ઠહેરાવના આગળના ભાગમાં, આપણે સાહિલ અને વીરાને મળ્યાં, સાહિલ અને વીરાએ સાથે સમય ગાળ્યો અને પછી વીરા, ફરી એક વાર સાહિલને મૂકીને જતી રહી. સાહિલનું વ્યથિત મન, એની માં સાથે વાત કર્યા પછી શાંત થયું. સાહિલ હવે વિરાની સાથે જીંદગી જીવવા માટે મક્કમ થઇ ચુક્યો છે. વિરા, ઠહેરાવ પરથી નીકળી પછી એની સાથે શું થયું એ જાણવા ચાલો વાંચીએ ઠહેરાવ - 4.
ઠહેરાવથી નીકળીને, ઘરે પહોંચી ગયેલ વીરાએ, ગાડી પાર્ક કરીને, સાહિલને મેસેજ કરી દીધો અને પછી જાણે કોઈ યુદ્ધ લડવાનું હોય એમ મનથી તૈયાર થઇ ગઈ. જ્યારે -જયારે એ સાહિલની પાસેથી પાછી ફરતી ત્યારે કાયમ એને સમય સાથે પોતે ખોટું કરી રહ્યાની લાગણી એટલા બમણાં જોશથી થઇ આવતી કે, એ ભૂલી જતી કે એને ખુશ રહેવાનો હક છે, પ્રેમ પામવાનો અધિકાર છે. માંડ સવાલોના ઝંઝાવાતને ખંખેરતી એ પોતાના લક્ઝુરિયસ ફ્લેટ પર પહોંચી. પોતાની પાસે રહેલ ચાવીથી ઘર ખોલીને એ અંદર આવી. બેડરૂમમાં પહોંચીને એણે જોયું તો બેડ પર રેડ પાર્ટી ડ્રેસ પડ્યો હતો, સાથે એયરીંગ અને નેકલેસ હતા. એની ધારણા સાચી હતી, આજે ફરી એક બિઝનેસ પાર્ટીમાં જવાનું હતું. પોતાના મોબીઇલ પર તેણે વોઇસ મેસેજ સાંભળ્યો.
સમય: 'વીરા, મને ખબર છે તું અપસેટ છે. આપણે આના વિશે ચોક્કસ વાત કરીશું, પણ હમણાં તું મહેરબાની કરીને રેડી થઈને મહેતા હાઉસમાં આવી જા. તારે કેવી રીતે આવવું એની બધી તૈયારી મેં કરી લીધી છે અને હા, તારા વાળ છુટ્ટા રાખજે.'
વીરાને મેસેજ સાંભળીને એમ લાગ્યું કે આખી પૃથ્વીનો ભાર એના ઉપર આવી ગયો છે અને એ દબાઈ જવાની છે. હા, આવુ જ લાગ્યું હતું વીરાને! મહેતા હાઉસ, જેમાં રહેતા હતા, તારા મહેતા, સમયના મમ્મી. વીરાનું તો પિયર પણ એ જ હતું અને સાસરું પણ. સમયના પપ્પા ગિરીશ મહેતાના જીગરજાન મિત્ર શિશિર જોશી અને રેખા જોશીની એક માત્ર પુત્રી એટલે વીરા, જે માત્ર છ વર્ષની ઉંમરથી મહેતા હાઉસમાં રહીને ઉછરી હતી. હવે તો વીરાને, પોતાના માં બાપ યાદ પણ નથી.
યાદ છે તો ગિરીશ પપ્પા. વીરા જે પણ કઈ છે એનો શ્રેય એણે હંમેશા ગિરીશ પપ્પાને આપ્યો છે. ગિરીશ પપ્પા ખુબ ખ્યાતનામ સિવિલ એન્જિનિયર હતા. વીરાના ડિઝાઈનર બનવાના સપના પાછળ ગિરીશ પપ્પા જ જવાબદાર હતા. તારા મહેતા એ પણ વીરાના ત્યાં રહેવામાં કોઈ સમસ્યા ન હતી પણ, તારા મહેતા માટે વીરા, એક રોકાણ હતું અને આજે પણ એક રોકાણ છે. ગિરીશ પપ્પાના ગયા પછી વીરા ખુબ એકલી પડી ગઈ હતી ત્યારે એ અને સમય વધારે નજીક આવ્યા, મિત્ર બન્યા. ક્યાંક ને ક્યાંક વીરા, પોતાન જીવનમાં ગિરીશ પપ્પાના ગયા પછીની જગ્યા ભરવા માટે, સમયની નજીક આવતી ગઈ. વીરાને હજી પણ યાદ છે , ખૂબ સારી રીતે યાદ છે એ દિવસ........
ધુળેટી હતી. ગિરીશ પપ્પા ખૂબ જિંદાદિલ અને મોજીલા માણસ હતા, ધુળેટીનો તહેવારની ઉજવણી હંમેશા એમના ઘરે જ થતી. એમના ગ્રૂપમાં રહેલા બધા બિલ્ડર, એન્જિનિયર, મિત્રો સગા સંબંધી બધા ધુલેટીના દિવસે મહેતા હાઉસ આવતા. વીરા અને સમયની ફાઇનલ વર્ષની પરીક્ષા, આગલા દીવસે જ પૂરી થઇ હતી. વીરા, ગિરીશ પપ્પાને રંગ લગાવવા એકદમ ઉત્સાહી હતી. વીરા ગિરીશ પપ્પા પાસે ગઈ. આજે ગિરીશ પપ્પા પણ એકદમ ખુશાલ મૂડમાં હતા. વીરા અને સમય વચ્ચે એમને ક્યારેય કોઈ ભેદ રાખ્યો ન હતો . વીરા રંગ નાખે એ પહેલા એમણે વીરાને પોતાની પાસે બોલાવી,એના કપાળ પર તિલક લગાડ્યું અને બોલ્યા, 'બેટા , હંમેશા ખુશ રહે જે. જે પણ કરે એ મનથી કરજે અને પછી જોજે સફળતા અને ખુશહાલી બંને તારા કદમ ચૂમશે. મનનું કરજે બેટા.'
ગિરિશ પપ્પા આટલું બોલ્યા, ત્યાં તો એમનો ડાબો હાથ અચાનક હાલવા લાગ્યો અને વીરાને કાંઈ પણ સમજાય એ પહેલા તો એ જમીન પર પડી ગયા. ગિરિશ પપ્પા રંગમાં વિલીન થઇ ગયા. વીરા, આખરી વ્યક્તિ હતી જેણે, ગિરીશ પપ્પાની સાથે વાત કરી હતી. સંજોગવશાત, સમય અને તારા બંને ગિરીશ ભાઈના અંતિમ સમયે એમની સાથે ન હતા. આ ઘટના પછી વીરા હલી ગઈ. અંદરથી તૂટી ગઈ. પોતાના સગા માં બાપના મૃત્યુનો ઘા સહી જનાર વીરા, ગિરીશ પપ્પાના મૃત્યથી તૂટી ગઈ. પોતાની જાતને એણે બધાથી દૂર કરી દીધી. પોતાને ઘરમાં બંધ કરી લીધી અને બરાબર એ જ વખતે સમય એની નજીક આવ્યો.
સમય અને વીરા બાળપણથી સાથે ઉછર્યા હોવાથી, લગભગ હમેશા સાથે જ રહેતા પણ છતાં એ વચ્ચે ક્યારેય પ્રેમ જેવી લાગણી ન હતી, હા બંને મિત્રો જરૂર હતા! ગિરીશ પપ્પાના મૃત્યુનો ધક્કો વીરાને સમય કરતાં વધારે લાગ્યો હતો અને આ વખતે એની દુનિયામાં સમય એકમાત્ર પુરુષ હતો. એક મહિનામાં, બંનેનું પરિણામ આવ્યું અને વીરા સમયથી પણ વધારે સારા ગુણોથી ઉત્તીણ થઇ.
તારા મોમ , જેમના માટે વીરા હંમેશાથી એક રોકાણ હતી, એમણે આ તકને રોકડી કરવાનું વિચાર્યું. સમયના મગજમાં ઉતારી દીધું કે વીરાને જીવન સંગીની બનાવવી એ સમય માટે શ્રેષ્ઠ નિર્ણય રહેશે. સમય જે વીરાને ચાહતો ન હતો, પણ પસંદ તો કરતો જ હતો, એને પણ આમાં કઈ વાંધો ન લાગ્યો. બંને , માં અને દીકરો, વીરાને પોતાની જાગીર સમજતા હતા, વીરાને પૂછવાનું પણ સમય અને તારા મોમને જરૂરી ના લાગ્યું. સમય, વીરા સાથે વધારે સમય ગાળવા લાગ્યો અને એને સ્પેશ્યલ ફીલ કરાવવા લાગ્યો. બંનેએ માસ્ટર્સ પણ સાથે જ કર્યું અને ત્યાં પણ સમયે બધા મિત્રોના મનમાં, પોતે અને વીરા ગળાડૂબ પ્રેમમાં છે એવી છબી બેસાડી દીધી. વીરાના બધા મિત્રો, જે હકીકતથી અજાણ હતા, એ બધા એવું માનવ લાગ્યા કે બંને એકબીજાના પ્રેમમાં છે, ખુદ વીરાને પણ એવું જ લાગવા માંડ્યું કે એ સમયને પ્રેમ કરી શકે છે.
વીરાની બાવીશમી વર્ષગાંઠ હતી અને યોગાના યોગ ગિરિશ પપ્પાના મૃત્યુને પણ એક વર્ષ થઇ ગયું હતું. માસ્ટર્સ પણ પૂરું થવામાં હતું. સમય અને વીરા પોતાની ફર્મ ખોલવા માંગતા હતા. ગિરીશ પપ્પાએ વર્ષોથી સમય અને વીરા બંનેની વર્ષગાંઠ ખૂબ ધામધૂમથી ઉજવી હતી. સાંજે પાર્ટીમાં બધાની વચ્ચે સમયે, વીરાને પ્રપોઝ કર્યું. વીરા આમ અચાનક આવેલ પ્રસ્તાવથી થોડી ઝંખવાઈ ગઈ.
પોતે સમયના પ્રેમમાં પડી શકે છે અને પોતે સમયના પ્રેમમાં છે, એ બે વાક્ય વચ્ચે જેટલું અંતર છે એટલું જ અંતર વીરાની સમય પ્રત્યેની લાગણીઓમાં પણ હતું. એ કઈ બોલે એ પહેલા, તારા મોમ વીરાની પાસે આવ્યા અને કહ્યું કે ગિરિશ પણ તને આ ઘરની, અમારી વહુ બનાવવા માંગતા હતા. ગિરીશ માટે, હમેશા તું જ સમયની પત્ની રહી છે, અને આમ બોલતા એમને સમયને અને વીરાને ગળે લગાડી દીધા અને સમયે પોતાના હાથમાં રહેલ બે કેરેટ હીરાની વીંટી વીરાને પહેરાવી દીધી. વીરા એ દીવસથી આજ સુધી તે વીંટીના ભાર નીચે દબાતી, મરતી જીવતી રહી. અનાયાસે, એનો હાથ, પોતાના ડાબા હાથની રિંગ ફિંગરમાં પહેરેલ વીંટી પર ગયો અને વીરાએ એ વીંટી ઉતારીને ઘા કરી દીધી. વીરાને, પોતાના આ કૃત્ય પર હસવું આવ્યું, કારણકે આટલા વર્ષના લગ્ન જીવનમાં તે કેટલી વાર આવુ કરી ચુકી છે એનો અંદાજો એને પોતને પણ નથી. કાશ, કાશ, જિંદગીમાં પણ આવું થઇ શકતું હોત, "ના ગમતું ફેંકી દેવું આટલું સરળ હોત!"
✍️CA આનલ ગોસ્વામી વર્મા
વધુ આવતા અંકે....
ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.