એ શું હતું? Nisha Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એ શું હતું?

સુપરફાસ્ટ ટ્રેનનાં બારણાં બંધ થઈ ગયાં અને ટ્રેન સ્ટેશન છોડી ગઈ! બારણાં બંધ થતાં પહેલાં તેની એક આછી ઝલક એને દેખાઈ હતી, તે પણ માત્ર બેત્રણ ક્ષણો માટે! તેનો સરખો સ્કેચ બનાવવો શક્ય નહોતો. ન તો તે કયા નામથી જર્ની કરતો હશે તે ખબર હતી. ટ્રેનમાં એક કમ્પાર્ટમેન્ટથી બીજા કમ્પાર્ટમેન્ટમાં જઈ શકાતું હતું તેથી એ કયા કમ્પાર્ટમેન્ટમાં હશે તે કહેવું પણ મુશ્કેલ હતું. ટ્રેન સુપરફાસ્ટ હોવાને લીધે કારથી જઈને ટ્રેનથી પહેલાં ટ્રેનનાં આના પછીનાં સ્ટેશન પર પહોંચી શકાય તેમ નહોતું. આ વખતે પણ એને પકડી શકાયો નહીં! તેણે અફસોસથી હાથ મસળ્યાં અને નિષ્ફળતાનાં રોષને કારણે ડોકી ધુણાવી.


એની ક્રાઈમબ્રાંચની દસ વર્ષની કેરીયરમાં આ પહેલો કેસ હતો જે એક વર્ષથી ચાલતો હતો અને તોયે કોઈ નિષ્કર્ષ પર પહોંચાતું નહોતું કે નહોતું કોઈને પકડી શકાયું. એ જે પણ હોય, ખૂન કરી છટકી જતો હતો. અથવા છટકી જતી હતી, બરાબર ને! હમ્મ, શું ખબર, કદાચ એ સ્ત્રી પણ હોય! હજુ આજે જ તે જોવા મળ્યો અને તે પણ એક પેન્ટ અને હૂડીમાં. એટલે એની જાતિ પણ નક્કી કરી શકાય તેમ નથી. તેના ચહેરા પર કાળાં કપડાં જેવું કશું લાગતું હતું વળી હૂડીથી માથું ઢાંકેલું હોઈ કશું પણ કહેવું અશક્ય હતું. અને આમેય, આજકાલ પહેરવેશ, વાળ વિગેરે ઉપરથી પહેલાંની જેમ જાતિ નક્કી શકાય તેમ રહ્યું નથી. જ્યારે પણ ખૂન કરતો તે એક ધિક્કાર અને ગુસ્સાનું ઈમોજી દોરેલું કાગળ બાજુમાં છોડી જતો. તે કાગળ પર કોઈ પણ જાતનાં ફીંગરપ્રીન્ટ હજુ સુધી ક્યારેય મળ્યાં નહોતાં. આ દસમું ખૂન હતું. આ એક સીરીયલ કીલર હોવો જોઈએ તે સિવાય કશાં જ તારણ પર અવાયું નહોતું. એક ઈમોજી સિવાય બીજી કોઈ પધ્ધતિ કે રીત કશું જ સમાન નહોતું.


દસેદસ ખૂનમાં બીજી એક વાત બધાંને જોડતી હતી કે તે બધાં વર્ષો પહેલાં એક જ પોળમાં રહેતાં હતાં. સમય જતાં બધાં મોટાભાગનાં લોકોએ પોતપોતાનાં ઘર વેચી બીજી જુદી જુદી સોસાયટીઓમાં મોટાં ઘરો લઈ લીધાં હતાં. હવે બધાં જુદી જુદી જગ્યાએ રહેતાં હતાં. હમણાં થોડા સમય પહેલાં જ ત્યાંના તમામ મકાનો તૂટી તેની જગ્યાએ મોટું શોપીંગ સેન્ટર બંધાવાં જઈ રહ્યું હતું. બધાંનાં ભણતર, કામધંધા, નોકરી કશું જ સમાન નહોતું. આ વ્યક્તિ પોતાનો શિકાર કઈરીતે નક્કી કરે છે તે સમજવું સહેલું તો નહોતું જ. પોળમાં જ કશું બન્યું છે? કે બન્યું હતું? પણ શું? ક્યારે? કઈરીતે? કોઈ કડી મળતી નહોતી! અત્યાર સુધીમાં ત્રણ ઓફીસર્સ બદલાઈ ચૂક્યા હતાં. એ ચોથી અપોઈન્ટ થઈ હતી. બધાં ભેગાં થઈને પણ એની જડ સુધી પહોંચી શક્યાં નહોતાં. કોઈ કાર અકસ્માતમાં મરતું તો કોઈ ટ્રેનનાં ટ્રેક પરથી પસાર થતાં ટ્રેનની હડફેટે આવી જતું. કોઈ પેન્ટહાઉસમાં પાર્ટી કરતાં કરતાં ચોથાં માળથી ગબડી પડતું. તો વળી કોઈ બાથરૂમમાં લપસી પડી મરી જતું. કોઈ વરસાદમાં રસ્તાનાં ખાડામાં સ્કુટર સાથે ગબડી પડીને મરી જતું.


ગમે તે રીતે મોત થયું હોય, દરેકની બાજુમાં અથવા લાશનાં શરીરને ચોંટેલો ઈમોજીવાળો કાગળ જરૂર મળતો. બંધ ઘરમાં, કે પછી ઉપર સો માણસોની પાર્ટી ચાલતી હોય અને નીચે બધાં ડ્રાઈવર્સ બેઠાં હોય, સીક્સોરીટી સ્ટાફ હોય તેવી જગ્યાએ કોઈને એ વ્યક્તિ દેખાય જ નહીં એવું કેમ બને?! હોસ્પીટલ હોય, રોડ હોય કે માણસોની સતત હાજરીવાળી ઓફીસ હોય! કોઈએ હજુ સુધી એને જોયો હોય તેવું બન્યું નહોતું. કોયડો વધુ ને વધુ ગુંચવાતો જતો હતો.

આજે એક માણસ ટ્રેન સ્ટેશનનાં પ્લેટફોર્મ પરથી ધક્કો વાગતાં નીચે પડી ગયો અને એ ઊભો થઈ બહાર આવે તે પહેલાં તો એક ટ્રેન ત્યાંથી ફુલ સ્પીડે પસાર થઈ ગઈ. એ માણસનાં શરીરનાં ટુકડે ટુકડા થઈ ગયાં. આ પસાર થઈ ગયેલી ટ્રેન સુપર ફાસ્ટ ટ્રેન હતી, જે આ સ્ટેશને ઊભી રહેવાની નહોતી તેથી તેની ગતિ ખૂબ જ હતી. બેત્રણ સેકન્ડોમાં જ આ બનાવ બની ગયો હતો. હતો તો આ એક અકસ્માતનો કેસ. પણ લોકલ પોલીસને તપાસ કરતી વખતે એ માણસનાં એનાં કપાયેલાં હાથનાં એક ટુકડા પર એ ઈમોજીવાળો કાગળ મળ્યો. કોણ ક્યારે કેવીરીતે એ કાગળ ચોંટાડી ગયું તે કોઈને જ સમજાયું નહીં.


એટલે પોલીસે એને ફોન કરી જાણ કરી. તે તેની ટુકડી સાથે આવી પહોંચી. પણ ત્યારે ય બનાવ બન્યે બે એક કલાકનો સમય વીતી ગયો હશે. એટલે એટલી બધી વાર સુધી એ જે કોઈ હોય તે ત્યાં જ તો ના બેસી રહ્યું હોયને! સ્વાભાવિક છે. તે બધાં લાશની આજુબાજુ બધું નિરીક્ષણ કરતાં હતાં ત્યારે તેને જાણે અંદરથી લાગ્યાં કરતું હતું કે કોઈ તેને એકટક જોઈ રહ્યું છે. તેણે ચોતરફ વેધક નજર ફેરવે રાખી હતી. પણ કોઈ શંકાસ્પદ વ્યક્તિ નજરે ચડ્યું નહોતું. પ્લેટફોર્મની આ તરફ એ લોકો તપાસ કરતાં હતાં એવામાં પ્લેટફોર્મની બીજી બાજુએ બીજી એક સુપરફાસ્ટ ટ્રેન આવી ઊભી. ટ્રેન ઊપડવાની ક્ષણે એ લોકોની બાજુમાંથી જાણે કોઈ સફાળું દોડ્યું. તેનાં તેજ મગજે અને તિક્ષ્ણ નજરે તેની નોંધ લીધી. તે બધું પડતું મૂકીને એની પાછળ દોડી પણ વ્યર્થ!


