ટાવર નમ્બર- ૪ - 3 - છેલ્લો ભાગ BIMAL RAVAL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
 • એક પંજાબી છોકરી - 39

  સોનાલી હોસ્પિટલ તરફ દોડીને જાય છે કારણ કે તેને યાદ આવી જાય છ...

 • સમય બધું કહેશે.

  “ભલે આપણે સૌ મુસીબતના માર્યા,પરંતુ છે હિંમત, નથી હામ હાર્યા,...

 • લાડુ એટલે....

  ચૂર્માના લાડુનો મહત્ત્વ ગુજરાતી સંસ્કૃતિમાં ખૂબ મહત્વપૂર્ણ છ...

 • ત્રિભેટે - 22

  નયન કલાકો દરિયાને જોતો બેસી રહ્યો.એની પાસે બધું હતું છતાં કં...

 • નિલક્રિષ્ના - ભાગ 12

  આમ તો જે રસ્તેથી એ આવ્યાં હતાં, એ જ રસ્તો શોધીને એને ફરી ત્ય...

શ્રેણી
શેયર કરો

ટાવર નમ્બર- ૪ - 3 - છેલ્લો ભાગ

ભાગ-૩

પટેલ સાહેબ થાપાના ઉપરી અધિકારી હતા, થાપાએ પટેલને ટાવર નમ્બર ચાર પર બનેલી ઘટના વિષે જાણ કરવા ફોન જોડ્યો હતો.

પટેલ આ વીજમથકમાં છેલ્લા પચ્ચીસ વર્ષથી સિકયુરિટી ખાતું સંભાળતા હતા. ભારતીય નૌસેનામાં ફરજ બજાવ્યા પછી નિવૃત સેનાધિકારી હોવાના સાથે સાથે ઊંચા પડછંદ શારીરિક બાંધા અને એવાજ રુઆબદાર અવાજના કારણે અહીં તેમની સિક્યુરિટી અધિકારી તરીકે નિમણુંક થઇ હતી. સ્વભાવે રમુજી અને ધાર્મિક વૃત્તિના પટેલ આમતો ખુબ સરળ માણસ હતા, પણ તેમના ધારદાર અવાજ અને પડછન્દ વ્યક્તિત્વના કારણે તેમનો રુઆબ કઈંક અલગ જ હતો.

થાપાના જયહિન્દમાં આજે તેમને રોજ જેવો રણકો ન જણાયો.થાપાએ ટૂંકાણમાં બધું સમજાવી તેમને જલ્દી ગેટ પર આવી જવા વિનંતી કરી.

તેમણે થાપાને, કહ્યું, "તમે બધા ચિંતા ન કરો અને સ્વસ્થ રહો હું આવું ત્યાં સુધી મેનગેટ અને બહારના મુખ્ય માર્ગ પરના ગેટ ને જોડતા રસ્તા પર નજર રાખો, એ જે હોય તે કોઈ પણ સંજોગેમાં તે પ્લાન્ટમાં ન આવવી જોઈએ."

ગેટ ઉપર ભયનો માહોલ હતો બધા ગાર્ડ ચુડેલના ખૌફના કારણે જડ થઇ ગયા હતા, ગનમેનના હાથમાં બંધુક હતી તોય એના માથે પરસેવો વળી ગયો હતો. રસિક સુનમુન ગાડીમાં બેઠો હતો.

થાપાને મગજમાં પેલા ટાવર ચારના ગાર્ડના વિચારો ચાલતા હતા, ડરના ઓથારમાં તેનું મન વિચારી રહ્યું કે પેલી ચુડેલે ગાર્ડનું લોહી ચૂસી તેને ક્યાંક ફેંકી દીધો હશે અને હવે એ તેની તરફ આવી રહી છે, અચાનક થાપાને એવું લાગ્યું જાણે કોઈએ તેના ગાળામાં પોતાના અણીદાર દાંત પેસાડી દીધા છે અને ધીમે ધીમે તેના શરીરનું લોહી ચુસાઈ રહ્યું છે.

"થાપા સાહેબ", રાઉન્ડરે થાપાને હલબલાવ્યો, થાપા વિચારતંદ્રામાંથી જાગૃત થયો અને પોતાના ગળે હાથ ફેરવ્યો બધું સલામત હતું, પોતાની કલ્પનાઓમાં તેણે જે દ્રશ્ય જોયું હતું તે યાદ કરી તેના શરીરમાંથી ભયનું એક લખલખું પસાર થઇ ગયું.

રાઉન્ડરે કહ્યું, "સાહેબ મેં બધી પોસ્ટ પર તપાસ કરી લીધી ટાવર ચારના ગાર્ડનો કોઈ પત્તો નથી."

થાપાએ કહ્યું, "તો પછી એ ગયો ક્યાં, પેલી ચુડેલે દીવાલની આ તરફ આવ્યા વગર એને ગાયબ કર્યો કઈ રીતે?"

રાઉન્ડર ભયભીત ચહેરે બોલ્યો, "સાહેબ એ તો ચુડેલ છે, એ કઈં પણ કરી શકે. આ તો ભગવાનનો પાડ માનો કે એણે તમને કઈં ન કર્યું નહીંતર...."

થાપા બરાડ્યો, "શું બેવકૂફ જેવી વાતો કરે છે, જા છાનોમાનો તારી ડ્યૂટી કર."

બુલેટની ઘરઘરાટીનો અવાજ સાંભળી બધા ગાર્ડ સાવધાન મુદ્રામાં આવી ગયા. પટેલે બુલેટ ગેટ પાસે ઉભી રાખી દીધી. ડરના માર્યા ગાર્ડથી સલામ પણ બરાબર ન થઇ એ પટેલે અનુભવ્યું.

તેમણે થાપા સાથે થોડી ચર્ચા કરી અને તરતજ જ્યાં પ્લાન્ટની દીવાલ પુરી થતી હતી એ બાજુ ગયા રસ્તા પરથી ઉતરી તે જેવા દીવાલ ના ખૂણે પહોંચ્યા કે દીવાલ પાછળથી અચાનક એક સફેદ સાડી વાળી સ્ત્રી કૂદકો મારી હસતા હસતા તેમના તરફ ઘસી આવી. અચાનક તેને આવી રીતે જોઈ પટેલ ડરીને બે ડગલાં પાછળ હટી ગયા, પણ પછી તરતજ સ્વસ્થ થઇને જોરથી ઘાંટો પાડ્યો, " ખબરદાર, ઉભી રહે ત્યાંજ નહીંતર...."

પટેલના રુઆબદાર પહાડી અવાજની ધારી અસર થઇ, પેલી એકદમ સહેમી ગઈ અને રડવાનું ચાલુ કરી દીધું. તેના છુટા ગંદા એકબીજા સાથે ચોંટી ગયેલા વાળ તેના ચહેરા ઉપર આવી ગયા હતા. પટેલ તેનો ચહેરો નહોતા જોઈ શકતા પણ ચોંટી ગયેલા વાળની બે જાડી લટો વચ્ચેથી તેની બિહામણી લાલઘૂમ આંખો દેખાઈ રહી હતી. પટેલને કોણ જાણે સ્ટ્રીટ લાઈટના અજવાળામાં એની આંખોમાં એક અજીબસી બેબસી દેખાઈ, બીજા બધાને એ આંખો જોઈ ડર લાગી રહ્યો હતો પણ પટેલને એ આંખોમાં ડર દેખાયો.

પટેલે અવાજ થોડો નરમ કરતા પૂછ્યું, " કોણ છે તું? ક્યાંથી આવી છે?

પેલી સ્ત્રી રડતા રડતા બોલી, "મામાના ઘરેથી આવી છું."પટેલે વારંવાર ફેરવી ફેરવીને પૂછ્યું, પણ તેણે તો એકજ રટણ ચાલુ રાખ્યું કે તે મામાના ઘરેથી આવી છે.

રસિક ગાડીમાં બેઠે બેઠે આ સાંભળી રહ્યો હતો, તેણે થોડે દૂર ઉભેલા થાપાને હળવેકથી કહ્યું, "પટેલ સાહેબને કહો કે મામાનું ઘર એટલે ભૂતમામા."

અચાનક એ સ્ત્રી બહારના મુખ્યમાર્ગ તરફના રસ્તા પર ચાલવા લાગી, પટેલ તેની સાથે થોડું સુરક્ષિત અંતર જાળવી સાવધાની પૂર્વક ચાલવા લાગ્યા. તે થોડી થોડી વારે ઉભી રહી પટેલ તરફ મોઢું ફેરવી વાળની લટોમાંથી તેમની સામે જોઈ લેતી.

ચાલતા ચાલતા તે બંને મુખ્યમાર્ગવાળા ગેટ પર પહોંચી ગયા. પેલી સ્ત્રી અધ્ધખુલ્લા ગેટમાંથી બહાર દોડી ગઈ. જતા જતા એણે પટેલના સામે ફરી જોયું, ત્યારે પણ પટેલને એના ડરામણા ચહેરા પરની આંખોમાં માસુમિયત અને ડર દેખાઈ રહ્યો હતો.

થોડી ક્ષણોમાં એ અંધારમાં ગાયબ થઇ ગઈ. પટેલે થાપાને ગાડી મોકલવા ફોન જોડ્યો ત્યાંતો સામેથી રસિક અને થાપા ગાડી લઇ આવતા દેખાયા.

થાપના જીવમાં જીવ આવ્યો હોય એમ એણે ગાડીમાંથી ઉતરી પટેલ સાહેબને એક કડક સેલ્યૂટ ઠોકી  દીધી. એ લોકો ગાડીમાં બેસી ગેટ પર આવ્યા.

ઘડિયાળમાં સવારના ચાર વાગ્યા હતા, થાપાને બે કલાકનો સમય જાણે બે યુગ સુધી ચાલ્યો હોય તેવું લાગી રહ્યું હતું.

પટેલે બુલેટ ચાલુ કરતા કહ્યું, "ટાવર ચારના ગાર્ડની શોધખોળ કરો, હું સવારે ડ્યૂટી પર આવું ત્યાં સુધીમાં એનો પત્તો ન લાગે તો આપણે પોલીસને જાણ કરી દઈશું."

વાતાવરણ ભયમુક્ત થઇ ગયું હતું એટલે મોટોસાઈકલ પર જતા પટેલ સાહેબને બધા ગાર્ડે રોજની જેમ એક સાથે પગ પછાડી સેલ્યુટ કરી જોરથી જયહિન્દ કહ્યું.

પટેલ સવારે નવ વાગે ઓફિસે પહોંચ્યા તો થાપા પેલા ટાવર ચારવાળા ગાર્ડને એની કેબિનમાં પૂરીને બહાર ઉભો હતો.

પટેલને જોતાજ, "સાહેબ ટાવર ચારવાળો ગાર્ડ મળી ગયો, રાત્રે સાલો બીકનો માર્યો ટાવર પરથી નીચે કૂદી અંધારામાં ભાગી ગયો હતો."

પટેલ બંનેને લઇ ટાવર ચાર પર ગયા, પેલા ગાર્ડ પાસેથી વિગતો જાણી જીણવટથી બધું નિરીક્ષણ કરી તેમણે થાપાને કહ્યું, "જો રાત્રે પેલી સ્ત્રીને જોઈને આ ગભરાઈ ગયો અને ડરના માર્યો આગળ પાછળ થતો હશે એટલે એની પીઠ આ સ્વિચ બોર્ડને અડતી હશે, જેના કારણે બધી લાઈટો ચાલુ બંધ થતી હશે ને પછી એ બેભાન થઇ ઢળી પડ્યો ત્યારે સ્વિચો બંધ થઇ ગઈ હશે એટલે આ તરફની બધી લાઈટો બંધ થઇ ગઈ અને રાઉન્ડરને અને તને લાગ્યું કે પેલી ચુડેલે આ બધું કર્યું છે."

થાપાને પટેલ સાહેબની વાતમાં તથ્ય લાગ્યું પણ એણે પોતે પેલી ચુડેલનો ચહેરો જોયો હતો એટલે એનું મન હજી માનવા તૈયાર નહોતું કે એ ચુડેલ નહોતી. તેઓ બધા ગેટ પર પાછા આવ્યા અને પટેલ પોતાની કેબીનમાં જતા રહ્યા.

થાપા રાત વાળી ઘટના વિષે વિચારી રહ્યો હતો, એટલામાં પોલીસની ગાડી આવી, ઈન્સ્પેક્ટરે પૂછ્યું, "ઔર થાપાજી, સબ ઠીક હૈ, પટેલ સાહેબ છે?

થાપાએ કહ્યું, "હા, છે." ઇન્સ્પેકટર અને થાપા બંને પટેલની કેબિનમાં દાખલ થયા.

પટેલે ઇન્ડપેકટરનું અભિવાદન કરી તેમને બેસવા કહ્યું, થાપાએ બહાર ગાર્ડને ચા લાવવા ઈશારો કરી દીધો.

ઇન્સ્પેકટર સીધા મુદ્દા પર આવતા બોલ્યા, "પટેલ તમારો અંદાજ સાચો હતો, છેલ્લા એક અઠવાડિયાથી આસપાસના ગામોમાંથી ચુડેલ જોયાની ફરિયાદો આવતી હતી. અમે આને અફવા ગણી બહુ ધ્યાન ન આપ્યું. આજે વહેલી સવારે જયારે તમારો ફોન આવ્યો, તો મેં તરતજ એક ટિમને રવાના કરી તમે આપેલી જાણકારી પ્રમાણે વીજમથકની આસપાસ ખેતરો અને અવાવરું જગ્યાઓએ શોધખોળ કરાવી અને અમને એ સ્ત્રી મળી ગઈ."

ગાર્ડ આવીને ચા મૂકી ગયો. ચાની ચુસ્કી મારતાં પટેલ બોલ્યા, "સરસ મને હતુજ કે એ બહુ દૂર નહિ ગઈ હોય, કઈં ખબર પડી કે કોણ છે એ સ્ત્રી?"

ઈન્સ્પેક્ટરે કહ્યું, "એટલે તો આવ્યો છું તમારી પાસે, તમને ધન્યવાદ આપવા, તમે મને ફોનમાં જણાવ્યું હતું કે એ કોઈ ચુડેલ નથી લાગતી પણ કોઈ વખાની મારી સ્ત્રી હોવી જોઈએ, એ વાત બિલકુલ સાચી નીકળી. હકીકતમાં એ માબાપ વગરની એક પાગલ છોકરી છે જે અહીંથી પચાસેક કિલોમીટર દૂર આવેલા એક ગામમાં એના મામા સાથે રહે છે અને ફરતી ફરતી આ તરફ આવી ગઈ છે. એના ગૂમ થવાની ખબર એના મામાએ થોડા દિવસ પહેલાજ તેમના વિસ્તારના પોલીસમથકમાં નોંધાવી હતી. હમણાંજ મારી એ પોલીસમથકના ઇન્સ્પેકટર સાથે વાત થઇ છે અને એ લોકો એના મામાને લઈને તેને લેવા આવી રહ્યા છે. મને થયું કે તમને મળીને ધન્યવાદ દેતો જાઉં કે તમે બીજા બધાની જેમ ચુડેલ માનીને એનાથી ડરીને એને કોઈ નુકસાન પહોંચાડવાને બદલે મને જાણ કરીને વિશ્વાસ અપાવ્યો કે તે કોઈ પીડિત સ્ત્રી છે.

ઇન્સ્પેકટર ચા પુરી કરી પટેલ સાથે હસ્તધૂનન કરી બહાર નીકળી ગયા. થાપાને પટેલસાહેબ માટે માન થઇ ગયું, તે પણ રાત્રે પાછું ડ્યૂટી પર આવવાનું હોવાથી પટેલની રજા લઇ ઘરે જવા ઉપડી ગયો.

પટેલની આંખ સામે ફરી પેલી સ્ત્રીની લાલઘૂમ બિહામણી આંખોમાં ડોકાઈ રહેલી બેબસી અને માસુમિયત તારી આવ્યા અને તેમના મનમાં સંતોષની લાગણી સાથે હોઠો પર એક હળવી મુસ્કુરાહટ આવી ગઈ.

બધું રાબેતા મુજબ ચાલવા લાગ્યું પણ તે દિવસથી ટાવર ચારની રાત્રી ડ્યૂટી માટે ચિઠ્ઠી ઉડાડવામાં આવવા લાગી.

 

***********