’નો ઉલ્લેખ કરતાં સૌથી પહેલું નામ યાદ આવે મીનાકુમારીનું.

ફિલ્મ ‘પાકીઝા’ના બધાં જ સોંગ્સ આજની તારીખે પણ સદાબહાર અને યાદગાર છે.
ફિલ્મ ‘પાકીઝા’માં મીનાકુમારી પર ફિલ્માવામાં આવેલાં બે મધુર ગીતો.

એક ગીત હતું...
‘આજ હમ અપની દુઆઓ કા અસર દેખેંગે...’ અને બીજુ ગીત હતું.
‘ચલો દિલદાર ચલો..ચાંદ કે પાર ચલો..’

આ બંને સોંગમાં આપ પડદા પર મીનાકુમારીને જોઈ રહ્યાં છો... પણ હકીકતમાં એ મીનાકુમારી નથી.

જી હાં, આ સિવાય હિન્દી ફિલ્મ ઇતિહાસમાં એક માઈલ સ્ટોન મૂવી ગણી શકાય એવી ફિલ્મ ‘પાકીઝા’ સાથે જોડાયેલાં રસપ્રદ કિસ્સાને આજે આપણે મમળાવીશું આજના અતીતરાગ ક્ષ્રેણીની દસમી કડીમાં.

‘પાકીઝા’નો અર્થ થાય પવિત્ર, શુદ્ધ. ફિલ્મની પટકથાના કેન્દ્રબિન્દુમાં છે, મીનાકુમારી.

લખનૌની એક એવી તવાયફનું પાત્ર તેમણે ભજવ્યું છે, જે તવાયફ હોવા છતાં પણ તેનું ચિત્ત અને ચરિત્ર પવિત્ર છે, પાક છે, ચોવીસ કેરેટ ગોલ્ડની માફક.

ભારતીય ઈતિહાસમાં નજર નાખીએ તો તવાયફ કલ્ચર સદીઓ પુરાણું છે. તેમના કાર્યક્ષેત્રને ‘કોઠા’ કહેવામાં આવતું. રંગીન મિજાજનો એક વર્ગ કોઠા પર જઈ, મુજરાના મહેફિલની મોજ માણતો, રંગરેલીયા કરતો અને ગજવાના ગજા મુજબ મન ખિસ્સા સાથે મન પણ હળવું કરતો.

આ તવાયફોને દિલ્લગી કરવાની ઇઝાઝત હતી દિલ લગાવવાની નહીં.
તેમનું એક જ કામ હતું ફક્ત મનચલાઓને મનગમતું મનોરંજન પીરસવાનું.
પણ ફિલ્મ ‘પાકીઝા’માં મીનાકુમારી ઈશ્ક કરવાનો ગુન્હો કરી બેસે છે.

કથા, ડીરેક્શન, અને નિર્માતાની બાગડોર હતી, મીનાકુમારીના પતિ કમાલ અમરોહીના હાથમાં.

એવું કહેવાય છે કે, જે રીતે શાહજહાં એ તેની પત્ની મુમતાઝ માટેના પ્રેમ પ્રતિક રૂપે તાજમહેલનું નિર્માણ કર્યું બસ કંઇક એવી જ સીદ્દ્તથી કમાલ અમરોહી ફિલ્મ ‘પાકીઝા’ મીનાકુમારીની બેનમુન અદાકારીનું ઉત્તમ સંભારણું બની રહે એવી ઇચ્છતા હતાં.

આ રીતે શરુ થઇ ‘પાકીઝા’ ની રીલ લાઈફ.
ફિલ્મનું મુહુર્ત થયું હતું ૧૬ જુલાઈ ૧૯૫૬ના દિવસે પણ, ફિલ્મ રીલીઝ થઇ ૪ ફેબ્રુઆરી ૧૯૭૨ના દિવસે.

આ ફિલ્મના નિર્માણને સોળ વર્ષ જેવો ખાસ્સો સમય લાગ્યો. આજના જેટ સ્પીડના સમયની તુલના કરીએ તો સોળ વર્ષ ખુબ મોટો સમયગાળો ગણાય.
આ સોળ વર્ષમાં અનેક પરિવર્તન આવ્યાં.

ફિલ્મ કચકડે મઢાઈ અને પડદા પર આવે ત્યાં સુધીમાં તો મીનાકુમારી અલ્મોસ્ટ મરણ પથારીએ પડી ચુક્યા રહ્યાં હતાં. અને ફિલ્મના સંગીતકારનું પણ ઇન્તેકાલ થઇ ચુક્યું હતું.

