ડાયરીનું ઝાંખું પડેલું અવિસ્મરણીય પૃષ્ઠ Nisha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડાયરીનું ઝાંખું પડેલું અવિસ્મરણીય પૃષ્ઠ

ડિસેમ્બર ૭, ૧૯૮૨


આજે વહેલી સવારે મને સ્વપ્ન આવેલું કે બાનું મગજ અસ્થિર થઈ ગયું છે અને એ અમારા રુમમાં પાસે પાસે પાસે મૂકેલાં પલંગોની ગોળ ફરતે દોડી રહ્યા છે! તેમનું શરીર ભારે હોવા છતાં એ સ્ફુરતાંથી દોડે છે…

ભર ઊંઘમાં મેં મમ્મીને બોલતાં સાંભળી,

“ નિશા, નિશા, ઉઠ, ઉઠ.” આંખ ખોલી તો મમ્મી માથા પાસે ઊભી હતી.

“ચાલ, જલ્દી કર, આપણે હમણાં જ નીકળવાનું છે, બાની તબિયત બહુ ખરાબ છે.”


ત્યાં પહોંચ્યા તો ખબર પડી કે બા તો અમારા પહોંચતાં પહેલા જ સ્વર્ગે સિધાવી ચૂક્યા હતા! ઊંઘતી આંખે જોયેલ સ્વપ્ન અને આંખ ઉધડતાં જ કરુણ કઠોર સત્ય! બા અને મૃત્યુ? સાચે જ?? ૭૫-૮૦ વર્ષની વય અને લકવાગ્રસ્ત હોવા છતાં બા મૃત્યુ પામી શકે તે વાત મારાથી માની જ શકાતી નથી! અચાનક આ શું થઈ ગયું…?!

૰ ૰ ૰ ૰ ૰ ૰


ફેબ્રુઆરી ૭,૧૯૯૯


આજે વર્ષો પછી મમ્મીના ઘરે આવી છું. પરણ્યા પહેલાં જે પુસ્તકો ભેગા કર્યા હતા અને જેમાં રોજની મારી સંવેદના લખતી એ ડાયરીઓ- બધું જ ઘરનાં એક ખૂણામાં પડ્યાં હતાં. સમયના જે પડળો છોડી હું આગળ નીકળી ચુકી હતી તે બધા આજે જર્જરિત અવસ્થામાં હતાં! જૂની સ્મૃતિ તાજી કરતાં કરતાં હું ડાયરીઓના પૃષ્ઠો પર નજર ફેરવતી હતી ને તેમાંના એક ઝાંખા થઈ ગયેલ પૃષ્ઠ પર નજર સ્થિર થઈ ગઈ! એ પૃષ્ઠ જ ઝાંખું થયું હતું, પ્રસંગ નહીં! બા મને ક્યારેય વિસરાયા નથી. હમેંશા મારી અંદર જીવતાં રહ્યાં છે! એ આજીવન મારા પ્રેરણાસ્ત્રોત રહ્યાં છે. લગ્ન પછી હમેશા જીવન સંઘર્ષમય જ રહ્યું છે. મને ઘણીવાર લાગતું કે બસ, હવે થાકી ગઈ, હારી ગઈ, આગળ ચાલી નહીં શકું, ને ત્યારે ત્યારે બા અંદરથી બોલી ઊઠ્યા છે,

“ નિશા, મારી દીકરી થઈને હારી ગઈ?! ચાલ, ઊભી થા, હજુ તો જીવનની બહુ લડાઈઓ જીતવાની છે! “

ને હું ફરી પાછી જીવન સંઘર્ષમાં જોડાઈ ગઈ છું, હસતાં હસતાં!


