A request books and stories free download online pdf in Gujarati

એક વિનંતી

રોજ એ સાંજ પડે એટલે જોબ પરથી આવી સીધી દરિયાની પાળે એકાંતમાં બેસી જતી. દરિયાની પેલે પાર આંખો ખેંચીખેંચીને જોવાનો વ્યર્થ પ્રયત્ન કર્યાં કરતી. ખુલ્લાં આકાશ અને દૂર દૂર સુધીનાં આ ડહોળાં ખારાં પાણી સિવાય કશું દેખાતું નહીં. આ તરફનાં છેડાનું પાણી હમેશાં ગંદું દેખાતું. રોજ તે એકસરખો પ્રયત્ન કરતી અને રોજ તેને એક સરખું જ દેખાતું. જો કે તેને પોતાને ય એ વાતનો ઉત્તર નહોતો મળતો કે એ રોજ અહીં શું કરવાં આવે છે! આમ દરિયામાં પેલે પાર સુધી આંખો ખેંચી ખેંચીને એ શું જોવાં માંગે છે! શહેરનો આ ભાગ સાવ અવાવરું હતો. થોડે દૂર ઝૂંપડપટ્ટી હતી ખરી, પણ પાણી અહીં ખૂબ ઊંડું હતું તથા જળચર પ્રાણીઓનો ભય રહેતો, તો વળી અહીં સાવ એકલતા હોવાથી ગુનાહીત પ્રકૃતિનાં માણસોને છુપાવાની સારી એવી જગ્યા મળવાની શક્યતાઓ હોવાથી તેમનો પણ ભય રહેતો. આથી આ તરફ કોઈ ખાસ આવતું નહીં. પણ કદાચ તેને હવે કશાનો ડર નહોતો લાગતો! ગુમાવવાં જેવું તો બધું તેણે ગુમાવી દીધું હતું. હવે બાકી જ શું હતું?


થોડા સમય પહેલાં શહેરમાં લૂંટ, મારફાડ અને આગનાં બનાવ બનેલાં. તે સમયે એમાંથી થોડાં આતંકી તત્વો તેમનાં ઘરમાં પણ ઘુસી આવેલાં. ઘરનાં પુરુષોને બાંધી તેમની નજર સામે ઘરની તમામ સ્ત્રીઓ પર બળાત્કાર કર્યો હતો. અને પછી તેમણે આખું ઘર સળગાવી દીધેલું. તેનાં માતાપિતા, ભાઈબહેન, દાદી, બધાં જ એ સમયે એકસાથે જ એ આગમાં સળગીને મરી ગયાં હતાં. એક તેનું જ ઘર નહીં શહેરની ઘણી સોસાયટીઓ અને ઘણાં માણસો આ અત્યાચારનો ભોગ બનેલાં. તેની સોસાયટીનાં મોટાભાગનાં ઘરો અને અંદર રહેનાર લોકો સળગીને મરી ગયાં હતાં. એની જેવાં જે જે લોકો બચી ગયાં હતાં તે બધાંનાં લગભગ આખાં શરીર બળી ગયાં હતાં. તે બધાં જીવનભર માટે વિકલાંગ બની ગયાં હતાં. તેનું પોતાનું પણ આખું શરીર સળગી ગયું હતું, જેની સારવાર માટે લગભગ ૧૦-૧૨ મહીના તે હોસ્પીટલમાં રહી હતી. પછી ઘરે આવ્યાં પછી પણ તે ખાસ્સો સમય પથારીવશ રહી હતી.


તે બળી ગયેલાં ઘરમાં પાછી આવી ત્યારે કેટલાંક એનજીઓવાળાંની સહાય મળી હોવાથી તે પોતાનાં પગ પર પાછી ઊભી થઈ શકી. સોસાયટી આખી ખાલી થઈ ગઈ હતી. એકબે ઘર સિવાય કોઈ લોકો રહ્યાં નહોતાં. બધાંની થોડી ઘણી મદદ લઈ એણે ઘર પાછું થોડું રહેવા જેવું બનાવી લીધું અને એમાં જ રહેવાનું ચાલુ કર્યું. બીજો થોડો સમય જતાં તેણે પહેલાંની જોબ પર પાછો સંપર્ક કર્યોં અને સદ્નસીબે તેને તેની જોબ પાછી મળી. પણ હવે તેને કશું જ ગમતું નહીં. તેને લાગતું કે બધાં તેનાં બળી ગયેલાં ચહેરા અને બળી ગયેલાં શરીરને વિચિત્ર રીતે જોયાં કરે છે. અને જો વાતચીત કરે તો પણ દયા ખાતાં હોય તેમ. તેથી એ બધાંથી અલિપ્ત રહેવાં માંડી હતી. એ લગભગ ચૂપ જ રહેતી.