તેનું મગજ તેને કહી રહ્યું હતું કે ચોક્કસ તે એ જ વ્યક્તિ હતી જેને તેઓ શોધે છે. તે જરૂરી સૂચનાઓ આપી ઘરે આવી. ઘરમાં તેનાં પાંસઠેક વર્ષનાં પપ્પા, તેનો આઠ વર્ષનો પુત્ર, રેખામાસી અને એ, એમ એ ચાર જણાં રહેતાં હતાં. મમ્મી ગયા વર્ષે જ ગુજરી ગઈ હતી. એક ભાઈ અને એક બહેન હતાં પણ બંને અમેરિકા રહેતાં હતાં અને પોતપોતાનાં સંસારમાં વ્યસ્ત હતાં. પપ્પા નિવૃત જજ હતાં. તેણે ક્રાઈમબ્રાંચમાં જોબ ચાલુ કર્યાં પછી લગ્ન તો કર્યાં પણ લગ્નજીવન સફળ ના થઈ શક્યું. પતિ છૂટાછેડા લઈ ઓસ્ટ્રેલીયા વસી ગયો હતો. પણ બંને વચ્ચે માબાપ તરીકેનાં સંબંધ સારાં હતાં. સાંજનાં છ વાગવાં આવ્યાં હતાં. રીધમ સ્કૂલ, ટ્યુશન, વિગેરે પતાવી આવી ને જ્યાં દાદા ચાની ચુસ્કીઓ લઈ રહ્યાં હતાં ત્યાં તેમનાં વિશાળ ગાર્ડનની વચોવચ બનાવેલ ગઝેબોમાં બેસી જ્યુસ સાથે શક્કરપારાંનો નાસ્તો કરી રહ્યો હતો. સીમોન આવીને સીધી કપડાં બદલ્યાં વગર જ ત્યાં બેસી ગઈ. રેખામાસી તેને માટે પણ ચા લઈ આવ્યાં.


રેખામાસી તેની મમ્મીનાં દૂરનાં પિતરાઈ બહેન હતાં. જેમનાં પતિએ તેમને લગ્નનાં થોડાં જ મહિનાઓમાં કાઢી મૂકેલાં. તેમનાં માતાપિતાએ તેમને પિયરમાં રાખ્યાં નહીં તેથી ત્યારથી તેની મમ્મીએ તેમને તેમની સાથે રહેવાં બોલાવી લીધેલાં. તે પછી હંમેશ માટે તેઓ પણ તેમનાં ઘરની જ વ્યક્તિ બની રહી ગયાં. એ ત્રણે છોકરાંઓ પણ તેમને સગાં માસી જેટલું જ માનસન્માન આપતાં. તેનાં પપ્પા પણ તેમને સાળી નહીં, સગી બહેન જેવું રાખતાં. એ પ્રેમ, એ હૂંફ, એ છતનું ઋણ ચૂકવતાં હોય તેમ રેખામાસીએ ઘરની અને છોકરાંઓની બધી જ જવાબદારી ઉપાડી લીધેલી. બધાં જ અભિન્ન અંગ હોય તેમ વર્તતાં. મમ્મી અને રેખામાસી વચ્ચે કોઈ કોઈવાર છોકરાંઓને વધુ પડતાં લાડ કરવાં બાબતે બોલાચાલી થઈ જતી પણ માસી ‘હવે પછી વધુ પડતાં લાડ નહીં કરે’ એવું કહી મનાવી લેતાં! મમ્મી પણ પાછી હસીને પોતાની બ્રશ અને કેન્વાસની દુનિયામાં વ્યસ્ત બની જતી. છેલ્લે મમ્મીને કેન્સર થયું ત્યારે માસીએ જે જતનથી મમ્મીની સેવા કરી હતી તે જોઈ લાગતું કે તેમણે આખી જીંદગીનું ઋણ વાળી દીધું છે!