બા તો અદભુત હતાં, ખૂબ સુંદર, જાજરમાન, પ્રભાવશાળી! મોટું તેજસ્વી કપાળ, ગોળ સુંદર ચહેરો, ગૌરવર્ણ, પ્રતિભાશાળી ભરાવદાર શરીર… ઘૂંટણ સુધીના જાડા લાંબા, કાળા વાળમાં થોડી સફેદ ઝાંય! અને એ વાળનો મોટો અંબોડો! બા ઘરે રોજ ચરખો ચલાવતાં, અને નજીક આવેલા ગાંધીઆશ્રમમાં આપી આવતાં. ત્યાંથી તેના બદલામાં ખાદીનું કાપડ લાવી, જાતે એમાંથી કપડાં સીવીને પહેરતાં. તે હમેશાં સફેદ સાડી જ પહેરતા. એ સફેદ સાડીમાં નાની આછી આસમાની અથવા આછી કથ્થાઈ રંગની કિનારી રહેતી. એ સફેદ અને આછા રંગની કિનારીવાળી જાતે કાંતેલી સાડીનો છેડો હમેશાં તેમના માથા પર રહેતો! ખૂબ સાદી, સુંદર, પ્રતિભાશાળી, અડગ, નિજ સુખદુઃખ ભૂલી કુટુંબ અને સમાજકલ્યાણને માટે સમગ્ર જીવન સમર્પિત કરનાર કરુણામૂર્તિ એટલે મારા બા!


૧૮૦૦ની શતાબ્દીમાં તેમનો જન્મ થયો હતો. પિતાના એ એકમાત્ર પુત્રી, સૌરાષ્ટ્રના વતની, મુંબઈની વનિતા વિશ્રામ નામની અંગ્રેજી માધ્યમની શાળામાં ભણ્યા હતા અને ત્યાંના જ છાત્રાલયમાં રહેતા હતા. ભણવાનું પતી જતાં તેમનાં મારા દાદાજી સાથે લગ્ન થયા. દાદાજી સ્વતંત્રતાની અહિંસા ચળવળમાં જોડાયા; સાથે બા તો ખરા જ! બા દારૂના પીઠા પર પીકેટીંગ કરવા જતાં; દાદાજી સાથે આયુર્વેદિક દવાઓનું પધ્ધતિસરનું જ્ઞાન લઈ ઘરે દવાઓ બનાવતાં અને લોકોની વિના મૂલ્યે સારવાર કરતાં. એક પત્ની ગુજરી જતા દાદાજીના બીજીવાર લગ્ન થયા અને બીજી પત્ની પણ ગુજરી જતા, દાદાજીના બા સાથે ત્રીજીવારના લગ્ન થયા. તેમને આગળની પત્નીઓથી ચાર પુત્રીઓ હતી અને બાથી બીજી બે પુત્રી અને ત્રણ પુત્ર થયા. બાએ ક્યારેય નવ સંતાનમાંથી કોઈ સંતાનમાં ભેદભાવ નહોતો કર્યો. કોઈ અજાણ્યાને તો જરા અણસાર ય ના આવે કે આમાંથી કોઈ સંતાન સાવકું પણ છે! મને પણ તો ૧૫-૧૬ વર્ષની થઈ ત્યારે જ તો જાણ થઈ હતી!


બા અને દાદાજીએ જ્ઞાતિ તથા ગોળની પ્રથા; લગ્ન, મરણ, શ્રીમંત, આણું, જીઆણું, વિગેરે પ્રસંગોએ થતાં કુરિવાજોની પ્રથા; કરિયાવર (દહેજ) જેવી પ્રથા; કે જે સમાજ માટે હાનિકારક છે તે બધાનો સંપૂર્ણપણે બહિષ્કાર કર્યો હતો. સંતાનોના લગ્ન જ્ઞાતિ બહાર, ગોળ બહાર કોઇ પણ દહેજ આપ્યા કે લીધા વિના કર્યા હતા. જે સમાજ હજુ આજે પણ એ કુરિવાજોમાં સુધારા કરનાર માટે કપરાં સંજોગો ઊભા કરી દે છે, તો આ તો સ્વતંત્રતાથી યે પહેલાનો સમય! છતાં બા ક્યારેય ડગ્યા નહોતા. પ્રખર પ્રચંડ મૂર્તિ! ક્યારેય તેમણે પોતાના આદર્શોમાં બાંધછોડ કરી નહોતી.


દાદાજીનું તો મારા કાકાના એટલે કે તેમનાં છેલ્લાં સંતાનના જન્મ પહેલાં જ અવસાન થઈ ગયું. દાદાજીના અવસાન પછી આખા આટલા મોટા કુટુંબની જવાબદારી બા ઉપર આવી પડી. નવ સંતાન, દાદાજીની જમીનો, તમાકુનાં કારખાનાં- બધી જ બાની જવાબદારી બની ગઈ! અને ત્યારે બાની ઉંમર હતી માત્ર ૩૫ વર્ષ! દાદાજીના પિતરાઈ ભાઈ દાદાજી જતાં જ બધી મિલકતનાં ભાગ કરી અલગ થઈ ગયા! પણ બા જરાય હિંમત હાર્યા નહોતા, જરાય નહીં. તેમણે એ જ હિંમતથી જીંદગીની ગાડી આગળ વધારી. એ નાનકડા શહેરના મેયર પણ બન્યા!


એ જમીનો પરની ખેતીનું ધ્યાન રાખતા અને એમાં કામ કરનાર ખેડુતોનું પણ, તમાકુનું કારખાનું ચલાવતા, સંતાનોના શિક્ષણ અને સંસ્કારનું પણ ધ્યાન રાખતા; ઘરના તમામ સભ્યો સાથે એ તમાકુના કારખાનામાં કામ કરતી સ્ત્રીઓને પણ પોતાના હાથે રસોઈ બનાવી જમાડતા, અને ઘરકામમાં મદદ કરનાર બાઈઓને પણ. અને આ બધા સાથે સાથે તેમની ઘરે જાતે દવા બનાવી બિમારોની વિનામૂલ્યે સારવાર તો ચાલુ જ. તેમણે સંતાનોને સારામાં સારું ઉચ્ચ શિક્ષણ આપ્યુ. કાંઈક ગજબની હિંમત, સ્ફૂર્તિ, કામ કરવાની આવડત અને તાકાત, સમજદારી, કુનેહ ધરાવતાં બાએ જમાઈઓ સમજદાર, સુશિક્ષિત અને દીકરાની ગરજ સારે તેવા અને વહુઓ પણ એવી જ પસંદ કરી હતી! જીવનની દરેક મુશ્કેલી કુશળતા અને કુનેહપૂર્વક પાર કરી!

મારા તો ખૂબ જ વહાલા હતા! મને હજુ પણ યાદ છે, નાનકડી ત્રણ-ચાર વર્ષની હું, અડધી રાત્રે આંખ ઉધડી જાય અને બા મારી બાજુમાં ના દેખાય તો બગલમાં ઓશીકું દબાવી, મમ્મીના રૂમની બહાર નીકળી બાના રૂમનો દરવાજો ખખડાવતી, “ બા, બા, બારણું ખોલો, હું સૂઈ ગઈ એટલે મને મૂકી બીજા રૂમમાં કેમ જતાં રહ્યાં?!” અને હું બા પાસે જઈને સૂઈ જતી.

જીવનના છેલ્લાં વર્ષોમાં લકવાગ્રસ્ત બા પથારીવશ અને પરાધીન થયા એ દિવસોની મૂક વેદના હવે મને સમજાય છે! આખી જીંદગી બીજાને ટેકો કરનાર બા પથારીવશ થયા હશે ત્યારે અંદરથી તેમનું હ્રદય કેવું હાહાકાર કરતું હશે!

૰ ૰ ૰ ૰ ૰ ૰


માર્ચ ૮, ૨૦૨૨


એ ડાયરી હું છાતીસરસી દબાવી મારી સાથે લઈ આવી છું! મારા બા, મારો આદર્શ… સહનશક્તિ અને પ્રેરણામૂર્તિ! બા સ્વરૂપે એ સ્વયં નારાયણી હતા! સમગ્ર કુટુંબ અને સમાજના કલ્યાણમાં જ જીવનને સફળ માનનાર બા, તમને શતશત વંદન!

૰ ૰ ૰ ૰ ૰ ૰