ટાવર નમ્બર- ૪ - 2 BIMAL RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ટાવર નમ્બર- ૪ - 2

ભાગ-૨

રાઉન્ડરે થાપાને કહ્યું તે મુજબ સાચેજ ટાવર પર કોઈ હિલચાલ જણાય નહોતી રહી.

થાપાએ રાઉન્ડરને પૂછ્યું, "તે ઉપર જઈને તાપસ કરી જોઈ કે ગાર્ડને શું થયું છે?"

રાઉન્ડરે નીચી મુન્ડી કરી દીધી, થાપાએ જરા કડકાઈથી પૂછ્યું, "તને પૂછું છું, જવાબ કેમ નથી આપતો?"

રાઉન્ડર સાવ મરિયલ સ્વરમાં બોલ્યો, "સાહેબ, ગાર્ડ જોર જોરથી, ચુડેલ, ચુડેલ, મને બચાવી લ્યો, મને બચાવી લ્યોની બૂમો પડતો હતો અને થોડી ક્ષણો પછી એકદમ શાંત થઇ ગયો એટલે  મને બીક લાગી ગઈ કે, નક્કી ચુડેલે ત્યાં ટાવર પર આવી ગઈ હોવી જોઈએ, એટલે હું ઉપર નથી ગયો."

થાપાને કઈંક અઘટિત બન્યું હોવાની આશઁકા ગઈ. તેણે જાતે ટાવર ઉપર જઈ ચકાસણી કરવાનું નક્કી કર્યું.

થાપાએ હાથમાં રહેલી ટોર્ચ ચાલુ કરી ચેક કરી લીધી અને પછી સાવચેતીપૂર્વક ટાવરની સીડી તરફ આગળ વધ્યો.

રાઉન્ડર થાપાને સીડી તરફ જતા જોઈ બોલ્યો, "સાહેબ મારુ માનો તો ઉપર જવાનું જોખમ ન લો અને પટેલ સાહેબને બોલાવી લ્યો."

થાપાએ રાઉન્ડરને ઇશારાથી ચૂપ રહેવા જણાવ્યું અને ટાવર ઉપર ચઢી ગયો, ઉપર પહોંચતા તેણે જોયું કે પેલો ગાર્ડ ફર્શ પર પડ્યો હતો, થાપાએ તેના નાક પાસે આંગળી રાખી તપાસી જોયું તો જાણ્યું કે તેનો શ્વાસ ચાલી રહ્યો છે, તેને થોડી શાંતિ થઇ. એણે ગાર્ડને ઢંઢોળીને ઉઠાડવા પ્રયત્ન કરી જોયો પણ ગાર્ડ ઉઠ્યો નહિ.

ટાવર પર દેખીતી રીતે તો બધું જેમનું તેમજ હતું, કોઈ ઉપર આવ્યું હોય અને ગાર્ડ સાથે હાથાપાઈ થઇ હોય એવું કઈં લાગી નોહ્તું રહ્યું. થાપાએ આંખો જીણી કરી ચારેકોર નજર દોડાવી, દક્ષિણ તરફની કંપનીની બાઉન્ડરી પરની બધી લાઈટો બંધ હતી એટલે ચોતરફ અંધકાર છવાઈ ગયો હતો, તેને બીજું કઈ અજુગતું જણાયું નહિ.

તે ઉભો થઇ ટાવર કેબિનની બહારના કઠેડા તરફ ગયો, કંપનીની દીવાલની પેલી તરફ નજર દોડાવી, પણ તેને ખાસ કઈં દેખાયું નહિ. તેણે ટોર્ચ ચાલુ કરી આમતેમ ફેરવી, ત્યાંજ દીવાલની પેલી તરફ એક જગ્યાએ બરાબર ટોર્ચના પ્રકાશ સામે સફેદ રંગની સાડીમાં, છુટ્ટા વિખરાયેલા વાળ વાળી એક સ્ત્રીનો ચહેરો આવ્યો, એની લાલઘૂમ આંખો એકદમ બિહામણી હતી. તેના કપાળમાં કોઈ ઘા હતો જેમાં લોહી જામી ગયેલું હતું, જેના કારણે તે વધુ ખૌફનાક લાગી રહી હતી. ક્ષણભરમાં એ ગાયબ થઇ ગઈ અને સ્ત્રી રુદનનો અવાજ આવવા લાગ્યો. ચોતરફ અંધકાર અને સન્નાટો પથરાયેલો હતો એમાં એક માત્ર સ્ત્રી રુદનના અવાજે થાપા જેવા નીડર માણસને પણ થરથરાવી નાંખ્યો.

થાપાના હૃદયના ધબકારા એકદમ વધી ગયા, તેના હાથપગ પાણી પાણી થવા લાગ્યા. રડવાનો અવાજ અચાનક બંધ થઇ ગયો, નીરવ શાંતિ પ્રસરી ગઈ. જાણે કોઈ અણધારી આફત આવવાની હોય તેવી શાંતિ જણાતી હતી. નજીકમાં કોઈ બિલાડીનો અવાજ આવ્યો, ડરના માર્યા થાપાના હાથમાંથી ટોર્ચ પડી ગઈ, બિલાડીના અવાજના કારણે ટાવર નીચે ઉભેલો રાઉન્ડર દોડીને રસિકની ગાડીમાં ચઢી ગયો તેણે જોયું તો રસિકની આંખો પહોળી થઇ ગઈ હતી, ગાડીનું એસી ચાલુ હોવા છત્તા તે પરસેવે રેબઝેબ થઇ ગયો હતો.

થાપાએ કપાળ પર વળેલા પરસેવાને ધ્રુજતા હાથે લૂછીને માંડ માંડ નીચે પડેલી ટોર્ચ ઉપાડી, ફરી પાછો ટોર્ચના પ્રકાશમાં પેલો ચહેરો દેખાયો, આ વખતે તે જોર જોરથી અટ્ટહાસ્ય કરી રહી હતી.

થાપાએ ટોર્ચ બંધ કરી દીધી. અંધારામાં ફાંફા મારી તેણે પાણીની બોટલ શોધી, ધ્રુજતા હાથે બોટલનું ઢાંકણું ખોલ્યું અને એકી શ્વાસે અડધી બોટલ ગટગટાવી ગયો.

પાણી પીવાથી તેણે થોડી રાહત અનુભવી, પેલું અટ્ટહાસ્ય પણ બંધ થઇ ગયું હતું એટલે એ થોડો સ્વસ્થ થયો, એણે બોટલમાંથી પાણીની છાલક ભરી પેલા બેહોશ ગાર્ડના મોઢા પર મારી. એ ગાર્ડ, "મને બચાવી લો, એ ચુડેલ મને મારી નાખશે", એમ બોલતો થાપાને વળગી પડ્યો.

થાપાએ તેને ઇશારાથી અવાજ ન કરવા કહ્યું. બંને જણાએ જોયું કે દીવાલની પેલી તરફ અંધારમાં સફેદ સાડી વાળી આકૃતિ આમતેમ ફરી રહી હતી, તેઓ કઈં વિચારે કે બોલે તે પહેલા પેલો ડરામણો અવાજ ફરી સંભળાયો જાણે તે કઈં બોલવા મથી રહી હતી. થાપાએ ટોર્ચ ચાલુ કરી તે તરફ જોયું તો એ બિહામણો ચહેરો વાળની લટોથી ઢંકાયેલો હતો અને હવે તે સ્પષ્ટ રીતે બોલી રહી હતી, "હું આવું ત્યાં? હું આવું? મામાના ઘરેથી આવી છું, હું આવું છું ત્યાં", એટલું બોલી તે દીવાલની બાજુની કેડી પર ચાલવા લાગી.

થાપા ખુબજ ડરી ગયો, તેણે આમતેમ જોયું તો પેલો ગાર્ડ ગાયબ થઇ ગયો હતો. થાપાને આશ્ચર્ય થયું કે આટલી વારમાં તે ક્યાં ગાયબ થઇ ગયો ટાવર પર જગ્યા એટલી નાની હતી કે તેણે ટાવરના દાદરા ઉતરવા થાપાને આઘો ખસેડવોજ પડે, તો પછી તે ગાયબ ક્યાં થયો. તેને કઈં સમજાયું નહિ તે ફટાફટ નીચે ઉતરી ગયો અને રાઉન્ડરને બૂમ પાડી, “ગેટ તરફ ભાગો”. ગાડી પાસે પહોંચી થાપાએ જોયું તો રસિક પરસેવે રેબઝેબ હાલતમાં ભૂતમામાં વાળી ચુડેલ આવી ગઈનું રટણ કરી રહ્યો હતો અને તેના હાથ પગ સતત ધ્રુજી રહ્યા હતા. રસિકની હાલત જોઈ થાપા સમજી ગયો કે તે કોઈ પણ સંજોગોમાં ગાડી ચલાવી શકે તેમ નથી, એટલે તેણે રાઉન્ડરને ઈશારો કરી રસિકને ઉતારી વચલી સીટ પર બેસાડી દેવા જણાવ્યું. રાઉન્ડરે રસિકને પકડી ડ્રાઇવીંગ સીટ પરથી ઉતારી ગાડીની વચલી સીટ પર સુવડાવી દીધો અને પોતે ડ્રાઇવીંગ સીટ પર ગોઠવાઈ ગયો.

થાપા ડરાઇવરની બાજુવાળી સીટ પર ગોઠવાઈ ગયો, રાઉન્ડરે ગાડી ચાલુ કરતા પૂછ્યું, "સાહેબ, આપણે પટેલ સાહેબને જાણ કરી દેવી જોઈએ."

થાપાએ મોબાઈલ પર પટેલ સાહેબને ફોન જોડ્યો. ફોનની ઘંટડી સાંભળી પટેલ સાહેબે જીણી આંખે સામે દીવાલ પર ટાંગેલી ઘડિયાળમાં જોયું, પરોઢના સવા ત્રણ થયા હતા. સ્ક્રિન પર થાપાનું નામ જોઈ તેમણે તરતજ ફોન ઉપાડી લીધો, "બોલો થાપાજી", સામા છેડેથી થાપાનો તરડાયેલો અવાજ સંભળાયો, "જય હિન્દ સાબ."