ઠહેરાવ - 1 CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠહેરાવ - 1

સમય: તારી સાથે વાત કરવી બેકાર છે. હું જાઉં છુ.

વીરા: હું તો કહું જ છું કે આમ મરી- મરીને જીવવા કરતાં, છૂટા પડી જવું સારું. કેટલા વર્ષ આમ ને આમ બરબાદ કરીશું આપણે! જીંદગી જીવવા માટે છે, ના કે આમ બરબાદ કરી દેવા માટે. છુટી કર મને આ બંધનમાંથી અને તું પણ છૂટો થા.

સમય: હા, મને ખબર છે તું તો એમ જ કહીશ ને. તારે તો આમેય મારી સાથે ક્યાં રહેવું છે. તું તો બધું ખતમ જ કરી દેવા માંગે છે.

વીરા: હા, મને પણ થાય છે કે તું, મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. ખબર નહિ શું થઇ ગયું હતું મને કે મેં તારી સાથે લગ્ન કર્યા? મારી જીંદગી બરબાદ થઈ ગઈ. મને તો એ પણ નથી સમજાતું કે તારી સાથે વાત કરીને હું મારો સમય શું કામ બરબાદ કરું છું. I just need a break, infact, I need to break, what is already broken.

વીરા પોતાની જીપની ચાવી લઈને પગ પછાડતી ઘરની બહાર નીકળી ગઈ. સાઈઠની ઝડપે ગાડી હંકારતી એ ઘરથી દૂર નીકળી ગઈ, સમયથી દૂર તો ક્યારનીય થઈ ગઈ હતી! પોતાના માનીતા કેફે પર પહોંચીને, એના માટે હમેંશા રિઝર્વ રહેતી જગ્યા પર બેઠી. બેસ્યા પછી એને નોટિસ કર્યું કે પોતે ઘરના ટ્રેક અને ટી- શર્ટમાં જ આવી ગઈ હતી. રેડ ટી-શર્ટ અને સફેદ ટ્રેકમાં સજ્જ વીરા, ત્રીસની ઉંમરે પણ માંડ પચ્ચીસની લાગતી હતી. વીરામાં કંઈક એવું હતું કે એક વાર એના પર નજર પડે પછી ખસતી જ નહીં. એની વાચાળ આંખો, કંઈક કહેવા તત્પર હોઠ, સુંદર બાંધો, રેશમી વાળ અને આ બધાંને ચાર ચાંદ લગાડતું સ્મિત. એવું સ્મિત જે ભલભલા રોતડા માણસના હોઠ પર પણ એક વાર તો સ્મિત લાવી જ દે. વીરાની બીજી ખૂબી હતી એનો અવાજ. કંઈક સત્તાવાહી પણ મીઠો, પોતાની વાતને મનાવી જાણતો, એના અસ્તિત્વની એક અમીપ છાંટ છોડી જતો. લાગણીઓને ખૂબ સુંદર રીતે વ્યક્ત કરી શકનાર વીરા એક ખૂબ સફળ ઇન્ટરીઅર ડિઝાઈનર હતી. આ કેફેનું ઇન્ટરીઅર પણ એને જ કર્યું હતું. ઠહેરાવ, એ શહેરનું સૌથી જાણીતું અને મોંઘુ કાફે હતું. આ નામ ઠેહરાવ, એ પણ એણે જ આપેલું હતું ને! આરામ ખુરશી પર કોફી સિપ કરતી, વીરાની આંખો બંધ હતી પણ વિચારો થકી એ ત્યાં પહોંચી ગઈ હતી જ્યાં એના અને સમયના લગ્ન થયાં હતા. સમય સાથેના લગ્નને આજે સાત વર્ષ થઈ ગયાં. અમદાવાદની IID જેવી ખ્યાતનામ સ્કૂલમાં બંને જોડે ભણ્યા હતા. ત્રણ વર્ષના એ સમયગાળામાં બંને એકબીજાનો પર્યાય બની ગયા હતા. આજે બંને શહેરનાં ડિઝાઈનર કપલ તરીકે ઓળખાતા હતા.એક સમયે, સમયની પત્ની તરીકે પોતાને નસીબદાર માનનાર વીરા આજે પોતાને સૌથી બદનસીબ માનતી હતી.......વીરાએ પોતાની આંખો બંધ કરી દીધી, જાણે એમ કરવાથી વિચારો પર બ્રેક વાગી જતી હોય, જીવનને ઠહેરાવ મળી જતો હોય.

