ઠહેરાવ - 3 CA Aanal Goswami Varma દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠહેરાવ - 3

સાહિલ વીરા સાથે થયેલ પ્રથમ મુલાકાત વાગોળતો હોય છે અને વીરાના આમ પોતાને છોડીને જવા પર દુઃખી હોય છે ત્યારે, માં સાથે થયેલ વાત એને કેવી રીતે શાંતિ આપશે જે જોવા ચાલો વાંચીયે ઠહેરાવ- 3.

ફોનની રીંગ વાગતા સાહિલનું ધ્યાન તૂટ્યું. સ્ક્રીન પર "માં"નું નામ વાંચતા જ એણે ફોન ઉપાડીને કહ્યું 'જય શ્રી કૃષ્ણ, મમ્મી'.

સાહિલના મમ્મી, મેઘા, ગુજરાતી છે અને પપ્પા, વિશાલ, પંજાબી. માં બાપ અને સંતાનનો નહિ પણ ત્રણેય મિત્રો હોય એટલો પારદર્શી સંબંધ છે મહેરા પરિવારનો. મેધા અને વિશાલને, સાહિલ અને વીરા વિશે, રજેરજની માહિતી હતી, . સાહિલ પણ પોતાના પેરેન્ટ્સને બધું જ, કોઈ પણ ફિલ્ટર વગર, જેમ છે એમ કહેતો, એમની સલાહ લેતો, અને એમના વિચાર જાણી શકતો. સાહિલના અવાજ પરથી મેઘાને કંઈક અજુગતું લાગ્યું તેથી સીધેસીધુ પૂછી નાખ્યું કે 'સાહિલ બેટા, શું વીરા સાથે ઝગડો થયો?'

સાહિલ: 'ઝગડો? માં, હું તો મરી રહ્યો છું, તડપી રહ્યો છું કે ક્યારે વીરા મારી સાથે લડે, ઝગડે, પણ એ બધું તો ત્યારે જ શક્ય થાય ને, જયારે એ મને પોતાનો માને? એનું મન મને ચાહે છે, એ મારી સાથે સમય વિતાવે છે પણ મારા પર હક નથી કરતી. હું ઈચ્છું છું કે અમે એકબીજાને આધીન થઈને રહીએ પણ મારો એના પર કોઈ અધિકાર નથી. એની તકલીફો પર પણ મારો અધિકાર નથી. વીરા મને પોતાનો માને તો મારી સાથે ઝગડો કરે ને? માં, હું શું કરું? મને નથી સમજાતું. જયારે જયારે એ મને છોડીને જાય છે ત્યારે દરેક વખત એમ લાગે છે કે, મારામાં કંઈક મરી ગયું, અંદરથી ટુકડા ટુકડા થઇ જઉ છું.'

સાહિલને એક ડૂસકું આવી ગયું.

મેધા: સાહિલ, બેટા, સૌથી પહેલાં તો તારે શાંત થવાની જરૂર છે. હું, વીરાને તો નથી જાણતી પણ તારા થકી એને ઘણી વાર મળી ચુકી છું. હું એક સ્ત્રી તરીકે એને સમજી શકું છું. હા, હું પણ ખુશ થઈશ, તારા માટે, એના માટે, જયારે તમે સાથે હશો, પણ કંઈક તો કારણ હશે ને કે એ આમ જીવી રહી છે. તને શું લાગે છે, એના માટે સહેલી છે આમ બેધારી જીંદગી જીવવી? સ્ત્રી, જે આટલી સફળ છે, સવેંદનશીલ છે, એના મનમાં કંઈક તો એવું ચાલતું હશે ને, કે એ કોઈ એકને, નહિ ચૂંટી શકતી હોય.'

મેધા: બેટા, એક સ્ત્રી જયારે પોતાની ઈચ્છાથી કોઈ પુરુષને પોતાનું મન આપે, પોતાનું શરીર આપે, ત્યારે એ પણ એ પુરુષ પર પોતાનો હક ઇચ્છતી હોય છે, જે તું એને આપવા માટે તત્પર છે તો પછી કંઈક કારણ તો હશે ને, જે વીરાને રોકી રહ્યું છે. સાહિલ, બેટા તું થોડી ધીરજ રાખ. હું પ્રેમનું મૂલ્ય સમજુ છું એટલે તને એમ નહીં કહું કે, તું કોઈ બીજાને પરણી જા, કારણકે હું જાણું છું કે, તું વીરા સિવાય કોઈ બીજા સાથે ખુશ નહિ રહી શકે, તો પછી જે નિર્ણય લીધો છે એમાં વિશ્વાસ રાખ. તારા પ્રેમ પર ભરોસો રાખ. તારો પ્રેમ સાચો છે એટલે તને એ મળશે, ચોક્કસ મળશે.'

સાહિલ: 'માં, હા, તું સાચુ કહે છે. મને ખબર છે વીરા મને ખૂબ ચાહે છે. ચોક્કસ કોઈક કારણ હશે જેના કારણે એ મારી સાથે રહેવા માંગતી હોવા છતાં, અટકે છે. એ નબળી નથી એટલે મને ખબર છે કે કોઈ એને મજબૂર કરી શકે એમ નથી. હું જયારે પણ એને પૂછું છું, ત્યારે દરેક વખતે એ એનો જવાબ આંસુથી આપે છે, પણ હવે હું એને મનાવીને જ રહીશ. હક છે મને ખુશ રહેવાનો, હક છે અમને સાથે રહેવાનો અને હવે હું અમને બંનેને ખુશ કરીને જ રહીશ. તારી સાથે વાત કર્યા પછી ખૂબ સારું લાગ્યું માં.

મેધા: 'સાહિલ, તો બેસી શું રહ્યો હતો ડોબાની જેમ? તું દુઃખી હતો તો મને ફોન કરી ના શક્યો? આટલી પરાયી માની લીધી મને? આ તો મારુ માં નું મન બોલી ઉઠ્યું કે, મેઘા, જા, ફોન કર તારા પુત્રને, એને તારી જરૂર છે અને મેં ફોન કર્યો.'

સાહિલ: 'જા ને મારી, મેલોડ્રામા માં.'

મેધા: 'હવે શાંતિથી સમય કાઢીને, વીરા સાથે વાત કર એને એક વાર આપણા ઘરે લઇ આવ, ગુરુજીને મળી લો તમે બંને . સાથે-સાથે અમે પણ મળી લઈશું તારી વીરાને!'

સાહિલ: 'હા, સમય ને જ તો કાઢવો છે.....' પછી હસીને બોલ્યો, 'ચાલ માં , મળીએ જલ્દી.'

માં, સાથે વાત કરીને, સાહિલને ખૂબ સારું લાગ્યું. ખુશ માણસ, હંમેશા પોતાના મનપસંદ સમયને વાગોળે જેમાં સાહિલ પણ બાકાત ન હતો. સાહિલને વીરા સાથે થયેલ એ મુલાકાત યાદ આવી ગઈ જયારે બન્નેને સમજાઈ ગયુ હતું કે તેઓ એકબીજા માટે બન્યા છે. સાહિલ અને વીરા લગભગ સરખી ઉંમરના હતા. સાહિલની પરણવાની ઉંમર તો ક્યારનીય થઈ ગઈ હતી અને આજે ય એને પરણવા છોકરીઓની લાઈન લાગી હતી પણ એણે તો ત્યારે જ પરણવું હતું જ્યારે પ્રેમ થાય. પ્રેમ થયો તો ખરો પણ એની જોડે જે પહેલેથી જ કોઈ બીજાની હતી. હા, સાહિલ જાણતો હતો કે એ વીરાને પ્રેમ કરવા લાગ્યો છે, પણ એને પોતાની સીમાની જાણ હતી. રમુજી સ્વભાવનો હોવાથી એ મજાક તો કરી જાણતો પણ ખૂબ સ્વાભાવિક લાગતું, દેખાતું સત્ય કદાચ એના મોઢેથી ક્યારેય ન નીકળ્યું હોત જો, એ રાતે.....આજે પણ સાહિલના રોમટા ઉભા થઇ જાય છે એ રાતની યાદ આવતાં. લાખો વાર એણે ભગવાનનો આભાર માન્યો છે કે અધૂરી તો અધૂરી, અમુક ક્ષણો માટે પણ, એની પ્રેમ કહાની તો બની. તમેં જેને પ્રેમ કરો છો એ તમને પણ પ્રેમ કરે, એનાથી વધારે ભવ્ય કશું જ નથી. એ ક્ષણે વીરા એની થઈ હતી, અને એ વીરાનો! કદાચ એ ક્ષણ માટે જ ભગવાને વીરા અને સાહિલને આ દુનિયામાં મોકલ્યા હતા! સાહિલે હવે નિર્ણય કરી લીધો છે કે, એ પોતાની અધૂરી પ્રેમ કહાનીને અંજામ સુધી પહોંચાડીને જ રહેશે.

સાહિલને એ મુલાકાત યાદ આવતાં જ વિચાર આવ્યો કે, એણે છેલ્લા કેટલા વખતથી વીરાને કેક્ટ્સ નથી મોકલ્યા. મામી ફ્લોરિસ્ટમાં ફોન કરીને એણે લેટેસ્ટ આવેલ કેક્ટ્સની ઇમેજ વોટ્સએપ કરવાનું કીધું. ફોન મૂક્યા પછી વિચારવા લાગ્યો કે, ખરી છે ને મારી વીરા! છોકરીઓને ફૂલ ગમે જયારે મારી વીરાને ગમે કેક્ટ્સ...... કેટલી સુંદર અને છત્તા કેટલી સરળ! જેટલી સંવેદનશીલ એટલી જ બુદ્ધિશાળી ! મારી વીરા.........

✍️©CA આનલ ગોસ્વામી વર્મા

વધુ આવતા અંકે....

ખાસ નોંધ: ધારાવાહિકમાં આવતાં પાત્રો, સ્થળ અને બનાવ કાલ્પનિક હોવાની સાથે લેખકના સ્વરચિત છે.