ડીએનએ (ભાગ ૬) Maheshkumar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડીએનએ (ભાગ ૬)

નિરામયભાઈના ઘરમાં સન્નાટો છવાયેલો હતો. કુમુદબેન સોફામાં બેઠા બેઠા ડૂસકાં ભરતા હતા અને વારે વારે સાડીના પાલવથી આંખો અને નાક લુછતા હતા. ટીપોઈ પર નાસ્તાના પડીકાં પડ્યા હતા. પડીકાં જોતા જણાતું હતું કે કોઈએ નાસ્તો કર્યો ન હતો. નિરામયભાઈ આંટા મારી રહ્યા હતા અને પોતાની જાત પર કાબુ જાળવી રહ્યા હતા. તેમણે મન મક્કમ રાખ્યું હતું. મૈત્રીનું દુઃખ તેમને પણ હતું, પણ જો પોતે ઢીલા પડે તો પરિવારને સાચવે કઈ રીતે?

અચાનક લાલ અને વાદળી પ્રકાશે તેમનું ધ્યાન બહાર તરફ ખેંચ્યું. તેઓ ઝડપથી દરવાજા પાસે પહોંચી ગયા. પોલીસ ટીમમાંથી ઇન્સ્પેક્ટર પરેશ અને હવાલદાર ઝાલા મુખ્ય પ્રવેશદ્વાર ખોલી અંદર પ્રવેશ્યા. નિરામયભાઈએ તેમને આવતા જોયા, પણ તેમની સાથે મૈત્રી ન હતી એટલે તેમને ધ્રાસકો પડ્યો.

ઇન્સ્પેકટર અને ઝાલા બંને નિરામયભાઈ પાસે હજી પહોંચ્યા જ હતા, ત્યાં તો  નિરામયભાઈએ તરત સવાલ કર્યો, “મૈત્રી મળી?” ઈન્સ્પેક્ટરે નિરાશાથી નકારમાં માથું હલાવ્યું, “અમે બધે તપાસ કરી પણ ક્યાંય...” પાછળથી કુમુદબેને પોક મૂકી દીધી. નિરામયભાઈએ પાછળ વળીને જોયું. બધા તેમની પાછળ આવીને ઉભા હતા.

 ભાનુબેને કુમુદબેનને ખભેથી પકડી લીધા અને હિંમત આપતા કહ્યું, “પોતાને સાચવો કુમુદબેન. મળી જશે મૈત્રી. ધીરજ રાખો.”

“કેવી રીતે હિંમત રાખું ભાનુબેન? ક્યાં હશે મારી મૈત્રી?” કુમુદબેન રડમસ અવાજે આટલું બોલતા બોલતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા.

ભાનુબેન કુમુદબેનને ઘરની અંદર લઈ આવ્યા, સાથે હેલી પણ આવી ગઈ. મુકુંદભાઈ નિરામયભાઈ સાથે ઇન્સ્પેક્ટર પાસેથી વધુ માહિતી લેવા ત્યાં જ રોકાયા.

ઇન્સ્પેક્ટર પરેશ પાસે જાણકારી આપવા માટે કંઈ હતું નહીં, છતાં તેમને બંનેને આશ્વાસન આપવા માટે કહ્યું, “અમે આસપાસની બધી જગ્યાએ તપાસ કરી લીધી, પણ... નિસાસો નાખતાં નકારમાં માથું ધુણાવ્યું. અમે મીડિયામાં પણ ફોટા મોકલી દીધા છે. વાયરલેસ પર જાણ કરી દીધી છે. અમારા પોલીસ ગ્રુપમાં પણ મૈત્રીના ફોટા મોકલી દીધા છે. જેવી કોઈ જાણકારી મળશે, અમે તમને જાણ કરી દઈશું.”

નિરામયભાઈથી ન રહેવાયું, સહેજ ગુસ્સામાં આવી બોલી ગયા, “પણ ક્યારે?” તેમની ધરજ ખૂટી રહી હતી.   

ઇન્સ્પેક્ટર પણ તેમની વ્યથા સમજી રહ્યા હતા. તેમણે નિરામયભાઈને દિલાસો આપતા કહ્યું, “રાહ જોયા વગર છૂટકો નથી.”

મુકુંદભાઈએ આવેશમાં આવી જઈ કહ્યું, “રાહ જોવામાં કંઈ અજુગતું ન બની જાય.”

નિરામયભાઈએ મુકુંદભાઈની સામે ધારદાર નજરે જોયું. મુકુંદભાઈને ખ્યાલ આવ્યો કે પોતે કદાચ કંઈ ખોટું બોલી ગયા છે. તેમણે નિરામયભાઈને સોરી કહ્યું. નિરામયભાઈની આંખોમાં નરમાશ આવી. તે પણ અંદરથી તો ડરેલા જ હતા કે મૈત્રી સાથે કંઈ અઘટિત ન ઘટે. ઇન્સ્પેક્ટર કંઈ માહિતી મળે તો જાણ કરવાનું કહી નીકળી ગયા. બંને પોલીસની ગાડીની લાઈટ આછી થઈ એટલે અંદર આવવા વળ્યા. પોલીસ જતાની સાથે આજુબાજુમાંથી અમુક જાગી ગયેલા પાડોશીઓ નિરામયભાઈના ઘરમાં દાખલ થયા.

મોબાઈલમાં રીંગ વાગી રહી હતી. અંધારામાં કોઈ વ્યક્તિના ઊંડા બે ત્રણ શ્વાસ છોડવાનો હળવો અવાજ સંભળાયો. એકદમ ટેબલ લેમ્પે ઓરડામાં આછો પીળો પ્રકાશ પાથર્યો. એક આધેડ વયની વ્યક્તિનો ચેહરો દેખાયો. મોબાઈલની રીંગ બંધ થઈને ક્ષણભરમાં ફરી રણકવા લાગી. વ્યક્તિએ આંખો ચોળીને ટેબલ પર પડેલી ઘડિયાળ જોઈ. સવારના પાંચ અને દસ થઈ હતી. ઊંઘમાંથી ઉઠેલ વ્યક્તિને મનમાં થયું કે આટલી વહેલી સવારે કોણ ફોન કરે છે. અડધીપડધી ઊંઘમાં ફોન ઉપાડી હલો કહ્યું. ફોન પર વાત સાંભળીને એ આધેડ વ્યક્તિના ચેહરાના ભાવો બદલાયા. હું પહોંચુ છું એટલું કહીને તે વ્યક્તિએ ફોન મુક્યો અને પલંગમાંથી ઊભા થયા.

વહેલી પરોઢમાં કોઈક કોઈક ઘરોમાં ચહલપહલ જણાતી હતી. સવારે મોર્નિંગ વોક માટે રસ્તા પર લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. એવામાં એક સફેદ હુન્ડાઈ વરના નિરામયભાઈના ઘર આગળ આવી ઊભી રહી. એમાંથી પેલો આધેડ વયનો વ્યક્તિ ઊતરીને ઘરમાં પ્રવેશ્યો. તેને ઘરમાંથી બહાર આવતા લોકો સામે ભેટ્યા.

ઘરનો દરવાજો ખુલ્લો જ હતો. પેલો વ્યક્તિ રાહ જોયા વિના સીધો ઘરમાં ગયો. નિરામયભાઈ આવનાર વ્યક્તિને જોઈને ઊભા થઈ એમની સામે ગયા.

નિરામયભાઈએ અચરજ પામતા કહ્યું, “સર તમે?”

આવનાર વ્યક્તિએ જરાક કડક અવાજે કહ્યું, “નિરામયભાઈ આટલી મોટી ઘટના બની ગઈ અને તમે મને જાણ પણ ન કરી?”

“એવું નથી સર?” નિરામયભાઈનો અવાજ ગુફામાંથી આવતો હોય થઈ ગયો. તેમના અવાજમાં થાક અને હતાશા બંને તરી આવતા હતા.

પેલા વ્યક્તિએ છણકો કરતાં કહ્યું, “તો પછી કેવું છે?” બે ઘડી રાહ જોઈને અવાજમાં થોડી નરમાશ લાવી ઉમેર્યું, “મૈત્રી અમારી પણ દીકરી છે.”

નિરામયભાઈએ સંતાપ અનુભવતા કહ્યું, “સોરી સર. આવો. બેસો.”

આવનાર વ્યક્તિએ કુમુદબેન સામે જોયું અને સાંત્વના આપતા કહ્યું, “ભાભી ચિંતા ના કરો. આપણે મૈત્રીને શોધી કાઢીશું.” કુમુદબેનની આંખોમાંથી આંસુ સરી પડ્યા.

નિરામયભાઈએ મુકુંદભાઈને સંબોધીને કહ્યું, “મુકુંદભાઈ આ છે...”

મુકુંદભાઈએ વચ્ચે જ કહ્યું, “ઓળખું છું એમને. નરેશભાઈ કાપડિયા. એચ.કે. આર્ટસ કોલેજના પ્રિન્સિપાલ. એમના મોટીવેશનલ વિડીઓ જોયા છે.”

“સર આ છે અમારા પાડોશી ને મિત્ર મુકુંદભાઈ. કાલ રાતથી મારી સાથેને સાથે છે.” નિરામયભાઈએ મુકુંદભાઈની ઓળખાણ કરાવતા કહ્યું. બંનેએ એકબીજાને નમસ્તે કર્યું.

નરેશભાઈએ પૂછ્યું, “પોલીસ પાસેથી કંઈ જાણકારી મળી?” નિરામયભાઈએ ના કહ્યું.

નરેશભાઈએ નિરામયભાઈના ખભે હાથ મૂકી દિલાસો આપતા કહ્યું, “ચિંતા ના કરો, મારો એક મિત્ર પોલીસમાં છે એને હું વાત કરું છું. આપણે ગમે ત્યાંથી મૈત્રીને શોધી લાવીશું.” કહી નરેશભાઈએ ખિસ્સામાંથી મોબાઈલ કાઢ્યો અને નંબર શોધી નંબર ડાયલ કર્યો. તેઓ ફોન લઈને બહાર જવા ફર્યા. નિરામયભાઈ તેમને બહાર જતા જોઈ રહ્યા.

પાંચેક મિનીટ પછી નરેશભાઈ પાછા આવ્યા. તેમણે નિરામયભાઈને કહ્યું, “મેં એને વાત કરી છે. એ જલ્દી સારા સમાચાર આપશે.”

નિરામયભાઈએ આભાર વ્યક્ત કરતાં કહ્યું, “થેંક યુ, સર”

નરેશભાઈએ ઠપકો આપતા કહ્યું, “શરમમાં ના નાંખો. મુશ્કેલીના સમયમાં એકબીજાને કામ નહીં આવીએ તો પછી ક્યારે આવીશું. મને તો સવારે પાંચ વાગ્યે આપણા પટાવાળા જેઠાભાઈનો ફોન આવ્યો ત્યારે ખબર પડી. તમે કાલે જ કહ્યું હોત તો અત્યાર સુધીમાં તો...”

“અમને કંઈ સૂઝતું જ નહતું, મારું તો મગજ કામ નહોતું કરતુ. શું કરવું? શું ન કરવું? એકબાજુ કુમુદ રડ્યે જતી હતી.” નિરામયભાઈના અવાજમાં રુદનનો ભાર વરતાતો હતો.

નરેશભાઈએ લાગણીસભર થઈ કહ્યું, “હું સમજુ છું નિરામયભાઈ તમારી પરિસ્થિતિ.”

મુકુંદભાઈએ પૂછ્યું, “સર, ચા પીશો કે કોફી.”

નરેશભાઈએ કહ્યું, “ભાઈ, મૈત્રી ન મળે ત્યાં સુધી ગળે કંઈ ઉતરે એમ નથી.”

મુકુંદભાઈએ વિનંતીના સૂરમાં કહ્યું, “સર જો તમે કંઈક લેશો તો, બધા થોડું થોડું ખાશે. કાલથી ભાભીએ અને નિરામયભાઈએ કંઈ ખાધું પીધું નથી.”

નરેશભાઈને લાગ્યું કે મુકુંદભાઈની વાત યોગ્ય છે. તેમણે કહ્યું, “ચા સાથે થોડો નાસ્તો લઈ આવો. બધા થોડું થોડું લેશે.”

લગભગ સવારના નવ વાગવા આવ્યાં હતા.બહાર કંઈક ગણગણાટ શરૂ થયો હતો. બહાર એક ક્રાઈમ રિપોર્ટરે પોતાની ચેનલ માટે રીપોર્ટીંગ શરૂ કરી દીધું હતું. તે હાથમાં માઈક સાથે બોલી રહ્યો હતો, “ગઈ કાલે સાંજે એક સોળ વર્ષની યુવતી ગુજરાત વિદ્યાપીઠ સ્નાનાગારમાં સ્વીમીંગની પ્રક્ટિસ માટે જાય છે. ઘરના બધા રાહ જુએ છે પણ યુવતી સમયસર ઘરે પાછી નથી આવતી એટલે એના પપ્પા પોલીસ સ્ટેશને ફરિયાદ લખાવે છે, પણ હજી સુધી એ યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી. ક્યાં ગઈ એ યુવતી? કોઈએ એને કિડનેપ કરી કે પછી...? શું છે હકીકત? હજી કોઈ જાણતુ નથી. અમે આવી ગયા છીએ એ યુવતીના ઘરે.આપ અમારી સાથે જોડાયેલા રહેજો, અમે સંપૂર્ણ ઘટનાની પળેપળની માહિતી આપતા રહીશું. હું આપને લઈ જઉં છું યુવતીના ઘરમાં અને આપણે સીધી વાત કરીશું એના મમ્મી પપ્પા સાથે. કેમેરામેન અર્પિત રાઠોડ સાથે હું છું ધીરજ દવે અને આપ જોઈ રહ્યા છો ક્રાઈમ ખબર. તો ચાલો વાત કરીએ યુવતીના માતા પિતા સાથે.

રિપોર્ટર અંદર આવવા જાય છે પણ એ પહેલાં જ દરવાજે મુકુંદભાઈ અને નરેશભાઈ એને રોકીને સમજાવે છે કે અત્યારે અંદર ના આવે. રિપોર્ટર દલીલ કરે છે, પણ બીજા ત્રણ ચાર યુવાન પડોશીઓ એને બહાર સુધી મૂકી આવે છે. પણ એ બહાર રીપોર્ટીંગ શરૂ કરી દે છે, “આપણે અહીં સોસાયટીના રહેવાસીઓને પૂછીએ કે એ લોકો આ ઘટના વિશે શું જાણે છે.”

પત્રકાર હજી કંઈ પૂછે એ પહેલાં જ સફેદ ઈનોવા ગાડી દરવાજા પાસે આવીને ઊભી રહી. એક ત્રીસેક વર્ષની યુવતી તેમાંથી ઊતરી.