ચાર પાંચ વાર કોલનો જવાબ ન મળતા, સાહિલ વીરાને શોધતો ઠહેરાવ પર આવી ગયો. વીરાની ગાડી , જે રીતે પાર્ક કરેલી હતી એ જોઈને, એનો અંદાજો આવી ગયો કે વીરાનો સમય સાથે ઝઘડો થયો હશે. વીરા જ્યારે ગુસ્સામાં હોય ત્યારે ફોન ઉપાડતી નહીં અને ઠહેરાવ પર આવીને બેસી જતી. સાહિલ વીરાની નજીક પહોંચ્યો, એને જોઈ રહ્યો. આમ હાથવેંતમાં પકડી લેવાય એટલી નજદીક લાગતી વીરા, શું ખરેખર એટલી નજીક હતી? બંધ આંખો, બીડાયેલા હોઠ અને એકબીજામાં ગૂંથાયેલા હાથ જોઈને સાહિલને વીરાની મનોસ્થિતિ સમજતા વાર ના લાગી. સાહિલે વીરાની પાસે જઈને, એની બંધ આંખો પર એક ચુંબન કર્યું. વિરાના હોઠ પર એક સંતોષ ભરેલું સ્મિત આવી ગયું. સાહિલ, સાહિલ મહેરા, ઠહેરાવ કાફેનો માલિક અને શહેરનો સફળ ઉદ્યોગપતી પણ એથીય વિશેષ વીરાને દિલ ફાડીને ચાહનાર પ્રેમી. સાહિલની જીંદગી, વીરાથી શરૂ થતી અને વીરા પર જ ખતમ. એક પરફેક્ટ પુરુષ, એવો પુરુષ જેની માનુની બનવાનું સ્વપ્ન દરેક સ્ત્રી જુવે. સાહિલ, મન મૂકીને વીરાને ચાહતો હતો તો વીરા એ ચાહતને ચાહતી હતી. સાહિલ વીરાને ઉચકી, ઠહેરાવમાં આવેલ પોતાના રૂમમાં લઇ ગયો. ઠહેરાવનો આ રૂમ સાહિલ અને વીરાનું બીજું ઘર હતું. સાહિલ અને વીરા આ રૂમમાં આવતાં જ જાણે કોઈ બીજી દુનિયામાં આવી જતાં. દરેક સમસ્યાનું સમાધાન હોય જ છે એમ સાહિલ અને વીરા એક એકબીજાના અસ્તિત્વનું ઠેકાણું હતા. દરેક સમસ્યા, દરેક પરેશાની અને દરેક કોયડાનો ઉકેલ બંનેને એક બીજાના સહેવાસમાં મળતો, જેને શક્ય બનાવતો ઠહેરાવનો આ સ્ટુડિયો. કૅફેના ટોપ ફ્લોર પર આવેલો આ સ્ટુડિયો એપાર્ટમેન્ટ એક ફાઈવ સ્ટાર હોટેલથી જરાય ઉતરતો ન હતો. ખૂબ સુંદર ટેરેસ ગાર્ડન અને સ્ટુડિયો કિચન ધરાવતો આ સ્ટુડિયો એપાર્ટમેન્ટ વીરા અને સાહિલ માટે એમની સ્વપન નગરી હતી. સાહિલ વીરાને, ટેરેસ ગાર્ડનમાં જ લઇ ગયો. જેવી સાહિલે વિરાને નીચે ઉતારી, વીરા વેલની જેમ સાહિલને વીંટળાઈ પડી. સાહિલે વટ વૃક્ષની જેમ વીરાને પોતાનામાં સમાવી લીધી.

ચુંબનથી શરૂ થયેલ સફર પૂરી થઈ ત્યારે વીરા, સાહિલની બાહોમાં હતી. હંમેશા સાહિલ સાથેના સહવાસમાં વીરા અને સાહિલ બંનેને અનેરો આનંદ આવતો. વાત મનના મિલનની હતી જેનું માધ્યમ શરીર બનતું. વીરા અને સાહિલ જ્યારે સાથે હોય ત્યારે બધું જ ખૂબ સુંદર થઇ જતું. વીરા ધીરેથી સાહિલના બહુપાશમાંથી નીકળી, ક્ષણભર માટે મન ભરીને સાહિલને જોઈ રહી. સાહિલના મજબૂત ખભા વીરા માટે આખું બ્રહ્માંડ હતા. મજબૂત શારીરિક બાંધો ધરાવતા સહિલનો ચહેરો બાળક જેટલો જ કોમળ હતો. વીરાએ ઘીરેથી સાહિલને કપાળ પર ચુંબન કર્યું પછી એના ઓવારણાં લઈને હળવેકથી ઉભી થઈ. ફ્રીઝમાંથી પાણીની બોટલ લઈને, ટેરેસ ગાર્ડનમાં ગઈ. આખી બોટલ પાણી પીને થોડી વાર ત્યાંજ ઉભી રહી. આંખો બંધ કરીને, ઊંડો શ્વાસ લઈને એણે આંખો ખોલી અને અનાયાસે એનું સોશ્યિલ મીડિયા એકાઉન્ટ ખુલી ગયું જેમાં એના સમય સાથેના ફોટા હતા. દસેક ફોટો જોયા પછી એને ફરી એક વાર એ જ લાગણી થઈ જે હંમેશા સાહિલ સાથે સમય ગાળ્યા પછી થતી. દોષની લાગણી. સમય સાથે ખોટું કર્યાની લાગણી. પોતાના માટે ધૃણાની લાગણી. એ દોડીને ત્યાંથી બહાર નીકળી ગઈ. લિફ્ટના અવાજથી સાહિલની આંખ ખુલી ગઈ અને બાજુમાં વીરાને ન જોતાં એને સમજાઈ ગયું કે વીરા જઇ ચૂકી છે, એક વાર ફરી એ જઈ ચુકી છે. આવું દરેક વખત થતું. સાહિલને દરેક વખત ડંખતું, પણ વિધિની વિવશતા એ હતી કે, સાહિલ વીરા વગર રહી શકતો ન હતો અને વીરા સમયને છોડી શક્તી ન હતી. સાહિલની આંખોમાં આંસુ આવી ગયા. છેલ્લા પાંચ વર્ષથી, સાહિલ અને વીરા, એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. સાહિલ કુંવારો હતો અને કેટલીવાર એ વીરાને કહી ચુક્યો હતો પોતાની સાથે પરણવા માટે પણ વીરા સમયને છોડી શકતી ન હતી. કંઈક કેટલી વાર એની સાથે આવું થઈ ચૂક્યું હતું. હું જ કેમ, મારી સાથે જ કેમ, સાહિલ એસી રૂમમાં પણ પરસેવામાં તડફડી રહ્યો. પોતાના પૈસા, રુતબો બધું જ એને નિરર્થક લાગ્યું. જાણે વાસ્તવિકતાથી ભાગતો હોય એમ એણે આંખો બંધ કરી દીધી. બંધ આંખો સામે પણ, વીરાનો જ ચહેરો આવી ગયો. સાહિલની આંખોમાંથી ખરેલા આંસૂ ઓશિકાને ભીંજવી ગયા..........

✍️©Ca આનલ ગોસ્વામી વર્મા

‌‌‌‌વધુ આવતા ‌અંકમાં.


ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.