એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૫ Priyanka Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક અનોખો બાયોડેટા - (સીઝન-૨) ભાગ-૫

કાવ્યા નિત્યાના રૂમમાં બુક લેવા માટે ગઈ.ટેબલ પર બુક પડી હતી.બુક પર ડાયરી પડી હતી.કાવ્યાએ બુક લેવા માટે ડાયરી હાથમાં લીધી તરત જ ડાયરીમાંથી છુટા પડેલા પત્તા નીચે પડ્યા.કાવ્યા નીચે પડેલા પત્તા ભેગા કરવા લાગી.એમાંથી એક પત્તુ હાથમાં લઈ વાંચવાનો પ્રયત્ન કર્યો.પછી તરત જ વિચાર્યુ કે કોઈની પર્સનલ ડાયરી વાંચવી એ ખરાબ આદત છે.ડાયરીના પત્તા ભેગા કરી,વ્યવસ્થિત રીતે ગોઠવી,નિત્યાએ મંગાવેલી બુક લઈને નિત્યા પાસે ગઈ.

"નીતુ સોરી"

"કેમ?"

"તારા રૂમમાં બુક લેવા ગઈ હતી ત્યાં બુક ઉપર તારી ડાયરી હતી એ ભૂલથી નીચે પડી અને પત્તાઓ વેરવિખેર થઈ ગયા છે"

"તું શું કરવા મારી ડાયરીને અડી.તે કઈ વાંચ્યું તો નથી ને?"નિત્યાએ ગભરાઈને પૂછ્યું.

"ના,એટલી મેનર્સ તો છે મારામાં"

"સાચું કહે છે ને?"

"હા,તને મારા પર ટ્રસ્ટ નથી?"

"છે પણ એમાં અમુક વસ્તુ છે જે તારે વાંચવાની જરૂર નથી"

"બાય ધ વે,એવું તો શું છે ડાયરીમાં"

"કઈ જ નથી"

"એવું તો નથી લાગતું પણ હું તને આગળ નહીં પૂછું.તારે ઈચ્છા થાય તો કે જે"

"ગુડ ગર્લ,ચલ સુઈ જા હવે"

"હા,ગુડ નાઈટ"

"ગુડ નાઈટ,જય શ્રી ક્રિષ્ના"

"જય શ્રી કૃષ્ણ"

રાતના અગિયાર વાગી ગયા હતા.નિત્યા બુક વાંચતા વાંચતા જ સુઈ ગઈ હતી.દેવ ઘરે આવ્યો.દેવને ઘણી વાર કામના લીધે આવી રીતે પાછા ફરવાનું મોડું થતું તેથી એ અલગ ચાવી રાખતો.લેટ થઈ ગયું હોવાથી દેવે ડોરબેલ વગાડવાની જગ્યાએ એની પાસે રહેલ બીજી ચાવીથી દરવાજો ખોલી અંદર આવી ગયો. પોતાના રૂમમાં ગયો.ત્યાં કાવ્યા સૂતી હતી.પણ એ એના મોઢાથી લઈ પગ સુધી બ્લેન્કેટ ઓઢીને સૂતી હતી તેથી દેવને ખબર ના રહી કે રૂમમાં નિત્યા નહીં પણ કાવ્યા ઊંઘી છે.દેવ ફ્રેશ થઈ કપડાં ચેન્જ કરીને બેડની સામે રહેલ સોફામાં સુઈ ગયો.

*

સવારે કાવ્યાને કોલેજ જવાનું હોવાથી વહેલા ઉઠી ગઈ.દેવને આમ સોફા પર સૂતો જોઈને એને નવાઈ લાગી.એ મનમાં વિચારવા લાગી કે,"પપ્પા કેમ અહીંયા સુવે છે?,શું રોજ પપ્પા.............ના ના એવું ના હોઈ શકે.શું હું પૂછું?,...અત્યારે એમને આરામ કરવા દઉં,પછી પૂછીશ.પણ શું મારે એમને એવું પુછાય ખરું?,...કદાચ એવું પણ બને કે પપ્પા મારા રૂમમાં ગયા હોય અને એમને મારો બેડ કોમ્ફર્ટેબલ ના લાગ્યો હોય તો એ પોતાના રૂમમાં આવી સોફામાં સુઈ ગયા હશે.હા એવું જ કંઈક હશે"આવા બધા વિચારો કરી કાવ્યા પોતાના રૂમમાં ગઈ.નિત્યા હજી ઊંઘતી જ હતી એટલે એને કોઈ અવાજ કર્યા વગર પોતાના કપબોર્ડમાંથી કપડાં કાઢ્યા અને બાથરૂમમાં જતી રહી.બાથરૂમમાંથી બહાર આવી ત્યાં તો નિત્યા જાગી ગઈ હતી.

"જય શ્રી કૃષ્ણ નીતુ"કાવ્યા ભીના વાળ લૂછતાં લૂછતાં આવી અને બોલી.

"જય શ્રી કૃષ્ણ"

"કેવું છે તને હવે?"

"સારું છે,હવે દુખાવો પણ નથી થતો"

"લાવ હું ડ્રેસિંગ કરીને બીજીવાર દવા લગાવી દઉં"

"ના ના,એની કોઈ જરૂર નથી.હવે હું નાહીને તૈયાર થઈ જાઉં પછી તારું બ્રેકફાસ્ટ રેડી કરું"

"અરે હું કેન્ટીનમાંથી જ કંઈક ખાઈ લઈશ"

"શું કરવા.....એવું બહારનું ખાવાની કોઈ જરૂર નથી.મને હવે સારું છે હું બનાવી દઈશ"

"ઓકે મારી માં"

"ઓકે,તો હું ફ્રેશ થઈને બનાવું"

"ઓકે"

"તારા પપ્પા......"

"હા,હું તને એ જ પૂછવાની હતી કે એ કેમ ત્યાં ઊંઘે છે?,,એમને ખબર છે ને કે કાલ રાતે તું મારા રૂમમાં હતી?"

"મને નથી ખબર.હું તો બુક વાંચતા વાંચતા સુઈ ગઈ હતી .એ ક્યારે આવ્યા એ પણ મને નથી ખબર"

"તમારા બંને વચ્ચે બધું ઓકે છે ને?"

"હા,કેમ?"

"તો એ સોફામાં શું કામ ઊંઘે છે?,,એ રોજ ત્યાં જ ઊંઘે છે?"

કાવ્યાના આ સવાલથી નિત્યા હલી ગઈ.નિત્યાને થયું કે એ શું જવાબ આપે?.
એને વાતને ઇગ્નોર કરતા કહ્યું,"તું જલ્દી તૈયાર થઈ જા.લેટ નથી થતું તારે.સવાર-સવારમાં આટલા સવાલ-જવાબ કરવા લાગી છે"કહીને નિત્યા પોતાના રૂમમાં ગઈ.દેવ હજી પણ ઊંઘેલો હતો.થોડી વાર નિત્યા એના સામે જ જોઈ રહી.થાક્યો-પાક્યો સૂતેલો દેવ ખૂબ જ માસૂમ લાગી રહ્યો હતો.નિત્યા એકીટશે દેવની સામે જોઈ રહી હતી.અચાનક બારીમાંથી આવતા પવનના લીધે પડદો નિત્યાના મોઢા પર અથડાયો અને એનું ધ્યાન ફેરવાઈ ગયું.ફટાફટ તૈયાર થઈને નિત્યા રસોડામાં ગઈ.રસોડામાં જઈને જોયું તો જસુબેન પહેલેથી જ ત્યાં હતા.

"મમ્મી,તમે અહીંયા શું કરો છો?"નિત્યા જસુબેનને જોતા બોલી.

"પૂજા કરું છું"જસુબેન મજાક કરતા બોલ્યા.

"તમેં જે પૂજા કરો છો એ દેવને ખબર પડશે તો તમારું આવી બનશે.લાવો હું કરું છું"

"મને કરવા દે ને.તને ખબર છે ને મને રસોઈ બનાવવી બહુ જ ગમે છે"

"હા મમ્મી,હું તમારી ભાવનાઓને સમજુ છું પણ તમે પણ મારી ચિંતા સમજો"

"મને કાઈ જ નથી થવાનું"

"તમેં અહીંયા બેસી જાવ અને મને કહો કે તમારે શું બનાવવું છે"

"મેં અડધી-પડધી તૈયારી કરી લીધી છે.ઢોકલાનું શિરું તૈયાર છે,પૌંઆ પલાળીને મુક્યા છે અને તારા માટે શિરો પણ બનાવી લીધો છે"

"શિરો કોણ ખાય મમ્મી સવાર સવારમાં"નિત્યા મોઢું બગાડતાં બોલી.

"તારે ખાવાનો છે.તું જલ્દીથી સાજી થઈ જાય.અને હા તને હવે કેવું છે?,,દુખાવો થાય છે?"

"ના મમ્મી,કઈ જ નથી થતું"

"સારું"

"મમ્મા,નાસ્તો તૈયાર થયો કે નહીં?"

"બસ દસ જ મિનિટમાં લઈને આવું"

"સારું તું કર, હું જરા મારા કાન્હાજીને મળી આવું"જસુબેન બોલ્યા.

"તમે હજી પૂજા નથી કરી?"

"મારી પહેલી પૂજા મારા બાળકોનું પેટ ભરાવવું હતી પણ એતો તે ના કરવા દીધી.હવે મંદિરની મુલાકાત લઈ આવું"

"સારું"નિત્યા હસતા હસતા બોલી.

થોડીવાર પછી મંદિરમાંથી ટોકરી વગાડવાનો અવાજ સંભળાયો.કાવ્યા એના રૂમમાંથી દોડતી દોડતી આવી.

"જસુ પ્લીઝ,તું ભગવાનને જગાડવાની બીજી રીતે શોધી લે.અહીંયા આવું નઈ ચાલે"કાવ્યા ચિડાઈને જસુબેનને કહેવા લાગી.

"કાવ્યા,આ કઈ રીત છે મોટા સાથે વાત કરવાની"રસોડામાંથી હાથમાં નાસ્તો ભરેલી,થોડું અચકાઈને ચાલતી આવતી નિત્યા બોલી.

"તું મને બોલે છે ને.હમણાં પેલી અંગ્રેજણ ધમકી આપવા આવી જશે"

"કાવું સોરી બેટા,હું ભૂલી જ ગઈ હતી"જસુબેન બોલ્યા.

"સોરી નાની,ભૂલ મારી છે.મારે તમારી સાથે આમ ઊંચા અવાજે વાત નહોતી કરવી જોઈતી.પણ એ આવીને ધમકી આપે છે એટલે મને બહુ જ ગુસ્સો આવે છે"

"સવાર સવારમાં ઘરમાં શેનો ઘોંઘાટ છે?"ઉપર પોતાના રૂમમાંથી આવતો દેવ બોલ્યો.

"કઈ જ નહીં."બધા દેવથી ડરતા હોય એમ વાત ફેરવી કાઢી અને ચૂપચાપ પોતપોતાના કામે વળગ્યા.

"તમે આવી જ ગયા છો તો હવે નાસ્તો કરીને જ જાવ"નિત્યાએ દેવને કહ્યું.

"હા,આજ ઘણા સમયે બધા જ સાથે છીએ"જસુબેન બોલ્યા.

"તમે કરી લો.હજી મારે બ્રશ પણ કરવાનું છે"દેવ આટલું બોલીને ઉપર એના રૂમમાં જતો હતો.

નિત્યાએ કાવ્યાને દેવને રોકવા માટે ઈશારો કર્યો એટલે કાવ્યા બોલી,"પપ્પા"

"યસ?"દેવે પાછળ ફરીને પૂછ્યું.

"પ્લીઝ,ચાલોને સાથે નાસ્તો કરી લો ને"કાવ્યાએ માસૂમ ચહેરો બનાવીને કહ્યું.

"આવું હું બ્રશ કરીને"

કાવ્યા,નિત્યા અને જસુબેન ત્રણે ખુશ થઈને એકબીજાને હાય-ફાય કરવા લાગ્યા.

દેવ નીચે આવીને ડાઈનિંગ ટેબલમાં પોતાની ચેર પર બેસ્યો.નિત્યા,કાવ્યા અને જસુબેને પહેલેથી જ બ્રેકફાસ્ટ શરૂ કરી લીધું હતું.દેવ આમતેમ કઈ શોધતો હોય એમ લાગ્યું એટલે નિત્યાએ પૂછ્યું,"કંઈ જોઈએ છે તમને?"

"બટર નાઈફ"દેવે કહ્યું.

"વાહ,શું વાત છે!,પપ્પાના કહ્યા વગર જ સમજી ગઈ કે પપ્પાને કઈક જોઈએ છે"

નિત્યાએ ટેબલ પર જોયું પણ ક્યાંય હતું નહીં એટલે એ રસોડામાં જતી હતી.

"તું રહેવા દે,હું લઈ આવું"કાવ્યા બોલી.

"ના ના,મારો નાસ્તો થઈ ગયો.તું નાસ્તો કર,હું લઈ આવું"કહીને નિત્યા લડખાતી લડખાતી ગઈ.

દેવે નિત્યાને આમ જોતાં પૂછ્યું,"શું થયું છે તને?,કેમ આમ ચાલે છે?"

"કઈ નહીં"કહીને નિત્યા રસોડામાં જતી રહી.

દેવે જસુબેન અને કાવ્યાને ઇશારામાં પૂછ્યું એટલે જસુબેને જવાબ આપતા કહ્યું,"કાલ જ્યારે એ મને દવા આપવા આવી ત્યારે મારી પાસે બેસી હતી અને એને અચાનક યાદ આવ્યું કે તું લન્ચ કરે છે તો તને કઈ જોઈતું હશે તો એટલે એ દોડીને તારી તરફ આવવા જતી હતી અને સીડીના કઠેડાની ઠેસ વાગી તો એનો અંગૂઠાનો નખ ઉખડી ગયો"

"આટલું બધું થઈ ગયું ને મને કોઈએ કહ્યું નહીં"

"પપ્પા મને લાગ્યું તમને ખબર હશે.એટલે તો કાલ રાતે નીતુ મારા રૂમમાં ઊંઘી હતી.તમને ખબર હશે ને"

"મને કંઈ જ ખબર નથી"કહીને દેવ ગુસ્સામાં ઉભો થયો અને રસોડા તરફ ગયો.રસોડામાં ચેર પડી હતી ત્યાં નિત્યાને પકડીને જબરદસ્તી બેસાડી અને નિત્યાનો પગ પકડીને જોવા લાગ્યો.

"દેવ તમે આ શું કરો છો?"નિત્યા દેવના હાથમાં રહેલ પોતાનો પગ પાછો ખેંચતા બોલી.

દેવે પગ પાછો હાથમાં લઈ લીધો અને પટ્ટી ખોલવા લાગ્યો.

"આટલું બધું વાગ્યું છે ને કહે છે કઈ નથી થયું.તને હજી પણ દુખાવો થાય છે"

"દેવ,સાચે જ હું ઠીક છું.મને કંઈ જ નથી થયું"

દેવ ગુસ્સામાં ઉભો થયો અને નિત્યાને બંને હાથથી પકડીને બોલ્યો,"કાલનું વાગ્યું છે તને.તારે મને જણાવવું જરૂરી ન લાગ્યું.હું તારી જેમ કહ્યા વગર નથી સમજી શકતો.એટલો સમજદાર નથી હું.આખો દિવસ કામ કામને કામ.બધાનું ધ્યાન રાખે છે બસ પોતાનું જ ભૂલી જાય છે.તું શું કામ આમ કરે છે.દરેક વખતે પોતાનું દુઃખ મારાથી છુપાવે છે.હું કાંઈ બહારનો નથી.તારો હસબન્ડ છું.મારી જવાબદારી છે તારું ધ્યાન રાખવાની.દરેક વખતે પોતાની તકલીફ છુપાવીને મને મારી જવાબદારીથી કેમ દૂર રાખે છે.ડોક્ટરને પણ નથી બોલાવ્યા.ઇન્ફેક્શન થઈ જશે તો.કેમ આમ કરે છે તું નિત્યા?"