ભેદ ભરમ - ભાગ 23 Om Guru દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભેદ ભરમ - ભાગ 23

ભેદભરમ

ભાગ-૨૩

 

લાકડાના સ્ટેન્ડની મદદથી ચાલતો માણસ

 

ભુવન ભરવાડના ગયા બાદ ઇન્સ્પેકટર પરમાર હવે હરમનની સામે જોઈ રહ્યા હતા. એમની આંખોમાં એકજ સવાલ હતો, ‘હવે તું શું કરીશું હરમન?’ ઇન્સ્પેકટર પરમારની આંખોમાં રહેલો આ સવાલ હરમને વાંચી લીધો હતો.

“પ્રેયસની શંકા પ્રમાણે ત્રીજું નામ ધર્માનંદ સ્વામીનું છે માટે એમના આશ્રમમાં જઈ એમની પણ પુછપરછ કરી લઈએ. જેથી કરીને તપાસને આગળ વધારી શકાય. જે રીતે કેસમાં નવા વળાંકો આવતા જાય છે એ રીતે ધીરજભાઈના કેસનું રહસ્ય ઘુંટાતું અને ગુચવાતું જાય છે.” હરમને ઇન્સ્પેકટર પરમાર સામે જોઈ કહ્યું હતું.

હરમન થોડી ક્ષણો માટે ચુપ રહ્યો અને ઇન્સ્પેકટર પરમારની આંખોમાં ઊભા થયેલા સવાલનો જાણે જવાબ આપી રહ્યો હોય એમ તે બોલતો હતો.

“પરમાર સાહેબ, મને એવું લાગે છે આ કેસમાં કોઈ એવી કડી છે એ કડી આપણા હાથમાં આવી રહી નથી. જેથી આપણે અસલી ખુની સુધી ના પહોંચી શકીએ. ધીરજભાઈનું ખૂન કરવા વાળા વ્યક્તિએ જ મયંકનું ખૂન કર્યું છે. માટે ભુવન ભરવાડ તો કાતિલ ના હોઈ શકે. બિલ્ડર સુરેશ પ્રજાપતિ આપણે તપાસ કરી એ પ્રમાણે ધીરજભાઈનું ખૂન થયું ત્યારે એ પોતે શહેરમાં હતો જ નહિ. પરંતુ એવું બની શકે કે એ પોતે શહેરની બહાર રહ્યો હોય અને એણે બીજા કોઈ જોડે ખૂન કરાવ્યું હોય. હવે વાત રહી ધર્માનંદ સ્વામીની, તો ધર્માનંદ સ્વામી ધીરજભાઈને મારવાની જાહેરમાં ધમકી આપી ચુક્યા છે. માટે એ ખૂની હોય કે ખૂન કરાવે એવી શક્યતાઓ નહીવત છે. છતાંપણ આપણે એમની પૂછપરછ કરી લઈએ.” હરમને ઇન્સ્પેકટર પરમાર સામે જોઈ કહ્યું અને ખુરશીમાંથી ઉભો થયો હતો.

ઇન્સ્પેકટર પરમારના મોબાઈલ પર રીંગ વાગી હતી. ઇન્સ્પેકટર પરમારે એક કાગળ પેન લઈ ફોન કરનારે આપેલી માહિતી કાગળમાં ટપકાવી દીધી હતી.

“જે બિસ્કીટવાળા ફેરીયાનું સ્કેચ આપણે પોલીસ રેકોર્ડમાં કોઈની સાથે મેચ થાય છે કે નહિ એની માટે મોકલ્યું હતું, એ વાતનો જવાબ આપણને મળી ચુક્યો છે. નાથુસિંહ નામનો એક મુજરીમ છે જેણે એક ફ્લેટમાં ચોરી કરી હતી અને એ ફ્લેટના માલિકને મારવાનો પ્રયત્ન કર્યો હતો જેના કારણે એને દસ વર્ષની જેલ થઈ હતી. એ નાથુસિંહને ધીરજભાઈએ પકડ્યો હતો. હવે કેસની કડી પકડમાં આવી છે. હું નાથુસિંહની તપાસ કરાવી એ મળી જાય એટલે એને પકડી અને એની ઉલટ તપાસ કરું છું. એટલે એ બધુંજ સાચું બોલી જશે. આ નાથુસિંહ જ ધીરજભાઈનો કાતિલ લાગે છે.” ઇન્સ્પેકટર પરમારે વિજય સ્મિત સાથે હરમનને કહ્યું હતું.

ઇન્સ્પેકટર પરમારે નાથુસિંહની તપાસ કરવા માટેના આદેશ આપી દીધા અને એના ફોટા દરેક પોલીસ સ્ટેશનમાં મોકલી આપ્યા.

પોલીસ રેકોર્ડમાં નાથુસિંહના ઘરનું જે સરનામું હતું એ વટવા(અમદાવાદ)નું હતું. ત્યાં તપાસ કરવા માટે ત્યાં ઇન્સ્પેકટર પરમારે બે હવાલદારને મોકલી દીધા અને હરમન અને જમાલ પાસે આવીને પોલીસ જીપમાં બેઠો હતો.

પોલીસ જીપ હવાલદાર જોરાવરસિંહ ચલાવી રહ્યો હતો.

“હરમન, આપણે ધર્માનંદ સ્વામીની પૂછપરછ કરવા માટે જઈ રહ્યા છે પરંતુ નાથુસિંહ પાસે ધીરજભાઈનું ખૂન કરવાનો હેતુ હતો. માટે એજ ધીરજભાઈનો ખૂની હોય એવું લાગે છે. નાથુસિંહ હાથમાં આવશે એટલે પોતાનો જુલ્મ કબુલ કરી જ લેશે.” ઇન્સ્પેકટર પરમારે કેસ ઉકલી ગયાનો ભાર માથેથી ઉતરતાં હરમનને કહ્યું હતું.

“હા, કદાચ તમારી શંકા સાચી હોય એવું બની શકે.” હરમને ટૂંકમાં જવાબ આપ્યો અને ઊંડા વિચારોમાં ખોવાઈ ગયો.

ધર્માનંદ સ્વામીના આશ્રમના મુખ્ય દરવાજામાં પોલીસ જીપ પ્રવેશી હતી. પોલીસ જીપ અંદર આશ્રમમાં પ્રવેશી એટલે આશ્રમના બધાજ સેવકો હરકતમાં આવી ગયા હતા.

ઇન્સ્પેકટર પરમાર, હરમન અને જમાલ ત્રણેય જીપમાંથી નીચે ઉતર્યા ત્યારે આશ્રમનો સિક્યુરીટી ગાર્ડ દોડીને એમની પાસે આવ્યો હતો.

“અમારે સ્વામીજીને મળવું છે. તમે જઈને કહો કે બોપલ પોલીસ સ્ટેશનથી ઇન્સ્પેકટર પરમાર આવ્યા છે.” ઇન્સ્પેકટર પરમારે એમના સ્વભાવથી વિરુદ્ધ જઈ થોડી નમ્રતાથી વાત કરી હતી.

સિક્યુરીટી ગાર્ડે વોકીટોકી પર ઇન્સ્પેકટર પરમારે કહેલી વાત કહી હતી. એ લોકોને સ્વામી ધર્માનંદે આશ્રમમાં આવેલા એમના મહેલ જેવા બંગલામાં બોલાવ્યા હતા. સ્વામીજીના આલીશાન રહેઠાણની અંદર ત્રણેય જણ પ્રવેશ્યા ત્યારે એક મોટા રૂમમાં લાકડાની કોતરણી કરેલી સિંહાસન જેવી ખુરશી ઉપર તેઓ બેઠા હતા. તેમની આસપાસ એમના આઠ-દસ સેવકો બેઠા હતા.

ધર્માનંદ સવામીએ એમની સામે મુકેલી પાંચ ખુરશીઓમાં તેમને બેસવાનો ઈશારો કર્યો હતો.

“ઇન્સ્પેકટર, મને ખબર હતી કે ધીરજભાઈની હત્યા થઇ છે એટલે તમે લોકો મારી પૂછપરછ માટે આવશો. બોલો તમારે મને શું પૂછવું છે?” સ્વામી ધર્માનંદે સીધા મુદ્દા પર આવતા કહ્યું હતું.

“ધીરજભાઈનું ખૂન થયું ત્યારે તમે ક્યાં હતા અને તમે ધીરજભાઈને મારી નાખવાની ધમકી આપી હતી?” ઇન્સ્પેકટર પરમારે ધર્માનંદ સ્વામીને પૂછ્યું હતું.

“ધીરજભાઈનું ખૂન થયું ત્યારે હું અમેરિકા હતો. હું કાલે સવારે જ અમેરિકાથી પરત આવ્યો છું અને મને કાલે જ ખબર પડી કે ધીરજભાઈનું ખૂન થઇ ગયું છે. ધીરજભાઈએ મારા આશ્રમમાં રેડ પાડીને મારી ખુબ બદનામી કરી હતી. એમણે મને જેલમાં પણ પુરાવ્યો હતો. માટે મને એમના ઉપર ખૂબ ક્રોધ આવ્યો હતો. પરંતુ મેં એમનું ખૂન કરાવ્યું નથી. અને આ બાબત સાથે મારે કોઈ લેવા-દેવા નથી. મેં આપેલી ધમકીના કારણે પોલીસને મારા પર શંકા જાય એ સ્વાભાવિક છે. પરંતુ ધીરજભાઈના ખૂનની બાબતમાં હું નિર્દોષ છું અને પોલીસને જયારે આ બાબતે કોઇપણ પુછપરછ કરવી હોય તો હું સહકાર આપવા તૈયાર છું.” ધર્માનંદ સ્વામીએ પોતાનો જવાબ એ રીતે આપ્યો હતો કે ઇન્સ્પેકટર પરમારે આગળ કોઈ પ્રશ્ન પૂછવાનો રહ્યો નહિ.

“બિલ્ડર સુરેશ પ્રજાપતિ અને એમની પત્ની જ્યોતિ સાથે આપના સંબધ કેવા છે?” હરમને અચાનક સ્વામી ધર્માનંદને સવાલ પૂછ્યો હતો.

હરમનનો સવાલ સાંભળી સ્વામીજીના મોંઢા પર રહેલું હાસ્ય જતું રહ્યું હતું અને આંખોમાં ક્રોધ આવી ગયો હતો.

“બિલ્ડર સુરેશ પ્રજાપતિ અને એમની પત્ની જ્યોતિ મારા ભક્ત છે.” સ્વામી ધર્માનંદે અકળાઈને જવાબ આપ્યો હતો.

સ્વામી ધર્માનંદના મોંઢા પર આવેલી અકળામણ કશુંક કહી રહી હતી. એ વાત હરમનને સમજાઈ ગઈ હતી. પરંતુ એ શું વાત છે એ હવે હરમને શોધવાનું હતું.

હરમન અને ઇન્સ્પેકટર પરમારે એકબીજા સામું જોયું અને હવે કોઈ પ્રશ્ન પૂછવાનો રહેતો નથી, એવો એકબીજાને ઈશારો કર્યો હતો.

“સારું સ્વામીજી, આપે આપેલા સહકાર બદલ આપનો ખુબ આભાર.” આટલું બોલી ઇન્સ્પેકટર પરમાર, હરમન અને જમાલ સાથે બહાર આવ્યા હતા.

બહાર આવી તેઓ ચાલતાં-ચાલતાં ગાડી પાસે જતા હતા ત્યારે ત્રણેયે એક અજાયબ દ્રશ્ય જોયું હતું. એ દ્રશ્ય જોઈને ઇન્સ્પેકટર પરમાર અને જમાલને કોઈ ખાસ નવાઈ લાગી નહિ પરંતુ હરમનનાં મગજમાં વિચારોનો ચક્રવ્યૂહ ચાલુ થયો.

“ઇન્સ્પેકટર પરમાર, આ દ્રશ્ય જોઈ તમને નવાઈ લાગી નહિ?” હરમને ઇન્સ્પેકટર પરમારને પૂછ્યું હતું.

“હરમન આમાં નવાઈ જેવું શું છે? તે નાનપણમાં સર્કસ જોયું નહિ હોય, એટલે તને નવાઈ લાગે છે. પરંતુ સર્કસમાં આવાં સાત ફૂટના લાકડાના સ્ટેન્ડ બનાવી એના ઉપર માણસ ઉભો રહે અને એની સાથે ચાલતો-ચાલતો એ સ્ટેજ ઉપર આવતો હોય અને એની જોડે જોકર અને સર્કસમાં કામ કરતાં ઠીંગુજીઓ આવે અને લોકોને હસાવે તેમજ ઉંચાઈ ઉપરથી ઝૂલા ઝૂલતી છોકરીઓ આ સ્ટેન્ડ ઉપર ઊભા રહી સ્ટેન્ડ સાથે ચાલતાં માણસના હાથને હાથ લગાડીને જાય. જેથી દર્શકોને મજા આવે. આ એક પ્રકારના લાકડાના ફૂટ હોય છે. જેના પર ઊભા રહી ચાલવાની પ્રેકટીસ સર્કસમાં કામ કરતાં કલાકારોને હોય છે. તું જે રીતે એના ફોટા લેતો હતો એનાથી મને તો ઠીક જમાલને પણ નવાઈ લાગી હતી.” ઇન્સ્પેકટર પરમારે હસતાં-હસતાં હરમનને કહ્યું હતું.

ઇન્સ્પેકટર પરમાર અને જમાલને સામાન્ય લગતી વાતમાં હરમનને ધીરજભાઈના ખૂનનો ઉકેલ મળશે એવું આશાનું કિરણ દેખાયું હતું.

“ઇન્સ્પેકટર પરમાર, મારે પ્રોફેસર રાકેશભાઈને કેટલાક સવાલો પૂછવા છે. તમારી હાજરી હશે તો એ સરળતાથી જવાબ આપશે.” હરમને ઇન્સ્પેકટર પરમાર સામે જોઈ કહ્યું હતું.

“હા, ચોક્કસ તો અત્યારે જ આપણે એમના ઘરે જઈએ. તારે જે સવાલો પૂછવા છે એ તું પૂછી લે.” આટલું બોલી ઇન્સ્પેકટર પરમારે જોરાવરને જીપ ધીરજભાઈની સોસાયટી તરફ લેવાનું કહ્યું હતું.

ક્રમશઃ

(વાચકમિત્રો, ભેદભરમ આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને હું વધારે સારી રીતે વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું.)

-  ૐ ગુરુ