બધાં સાથે બેસી વાતો કરવાં લાગ્યાં. આ તેમનો રોજનો રૂટીન હતો. રોજ સાંજે ત્યાં બેસવું, ચા, કોફી, નાસ્તો, જ્યુસ લેતાં લેતાં આખા દિવસની વાતો કરવી. અને પછી સાત વાગે એટલે માસી જમવાનું બનાવવાં જતાં રહેતાં, પપ્પા ત્યાં જ બેસીને પુસ્તક વાંચતાં, રીધમ થોડીવાર સોસાયટીનાં મિત્રો સાથે રમતો. સીઝન અનુકૂળ ના હોય તો એ લોકો ગઝેબાનાં કર્ટેઈન બંધ કરી બેસતાં. વધુ પડતી ઠંડી હોય તો પોર્ટેબલ હીટર ચાલુ કરતાં અને ગરમી હોય તો પોર્ટેબલ એસી ચાલુ કરતાં. પણ ત્યાં બેસતાં જરૂર. જોકે તે તેની જોબને કારણે રોજ જોડાઈ શકતી નહીં. પણ જ્યારે જ્યારે તક મળે તે જરૂર એ ફેમીલી મીટીંગમાં હાજર થઈ જતી. આજે તે થોડી વધારે હતાશ અને અકળાયેલી હતી તેથી તેણે આજે બનેલી ઘટના કહી સંભળાવી. આમ તો જોકે તે કોઈ કરન્ટ કેસની વિગતવાર ચર્ચા કરતી નહીં.


પણ અત્યારે બધી પહેલાંની ઘટનાઓ પણ જોડી બધી વાત ચર્ચવા લાગી. થોડીવારે રીધમ ત્યાંથી જતો રહ્યો એટલે રેખામાસીએ જણાવ્યું કે તે જ્યારે પરણ્યાં ત્યારે તેમનાં પતિનું પણ એ પોળમાં જ ઘર હતું. પણ અત્યારે તેમનાં વિશે તેમને કોઈ જ માહિતી નથી! આ વાત કશી ઉપયોગરૂપ થાય તેમ છે કે નહીં તે વિચારતી તે પોતાનાં રૂમમાં ગઈ. બધાં જ પોઈન્ટ, બધાં જ ખૂન વિશે તેણે નવેસરથી ફરી વિચારવાનું ચાલુ કર્યું. અગત્યનાં પોઈન્ટ્સની સ્ટીકીનોટ બનાવી રૂમની એક વોલ પર બનાવેલાં બોર્ડ પર ચોંટાડવાં માંડી અને બધાંનાં કનેક્શન અને દરેક પોસીબીલીટીસ્ વિશે ઊંડાણપૂર્વક વિચારવાં માંડ્યું. મોડી રાત સુધી કામ કરતાં કરતાં છેવટે ખુરશી પર જ તેની આંખ મીંચાઈ ગઈ. ઊંઘમાં પણ એ જ વાતો તેની ચારેકોર ઘૂંટાતી રહી.


એર્લામની મોટી રીંગ સંભળાતાં એ સફાળી ઊભી થઈ ગઈ. રીધમને સ્કૂલે જવાનું એર્લામ વાગી રહ્યું હતું. રેખામાસી જ એ બધી જવાબદારી રાખતાં છતાં એ બને ત્યાં સુધી તો ઉઠીને રીધમને દૂધનાસ્તો આપતી અને મૂકવાં પણ જતી. તે ઊભી તો થઈ ગઈ પણ ચક્કર આવતાં ધડામ દઈને નીચે પડી. તેની ચારે બાજુ અવાજો ગુંજતાં રહ્યાં. તેનો પડવાનો અવાજ સાંભળી રીધમ, પપ્પા અને માસી દોડી આવ્યાં. બધાંએ ટેકો આપીને પલંગમાં બેસાડી. માસીએ રીધમનાં દૂધનાસ્તાની તૈયારી કરતાં કરતાં એકબાજુ કોફી બનાવવાં મૂકી. હજુ તેનું માથું ચક્કર ચક્કર ફરતું હોય તેમ લાગતું હતું. માસીએ તેને ટોકી પણ ખરી કે હેલ્થ બગડે તેટલો સ્ટ્રેસ લેવો સારો નહીં. પણ માસીનાં શબ્દો અને મનમાં સંભળાઈ રહેલાં બીજાં અવાજો એકમેકમાં જાણે ભળી જતાં હોય તેમ તેને લાગ્યું.


