DNA. - 22 books and stories free download online pdf in Gujarati

ડીએનએ (ભાગ ૨૨)

શ્રેયાનો આદેશ થયો એટલે મનોજ અને પ્રતાપ કામે લાગી ગયા હતા. તેમની પાસે બે મહિલાઓના નામ હતા કે જેની સાથે કાનાભાઈને લગ્નેતર સંબંધો હતા. પણ પોલીસ માટે સમસ્યા એ હતી કે જે બે નામ મળ્યા હતા સરલા અને સાવિત્રી તે બંને સાથે કાનાભાઈને સંબંધ હતા કે પછી બંને એક જ સ્ત્રીના અલગ અલગ નામ હતા એ સ્પષ્ટ ન હતું થયું, જેને કારણે તેમની મહેનત વધી ગઈ હતી.


પ્રતાપે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જઈને તપાસ કરી અને ત્યાં રહેલા જન્મ મૃત્યનો ડેટા રાખનાર સ્ટાફ કર્મચારીને ૧૯૭૮ થી ૧૯૮૩ સુધીમાં જન્મેલા બાળકોના જન્મ પ્રમાણપત્રોની માહિતી આપવા જણાવ્યું. મનોજે પ્રતાપને જન્મપ્રમાણપત્રોની માહિતી એકઠી કરવા મોકલ્યો તો હતો પણ તેને એ ડર પણ હતો કે જો એ બાળક કે જે મૈત્રીનો હત્યારો છે ને જેની માં સાથે કાનાભાઈને લગ્નેતર સંબંધો હતા તે કદાચ સુરત બહાર કોઈ અન્ય સ્થળે જન્મ્યો હશે તો તેમની તમામ મહેનત પર પાણી ફરી વળશે. પણ હાલ પુરતું તો તેમણે તે માહિતી ચેક કરવી જરૂરી હતી.


મનોજે સુરતમાં આઝાદી પછી અત્યાર સુધી નોંધાયેલા તમામ મતદાર યાદીનો ડેટાબેઝ પણ ફેંદી નાંખ્યો. તેમાંથી સરલા અને સાવિત્રી નામ ધરાવતી તમામ મહિલાઓના નામની યાદી બનાવી. આધાર કાર્ડને આધારે પણ સરલા અને સાવિત્રી નામની મહિલાઓના નામની યાદી એકઠી કરી.


૧૬૪૩ મહિલાઓના નામની તૈયાર થયેલી યાદીમાં ૭૬૪ સ્ત્રીઓના નામ સાવિત્રી ને ૮૭૯ સ્ત્રીઓના નામ સરલા હતા. જેમાંથી ૫૬ સાવિત્રી નામની મહિલાઓ અને ૧૩૨ સરલા નામની મહિલાઓ સુરત છોડીને અન્ય સ્થળે રહેવા જતી રહી હતી. ૧૮ સાવિત્રી નામની અને ૨૪ સરલા નામની મહિલાઓ મૃત્યુ પામી ચુકી હતી.


લગભગ એક મહિનાની મહેનત પછી શ્રેયાની ટીમે ફોરેન્સિક ડોક્ટરોની મદદથી તમામ મહિલાઓના ડીએનએ સેમ્પલ એકઠા કર્યા. શ્રેયાએ એ પણ સુચના આપી હતી કે માનો કે કોઈ મહિલા ડીએનએ સેમ્પલ આપવાની ના પાડે અથવા એમ કહે કે મેં તો પહેલાં પણ ડીએનએ સેમ્પલ આપી દીધું છે તો પણ એ બધાના સેમ્પલ કોઈ પણ રીતે મેળવી જ લેવાના છે. તેની પાછળ તેની ગણતરી એવી હતી કે ઘણી વાર અમુક નાની ભૂલના કારણે પણ ચૂક થઈ જઈ શકે છે. તે કોઈપણ પ્રકારનું રિસ્ક લેવા માંગતી ન હતી. કાનાભાઈને જે મહિલા સાથે લગ્નેતર સંબંધ હતો તેને કાનાભાઈ સાથે સંબંધ હતો તેની જાણકારી આપી શકે એવી વ્યક્તિ સામે આવી ન હતી, કારણ કે તે મહિલાને કોઈએ જોઈ ન હતી. જેમણે પણ પોલીસને સરલા અને સાવિત્રીના નામ આપ્યા હતા તેમણે પણ કાનાભાઈ પાસેથી ફકત નામ જ સાંભળ્યા હતા અને કાનાભાઈએ પોતાના અફેર વિષે કરેલી વાતો જ સાંભળી હતી એટલે પોલીસને એ પણ શંકા હતી કે આટલા વર્ષો પછી લોકોએ આપેલા નામ સાચા હશે કે નહીં.


ફોરેન્સિકનો રીપોર્ટ આવી ગયો હતો અને તેમાં જે મહિલા સાથે કાનાભાઈને લગ્નેતર સબંધ હતો તે મહિલા કે જેનું નામ સરલા છે તે અમદાવાદમાં જ ઘાટલોડિયા વિસ્તારમાં રહેતી હતી. ફોરેન્સિક વિભાગના ડોક્ટર દ્વારા કન્ફર્મ કરાયા બાદ કે મૈત્રીના હત્યારાનો જે ડીએનએ તેમની પાસે છે તેની સાથે કાનાભાઈનો પિતા તરીકેનો અને સરલાનો ડીએનએ તેની માતા તરીકે સોએ સો ટકા મેચ થાય છે.


શ્રેયાને એક વાતની ચિંતા એ પણ હતી કે કદાચ હત્યારો શહેર છોડીને અથવા દેશ છોડીને ભાગી ગયો હશે તો. પણ હવે તે વિચારવાનો સમય ન હતો. શ્રેયાએ રેશ્માને આદેશ આપ્યો કે તે સરલાના ઘરે જઈને તેને અહીં તેની ઓફીસ પર લઈ આવે અને સાથે સાથે સૂચન પણ કર્યું કે એને જાણ થાય નહીં કે આપણે તેને મૈત્રીના હત્યાના કેસ અંતર્ગત તપાસ માટે બોલાવી છે. બીજું કોઈ પણ બહાનું કાઢીને અહીં લઈ આવ. જો તેના દીકરાને જાણ થશે કે તેની માંને મૈત્રીની હત્યાના કેસ સંબંધમાં પુછતાછ માટે બોલાવી છે તો તે સચેત થઈ જઈ જશે.


શ્રેયાનો આદેશ મળ્યા પછી રેશ્માએ પોતાના લેડી કોન્સ્ટેબલોને સાદા વેશમાં સરલાના ઘરની આજુબાજુ સરલા પર સતત નજર રાખવા ગોઠવી દીધા. રેશ્માને જાણકારી મળી કે સરલા તેના પતિ સાથે એકલી જ રહે છે. રેશ્માના સરલાના ઘરે પહેરો ગોઠવાયાના ત્રીજા દિવસે જયારે સરલાનો પતિ એકલો ઘરની બહાર થેલી લઈને નીકળી રહ્યો હતો ત્યારે રેશ્મા સચેત થઈ ગઈ હતી. સરલાને તેના પતિનો અકસ્માત થયો છે અને તે તેને લેવા આવી છે એમ કહી પોતાની ગાડીમાં બેસાડી શ્રેયાની ઓફિસમાં રેશ્મા સરલાને લઈ આવી હતી.


સરલાને સમજાતું ન હતું કે તેને અહીં કેમ લાવવામાં આવી છે અને તેના પતિ ક્યાં છે. શ્રેયા થોડીવારમાં આવી ગઈ હતી. શ્રેયા પાસેથી જાણ્યા પછી કે તે અત્યારે પોલીસ સ્ટેશનમાં છે સરલા અચંબિત થઈ ગઈ હતી. તેને સમજાતું ન હતું કે તેને કેમ પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી છે.


શ્રેયાએ સરલાને પૂછ્યું, “ચા પીશો?”


સરલાએ ઉત્તરમાં નકારમાં માથું હલાવ્યું અને પૂછ્યું, “તમે કોણ છો? મને અહીં કેમ લાવ્યા છો અને મારા ઘરવાળા ક્યાં છે?


શ્રેયાએ સમય ન બગડતા મૈત્રીના કેસની તેની અત્યાર સુધીની તપાસ ટૂંકમાં જણાવી દીધી. સાથે એ પણ ઉમેર્યું કે તેમને અહી લાવવાનું કારણ તેમની પાસેથી થોડીક જાણકારી મેળવવાનું છે.


સરલાએ અસમંજસમાં પૂછ્યું, “મારી પાસેથી શું જાણકારી જોઈએ છે?”


શ્રેયાએ સરલા પાસેથી માહિતી એકઠી કરવાના રૂપે પહેલો સવાલ કર્યો, “તમારે કેટલા બાળકો છે?


સરલા એ કહ્યું, “ત્રણ. બે દીકરા અને એક દીકરી.”


શ્રેયાએ પૂછ્યું, “ક્યાં રહે છે?”


સરલા હજી વિચારમાં જ હતી કે તેને આ બધું કેમ પુછાઈ રહ્યું છે છતાં તેણે જવાબ આપ્યો, “એક દીકરીને અહિયાં અમદાવાદમાં પરણાવી છે. એક દીકરો સુરતમાં રહે છે અને એક દીકરો અહીં અમદાવાદમાં બાવળા રહે છે.” બાવળા નામ સાંભળીને શ્રેયાના કાન પાછળની તરફ ખેંચાયા. તેને યાદ આવ્યું, એક લેટર બાવળામાંથી જ મળ્યો હતો. એટલે તેને ખાતરી થઈ ગઈ કે તે જ મૈત્રીનો હત્યારો હશે. પણ ચોક્કસ પુરાવા અને પૂરતી સાબિતીઓ વિના કોઈને પકડવો તે શ્રેયાની ફિતરત ન હતી.


શ્રેયાએ પૂછ્યું, “કાનાભાઈને ઓળખો છો?


સરલાને આંચકો તો લાગ્યો જ હતો છતાં તેણે સ્વસ્થ રહેવાનો પ્રયત્ન કરતાં કહ્યું, “કોણ કાનાભાઈ?”


શ્રેયાએ વિગતે સમજાવતા કહ્યું, “ એજ કાનાભાઈ જેમની સાથે તમારે વર્ષો પહેલાં પ્રેમસંબંધો હતા અને જેના ફલસ્વરૂપ તમારે એક દીકરો છે. અને એ જ દીકરાએ મૈત્રી જોશી નામની સોળ વર્ષની છોકરીની હત્યા કરી છે.


સરલાએ નકારમાં માથું ધુણાવતા કહ્યું, “એવું કંઈ હતું જ નહીં, તમે ખોટી વાત કરો છો.”


શ્રેયાએ હસીને કહ્યું, “અમે પુરાવા વિના કોઈ જ વાત કરતાં નથી. મૈત્રી જોશીના હત્યારાનો જે ડીએનએ મળ્યો છે તેના માતા તમે છો અને પિતા કાનાભાઈ. લોહીનો સંબંધ કોઈ દિવસ ન છુપાઈ શકે.”


સરલાને સમજાઈ ગયું હોય કે ખોટું બોલવાનો કોઈ ફાયદો નથી એમ તેની આંખમાં આંસુ આવી ગયા ને તે બોલી, “હા, તમારી વાત સાચી છે. પણ મહેરબાની કરીને મારા ઘરવાળાને આ વાત કહેતા નહીં.” થોડુંક અટકીને ફરી સરલાએ બોલવાનું શરૂ કર્યું. એના અવાજમાં ભારે દર્દ હતું, “બેન, સ્ત્રી જ્યાં સુધી માં ન બને ત્યાં સુધી એ અધુરી જ રહે છે. મારો ઘરવાળો આખો દિવસ ગાંજો પીને પડ્યો રહેતો. પત્નીને જ ખબર હોય કે એનો પતિ મર્દ છે કે નહીં અને આ વાત એવી છે પણ નહિ કે જેની ચર્ચા દુનિયા સામે કરાય. મારો ભેટો કાના સાથે થયો. કાનો ખુબ પ્રેમાળ હતો. અમે બંને પ્રેમમાં પડ્યા ને તેનાથી જ મને સંતાનો થયા.”


શ્રેયાને તેની તપાસ પૂરી થવાની આરે હતી તેની ખુશી હતી, પણ એક સ્ત્રી તરીકે એ સરલાનું દુઃખ સમજતી હતી. અને આમેય સરલા ક્યાં ગુનેગાર હતી. સરલા ને શ્રેયાએ સુચના આપતા કહ્યું કે જ્યાં સુધી અમે તમારા બંને દીકરામાંથી ખરેખર કયો દીકરો ખૂની છે એ જાણી ન લઈએ ત્યાં સુધી તમારે એમનો સંપર્ક કરવાનો નથી અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી મારા બે ઓફિસર તમારે ત્યાં મહેમાન બનીને રહેશે.


બાવળા નામ સાંભળીને શ્રેયાને ખાતરી તો થઈ જ ગઈ હતી કે ખૂની તે જ છે, પણ સાથે સાથે તેને એ પણ શંકા હતી કે કદાચ એવું પણ બને કે તેનો બીજો દીકરો પણ હત્યારો હોઈ શકે. જ્યાં સુધી બંનેના ડીએનએ સેમ્પલ ન આવે અને તેમાંથી કોનો ડીએનએ મૈત્રીના હત્યારાના ડીએનએ સાથે મેચ થાય છે એ સચોટ જાણકારી ન મળે ત્યાં સુધી બધી અટકળો જ હતી.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED