અભિવ્યક્તિ.. - 2 ADRIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અભિવ્યક્તિ.. - 2

વજૂદ..

રાધા અને રુક્મિણી સમ જીવવાની મને આશ હતી,..
તારા હોવાથી જ તો મારા જીવનમાં મીઠાશ હતી,
જાણું છું હું એટલું કે દિલ તારું પથ્થર નથી,
પણ સાથે રાખી સાચવી જાણે તું એવોયે સધ્ધર નથી

તડપ મારી તને પણ એક દિવસ સમજાઈ જશે
ખુદ ની ધડકન ની આહટ જયારે તારે માટે સજા હશે

આખિરી મુલાકાત માં કેટલાયે ઇલ્ઝામ લગાવ્યા હતા
ધિક્કાર અને નફરત કરતા કેટલાયે અપશબ્દો વાપર્યા હતા
સ્વાર્થી, મતલબી, ખુદગર્જ અને બેવફા સમજતી હતી
મને એ દેખાતું નહોતું કે હું જોવા જ માંગતી નહોતી,

હું જાણતી હતી કે
મારા વિનાની તારા જીવનમાં એક પણ ક્ષણ નથી,
એ શ્રદ્ધા તારા દિલમાંથી હજી સુધી મરી નહોતી,
તું અતિશય શાંત હતો, છતાં ખુશી તારી અંદર નહોતી,..
અસલામતી ના ખૌફમાં મનમાં ને મનમાં હું મરતી હતી

સપનું સાકાર થતું હતું પણ સત્ય સમજાયું હતું
જે પામી હતી એ મારુ આંધળું ઝુનૂન હતું
એક નવી દુનિયા મળી એક અજાણ દર્દ પણ હતું
તું પાછળ છુટતો હતો - બીજું બધું જ મળતું હતું
મારાથી દૂર થવાનો તને જરાયે ભય નહોતો
અતિશય પ્રેમ છે એવો મારો ભ્રમ તૂટતો હતો

મને રડતા તું રોકતો નહોતો, મારી શંકાને તું ટોકતો નહોતો
મારા એ ડરથી ભરેલા કાળા અંધારા માં તું પ્રકાશ પૂરવા ઈચ્છતો હતો
નિરાશાથી કોસો દૂર, મને એક નવું આસમાન આપવા ઈચ્છતો હતો

વાળમાં હાથ ફેરવતો એક નાજુક અંદાજથી
મને વારેવારે આટલું જ તો કહેતો હતો
કે
પ્રેમની અસફળતાનું માપદંડ જુદાઈ ક્યારેય હોતી નથી
એકબીજાની ગેરહાજરી પણ બેવજહ હોતી નથી
આત્મા ની અંદર જન્મેલો પ્રેમ લોહી બનીને રગ-રગ માં સતત વહયા સિવાય રહેતો નથી
સમય જ બતાવશે કે બધું જ ખતમ થઇ જાય તોયે પ્રેમ ક્યારેય ખતમ થતો જ નથી

મને એ દેખાતું નહોતું કે હું જોવા જ માંગતી નહોતી,
પ્રેમ માં ખુદને ભૂલીને તારી થવા આતુર હતી
"ખુદમાં જ હું સલામત છું" - તારી છત્ર-છાયામાં એ ભૂલતી હતી
તારા સાથનો સહારો લઇ દુનિયાથી હું દૂર જતી
દુનિયાને અવગણીને તારા રોમ રોમ માં વસવા મજબૂર હતી
આઝાદીના અહેસાસની મારે ફરીથી જરૂરત હતી

લોહીમાં વહેતી યાદો અને બેય આંખો નું નૂર જવું
દિલને મુઠ્ઠીમાં મસળીને વિચારોમાંથી પણ દૂર થવું
ચક્ષુઓના ઝળઝળિયાંનું સુકાઈ જવા મજબુર થવું
અને, સાથે જોયેલા આપણા તમામ સપનાઓનું ચૂર થવું

વાગોળું છું વારંવાર હું - જે જે તે કહ્યું હતું..
શંકામાં હર ઝખ્મ કહેશે કે આ પ્રેમ નહિ કોઈ ભૂલ હશે
દિલ ને સમજાવવું મારા માટે પણ એટલું જ મુશ્કિલ હશે

વાગોળું છું વારંવાર હું - જે જે તે કહ્યું હતું..
કે
દિલ છે તૂટશે પણ ખરું, અને વિખરશે પણ ખરું,
પણ શ્રદ્ધા રાખજે ઈશ્વરમાં કે એ નિખરશે પણ ખરું
એટલું જ નહિ, એ આખિરી શ્વાસ સુધી તારા અને મારા
ફરીથી મળવાની ઉમ્મીદોમાં પ્રેમ થી પીગળશે પણ ખરું

વાગોળું છું વારંવાર હું - જે જે તે કહ્યું હતું..
મારી વાતનું યકીન થશે અને અને તને પણ સંતોષ હશે,
કે - ઉડતા રોકે એવા દરેક બંધન થી તું જીવનમાં આઝાદ હશે
નાનું હોવા છત્તા પણ આખુંયે આસમાન તારું હશે
મોહતાજ નથી તું કોઈની એ એહસાસ પોતાનો હશે
નામની સાથે કામ અને ઓળખાણ પણ તારી પોતાની જ હશે,
જે કઈ કરીશ જીવનમાં એમાં મરજી પણ તારી જ હશે

વાગોળું છું વારંવાર હું - જે જે તે કહ્યું હતું..
સહારાની આદત છોડવાનો સમય આવી ગયો
સવારના સૂરજ ને પાછો સોંપવાનો સમય આવી ગયો
પાંખ ફેલાવી કોઈ ભાર લીધા વિના ઉડવાનો સમય આવી ગયો
તને નજરોથી દૂર કરી મારા પાછા ફરવાનો સમય આવી ગયો
અંતર આપણું જાણે જ છે કે આ જરાયે શક્ય નથી
પણ જુદું પડીને સાથે જીવવું એટલું પણ અસંભવ નથી
જિંદગીના દરેક હિસ્સામાંથી નીકળવાનો સમય આવી ગયો,
છુટાછવાયા અધૂરા રહેલા કિસ્સાઓમાં જીવવાનો સમય આવી ગયો

હવે ધીરે ધીરે સમજાય છે મને તું જે સમજાવવા માંગતો હતો
વાગોળું છું વારંવાર હું - જે જે તે કહ્યું હતું.. તને જે વિશ્વાસ હતો
કે
હર નજરથી દૂર દિલમાં એક જીવન્ત આશ ની તડપ હશે
બસ મારા અવાજ ની ઝંખનામાં તને જીવવાની તરસ હશે
દીદારની અભિલાષાનું કત્લ બન્ને માટે નામુમકીન હશે
ચીસો પાડતા દર્દમાં જાણે એકબીજાના દબાયેલા અરજ હશે
હર શબ્દ તારા સાંભળવા મન મારુંયે બેચેન હશે
હું જ્યાં પણ હોઉં ત્યાં, રોકાઈ જવા પગ મારા થંભી જશે

નજરથી દૂર હોવા છતાં દિલમાં તો રહેવાય જ છે
દૂર જવાથી દૂર ના થવાય - એ વાત હવે સમજાય છે
"હાથ કદીયે નહિ છોડું હું" - તારું વચન સત્ય મનાય છે
ભૂલ કરીશ તોય તું સાથે રહીશ - એ ભરોસો હવે થાય છે

વર્ષો પછી આજે મારો દ્રષ્ટિકોણ બદલાયો છે
ટુકડાઓમાં જીવવાનો મતલબ હવે મને સમજાયો છે
તૂટક તૂટક જીવતા જીવતા જ ખુદમાં આજે પુરી છું
સોચ મારી ગલત હતી કે - તારા વિના અધૂરી છું
તારી આપેલી દુરીથી જ હવે મને સમજાયું છે
જુદી થઈને તારાથી મેં મારુ વજૂદ બનાવ્યું છે