કોફી પી જરાં સારું લાગતાં તે બહાર ગાર્ડનની ચેર પર પપ્પા સાથે બેઠી. આખાં ઘરમાં આ તેની સૌથી પ્રિય જગ્યા હતી. ગઝેબોમાં મૂકેલાં ટીવીમાં ન્યુઝ ચેનલ ચાલુ કરી બંને આજનાં નવીન સાંભળવાં લાગ્યાં. સાડાઆઠ જેવું થતાં પપ્પા ઊભા થઈ નહાવાં ગયાં. એટલે તેણે સાથેસાથે ન્યુઝપેપર્સનાં પાનાંઓ પર પણ નજર કરવાં માંડી હતી. ત્યાં ન્યુઝમાં તેને એક વ્યક્તિ દેખાઈ. તેનો અવાજ થોડો પાતળો હતો પણ સ્ત્રીનો તો નહોતો જ. કદાચ પંદરેક વર્ષનાં છોકરાનો હોય! તેણે પેલાં જેવાં જ કપડાં પહેર્યાં હતાં. મોં પણ એ જ રીતે ઢાંકેલું હતું. એ પેલાં બંધાઈ રહેલાં શોપીંગ સેન્ટર પર જઈ અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવશે તો કશુંક જરૂર મળશે તેવાં અર્થનું કશું કહી રહ્યો હતો. તેણે એકટક થયેલી નજર ખસેડી તો સામે ટીવીમાં રીપબ્લીક ચેનલ પર આર્નવ ગોસ્વામી કોઈ ખાસ પોલીટીકલ બ્રેકીંગ ન્યુઝની વાત કરી રહ્યો હતો. તેણે રીમોટ લઈ ટીવીની ચેનલો બદલી બદલી જોવાં માંડી. પણ તેણે જે છોકરો હમણાં હૂડીમાં જોયો, તેવું કે તેને લગતું કોઈ પણ ચેનલ પર આવતું નહોતું.


તેને લાગ્યું કે તે મગજ પરથી કંટ્રોલ ગુમાવી રહી છે. અકળામણ ગભરામણ છુપાવતાં તે નાહવાં જતી રહી. તેણે ટીવીમાં કશું જોયાંની વાત કોઈને કરી નહીં પણ તે પોતાની ટીમ લઈને તે પોળ કે જ્યાં શોપીંગ સેન્ટર બનવાનું હતું ત્યાં પહોંચી ગઈ! પોળનાં તમામ મકાનો ધરાશયી બની ગયાં હતાં અને હવે જમીનમાં નીચે ખોદકામ ચાલી રહ્યું હતું. બધાં ચારે તરફ વીખરાઈ જોવાં લાગ્યાં. પણ શું જોવાનું છે તે તો કોઈને ખબર જ ક્યાં હતી! આજે કોઈ સ્પષ્ટ સૂચના મળી જ નહોતી. આજે મેડમની વાત તેઓ સમજી શકતાં નહોતાં. બધાંનાં આશ્ચર્ય વચ્ચે રોજ ક્લીઅરકટ વાત કરનાર મેડમ આજે ગોળગોળ બોલતાં હતાં. તેણે પેલાં છોકરાંએ ઉલ્લેખ કરેલો તે જગ્યાએ પણ ખાસ જોયું. લગભગ કલાક થવાં આવ્યો તોયે કશું જાણવાં ના મળ્યું એટલે એ લોકો ત્યાંથી નીકળી જવાં ગાડીમાં બેઠાં ને એક મજુર દોડતો-હાંફતો આવ્યો. ખોદતાં ખોદતાં ત્યાં કોઈ હાડપિંજર નીકળ્યું હતું!


બસ, આખાં મેડમનાં યુનિટમાં ચહલપહલ થઈ ગઈ. એ જગ્યાએ કામ બંધ કરી દેવામાં આવ્યું. લોકલ પોલીસની ટીમ અને ફોરેન્સીક ટીમ આવી ગઈ. ઈંચેઈંચની તપાસ ચાલુ થઈ ગઈ. હવે તેણે પોળમાં છેલ્લાં પંદર વર્ષમાં રહી હોય તેવી દરેક વ્યક્તિના ડીએનએની તપાસ ચાલુ કરી દીધી. એક પ્રૌઢ, ત્યાં નાકા પર બેસી રહેતાં સાવ ગાંડાં જેવાં માણસનાં ડીએનએ સાથે પેલાં હાડપિંજરનાં ડીએનએનો મેચ મળી ગયો. વાત ન્યુઝમાં આવતાં રેખામાસીએ તેને ફોટો જોઈ ઓળખી નાંખ્યો. એ તેમનો પતિ હતો. જોકે આટલાં વર્ષે માસી તેનું મોંઢું પણ જોવાં માંગતાં નહોતાં. પોલીસે તેને કસ્ટડીમાં રાખી પોળનાં દરેકેદરેક વ્યક્તિની ઊંડી તપાસ હાથ ધરી.


એવામાં એક દિવસ કોણજાણે શું થયું તો માસી તેની સાથે પોલીસસ્ટેશન જવાં તૈયાર થઈ ગયાં. ખબર નહીં પણ કેમ, તેમને એમનાં જૂનાં પતિ રોહિતને મળવું હતું. માસીને જોતાં જ તે ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો. પછી જે તેણે માસીને કહ્યું તે હ્રદયને છેક અંદર સુધી હચમચાવી નાંખે તેવું હતું.


રોહિતે માસીને કાઢી મુકી દેવીકા નામની સ્ત્રી સાથે રહેવાનું ચાલું કરેલું. તે બંનેને એક પુત્ર થયો, સંપત. જેટલાં રોહિતમાં અવગુણ હતાં તેટલો જ છોકરો ડાહ્યો અને ભણવામાં હોંશીયાર હતો. તે વર્ષે તે દસમાની એક્ઝામ આપવાનો હતો. એ ઉત્તરાયણનો દિવસ હતો. સવારથી જ પવન સરસ હતો. એટલે પતંગનાં શોખીનો અગાશીઓમાં મોટેમોટેથી લાઉડસ્પીકરો વગાડતાં પતંગો ઉડાડવામાં અને કાપવામાં મશગૂલ હતાં. સાથે ઊંધયા-જલેબી, ગરમાગરમ ભજીયાં, જામફળ, બોર, શેરડીની જયાફત ચાલતી હતી. રોહિત જેવાં થોડાં લોકો નીચે હતાં દારૂ ને જુગારની મસ્તીમાં. તેમણે સવારનાં પ્હોરથી જ નીચે પોળમાં એક ખાલી મકાનનાં ઓટલા પર અંદરની બાજુએ પોતાની મહેફિલ જમાવી દીધી હતી.


અંધારું થયું તોયે રોહિત ઘરે પાછો ના ગયો એટલે દેવીકાએ સંપતને એને બોલાવવાં મોકલ્યો. સંપત હંમેશા શિયાળામાં પેન્ટ અને હૂડી પહેરતો અને માથું હૂડીથી ઢાંકી રાખતો. તે દિવસે પણ તેણે એવાં જ કપડાં પહેરેલાં હતાં. એ એની બધી જગ્યાઓ જાણતો હોવાથી તે સીધો ખૂણાંનાં ખાલી ઘરે ગયો. ત્યાં કોઈને બેસવાનું, ઊભા રહેવાનું, કશાંનું જ ભાન નહોતું. બધાં લથડિયાં ખાતાં ખાતાં, આમતેમ ડોલતાં ડોલતાં, એલફેલ બોલતાં હતાં. એમનો એક શબ્દ પણ સમજાય તેવો નહોતો એટલે સંપત છેક અંદર આવ્યો અને રોહિતને હાથ પકડી લઈ જવાં માંડ્યો. પણ રોહિતે એને ધક્કો મારતાં એ ત્યાં નીચે પડેલી દારૂની બોટલ પર પડ્યો. કાચ તેનાં શરીરમાં ઘુસી ગયાં. પીડાથી કણસતો તે થોડીવાર હલ્યો નહીં. એટલે બધાં તેની ગોળ ફરતે ભેગાં થઈ ગયાં. એમાંથી એક જણે તેને બેઠો કર્યોં ને કેટલાંક તેનાં કપડાં અને શરીર પરથી કાચ કાઢવાં લાગ્યાં. પણ એમાંથી એક જણને શેતાની બુધ્ધિ સૂઝી.


તેણે તેનાં કપડાં ખેંચી કાઢ્યાં. પછી તો બીજાં બધાંને પણ તાન ચડ્યું. બધાં તેને ટાંગાટોળી કરી ઊંચકીને અંદર લઈ ગયાં. રોહિત તેની મસ્તીમાં બહાર ઝૂલતો રહ્યો અને અંદર એ માસૂમ તરુણ સાથે એ દસે જણે હેવાનિયત ભરેલો ખેલ ખેલી કાઢ્યો. એટલે સુધી કે સંપતની મરણાંત ચીસ પણ રોહિતને ભાનમાં લાવી શકી નહીં. એમાંથી બેત્રણ જણને સહેજ ખ્યાલ આવતાં બીકનાં માર્યાં સંપતનું શરીર તેમણે અંદર કબાટમાં સંતાડી દીધું. બીજે દિવસે ફરી બધાં ભેગાં થયાં એટલે સંપતની વાત નીકળી. દેવીકાએ એને શોધવાં આખી સોસાયટી માથે લીધી હતી. એ ટોળીમાંથી મોટાભાગનાંને તો સંપત મરી ગયો તે વાતની સુધ નહોતી. જેમણે તેનું શરીર અંદર સંતાડેલું તેમણે ત્યાંથી બહાર કાઢ્યું. એ જોઈ બધાં જ ગભરાઈને ચૂપ થઈ ગયાં. આગલાં દિવસનો બધો જ નશો ઊતરી ગયો. ઘણું બધું અસ્પષ્ટરીતે યાદ આવવાં માંડ્યું. એટલે મકાનની પાછળનાં ભાગમાં જમીનમાં એક ઊંડાં ટાંકા જેવું હતું તેમાં તેમણે સંપતના શરીરને ફેંકી દીધું. જે તે બધાંએ પાછળથી સીમેન્ટ પૂરી બંધ કરી દીધેલું.


આ બાજુ સંપતને શોધતાં શોધતાં રોહિતને લઈને ત્યાં આવેલ દેવીકાએ આ નજરોનજર જોયું ને તે ચીસો પાડતી બેભાન બની ગઈ. રોહિત દિગ્મૂઢ બની ગયો. થોડીવારે દેવીકા ભાનમાં આવી પણ તેનું મગજ અસ્થિર બની ગયેલું અને એક દિવસ બસની અડફેટે આવતાં તે મૃત્યુ પામી. રોહિતને બધાંએ બીક બતાવી હતી કે તે પણ તેમાં સામેલ હતો એટલે તે પોલીસમાં ગયો નહીં. ધીરેધીરે જ્યારે તેને બધું સ્પષ્ટ થયું ત્યારે બહુ મોડું થઈ ચૂક્યું હતું. ગુનાની લાગણી તેનાં પર એવી છવાઈ ગઈ કે તેનું મગજ પણ અસ્થિર થઈ ગયું. તે ઘરબાર, નોકરી બધું જ ગુમાવી રસ્તે રઝળતો થઈ ગયો હતો. કોઈ આપે તો ખાય તો કોઈવાર દિવસો સુધી ભૂખ્યો તરસ્યો પોળ આગળ જ રખડ્યાં કરતો.


એણે જે જે લોકો એ સંપત સાથે આ દુષ્કૃત્ય કર્યું હતું તેમનાં નામ આપ્યાં તો ખબર પડી કે તે દરેકનું તો ખૂન થઈ ચૂક્યું હતું. ખૂન થવાનું કારણ તો સમજાયું પણ કોણે કર્યું તે ગુત્થી હજુ વણઉકલેલી હતી. બધાંને લાગ્યું કે રોહિતે જ આ બધાં ખૂન કર્યાં છે. પણ તે પૂરવાર કરી શકાતું નહોતું. તેની પાસે ખૂન કરવાનું કારણ જરૂર હતું. પણ તેની વિરૂધ્ધ કોઈ પુરાવા નહોતાં.


સમય જતાં પુરાવાના અભાવે કેસ વણઉકલ્યો જ બંધ થઈ ગયો. ને તેનાં મનમાં આજીવન પ્રશ્ન રહી ગયો. તેણે ટ્રેનમાં બેસી જતાં જોયેલ કોણ હતું? અને બીજા દિવસે પોળની અમુક ખાસ જગ્યાની માહિતી આપનાર જે તેણે ટીવીમાં જોયું તે શું હતું? એ એની સીક્સ્થ સેન્સે ઊભો કરેલો આભાસ હતો કે બીજું કશું?