દરિયાના જે છેડે તે બેસી દૂર દૂર સુધી જોયાં કરતી, એ તૂટેલીફૂટેલી પાળ ઉપર આજે તેણે કોઈનાં પગલાં જોયાં, માટીથી ખરડાયેલાં. થોડી ક્ષણો તો એ જાણે થીજી ગઈ! એ તો અહીં છેલ્લાં એક વર્ષથી આવે છે અને કદી કોઈ જોવાં યે મળ્યું નહોતું અને કદી તેને બીક ય લાગી નહોતી. તો આજે કેમ તે થીજી ગઈ? તેણે મન પરથી જેમતેમ કરીને ભય ખંખેર્યો અને આસપાસ જોવાનો પ્રયત્ન કર્યોં. જો કે તેના શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ હતી. પગમાં પણ તે આછી ધ્રુજારી અનુભવતી હતી. આપોઆપ તેનો હાથ પેન્ટની અંદર ખાસ બનાવડાવેલ ખીસ્સામાં મુકી રાખેલી છરી પર ગયો. તે દિવસે થયેલ આતંકના અનુભવ પછી તે હમેશાં પોતાની સાથે નાની પણ ધારદાર છરી રાખતી. તેને રહેવાનું, બહાર જવાઆવવાનું બધું જ તો એકલાં કરવાનું હતું, પ્રીકોર્શન જરૂરી હતાં. સોસાયટી તેની એ જ પુરાણી હતી પણ હવે સાવ અવાવરું જેવી બની ગઈ હતી. બેત્રણ ઘર સિવાય બધાં ખાલી હતાં. તેથી સાવચેતી સારી!


તેણે ધારીધારીને ચારેતરફ જોયું તો દૂર એક વૃક્ષની ઓથમાં કોઈ દેખાયું. તે હિંમત કરી અને થોડે નજીક ગઈ તો જોયું કે એક નાનો લગભગ ૧૨-૧૩ વર્ષનો છોકરો લઘરવઘર હાલતમાં ત્યાં ટુંટીયું વાળી પડ્યો હતો. તેનાં કપડાં તદ્દન ફાટેલાં હતાં. તેની આંખો અધખુલ્લી બંધ હતી. અધમરી હાલતમાં પડેલાં એ બાળકનાં બધાં સુકાઈ ગયેલાં હાડકાંપાંસળાં દેખાતાં હતાં. લાગતું હતું કે જાણે તેને દિવસોથી ખાવાં મળ્યું નહીં હોય! તેને દયા આવી ગઈ પણ તેની પાસે ખાવાપીવાનું તો કશું હતું નહીં. એટલે તેને થયું કે એ આજે તો ઘરે જતી રહે પણ કાલે કશું લેતી આવશે, જો આ છોકરો અહીંનો અહીં હશે તો તેને ખાવાપીવાનું ને કપડાં આપશે. તેનાં ખરાબ દિવસોમાં તેને પણ તો અજાણ્યાં લોકોએ જ મદદ કરી હતી ને! છો ને એ બધાં એનજીઓવાળાં હતાં પણ, હતાં તો અજાણ્યાં જ ને! તેણે ચાલવાં ડગલું ઉપાડ્યું ને તેને એક પીડાથી કણસતો ઊંહકારો સંભળાયો. હવે તે જવાને બદલે પેલાં છોકરાંની વધુ આવી અને તેણે એ છોકરાંનાં શરીરે હાથ લગાડ્યો તો તે સખ્ત દાઝી ગઈ હોય તેવું તેને લાગ્યું. એ છોકરાંનું શરીર તો જાણે ભઠ્ઠીની જેમ સળગતું હતું. હવે તે એને અહીં છોડી આગળ જઈ શકી નહીં.


તેણે તેને ઉઠાડવાનો વ્યર્થ પ્રયાસ કર્યો. થોડીવાર દ્વિધામાં ઊભાં રહ્યાં પછી તેણે કમર કસી. પેલાં બેભાન જેવાં છોકરાંને બેઉ હાથમાં ઊંચક્યો અને ધીરે ધીરે ચાલવાં માંડ્યું. મેઈન રોડ પર ના આવે ત્યાં સુધી તો તેને રિક્ષા કે કોઈ પણ વાહન મળવાનું નહોતું. જેમતેમ ઢસડાતી ઢસડાતી તે મેઈન રોડ પર આવી નીચે ફસડાઈ પડી. તેની સાથે થયેલી દુર્ઘટના પછી તે જાણે ખૂબ નબળાઈ અનુભવતી હતી. તેનાંમાં એટલી શક્તિ નહોતી કે તે બારતેર વરસનાં બાળકને ઊંચકીને ચાલી શકે! એક રિક્ષા આવતાં રિક્ષાવાળાની મદદથી તે છોકરાને રિક્ષામાં સુવાડી તે પેલાં એનજીઓ સુધી લઈ આવી. અને તેમની મદદથી એ છોકરાની સારવાર ચાલુ કરાવી. રોજ સાંજે હવે તેનો નિયમ બદલાઈ ગયેલો. તે સીધી આ છોકરાં પાસે આવતી, કશું ને કશું લઈ આવતી, ફળો, રમકડાં, કપડાં…


જેમ ધીરેધીરે એ સાજો થતો ગયો તેમ તેમ તેની સાથે ધીમે ધીમે એ બોલવાં લાગ્યો હતો. તેને એવી ઈચ્છા હતી કે બીજું કશું નહીં તો એ બાળકને તેનાં ઘરે પહોંચતો કરી દે! તેનાં પોતાનાં પાસે પાછો પહોંચી જાય એટલે બસ! પણ તેનું અહીં કોઈ નહોતું એ સિવાય એ છોકરાએ બીજું કશું કહ્યું નહોતું. છતાં, છોકરો કશાં આઘાતમાં છે, તેવું તેને જરૂર લાગ્યાં કરતું. છેવટે એનું ઘર, માબાપ, ભાઈબહેન વિગેરે વિષે એનજીઓવાળાં તપાસ કરી લાવ્યાં! તેનાં માબાપ તો હતાં નહીં. કાકા અને ભાઈઓ હતાં, પણ એ બધાં જેલમાં હતાં, ટેરેરીઝમનાં ગુના હેઠળ. છૂટવાની કોઈ શક્યતા નહોતી. આ બધું સાંભળતાં જ તેનું મન વિચલિત થઈ ઊઠ્યું. તેને હવે અહીંથી જેમ બને તેમ જલ્દી ભાગી જવું હતું. એક ક્ષણ પણ તે એની બાજુમાં યે ઊભાં રહેવાં તૈયાર નહોતી.


તેનાં પેટમાં જાણે આંટીઓ પડવાં માંડી હતી. તેને પીઠમાં પણ ભયંકર શૂળ ઉપડ્યું હતું. તેનો જીવ ચૂંથાવાં લાગ્યો હતો! એકએક ચહેરાં તેની ચારેકોર ઘુમવાં લાગેલાં! તેના દાદી, માબાપ, ભાઈબહેન… મિત્રો, પાડોશીઓ.. તો સાથે વિકૃત રીતે હસતાં પેલાં આતંકી ચહેરાં… ઘૃણાંથી તેનું રોમરોમ છલકાવાં માંડ્યું! તેનો શ્વાસ રૂંધાવાં લાગ્યો! તે ત્યાં જ ઢગલો થઈ પડી ગઈ.


બધાં આજુબાજુ ભેગાં થઈ ગયાં. કોઈ પાણી લઈ આવ્યું તો કોઈ પંખો નાંખવાં લાગ્યો! બે જણે તેને હાથ પકડી બેઠી કરી. થોડીવાર તે એમની એમ ગુમસૂમ બેસી રહી. બધાં આજુબાજુ થોડીવાર વાતો કરી વિખરાઈ ગયાં. ધીરેધીરે કળ વળી! એ ઊભી થઈ અને ચૂપચાપ પેલાં છોકરા તરફ નજર કર્યાં વિના જ તેણે ચાલવાં ડગલું ભર્યું. પણ તેને લાગ્યું કે તેનો હાથ કોઈએ જોરથી પકડી લીધો છે! પાછું વળી જોયું તો પેલાં છોકરાંની આંખમાં અસહ્ય આદ્રતા હતી. એક એવી આજીજી હતી કે જે કોઈ પણ વ્યક્તિ પાછી ઠેલી ના શકે! તે મૌન હતો. માત્ર તેની નિર્દોષ આંખોમાં આંસુંનો સમુદ્ર છલકાઈ રહ્યો હતો. તેનાં ચહેરા પર એક અસહ્ય વેદના હતી!


થોડીવાર જાણે બંને જેમ હતાં તેમ પથ્થર બની ગયાં. પછી તેણે બળ કરી હાથ છોડાવ્યો અને આગળ ચાલી,


“દીદી, મને છોડીને ના જશો! મારું કોઈ નથી! હું કામ કરીશ, કમાઈશ, ભણીશ, તમે જેમ કહેશો તેમ જ કરીશ! પણ મને તમારી સાથે લઈ જાઓ! મારાં ભાઈ લોકો જેમાં હતાં તે નર્કમાં મારે પાછાં નથી જવું, હું તેમનાં જેવો નથી. કે નથી મારે તેમનાં જેવાં થવું! એ લોકોને ખબર પડશે તો મને અહીંથી ઉપાડીને લઈ જશે. જબરદસ્તી બધાં ખોટાં કામ કરાવશે, જેમ એ મારાં ભાઈઓ પાસે કરાવતાં હતાં. દીદી, પ્લીઝ, તમે જેમ કહેશો તેમ કરીશ. મને તમારાથી દૂર ના કરો.” બે ક્ષણનાં મૌન પછી તેણે ફરી ડૂસકાં સાથે બોલવાં માંડ્યું, “ હું જાણું છું તમારી સાથે જે થયું છે તે. તમે ખાસ કશું બોલતાં પણ નથી. પણ તમારાં જેટલું મારું ધ્યાન આજ સુધી કોઈએ નથી રાખ્યું! પ્લીઝ,દીદી!


તે છેક બારણાં પાસે પહોંચી ગઈ. બહાર નીકળતાં તેનાથી પાછું ફરી જોવાઈ ગયું. હજુ એ જ વિનંતી કરતો આંસુથી ખરડાયેલો ચહેરો તેના તરફ હાડપિંજર જેવાં હાથ લંબાવી રહ્યો હતો…


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED