All knowledge books and stories free download online pdf in Gujarati

જ્ઞાનની સરવાણી

//જ્ઞાનની સરવાણી//

આજે શાળાનો છેલ્લો દિવસ હતો. પરીક્ષાનો બોજો આજે ઊતરવાનો હતો. શાળાનું મેદાન વિદ્યાર્થીઓની અવરજવરથી ઊભરાતું હતું. બધાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ એકબીજાં સાથે છેલ્લી ઘડીની આપ-લે કરતાં હતાં. કોઈ બીજાંને તેની તૈયારી બાબતે પૃચ્છા કરતાં હતાં, તો કોઈ પોતાને મૂંઝવતો પ્રશ્રનો કે દાખલાઓ એકબીજાંને પૂછી લઈ પોતાની તૈયારી પૂરી કરતાં હતાં. કોઈ કોઈ તો વળી સામે જે મળે અને એકબીજાનેશુભેચ્છાઓ પાઠવતાં હતાં. એવામાં મેદાનના છેડે આવેલા નાનકડા દરવાજામાંથી કેશવલાલ પ્રવેશ્યા. હાથમાં છત્રી અને થેલી ઝુલાવતાં શાળાના મેદાનમાં પ્રવેશેલા કેશવલાલને જોઈ મોટાભાગનાં છોકરાંઓ પોતપોતાની પ્રવૃત્તિઓ પડ્યા મૂકી તેમના તરફ જોવા લાગ્યાં.

કેશવલાલ ધીરે ધીરે મેદાનમાં થઈ શાળાના મકાન તરફ ચાલવા લાગ્યા. ચાલતાં ચાલતાં રસ્તામાં મળતાં દરેક વિદ્યાર્થી પાસે ક્ષણ-બેક્ષણ રોકાઈ ‘શું છે… !’ કે પછી ‘કેવી તૈયારી…?’ જેવા સવાલો પૂછતા. આમ જુઓ તો કેશવલાલ એ આ શાળામાં શિક્ષક તરીકે બહુ જૂના ન હતા. બહુ બહુ તો છેલ્લાં પાંચ સાત વર્ષથી જ એ આ શાળામાં આવ્યા હતા, પણ એમના મળતાવડા સ્વભાવને કારણે નાનાંથી માંડી મોટાં, વિદ્યાર્થીઓથી માંડીને અન્ય શિક્ષકોમાં પણ એ ખૂબ જ ભળી ગયા હતા.

આમ તો તેઓ મૂળ વિજ્ઞાનના શિક્ષક હતા, પણ એમના પહેરવેશ પરથી એ કોઈ કળાશિક્ષક જેવા લાગે. પેન્ટ સાથે ખાદીની કફની, લાંબી સફેદ દાઢી અને સફેદ વાળને કારણે એ કોઈ અલગારી સાધુ જેવા લાગતા. કોઈપણ ઋતુમાં એમના હાથમાં એ જ થેલી અને કાળી છત્રી દેખાય.હાલમાં સબ ટીવી પર હાસ્ય ટીવી સીરીયલ ‘‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’’ ના પોપટલાલ ની જેમ ઉનાળા કે ચોમાસામાં છત્રીનો ઉપયોગ તો બધાંને સમજાય, પણ શિયાળામાં મોહનલાલ છત્રી શા માટે રાખતા એ કોઈને ન સમજાય ! અને કોઈ પૂછે, તો પણ એ કહેશે, ‘એ તો એમ જ. ખાલી… ટેવ પડી ગઈ છે એટલે….’ વિજ્ઞાન શિક્ષક હોવાને કારણે તેમનું વિજ્ઞાનના વિષયનું જ્ઞાન તો ઊંડું ખરું જ, પણ કળા, ઈતિહાસ, ભૂગોળ કે સમાજશાસ્ત્ર જેવા અન્ય વિષયોમાં પણ એમને ખૂબ જ રસ ! અને તે ઉપરાંત, સામા માણસને તરત જ ગળે ઊતરી જાય એવી સરળ એમની સમજાવવાની રીત ! એટલે બધાં વિદ્યાર્થીઓ ઉપરાંત અન્ય શિક્ષકોમાં પણ એ ખૂબ જ પ્રિય થઈ ગયાહતા. .
હંમેશની માફક આજે પણ તેઓ છત્રી ઝુલાવતાં ઝુલાવતાં એ શાળાના મકાન પાસે પહોંચ્યા ત્યારે દરવાજા પાસે ઊભેલા ટોળા પર એમની નજર પડી, અને એ મલકાયા. એ ટોળામાં એમનાં પ્રિય વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ઊભાં હતાં. આમ તો બધાં પર એમનું સરખું હેત રહેતું, પણ વર્ષની શરૂઆતમાં જ એમની ચપળ આંખો હોશિયાર છોકરાંઓને શોધી કાઢતી. આખું વર્ષ પોતાના પ્રિય વિદ્યાર્થીઓ તરફ પક્ષપાત બતાવતા મોહનલાલ, વર્ષ ના અંતે લેવામાં આવતી પરીક્ષાઓમાં એ જ વિદ્યાર્થીઓનાં પેપર બબ્બે વખત ચકાસતા અને તે પણ કડકાઈથી ! અને એમની ભૂલો આખા કલાસ વચ્ચે ખાસ જાહેર કરતા. બાળકો પણ એમના નિખાલસ અને નિષ્પક્ષ સ્વભાવને પૂરું માન આપતાં. સુરેખા, મીના, ફોરમ, રહેમાન અને અજીત એ એમનાં પ્રિય વિદ્યાર્થીઓ હતાં, જે એ ટોળામાં ઊભાં રહી છેલ્લી ઘડીની તૈયારીઓમાં ગૂંથાયાં હતાં.
‘આજે તો છેલ્લો દિવસ, ખરું ને…!?’ છત્રી જમીન પર ટેકવીને એ ઊભા રહ્યા, અને બધાં એમને ઘેરીવળ્યાં.સર,પેપરમાંશુંઆવશે,થોડુંતોકહો….’અહીં નજીક આવો બધાં, માત્ર તમને જ કહું છું હં કે…..! કોઈને કહેશોનહિ….’બધાં એમની નજીક આવી ગયાં. કોઈએ તો વળી પેન ખોલી લખવાની તૈયારી પણ કરી લીધી. કેશવલાલ મોં પાસે હાથ મૂકી ખાનગી વાત કહેતા હોય એમ બોલ્યા
‘ચોપડીનાં બે પૂંઠાં વચ્ચે જે કંઈ આપેલ છે એ બધું જ ખાસ ખાસ છે, એમાંથી જ પૂછ્યું છે….’ કહી ખડખડાટ હસતાં-હસતાં એ શાળાના મકાનમાં દોડી ગયા. એમની પાછળ બધાં વિદ્યાર્થીઓ પણ ખડખડાટ હસતાં-હસતાં શાળાનાં પગથિયાં ચડવા લાગ્યાં. બધાં જાણતાં હતાં જ, કે દરેક પરીક્ષા વખતે આ એમનો ક્રમ હતો. કેશવલાલ, અને વિદ્યાર્થીઓનો પણ. કેશવલાલ ની આ મજાક જાણતા હોવા છતાં વિદ્યાર્થીઓ દરેક પરીક્ષા વખતે એમને આ પ્રશ્ન અચૂક પૂછતાં, અને એમના આનંદી સ્વભાવનો બધા આનંદ માણતાં.

છેલ્લું વિજ્ઞાનનું પેપર બધાં વિદ્યાર્થીઓને ધાર્યા કરતાં સહેલું લાગ્યું. પેપર ખરેખર તો સહેલું ન હતું પણ મોહનલાલે વર્ષભર ખંતથી ભણાવ્યું હતું તેને કારણે કોઈને અઘરું ન લાગ્યું. બધાં ખુશખુશાલ ચહેરે પરીક્ષાખંડની બહાર આવતાં હતાં. ‘તારે કેટલા આવશે… ?’ એ પ્રશ્ન હોંશથી એકબીજાને પૂછતાં હતાં. મોહનલાલ બધાંની રાહ જોઈ મેદાનમાં લીમડા નીચે ઓટલાને અઢેલીને બેઠા હતા.સૌથી પહેલા સુરેખા આવી : ‘સર, તમે કહ્યું એવું જ પેપર નીકળ્યું…..!’
એની પાછળ-પાછળ જ રહેમાન, અજય અને ફોરમ પણ આવ્યાં, ‘હાહા….સર, ચોપડીના બે પૂંઠાંની વચ્ચેથી જ બધું પૂછ્યું હતું તમે…..’
‘હા સર,’ છેલ્લે આવેલી મીના બોલી, સર, ‘તમે તો અમને ખૂબ ચોરી કરાવી….!’ તેની આ વાત સાંભળી બધાં ખડખડાટ હસી પડ્યાં. મોહનલાલ પણ.
‘જુઓ છોકરાઓ, અને છોકરીઓ તમે પણ. આખું વરસ તમે દિલ દઈને ભણ્યાં છો. ખૂબ મહેનત કરી છે અને… મેં પણ ભણાવવામાં કોઈ દિલચોરી નથી કરી. તમારા એકેએક પ્રશ્નને, એકેએક મુંઝવણોને દૂર કરી છે. અને તમને જ શા માટે ? મેં તો દરેક વિદ્યાર્થીઓને પૂરા દિલથી ભણાવ્યાં છે. એ ચોરી જ કહેવાય ને ! નહીં….. ?

કેશવલાલ ખૂબ જ ખુશ હતા. વિદ્યાર્થીઓના હિતમાં જાણે એમનું હિત સમાયેલું હતું અને સામે તેમના પ્રિય બાળકો સુરેખા, મીના, ફોરમ, રહેમાનઅને અજય પણ ખૂબ જ ખુશ હતાં. જો કે એમની ખુશીનું મુખ્ય કારણ તો એ પણ હતું એમની સામે આવીને ઊભેલું લાં….બું વેકેશન ! અને એમનું વેકેશન એટલે માત્ર લાંબી રજાઓ જ માત્ર નહીં, પણ એ રજાઓનો મિત્રો સાથે મળીને મજાનો ઉપયોગ. એમને માટે રજાઓ એટલે… એમ નહીં, કે બસ કંઈ કરવાનું જ નહીં ! કે પછી…. રજાઓ એટલે બસ, માત્ર મજા કરવાની…. એમની રજાઓનો એક-એક દિવસ એટલે તો મજાની, જ્ઞાનની, રમતોની, રખડપટ્ટીની સરવાણી ! અને આ સરવાણી ફૂટી નીકળતી હતી કેશવલાલની આગેવાની હેઠળ વેકેશનમાં આદરવામાં આવતી પ્રવૃત્તિઓની વણઝારમાંથી. આમ તો આ સરવાણીમાં ભીંજાવાનું ખુલ્લું આમંત્રણ શાળાનાં બધાં જ વિદ્યાર્થીઓને મળતું. પરીક્ષાઓ શરૂ થાય તે પહેલાં સવારની પ્રાર્થના દરમ્યાન કેશવલાલ બધાંને એક લાંબુ ભાષણ આપતા. વેકેશનનો સદુપયોગ કરવાના વિષય પર એમનું આ ભાષણ તેમના પોતાના અનેકવિધ શોખ પર આધારિત રહેતું. લગભગ એકાદ કલાક જેવા ચાલતા તેમના આ ભાષણમાં તેઓ બધાંને કોઈને કોઈ સારી પ્રવૃત્તિમાં જોડાવાનો આગ્રહ કરી પોતાની વેકેશન પ્રવૃત્તિમાં જોડાવા આમંત્રણ આપતા.

પાંચ વર્ષની એમની મહેનતના પરિણામ સ્વરૂપ એમની આ ટોળકી તૈયાર થઈ હતી. સુરેખા, મીના, ફોરમ, રહેમાન અને અજય જેવા વિદ્યાર્થીઓએમની ટોળકીના કાયમી સભ્યો હતાં. બીજા કેટલાંક વિદ્યાર્થીઓ પણ છૂટક-છૂટક ક્યારેક જોડાતાં. એમની પ્રવૃત્તિઓ અનેકવિધ વિષયોને સાંકળી લેતી. કેશવલાલના ઉત્સાહી સ્વભાવ અને ટીમના સભ્યોના આગ્રહને કારણે શાળાના આચાર્યે તેમને વેકેશનમાં પણ શાળાના મેદાનઅને પ્રસંગોપાત મકાનનો પણ ઉપયોગ કરવા દેવાની ખાસ છૂટ આપી હતી.

વિવિધતા હોવા છતાં તેમની પ્રવૃત્તિઓ મોટાભાગે બે ભાગમાં વહેંચાઈ જતી. બધાં આખું વરસ શાળામાં ગોંધાયેલા રહેતાં હોવાને કારણે કેશવલાલ એવી પ્રવૃત્તિઓ પર ખાસ ભાર મૂકતા જેમાં તેમને જ્ઞાન મેળવવાની સાથે સાથે પ્રકૃતિના ખોળે ખૂંદવાની પૂરતી તક મળી રહે. ગામના છેવાડે આવેલાં ખેતરો, નદી, તળાવો, ડુંગર, ઝરણાં, વગેરેની મુલાકાતો દરમ્યાન કેશવલાલ સહજતાથી બધાંને પ્રકૃતિની કેટકેટલીય વિશેષતાઓથી પરિચિત કરાવતા. કળા, સાહિત્ય, વિજ્ઞાન અને દેશ-વિદેશની અજાયબીઓનો પરિચય કરતાં-કરાવતાં એ મિત્રો સ્વપ્નોના દેશોની દૂર સુધી સફર કરી આવતાં અને કુદરતની વધુને વધુ સમીપ પહોંચી જતાં. કવચિત, તેમની પ્રવૃત્તિઓ શાળાના પ્રાંગણ અને અન્ય સગવડોને કેન્દ્રમાં રાખી પ્રયોજાતી હજી. ઉનાળાના વેકેશનનો ધોમ ધખતો હોય ત્યારે બધાં શાળાના મકાનમાં જ બેસીને વિવિધ વિષયો, પુસ્તકો કે સમાચારો પર ચર્ચા કરતાં. એ વખતે વિજ્ઞાન-પ્રયોગશાળા તેમને ખૂબ જ કામ આવતી. પાઠ્યપુસ્તકની મર્યાદાની બહારના પ્રયોગો એમને વિજ્ઞાનની અગોચર અજાયબીઓની ભુલભુલામણીમાં સફર કરાવતા, ગમ્મત સાથે જ્ઞાનનો દરિયો પ્રયોગશાળાની દીવાલોમાં ફરી વળતો !

‘શું કરીશું હવે, વેકેશનમાં….’ કેશવલાલ છેલ્લું પેપર પૂરું કરીને ઓટલા પાસે એકઠાં થયેલાં બધાંને પૂછતા હતા. આગલી હરોળ એમની ટોળકીનાં પાંચેય જણાંએ પચાવી પાડી હતી. અન્ય વિદ્યાર્થીઓ પણ આ વખતે ખૂબ ઉત્સુક લાગતાં હતાં.
‘રખડપટ્ટી કરીશું….’ બધાંએ એક અવાજે કેશવલાલના પ્રશ્નને ઉત્સાહ અને ઉમંગથી વધાવી લીધો..
‘હા.. રખડપટ્ટી કરીશું. અને બીજું પણ ઘણું બધું. આ વખતે તો તમારા માટે મેં ખાસ નવી પ્રવૃત્તિઓનું આયોજન વિચાર્યું છે. જુઓ, આપણા પોતાના આનંદ માટે તો આપણે દરેક વેકેશનમાં ખૂબ આયોજન કરીએ જ છીએ. હું વિચારું છું કે… આ વખતે આપણાં ઉપરાંત આપણી શાળા, આપણી શેરી, આપણા ગામ કે આપણા સમાજને પણ આપણે કંઈક ભેટ આપી શકીએ તો… બોલો તૈયાર છો તમે બધા?

‘હા…’ ટોળું એક વાજે બોલી ઉઠ્યું. .
‘ભલે તો પછી. આજે તો તમે બધાં ઘેર જાઓ અને પરીક્ષાનો થાક ઉતારો. આવતીકાલથી આપણે અહીં જ ભેગાં થઈશું.’ ટોળાને સંબોધીને એમણે કહ્યું, ‘તમારામાંથી જેને રસ હોય એ આવતીકાલે સવારમાં આઠ વાગ્યે અહીં આવી જજો. ત્યારે વધારે વાતો કરીશું, બરાબર…. ?’
‘પણ સર… આપણે કરીશું શું, એ તો થોડું કહો… !’ અધીરી સુરેખા બોલી પડી.
‘કાલે… બધું જ કાલે…. હું પણ થોડો થાક ઉતારુંને આજે તો….’ કહી કેશવલાલ જેમના હાથમાં રહેલ છત્રી ઝુલાવતાં ઝુલાવતાં, અને થેલી પકડતાં ઓટલા પરથી ઊતર્યા અને મેદાનમાં થઈ બહાર જવા રવાના થયા. ટોળું પણ એમની પાછળ પાછળ ‘હો…હો..’ અવાજો કરતું મેદાનમાંથી બહાર જવા લાગ્યું. મેદાન ધીરે ધીરે ખાલી થઈ ગયું.

લીમડા નીચે ઓટલા પાસે હવે માત્ર પાંચ જણાં જ રહ્યાં. એ પાંચ એટલે આપણા ‘હમ પાંચ !’
‘આ વખતે સર નવું શું લઈ આવ્યા હશે ?’ સુરેખાને કંઈ સમજાતું ન હતું.
‘ખબર નહીં ! જે હશે તે કાલે કહેશે જ ને ?’ રહેમાન ઊભો થતા બોલ્યો.
‘પણ તો….ય !’ અજયને પણ અધીરાઈ આવી હતી.
‘જુઓ..’ મીના રહેમાનના પક્ષે હતી, ‘દર વખતે તો આપણે ખૂબ રખડીએ છીએ, ફરીએ છીએ. આ વખતે એવું કદાચ ન પણ હોય. સર કહે છે એમ કદાચ સમાજ ઉપયોગી કામો પણ હોય… !’
‘પણ તો પછી… રખડવા-ફરવા નહીં મળે ?’ સુરેખાને ચિંતા થતી હતી.
ફોરમ તો સાવ નિશ્ચિંત જ હતી : ‘જુઓ,’ એણે ઊભા થતાં કહ્યું, ‘જે હોય તે, પણ સર જે કંઈ વિચારશે એમાં આપણો આનંદ તો નહીં જ ભૂલાયને !’
‘હા,’ મીનાએ પણ જેમાં સૂર પુરાવ્યો, ‘એમના ધ્યાનમાં આપણું વેકેશન હોય જ. એ એવું કંઈક વિચારશે જેમાં આપણને મજા પણ પડે…..’
‘સાચી વાત છે.’ સુરેખાને હૈયે હવે ધરપત હતી.

છેવટે બીજા દિવસે સવારે ભેગા થવાનું નક્કી કરી બધાંએ ઘર તરફ પ્રયાણ કર્યું. સૌના હૈયે એક પ્રકારના આશા અને અરમાનો તેમના હ્રદયમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ હજી કે સર..સૌ ના અરમાનોને પરિપૂર્ણ કરશે. આ વર્ષે તો સમાજ ઉપયોગી કામોની સરે વાત વાતમાં જણાવેલ જેથી અંતરમાં એક પ્રકારનો ઉમળકો હતો.

Dipak Chitnis

dchitnis3@gmail.com


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED