Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 2

જય અને વિરાટ બંને ખૂબ પાક્કા મિત્રો છે. વિરાટ 23 વર્ષનો, પાતળું પણ મજબૂત શરીર, ચહેરા ઉપર ક્યાંક ક્યાંક દાઢીના વાળ ઉગ્યા છે. તે ભણવામાં ખૂબ જ હોશિયાર છે અને આખા ગ્રુપમાં સૌથી વધારે સમજદાર છે. એટલા માટે જ કદાચ શીતલ તેને ખૂબ જ પ્રેમ કરે છે. શીતલ એ વિરાટની ગર્લફ્રેન્ડ છે. જ્યારે જય ભણવામાં તો ઠીક ઠીક છે, પણ દેખાવે ખૂબ જ હેન્ડસમ લાગતો યુવાન છે. તેને અત્યાર સુધી પોતાના લાયક કોઈ એવી વ્યક્તિ મળે જ નથી જેને તે પ્રેમથી આઇ લવ યુ કહી શકે.

જય તેના ક્લાસના બીજા કપલ્સને જોઈને ઘણીવાર ભગવાનને પ્રાર્થના કરતો હોય છે કે તેણે પોતાના માટે કોઈ ગર્લફ્રેન્ડ બનાવી હોય તો હવે એકવાર તેની સાથે દીદાર કરાવી દે. તેના ક્લાસના બીજા કપલમાં વિનય અને કાજલ, સુનિલ અને આશા, અરુણ અને દિવ્યા, અંકિત અને નૈના, વિજય અને આરતી, રજત અને કિરણ અને સૌથી વધારે તો વિરાટ અને શીતલને જોઈને જયને ઘણીવાર થતું કે જો મારી પણ ગર્લફ્રેન્ડ હોય તો કેવું સારું થાત.

શહેરની ખૂબ જ પ્રખ્યાત કોલેજ- 'G.K.INSTITUTE' ના સ્ટુડન્ટ્સ કે જેમણે ઘણીવાર કરુણા હોટેલ અને તેની ફેમસ ગેમ વિશે સાંભળ્યું છે પરંતુ ક્યારેય ગયા નથી. અત્યારે 15 મિત્રોનું આ ગ્રુપ કોલેજના કમ્પાઉન્ડમાં ગેમ રમી રહ્યા હતા.
અચાનક જ વિનય બોલી પડ્યો.: 'યાર વિરાટ, આવી બધી કોમન ગેમ રમવામાં કંટાળો આવે છે યાર. ચાલો ને આપણે પણ પેલી ગેમ રમવા માટે કરુણા હોટલમાં જઈએ.'
રજત: 'ઓયે ગેમ વાળી, અત્યારે આ ગેમ રમવામાં ધ્યાન આપ નહીં તો આ ગેમ પણ આપણે હારી જઈશું.'
વિજય: 'અલ્યા તું તો એક નંબરનો ફટ્ટુ છે એટલે ભૂત વાળી ગેમ રમવામાં તારી ફાટે છે. મને ખબર છે.'
રજત: 'એ કાંઈ ફાટતી નથી હો. ચાલો કરો તૈયારી, પરીક્ષા પતે એટલે બધા ગેમ રમવા માટે જઈએ . હું તૈયાર છું. બોલો.'
વિરાટ: 'બધાની ઈચ્છા હોય તો આપણી ફાઇનલ એક્ઝામ પતે એટલે એક દિવસ નક્કી કરીને ગોઠવીએ, એમાં બીજું શું વિચારવાનું હોય યાર.'
વિનય: ' તો આપણી પરીક્ષા ૧૮ તારીખે પૂરી થાય છે એટલે આ મહિનાની ૨૨ તારીખે આપણે જઈ શકીએ. શું કયે વિજયા..?'
વિજય તરફ જોઈને તે બોલ્યો. વિજયે પણ ડોકું હલાવીને હામી ભરી અને પોતાની જવાની તૈયારી બતાવી.

અચાનક જ જય બોલ્યો. : ' અલ્યા ટોપાવ, તમારું બધાનું તો ઠીક પણ માટે ત્યાં આવીને કોની જોડે તે ગેમ રમવી યાર..?'
અંકિત અને અરુણ તરત જ જયની મશ્કરી કરતા બોલ્યા. : ત્યાં સુધીમાં ઓલી રેખા જોડે સેટિંગ પાડી દે. બીજું શું..? ' એ સાંભળીને બધા એકસાથે હસી પડ્યા. રેખા એમના જ ક્લાસની એકદમ કાળી અને ખૂબ જ જાડી ચશમિશ છોકરી હતી.
જય: 'વેરી ફની. એક દિવસ એવી છોકરી પટાવિશ કે તમે બધા જોતા રહી જશો.' એમ કહીને પોતાનું મોઢું મચકોડ્યું. બધા ફરી વાર હસી પડ્યા.

******

આજે ૨૨ તારીખ હતી. સવારથી જ બધા પેલી કરુણા હોટલમાં ગેમ રમવા જવાની તૈયારીમાં પડ્યા હતા. વિનયે કરુણા માં ઓનલાઇન બુકિંગ કરાવી દીધું હતું. સૌની અંદર ઉત્સાહ ખૂબ જ વધારે દેખાતો હતો. અંતે સાંજે છ વાગ્યા આસપાસ બધા કરુણા હોટેલની બહાર ભેગા થશું અને પછી બધા એક સાથે જ અંદર જઈશું એવું નક્કી થયું.

અમુક લોકો સાડા છ વાગ્યે જ કરુણા હોટેલ આવી ગયા અને બીજા મિત્રોની રાહ જોતા બહાર ઊભા હતા. એક બે કપલ ત્યાં સેલ્ફી લેવામાં વ્યસ્ત હતા. બધા પોતપોતાની મસ્તીમાં બીજા મિત્રોની આવવાની રાહ જોઈ રહ્યા હતા. સૌથી છેલ્લે સાડા સાત વાગ્યે જય આવ્યો ત્યારે બધા એની ઉપર તૂટી પડ્યા. કોઈક ટોન મારીને ગુસ્સો કરતું તો કોઈ ગાળો દઈને ગુસ્સો કરતું. અંતે બધા મસ્તી મજાક કરતા હોટલમાં દાખલ થયા.

ગેમ રમવા માટે હજી તેમની પાસે ઘણો સમય હતો. એટલે બધાએ સાથે મળીને પહેલા તો ડિનર કરવાનું નક્કી કર્યું. બધા ડિનર માટે ટેબલ પર હાજર થઈ ગયા. જય અત્યારે સૌથી વધારે ઉદાસ લાગતો હતો. એવું ન્હોતું કે હોટલમાં તેઓ એકલા જ હતા, તેમની સાથે બીજા પણ ઘણા લોકો ડિનર કરી રહ્યા હતા. તેમની સામેના જ એક ટેબલ પર એક ફેમિલી અત્યારે ડિનર કરી રહી હતી.

આ હોટેલ ખાસ તો આ ગેમ રમવા માટે જ વધારે ફેમસ હતી એટલે અહી મોટે ભાગે બધા કપલ જ આવતા. ભાગ્યે જ કોઈ સિંગલ આવતું અને તે પણ તેઓ ખાલી જમવા જ કેમ કે ગેમ તો કપલ માટેની હતી.

જ્યારે આ મિત્રોનું ગ્રુપ ડિનર કરી રહ્યા હતા ત્યારે તેમની સામે જે ફેમિલી ડિનર કરવા આવેલા તેમાં એક કદાચ 28-29 વર્ષના એક ભાભી ક્યારના એ જય સામે વારે વારે જોઈ રહ્યા હતા. જય પણ ત્રાંસી નજરે ક્યારેક તે બાજુ જોઈ લેતો.
અચાનક વિરાટ બોલ્યો : 'ઓયે જયલા, મને લાગે છે કે તારે ગેમ રમવા માટેનો જુગાડ થઈ ગયો. પેલા ભાભી જો ક્યારના તારી સામે લાઈન આપે છે. એકવાર ટ્રાય કર એટલે તારો મેળ પડી જાય બોલ.' બધા જોરથી હસી પડ્યા. આમતો જયના મનમાં પણ લડું ફૂટી રહ્યા હતા પણ તે કંઈ કરી શકે તેમ નહોતો એટલે તે પણ છુપાઈને ક્યારેક ક્યારેક પેલા ભાભી જોડે આંખો મળાવી લેતો.

મસ્તી કરતા કરતા બધા જમ્યા અને પછી એકસાથે તેઓ તેમના બુક કરેલા ગેમ રમવા માટેના હોલ માં આવ્યા. બધા જ મિત્રો હોલમાં આવ્યા પછી હૉલની દરેક જગ્યા અને ડરાવી શકે તેવા ચિત્રો જોવામાં થોડી વાર માટે વ્યસ્ત થઈ ગયા.

હોલ એકદમ સારી રીતે સ્પેશિયલી ગેમ રમવા માટે જ બનાવવામાં આવેલો. અહી મોટા હોલમાં એક સાથે 400-500 માણસો આરામ થી સમાય એટલી જગ્યા હતી. એક બાજુ ખૂણામાં મોટું સ્ટેજ બનાવેલું હતું જેની ઉપરની છત પર અલગ અલગ કલરની ઘણી બધી લાઈટો લગાવેલી હતી. એકબાજુએ બધા જ પ્રકારની સિસ્ટમ આવે એવી સારી મ્યુઝિક સિસ્ટમ હતી જેની સાથે આખા હોલમાં સંભળાઈ શકે તેવી રીતના દરેક ખૂણે સ્પીકર મૂકવામાં આવ્યા હતા. સ્ટેજ ની પાસે જ એક નાનકડો પણ અંદાજિત એકસાથે 30-40 લોકો સમાય એવડો રૂમ હતો. તેની ઉપર લગાવેલા બોર્ડ પરથી ખ્યાલ આવતો હતો કે તે મેકઅપ રૂમ હતો.

રૂમમાં મેકઅપ માટેની દરેક વસ્તુઓ હાજર હતી. જો કોઈને કોઈ મહોરા કે કલર અથવા તો કોઈ ડરાવી શકે તેવો બધો જ સામાન જોઈએ તો તે બધું જ ત્યાં હાજર હતું. રૂમની દીવાલો પર અલગ અલગ આકારની ડિઝાઇન વાળી હોરર પિક્ચર લગાવેલી હતી. કોઈને જો કોઈ બુક જોઇને મેકઅપ કરવો હોય તો તેના માટેની પણ ત્યાં વ્યવસ્થા હતી. ઘણી બધી બુકમાં અલગ અલગ ચુડેલના ચિત્રો બનાવેલા હતા.

વિનય સ્ટેજ પર ગયો અને સાવચેતી પૂર્વક ઇલેક્ટ્રિક સિસ્ટમ ચાલુ કરી. પછી માઇક પોતાના હાથમાં લઈને કઈક એનાઉન્સ કરવા લાગ્યો. જ્યારે તે એનાઉન્સ કરી રહ્યો હતો ત્યારે એકબાજુએ રહેલા એક નાના સ્પિકરમાંથી બોલાતા શબ્દો તે સાંભળી રહ્યો હતો. તે સ્પિકરમાં આ ગેમના નિયમ ધીમા મ્યુઝિક સાથે એક છોકરીના અવાજમાં કહેવાય રહ્યા હતા. આ નિયમો સાંભળતા સાંભળતા જ વિનય બોલ્યો.: મિત્રો, જે લોકોએ ભૂત કે ચુડેલ બનવું હોય તે મેકઅપ રૂમમાં જઈને ચેન્જ કરી આવે.' આ સાંભળીને તેમના ગ્રુપની અમુક છોકરીઓ ખૂબ જ ઉત્સાહમાં આવી ગઈ. ઉતાવળે પગે આરતી, દિવ્યા અને આશા મેકઅપ રૂમમાં જવા લાગ્યા. તેઓ જઈ જ રહ્યા હતા કે કોઈએ રૂમનો દરવાજો ખટખટાવ્યો.

બધાને ખૂબ જ આશ્ચર્ય થયું. અહી અત્યારે કોણ આવ્યું હશે.? એવું વિચારતા વિચારતા જ વિરાટે જઈને દરવાજો ખોલ્યો. તેમની સામે એક ૪૦ વર્ષના દાદા વેઇટરના કપડાં પહેરીને ઊભા હતા. 'મગનદાદા' એવું તેમની જમણી બાજુની છાતીના ભાગમાં શર્ટ પર લખેલું હતું. વિરાટને લાગ્યું કદાચ આ વેઇટર, રૂમ-સર્વિસ માટે આવ્યો હશે એટલે તે 'no thanks' કહીને દરવાજો બંધ કરવા લાગ્યો.

પણ પેલા મગનદાદાએ દરવાજો પકડીને પાછો ખોલી નાખ્યો. બધા એકદમ ચકિત નજરે પેલા દાદાને જોઈ રહ્યા હતા. ધીમેથી દાદાએ અંદર નજર નાખી અને બધાના ચેહરા જોયા પછી કઈક મહત્વપૂર્ણ સૂચના આપતા હોય તેમ પોતાનું ગળું સાફ કરીને બોલ્યા. :

"જુઓ છોકરાવ, તમે બધા હજી young છો અને જોતા સમજદાર લાગો છો એટલે મારી વાત ધ્યાનથી સાંભળજો અને ખાસ યાદ રાખજો. આ હોટેલ ખાસ આ ગેમ માટે જ પ્રખ્યાત નથી. અહી ઘણી વાર એવા બનાવ પણ બને છે જેમાં ચુડેલ બનેલી છોકરીઓ સાચે જ ચુડેલ બની જતી હોય છે અને રોમાન્સ કરી રહેલા કપલ ઘણીવાર મોતને ભેટે છે. અહી ક્યાંક તો એવી કોઈ શક્તિ છે જે નેચરલ નથી. ધ્યાન રાખીને અને એકબીજાને સંભાળીને બધા ગેમ રમજો. પરંતુ અહીંના નિયમો એકવાર ધ્યાનથી સાંભળી લેજો અને એનું ચુસ્તપણે પાલન કરજો જેથી પાછળથી પસ્તાવું ના પડે."

એકદમ વિચિત્ર હાવભાવ સાથે, પેલા દાદા આ બધું બોલી ગયા. ના કોઈ સ્માઈલ કે ના કોઈ બીજા expression. તેમ છતાં બધાએ તેમને નિયમોનું પાલન કરવાની ખાતરી આપી અને પછી પેલા દાદા ત્યાંથી ચાલ્યા ગયા.

પેલા દાદાની વાત સાંભળીને બધાને નવાઈ તો ખૂબ લાગી હતી પરંતુ અચાનક જ વાતાવરણ ને હળવું કરવા માટે અરુણ બોલ્યો. : 'અહી તો ચા કરતાં કીટલી ગરમ છે યાર.' તરત જ બધા હસી પડ્યા. હસતા હસતા જ આરતી, દિવ્યા અને આશા ત્રણેય મેકઅપ રૂમમાં ગઈ. ત્યાં જઈને તેઓ પોતપોતાની રીતે ક્યો મેકઅપ કરવો તેના વિશે ચર્ચા કરવા લાગી. ત્યાં રહેલી મેકઅપ માટેની બુક્સ જોઇને બધા પોતપોતાની રીતે જ મેકઅપ નો સામાન શોધવા લાગ્યા.

આ બાજુ હોલમાં બધા શાંતિથી બેઠા બેઠા સ્પીકરમાં ગેમના નિયમો બોલી રહેલી છોકરીને સાંભળી રહ્યા હતા. વિરાટ અને વિનય ઘણા ધ્યાન પૂર્વક સાંભળી રહ્યા હતા જ્યારે બાકીના મિત્રો તો એની મજાક કરતા કરતા હસી રહ્યા હતા.

ઘણીવાર થવા છતાં આરતી, દિવ્યા કે આશા મેકઅપ કરીને પાછા ન આવ્યા એટલે અરુણ, સુનિલ અને વિજય ત્યાં અંદર જવા લાગ્યા. જય તરત જ કૉમેન્ટ કરતા બોલ્યો. :

'અલ્યા આમ ઘેલા થાવમાં. છોકરીઓને અમસ્થીએ તૈયાર થવામાં વાર જ લાગે. થોડીવાર રાહ જુઓ, એ લોકો આવી જશે.'

વિજય : ' હા તને બહુ ખબર છોકરીઓના તૈયાર થવા બાબતે. તે તો અનેક છોકરીઓ ફેરવી નાખેલી ને કેમ ભાઈ.'

આ સાંભળીને જય એકદમ શરમાઈ ગયો અને ચૂપ થઈ ગયો. અને પછી પેલા લોકોને કંઈ જ કહ્યા વગર જવા દીધા.

જેવો મેકઅપ રૂમનો દરવાજો સુનિલે ખોલ્યો અને તેઓ અંદર ગયા કે તરત જ તેઓ એકદમ ડરી ગયા અને ડર સાથે મોઢામાંથી ચીસ નીકળી ગઈ.

પેલા દાદા કોણ હતા?
તેમણે શેના માટે આ ગૃપને warn કર્યા હતા?
સુનિલ તેના મિત્રો સાથે મેકઅપ રૂમમાં શું જોઇને ડરી ગયો?
પેલો પડછાયો કોણ હતો?

આવા પ્રશ્નો ના જવાબ માટે વાંચતા રહો
' પ્રેત સાથે પ્રીત: એક રોમેન્ટિક ગેમ '

Dr. Dipak Kamejaliya