સોળ વર્ષના વિલંબ પાછળ અને કારણો છે, તેમનું એક કારણ છે કમાલ અમરોહી પૂર્ણતાવાદીના ચુસ્ત આગ્રહી હતાં. મતલબ વારંવાર જે શબ્દ આમિરખાન માટે શબ્દપ્રયોગમાં લેવાય છે, મિ. પરફેક્ટનીસ્ટ બસ કૈક એવું જ.

જ્યાં સુધી તેમના મન મસ્તિષ્કને ટાઢક ન વળે ત્યાં સુધી તેઓ રીટેક કરતાં રહેતાં.
બે પાંચ નહીં પણ એક શોટ માટે પચાસ રીટેક પણ કર્યા હતાં.
બીજું એક કારણ ૧૯૫૬માં જયારે ફિલ્મનું શૂટિંગ શરુ થયું ત્યારે બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મો બનતી હતી. પાંચ વર્ષ બાદ કલર ટેકનોલોજીનો આવિષ્કાર થયો. પણ ત્યાં સુધીમાં કમાલ અમરોહી અડધી મૂવી શૂટ કરી ચુક્યા હતાં.
‘પાકીઝા’ કમાલ અમરોહી સાબની ડ્રીમ પ્રોજેક્ટ હતી તેથી તેઓ આ ફિલ્મ નિર્માણમાં કોઈ કસર ન રહી જાય તેની ખાસ તકેદારી રાખતાં, એટલે...તેમણે ફરી પ્રારંભથી ફિલ્મ રિશૂટ કરી.

એ પછી એક નવી ટેકનોલોજી આવી. સિનેમાસ્કોપ.
સિનેમા સ્કોપ લેન્સની શોધ થઇ. તે લેન્સના ઉપીયોગથી શૂટ થયેલી ફિલ્મને પડદા પર વાઈલ્ડ ફોરમેટમાં જોઈ શકાય.

આ નવી ટેકનોલોજીથી કમાલ અમરોહી પ્રભાવિત થયાં અને આ નવી ટેકનીકથી તેઓ ફિલ્મ શૂટ કરવાનું વિચારવા લાગ્યાં.

અમેરિકાના કેલીર્ફોર્નીયા સ્થિત એમ.જી.એમ. સ્ટુડીઓ પાસેથી કમાલ અમરોહીએ તે સિનેમા સ્કોપ લેન્સ લીધો ભાડા પર. અને ફરી શૂટ શરુ કર્યું એકડે એકથી.

ફરી ઉભી થઇ એક નવી કમઠાણ. એમ.જી.એમ. સ્ટુડીઓ માંથી મંગાવેલો લેન્સ ક્ષ્રતિયુક્ત નીકળ્યો. મતલબ ફોલ્ટી હતો. એમ.જી.એમ.સ્ટુડીઓનો સંપર્ક કરી વાત સમજાવી. એક અભ્યાસ બાદ એમ.જી.એમ. સ્ટુડીઓને ટેકનીકલ ફોલ્ટ સમજાઈ જતાં
તેમણે દિલગીરી પાઠવી, એક નવો લેન્સ કમાલ અમરોહીને ભેટ સ્વરૂપે આપ્યો.

ઈન્ટરનેટની ગેરહાજરી અને આઈ.એસ.ડી કોલના સીમિત વ્યાપના એ સમયગાળામાં આ સઘળી જટિલ પ્રક્રિયામાં કેટલો સમય પસાર થયો હશે તેનું અનુમાન લગાવી શકાય.

અને એ પછી...
‘પાકીઝા’ ના નિર્માણમાં વિઘ્નનું સૌથી મોટું કારણ બન્યું કમાલ અમરોહી અને મીનાકુમારી બન્ને પતિ પત્ની વચ્ચે લગ્નજીવનનું ભંગાણ. બન્ને અલગ થયાં. બન્ને એકબીજા સાથે કામ કરવા રાજી ન્હતા. અને તે સમયે રિશૂટ કરેલી ‘પાકીઝા’નું નિર્માણ પચાસ પ્રતિશત્તથી વધુ થઇ ચુક્યું હતું, તે ‘પાકીઝા’નું શૂટિંગ સદંતર ઠપ્પ થઇ ગયું.

આ લગ્ન વિચ્છેદનો આઘાત મીનાકુમારી માટે અસહ્ય રહ્યો અને તેના મહરમ માટે મીનાકુમારી એ મદદ લીધી મદિરાની. તેઓ અતિશય શરાબ પીવાના રવાડે ચડી ગયાં, એ હદ સુધી કે તેમનું લીવર નષ્ટ થવાં લાગ્યું.

સળંગ આવાં પાંચ વર્ષના સમય બાદ ૧૯૬૯માં મીનાકુમારીને લીવર સીરોસિસના રોગનું ભોગ બનવું પડ્યું.

હવે આ પળોજણના પ્રકરણમાં એન્ટ્રી થઇ સુનીલદત્ત અને નરગીસજીની. તેઓ બન્ને મીનાકુમારી અને કમાલ અમરોહી બન્નેના કોમન ફ્રેન્ડસ હતાં.

તેઓ એ બન્ને વચ્ચે સુલેહ કરાવવાનું વિચાર્યું અને એક મુલાકાતનું આયોજન પણ કર્યું. મુલકાતમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે, ભૂતકાળની ભૂલોને ભૂલીને સૌ પ્રથમ ‘પાકીઝા’ની સમાપ્તિ માટે હાલ પુરતું સમાધાન અત્યંત આવશ્કયક છે.

એ રીતે ૧૬ માર્ચ ૧૯૬૯ના દિવસે ફરી શૂટિંગ શરુ થયું ફિલ્મ ‘પાકીઝા’નું.

પાંચ વર્ષના અંતરાલ બાદ મીનાકુમારીની એન્ટ્રી થઇ ‘પાકીઝા’ ના સેટ પર.
કમાલ અમરોહી એટલા ખુશ હતાં કે તેમણે તમામ ક્રૂ મેમ્બર સાથે મિષ્ટાન વહેંચીને શૂટિંગનો પ્રારંભ કર્યો.

પણ પાંચ વર્ષમાં મીનાકુમારી દશા દયાજનક થઇ ગઈ હતી. તેઓ એટલા અશક્ત થઇ ચુક્યા હતાં કે, અદાકારીની જવાબદારી નિભાવી શકવાને અસમર્થ હતાં.

તેમનું લીવર સિરોસિસ એ હદે વધી ગયું હતું કે, ડોકટરે તેમને કહી જ દીધું હતું કે,

‘તમારી પાસે હવે વધુ સમય નથી.’

અંતે એવું નક્કી થયું કે ફિલ્મના બે મહત્વના ગીતો મીનાકુમારીની ડબલબોડી, મતલબ હુબહુ તેમની કદ કાઠી જેવા કોઈ અન્ય પાત્ર પર શૂટ કરવામાં આવે.

અને જે ડબલ બોડી હતી તેમનું નામ હતું પદમા ખન્ના.
મીનાકુમારીની અવેજીમાં પદમા ખન્ના પર જે બે ગીતો શૂટ કરવામાં આવ્યાં તેમાનું પહેલું ગીત હતું..

‘આજ હમ અપની દુઆઓ કા અસર દેખેંગે...’
આ પુરા ગીત દરમિયાન પદમા ખન્નાએ ચુંદડી દ્વારા તેમનો ચહેરો ઢાંકી રાખ્યો છે. જયારે જયારે પદમા ખન્ના ચુંદડી તેમના ચહેરા પરથી ઉઠાવે છે, તે ક્લોઝ-અપ સીન મીનાકુમારી પર અલગથી શૂટ કરવામાં આવ્યો છે. એ સિવાય પુરા ગીતમાં આપ જે લોંગ શોટ જોઈ રહ્યાં છો એ પદમા ખન્ના છે.

અને બીજું ગીત..

‘ચલો દિલદાર ચલો..ચાંદ કે પાર ચલો...’
આ ગીતની શરૂઆતમાં થોડી ક્ષણો માટે મીનાકુમારીનો શોટ છે..ત્યારબાદ પૂરું ગીત પદમા ખન્ના પર ફિલ્માવવામાં આવ્યું છે. ગીતના એક દ્રશ્યમાં રાજકુમાર અને મીનાકુમારી નજરે પડે છે, તેમાં મીનાકુમારીની માત્ર પીઠ દેખાય છે તે પણ પદમા ખન્ના જ છે.

કહેવત છે કે, સારા કામમાં સો વિઘ્નો.

ફિલ્મના સંગીતકાર હતાં ગુલામ મહોમ્મદ. ૧૯૬૮માં ગુલામ મહોમ્મદનું અવસાન થયું.
૧૯૬૯માં જયારે ફિલ્મનું શૂટિંગ ફરી શરુથયું ત્યારે વિટંબણા એ ઉભી થઇ કે ફિલ્મનું પાશ્ચાત્ય સંગીત કોણ આપશે. ?

ત્યારે પસંદગી ઉતરી નૌશાદ સાબ પર.
પાર વગરની જદ્દોજહદ અને જહેમત બાદ આખરે ૪ ફેબ્રુઆરી ૧૯૭૨ના દિવસે ‘પાકીઝા’ પડદા પર આવી મુંબઈના એ થીએટરમાં જે સિનેમાઘરમાં વર્ષોથી ‘ડી.ડી.એલ.જે.’ ચાલતી રહી... જી હાં. મરાઠા મંદિર સિનેગૃહમાં.

ફિલ્મની પ્રિન્ટને એક પાલખીમાં મૂકીને સિનેમાહોલ સુધી લઇ આવવાવમાં આવી હતી. કારણ કે ‘પાકીઝા’ના એક દ્રશ્યમાં મીનાકુમારીને પણ એક પાલખીમાં લઇને આવવામાં આવે છે.

ફિલ્મના પ્રીમિયરમાં સૌ ફિલ્મ સેલીબ્રીટીઝ, મીડિયા અને કમાલ અમરોહીની રૂબરૂમાં
રાજકુમારે મીનાકુમારીની હથેળી પર ચુંબન કર્યું હતું.

‘પાકીઝા’ની અંતિમ ઉપાધીનું ચેપ્ટર હજુ બાકી હતું.

ફિલ્મ રીલીઝ થઇ ૪ ફેબ્રુઆરી ૧૯૭૨ના દિવસે. દર્શકોને ફિલ્મ પસંદ ન પડી.
ફિલ્મ સમીક્ષકોએ પણ ફિલ્મને કોઈ ખાસ મહત્વ ન આપ્યું.

પણ થોડા દિવસો બાદ..
૩૧ માર્ચ ૧૯૭૨ના દિવસે મીનાકુમારી હંમેશ માટે આંખો મીચી, દુનિયાને અલવિદા કહી જન્નત નશીન થયાં.

મીનાકુમારીના કરોડો ફેન્સને એક જબરો ધક્કો લાગ્યો. અને તેમના અસંખ્ય ચાહકોનો સૈલાબ ઉમટી પડ્યો તેમની અંતિમ ફિલ્મ જોવા સિનેમાં ઘરો તરફ.

તે પછી તેંત્રીસ સપ્તાહ સુધી લગાતાર ‘પાકીઝા’ સિનેમા હોલ પર હાઉસફુલના પાટિયા ઝૂલાવતી રહી.

‘પાકીઝા’ના નિર્માણ પાછળ એક કરોડ રૂપિયાનું આંધણ થયું હતું અને ‘પાકીઝા’ એ તે સમયમાં છ કરોડનો બિઝનેશ કર્યો હતો.

એક એવી ફિલ્મ જે કમાલ અમરોહીનું મીનાકુમારી પ્રત્યેના અપ્રતિમ પ્રેમનું સર્વશ્રેષ્ઠ સર્જન અને ઐતિહાસિક યાદગાર સંભારણું બની ગયું.


આગામી કડીની ઝલક..

‘નવકેતન’ બેનર હેઠળ વિજય આનંદ દિગ્દર્શિત અને દેવ આનંદ, મુમતાઝ અને હેમામાલિની અભિનીત એક ફિલ્મ બની હતી, જેનું નામ હતું ‘તેરે મેરે સપને.’

તે ફિલ્મમાં એક લોકપ્રિય ગીત છે..
‘જીવનકી બગિયા મહેકેગી લહેકેગી..
ખુશીયો કી કલિયા ઝુમેગી ઝુમેગી..’

તમને ખ્યાલ છે આ ગીતને સંગીતબદ્ધ કોણે કર્યું હતું ?

તમને યાદ હશે અથવા ગૂગલમાં સર્ચ કરીને તમે તરત જ કહેશો...કે
એસ.ડી.બર્મન.
તો તમારો જવાબ ખોટો છે.

સાચો જવાબ જાણવા ઇન્તેઝાર કરો અતીતરાગની આગામી કડી સુધી.

વિજય રાવલ
૨૨/૦૮/૨૦૨૨

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED