મોજીસ્તાન (100)
વ્હાલા વાચકમિત્રો,
આજે ઉપરનું આ હેડિંગ લખતા મારા મનમાં આનંદની એક ઊર્મિ ઉઠી રહી છે.કોઈ સાધારણ લેખક 100 પ્રકરણની (દરેક પ્રકરણ 2000થી વધુ શબ્દોનું હો ) નવલકથા લખી શકે ખરો ? હા, ચોક્કસ લખી શકે જો એ લેખકને માતૃભારતી જેવું પ્લેટફોર્મ અને આપ સૌ જેવા વાચકો મળે તો !
ફરી આપ સૌનો આભાર માનીને
મોજીસ્તાનની આ સફર આગળ ધપાવીએ !
*
નગીનદાસના ઘેર ઉઠેલુ તોફાન શાંત થયું હતું.હજી અમદાવાદથી મહેમાનો આવવાના હતા.નીનાએ ઘડિયાળમાં જોયું, સવારના નવ જ વાગ્યા હતા.હવે મોટું રસોડું તો કરવાનું નહોતું.મહેમાન તો માત્ર દસેક જણ જ આવી રહ્યા હતા એટલે એ લોકોને પોતાના ઘેર રાંધીને જમાડી શકાશે એમ સમજી બંને મા દીકરીએ રસોઈ બનાવવાની શરૂઆત કરી.આજે વેવાઈ સાથે વિરલ બાબતે બધી ચોખવટ કરી લેવાનું નક્કી કરી નગીનદાસ બજારે જઈ શાકભાજી અને મીઠાઈ લઈ આવ્યો.
અગિયાર વાગ્યે ઈનોવા ગાડી નગીનદાસની ખડકી આગળ ઉભી રહી.હબો તરત જ દુકાનમાંથી બહાર આવીને ગાડી તરફ આગળ વધ્યો.
"આવો આવો વેવાઈ, જમી કરીને સોડા પીવા અને પાન ખાવા આવવાનું છે હો.હું આજ દુકાન બંધ કરવાનો નથી." હબાએ વેવાઈને આવકારતા કહ્યું.
"અરે ભાઈ,તમારો પ્રેમ જોઈ ખૂબ આનંદ થાય છે.તમારી સોડા અને પાન જરૂર ખાઈશું." મહેમાન પણ ખુશ થઈ ગયા.
નગીનદાસ તરત બારણે દોડી આવ્યો. નગીનદાસનો સાળો રસિક પણ એની પત્ની સાથે આવ્યો હતો.વિરલ સાથે એક અજાણ્યો યુવક આવેલો જોઈ નગીનદાસ વિચારમાં પડ્યો.પણ પછી એની ઓળખાણ થઈ જશે એમ વિચારીને મહેમાનોને ઘરમાં લઈ ગયો. ઓસરીમાં જ ખુરશીઓ ઢાળીને બેઠક વ્યવસ્થા કરવામાં આવી હતી.
રસોડામાંથી નીનાએ મહેમાનોને આવતા જોયા.એ ટોળામાં પેલો યુવક એની નજરે ચડ્યો કે તરત એના અંગે અંગમાં આનંદની લહેર ઉઠી.એના હાથમાં રહેલી દૂધની તપેલી છટકીને નીચે પડી.પણ એની પરવા કર્યા વગર એ પાગલની માફક રસોડામાંથી બહાર દોડી.
ઓસરીમાં મહેમાનો હજી બેઠક લઈ રહ્યા હતા.પેલો યુવાન ફળિયામાં ઉભો હતો.એણે નીનાને જોઈ કે તરત એ કૂદીને ઓસરીનું પગથિયું ચડ્યો. ઓસરીમાં રસોડા તરફથી દોડી આવતી નીના અને ફળિયામાંથી નીના તરફ દોડેલો પેલો યુવાન એક ફૂટના અંતરે સામસામે આવીને સજ્જડ ઉભા રહી ગયા.બંનેની આંખમાંથી અપાર સ્નેહ વરસી રહ્યો હતો. બંને એકબીજાને ભેટી પડવા ઉતાવળા થઈ રહ્યા હતા.પણ વડીલોની હાજરીને કારણે પગમાં બ્રેક લાગી ગઈ હતી.પણ નજરથી બંને એકબીજાને પી રહ્યાં હતાં. આંખોમાં ખુશીના આંસુ,હોઠ પર સ્નેહથી છલકતું સ્મિત અને પરસ્પરના પ્રેમથી ઉભરાતા દિલો ધડકવું પણ ભૂલી રહ્યા હતા.
નગીનદાસ સ્તબ્ધ થઈને આ નવો ખેલ જોઈ રહ્યો હતો.એની સમાજમાં નીનાનું આ વર્તન આવી રહ્યું નહોતું.
મિનિટો સુધી અપલક નેત્રે એકમેકને તાકીને પરસ્પરના સ્નેહમાં પલળીને નિતરી રહેલા એ બંને પાસે આવીને વિરલે એક હાથ એ યુવાનના ખભે મુક્યો.એ સાથે જ એ યુવાન કોઈ અજાણી દુનિયામાંથી વાસ્તવમાં આવીને વિરલ તરફ ફર્યો.નયના પણ નીના પાછળ દોડી આવી હતી.એણે નીનાનો હાથ પકડીને પોતાની તરફ ફેરવીને પૂછ્યું,
"આ જ જીગર છે ને બેટા ?"
નીના એની માને ભેટી પડી. "હા મા આ જ મારો જીગર છે.પછી જીગર તરફ જોઈને એણે ચીસ પાડી, "જીગર..તું..? તું કેવી રીતે..
તું સાજો થઈ ગયો ? ઓહ જીગર તું આવી રીતે સરપ્રાઈઝ આપીશ એવી તો મને કલ્પના પણ નહોતી. ઓ..જીગર...મારા જીગર..મા હું આ જીગર માટે જ.." આગળ એ બોલી ન શકી.એના હૈયામાં એક તોફાન ઉઠ્યું હતું એને કેમેય કરીને એ કાબુમાં કરી શકતી નહોતી.
"એ બધું જ કહું છું.તું શાંત થા.મેં તને સરપ્રાઇઝ આપી છે પણ વિરલે તને બહુ મોટી પ્રાઇઝ આપી છે.વિરલને તું જે સમજતી હતી એવો એ બિલકુલ નથી. એ ખરેખર વિરલ વ્યક્તિત્વનો સ્વામી અને મારો ખાસ જીગરી છે." કહી જીગર, વિરલ તરફ ફરીને એને ભેટી પડતા બોલ્યો, " થેન્ક્સ દોસ્ત, દોસ્ત હો તો તારા જેવો."
"દોસ્ત કહે છે ને પાછો થેકન્સ કહે છે ? સાલ્લા દોસ્તીમાં થેન્ક્સ જેવું કંઈ ન હોય એ ખબર નથી ?" કહી વિરલે જીગરને ધબ્બો માર્યો.
ઓસરીમાં રચાયેલા એ દ્રશ્યને ખુરશીમાં બેસીને અત્યાર સુધી જોઈ રહેલા મહેમાનોએ તાળીઓ પાડીને હાસ્ય વેર્યું.
બિચારા નગીનદાસને હજી કંઈ સમજાતું નહોતું.એનું મોં ખુલ્લું જ રહી ગયું હતું.એ જોઈ એનો સાળો રસિક હસી પડ્યો.
"બનેવીલાલ, મોંઢું બંધ કરો હવે. હું તમને બધું સમજાવું છું."
નગીનદાસે મોં બંધ કરીને રસિક અને વેવાઈ સામે જોયું.એ જ વખતે ખડકી આગળ બીજી કાર આવીને ઉભી રહી.
રસિક ઉભો થઈને એ કારમાંથી ઉતરેલા પુરુષ અને સ્ત્રીને અંદર દોરી લાવ્યો.
"આવો આવો, આ અમારા બનેવીલાલ શ્રી નગીનદાસ સોલંકી છે.જે હવે લંબઘન મટીને આપના સમઘન બની ગયા છે પણ અત્યારે એમની હાલત ચતુષ્કોણ જેવી છે. એમને બિચારાને હજી કંઈ ખબર નથી''
રસીકે ઓસરીમાં આવીને કહ્યું ત્યારે એ મહેમાન અને ઓસરીમાં બેઠેલા વેવાઈ કાંતિલાલ પણ ખખડી પડ્યા. નગીનદાસને એક પછી એક ઉપજતા આ અચરજ નવાઈ પમાડતા હતા.એની સમાજમાં કંઈ આવતું નહોતું.પેલા નવા આવેલા મહેમાને નગીનદાસ તરફ હાથ લંબાવ્યો.
એ હાથની આંગળીઓમાં રહેલી કિંમતી વીંટીઓ જોઈ નગીનદાસ ઉભો થઈ ગયો. સૂટબુટમાં સજ્જ એ વ્યક્તિ એકદમ ધનાઢય લાગી રહ્યો હતો.ઉભા થયેલા નગીનદાસને એ ભેટી પડ્યા. એમની સાથે આવેલી એમની પત્નીને રસિકની પત્ની ઘરની અંદર લઈ ગઈ.નયનાની હાલત નગીનદાસ કરતા સારી હતી.એ સમજી ગઈ હતી કે નવા આવેલા મહેમાનો બીજા કોઈ નહિ પણ જીગરના મમ્મી પપ્પા હતા !
"હવે મને કોઈ સમજાવશો કે આ બધું શું છે ? અલ્યા રસિક તું ગતકડાં મુકવાનું બંધ કર ને સરખી વાત તો કર, નકર મને હમણે હાર્ટ એટેક આવી જાશે ભલામાણસ!" નગીનદાસે કહ્યું.
" હા બનેવીલાલ, કહું છું અને બધું જ સમજાવું છું.વિરલ અને તમારા વેવાઈ કાંતિલાલને તો તમે ઓળખો જ છો પણ હવે એ તમારા વેવાઈ રહેવાના નથી. તમારા વેવાઈ આ શરદભાઈ છે.અને આ એમનો દીકરો જીગર છે.નીના અને જીગર એકબીજાને પસંદ કરતાં હતાં.પણ એક અકસ્માતને કારણે જીગર કોમામાં જતો રહેલો.એટલે શરદભાઈએ નીનાને વિરલ સાથે સગાઈ કરવા સમજાવી.વિરલ અને જીગર એકબીજાના જીગરી દોસ્તો છે એમ જ શરદભાઈ અને કાંતિલાલ પણ એકબીજાના ખાસ દોસ્તો છે.વેવિશાળ થઈ ગયુ પછી જીગરની તબિયતમાં સુધારો આવવા લાગ્યો.વિરલ નહોતો ઈચ્છતો કે નીના એની નજીક આવે, એને વિશ્વાસ હતો કે જીગર જરૂર ને જરૂર કોમામાંથી બહાર આવશે.એટલે એણે પોતે કોઈ બીજી છોકરીના પ્રેમમાં હોવાનું નાટક કર્યું.આજકાલના છોકરા પણ બહુ ભેજાબાજ હોય છે.જે છોકરી સાથે એણે પ્રેમનું નાટક કરીને નીનાના દિલમાં પોતાની માટે નફરત વાવી એ છોકરી પાછી બીજી કોઈ નહિ પણ મારી શ્રુતિ હતી.મારા બેટા નાટક કરતા કરતા સચોસાચ પ્રેમ કરવા લાગ્યા.
નીનાએ જોયું કે વિરલ કોઈ બીજી છોકરી સાથે ફોનમાં અને ચેટિંગમાં પડેલો છે એટલે એનો મગજ છટક્યો.વિરલ સાથે સગાઈ તોડી નાખવા એણે તમને કહ્યું પણ તમે એની વાત કાને ધરી નહિ.
વાત વધુ બગડે એ પહેલાં જીગર સાજો થઈ ગયો.નીનાને એ વાતનો ખ્યાલ નહોતો એટલે વિરલે આવુ સરોરાઈઝ આપવાનું ગોઠવ્યું એટલે અમે તમને તમારા ઘેર આવવાનું કહેવડાવ્યું.જીગરને પણ ખબર નહોતી કે એને અમે ક્યાં લઈ જઈ રહ્યા છીએ.અમે સૌ વડીલોએ બધું જ નક્કી કરી લીધું હતું. શરદભાઈ તો નીનાને પોતાની સગી દીકરી જ સમજે છે. વિરલની સગાઈ હવે શ્રુતી સાથે કરવાની છે.એટલે કાંતિલાલ મારા અને શરદભાઈ તમારા વેવાઈ બનવાના છે."
રસીકે એની વાત પૂરી કરી. કાંતિલાલ અને શરદભાઈ નગીનદાસ તરફ જોઈને મંદ મંદ સ્મિત વેરી રહ્યાં હતાં.નગીનદાસ આ વાત સાંભળીને ખુશ થઈ ગયો હતો.
"કાંતિલાલ અને શરદભાઈ, હું આપનો કેવી રીતે આભાર પ્રગટ કરું એ મને નથી સમજાતું.આપ જેવા મોટા માણસોની આ મોટાઈ જોઈ મારી ખુશીનો કોઈ પાર નથી.મારી નીનાની તમે જિંદગી બચાવી લીધી." નગીનદાસે કહ્યું ત્યારે આંખોમાં આંસુ હતાં.
શરદભાઈએ ઉભા થઈને તરત નગીનદાસના ખભે હાથ મુક્યો.
"નગીનદાસજી, તમે એવું કંઈ ન વિચારો. આભાર તો અમારે તમારો માનવો જોઈએ કે તમે નીના જેવી સુશીલ અને સંસ્કારી દીકરીને અમારા ઘરની લક્ષમી બનાવી રહ્યા છો"
એ બપોરે નગીનદાસના ઘેર ખુશી અને આનંદનું વાતાવરણ હતું.નીનાની સગાઈ જીગર સાથે કરવાનું નક્કી કરવામાં આવ્યું.અને નગીનદાસની બધી જ ચિંતાઓનો અંત આવ્યો.હબાએ બધા મહેમાનોને સોડા પીવડાવી અને મસાલાના મીઠા પાન ખવડાવ્યા.હબાની હજાર ના હોવા છતાં શરદભાઈએ અને કાંતિલાલે હજાર હજાર રૂપિયા આપીને હબાને ખુશ કરી દીધો.
*
ધૂળિયાએ ખાલી બસ્સો રૂપિયા જ આપ્યા એટલે રઘલો ખુશ નહોતો.ફરિવાર એણે ધુળિયાને બે હજાર નહિ આપે તો જાદવને બધું કહી દેવાની ધમકી આપી.પણ ધુળિયો ન માન્યો. એટલે ના છૂટકે રઘલાએ જાદવાને બધી વાત કરી દીધી.
હવે જાદવો તો તખુભાનો ખાસ માણસ.અને ધુળિયો એને ખેતરે દાડી દપાડી કરતો મજૂર.એટલે એનો પિત્તો છટક્યો.
ખીમાં અને ભીમાને સાથે લઈ એક દિવસ જાદવાએ ધુળિયાને વાડીએ બરાબરનો મેથીપાક આપ્યો.અને જો જીવતું રહેવું હોય તો ગામ છોડી દેવા કહી દીધું.ધુળિયો રઘલાને પૈસા ન આપવા બદલ ઘણું પસ્તાયો.પણ હવે કંઈ થાય એમ નહોતું. રઘલાએ વટાણા વેરી નાંખ્યા હતા.જડીએ આ બધું જાણીને રઘલા પાસે એણે આપેલા બે હજાર પાછા માંગ્યા. એ આપવાની ના પડવાને કારણે રઘલાના ઘેર જઈ જડીએ એને ધમારી નાંખ્યો. એક તો પૈસા લઈ ગયો અને પાછો ફરી ગયો.જે વાત છુપાવવાની હતી એ જાહેર ન કરવાના બે હજાર આપ્યા હતા.
રઘલાની ઘરવાળીએ વચ્ચે પડીને માંડ એને છોડાવ્યો.બિચારી કાળીએ એની કાળી મહેનત કરીને કરેલી બચતમાંથી બે હજાર જડીના અને બસ્સો ધુળિયાના એમ બાવીસો ચૂકવ્યા ત્યારે જડી એના ઘરમાંથી બહાર નીકળી.
આમ જડી,ધૂળિયા અને રઘલાના પ્રકરણનો પણ તે દિવસે અંત આવ્યો.
*
તખુભાએ આદરેલું ગટર વ્યવસ્થાનું કામ પણ હવે પુરૂ થઈ ગયુ હતું.ગામની બજારે હવે ખુલ્લી ગટર વહેતી બંધ થઈ હતી. તખુભાની ડેલીએ હવે પહેલાની જેમ જ ડાયરો જામે છે.તભાગોર, હુકમચંદ, વજુશેઠ અને પોચા માસ્તર પણ હવે તખુભાની ડેલીએ તડાકા મારવા પહોંચી જાય છે.રવજી સવજીની વાડીએ અવારનવાર ભજીયાના પોગ્રામ પણ થાય છે.હવે કોઈ ભૂત આવતું નથી. પણ રઘલાએ હજી ભૂતનો ડ્રેસ સાચવી રાખ્યો છે.ક્યારેક બજારે જડી એને સામી મળી જાય ત્યારે ધાધર વલુરતો વલુરતો એકધારો જડીને તાકી રહે છે.જડી એની સામે લાંબાટૂંકા હાથ કરીને ગાળો કાઢે છે પણ રઘલાને કંઈ ફેર પડતો નથી.ધૂળિયાને ધૂળમાં મેળવ્યા પછી એ રાજી રહે છે. એને હજી ઊંડે ઊંડે આશા છે કે એક દી જડી એની સામે દાંત કાઢ્યા વગર રહેવાની નથી !
*
આજ ફરીવાર ધમૂડી તેલની બરણી લઈને ટેમુની દુકાને ઉભી છે.ધરમશીને ભજીયા ખાવા હતા એટલે એ તેલ લેવા આવી છે. એ વખતે હુકમચંદ બીડી અને બાક્સ લેવા આવ્યા છે.ધમુને તેલની બરણી લઈને ઉભેલી જોઈ હુકમચંદ પણ ટેમુની દુકાનનો ઓટલો ચડ્યા.
"કેમ ધમુ, વાડીએ આવો તું ને ધરમશી.આપડી વાડીએ ધાણા ને મેથી મરચા બધું જ છે.ભજિયાનો પોગ્રામ કરીએ.સાંભળ્યું છે કે તું ભજીયા બવ સારા બનાવેશ.તો ચયારેક અમનેય લાભ દેવો જોવે કે નય ? ચીમ અલ્યા ટેમુડા તું ચીમ નો બોલ્યો ?"
ટેમુ દુકાનના થડા પર આરામથી બેઠો હતો.એણે હળવેથી માથું હુકમચંદ તરફ ફેરવીને કહ્યું, "કોને ? મને કીધું ?"
" હા હા તને જ ને વળી. એમ કહું છું કે આ ધમુ દીકરી ભજીયા બવ સારા બનાવે છે તો આપડી વાડીએ પોગ્રામ રાખીએ !''હુકમચંદે કહ્યું.
"કો..ઓ...ણ ? કો..ઓ..ની દી..ઈ.. ઈ..ક..અ..રી ? કો..ઓ..ણ ધ..અ..મુ ?'' ટેમુએ એકદમ હળવે હળવે કહ્યું.
"આ તારી સામી સામી ઉભી ઈ. ભાળતો નથી ? આપડા ગામની દીકરી ધમુ.ઈનો ઘરવાળો ધરમશી ઘરજમાઈ આવ્યો છે ને"
"કો..ઓ...ણ..? ધ..અ.. ર..અ..મ... શી.. ઈ...કોના ઘરે જામ્યો ?" ટેમુએ આંખો પટપટાવીને કહ્યું.
"એક બાક્સ અને એક જુડી બીડી આપ.બીજું બધું માય જયું" હુકમચંદ કંટાળ્યા.
"એક બાક્સ ને ? અને એક જુડી બીડી બરોબર ? કોને તમારે જ જોવે છે ?"
" તો શું આ ધમુડીને જોવે છે ? હું કહું છું તો મારે જ જો'તા હોયને."
ટેમુએ ડોક લાંબી કરીને ધમુ સામે જોયું, "અલી તું કેદુની બીડીયું પીવા મંડી ? બયરૂ ઉઠીને બીડીયું પીશ ? ગામનું નાક કપાવ્યું તેં તો"
"મર્ય મુવા, હું તો તેલ લેવા આવી સવ. સાનોમાંનો એક કિલો તેલ દે અને સર્પસના ખાતે લખ્ય. લે ઝટ કર મારા બાપ."
ધમુની વાત સાંભળીને હુકમચંદ ભડક્યો, "અલી મારા ખાતે કેમ ? અમે કાંય ઠેકો નથી લીધો.''
"તમે તો કીધું કે વાડીએ પોગરામ કરવો સે.હું ને ધરમશી સીધા તમારી વાડીએ જ જાવી.તમેય આવો હુકમકાકા, આ ટેમુડો ટાઢિયો પણ ભલે ગુડાય.તેલના જંય તમે દય દયો તો થાય ને"
"લાવ્ય તારી બરણી ધડો કરવી.."
કહી ટેમુએ ધમુ પાસેથી બરણી લીધી.
"પેલા મને બાક્સ ને બીડી દે. અટલે હું વેતો થાવ. ધમુને તેલ આપી દેજે.પૈસા હું આપું છું. આજ ભજીયા ભલે થઈ જાય." કહી હુકમચંદે પાંચસોની નોટ ટેમુને આપી.
"ઉભા રહો, હું બીડી આપું. દુકાનમાં તો ખલાસ થઈ ગઈ લાગે છે. ગોડાઉનમાં લેવા જવું પડશે." ટેમુએ પાંચસોની નોટ લઈ ખાનામાં મૂકીને કહ્યું.
"ના ના તો રહેવા દે. મારે મોડું થાય લાવ્ય પૈસા પાછા, હું બીજેથી લઈ લઈશ."
"હું ગલ્લામાં નાખેલા પૈસા કોઈને પાછા નથી આપતો.તમે તો ખાલી સરપંચ છો. કલેકટર આવે તોય આંય નિયમ બધા માટે સરખો જ લાગશે.એટલે હવે ઉભા રહો.ક્યાંથી વસ્તુ લેવી એ નક્કી કરીને જ તમારે ઘેરથી નીકળવું જોઈએ.કારણ કે આમાં એવુ થાય કે અમે રહ્યા વેપારી, અને તમે કહેવાય ગ્રાહક.ગ્રાહકનો સંતોષ એ જ અમારી મૂડી છે.હવે તમે મારી દુકાનેથી વસ્તુ વગરના જાવ ને મારા બાપાને ખબર્ય પડે કે બીડીયું તો હતી તોય સરપંચ જેવા સરપંચ આપડી દુકાનેથી બીડી બાક્સ વગરના ટેમુના કારણે જ્યા તો મારો ડેબો ભંગાય જાય.
એટલે..."
"હા..ભાઈ હા..જા તું ગોડાઉનમાંથી લઈ આવ્ય ને ભાઈ,ભાષણ બંધ કર ને ધંધામાં ધ્યાન દે." હુકમચંદ કંટાળ્યો હતો.
" ઠીક છે તમે કહો છો તો..''
"એ ભાઈ ટાઢિયા..મને તેલ દે પે'લા..મારે હજી ઘરે જાવું પડશે."
"તમે બંને પહેલા નક્કી કરો કે કોને પહેલા વસ્તુ જોઈએ છે.એકને તેલની ઉતાવળ છે અને બીજાને બીડી બાક્સ જોઈએ છે.હવે બંને કામ એકસાથે તો ન જ થાય હો. અમેય યાર માણસ છીએ."
"મને પેલા તેલ જોખી દે.કાકા ભલે ઘડીક ઉભા" ધમુએ ઉતાવળ કરી.
"અલ્યા તેલ જોખતા વાર લાગશે. મારે પંચાતમાં જાવું છે.પેલા મને બીડી બાક્સ દે.અલી અય તું ઘડીક ઉભી રે."
ટેમુ હજી કાઉન્ટર પાસે જ ઉભો હતો.ધમુની બરણી અને હુકમચંદના પાંચસો સલવાડી દીધા હોવાથી એકેય ખસી શકે એમ ન્હોતા.એ વખતે પેલો ચંચો સાઇકલ લઈને ત્યાં આવી ચડ્યો.
સરપંચ અને ધમુને ટેમુના ઓટલે ઉભેલા જોઈ એ પણ ઉભો રહ્યો.
"કેમ અલી ધમુડી ? સરપંચને મોડું ચીમ કરાવશ ? ઈ કાંય નવરીના નથી...હાલી સુ નીકળી સો...''
ચંચાની વાત સાંભળી હુકમચંદે પગમાંથી જોડો કાઢ્યો. ચંચાને મારવા એ જોડાનો ઘા કર્યો પણ ચંચો તરત ભાગ્યો. તખુભા નવી ઘોડી લઈને આવતા હતા. હુકમચંદે ફેંકેલો જોડો એમની ઘોડીના મોઢા પર વાગ્યો. ઘોડી તરત હણહણીને ઝાડ થઈ. તખુભાએ ચોકડું ખેંચીને ઘોડીને શાંત કરી.
"હં હં હુકમચંદ..કેમ ખાહડાના ઘા કરો છો ? મુનિ મારાજે સુધાર્યા પણ સુધર્યા લાગતા નથી કે શું ?"
" આ ઓલ્યા લબાડને મારતો'તો. તમને થોડો જોડો મરાય ?" કહી હુકમચંદ હસી પડ્યો.
"એ..આવો આવો બાપુ, ફ્રીઝનું ટાઢું પાણી પાઉં..!" ટેમુએ તખુભાને સાદ કર્યો.
તખુભાને આ અગાઉ ટેમુએ પાણી પાવાના બહાને એક કલાક સુધી સલવાડી રાખેલા એ યાદ આવતા તરત જ એમણે ઘોડીને એડી મારી.
"ના ભાઈ મારે તારા ફ્રીજનું પાણી નથી પીવું. આ હુકમચંદને ને આ છોડીને પા.." કહી તખુભા ઘોડી હંકારી ગયા.
"તું દુકાનમાં સ્ટોક લાવી રાખ, પછી હું લઈ જાશ" કહી હુકમચંદ પણ બીડી બાક્સ લીધા વગર ચાલતા થયા.
"લાવ્ય, મારી બયણી, હુંય કાંય નવરીની નથી હા" કહી ધમુએ પણ એની બરણી લઈ લીધી.
"હા તે જાને. અમે ક્યાં તેલ વેચીએ છીએ ? આ તો સવાર સવારમાં કોઈને ના ન પાડવી એવો અમારી દુકાનનો નિયમ છે.બાકી તું બપોર સુધી ઉભી રહી હોત તોય હું તેલ આપવાનો નો'તો" કહી ટેમુ હસી પડ્યો.
ટેમુએ ઘડિયાળમાં જોયું.સવારના દસ વાગ્યા હતા.આજે બાબાલાલ પંડિત થઈને અગિયાર વાગ્યાની ગાડીમાં આવવાનો હતો.
થોડીવાર પછી મીઠાલાલ દુકાને આવ્યા એટલે ટેમુએ એની પાસેથી એઇટી લઈને રેલવે સ્ટેશન તરફ મારી મૂક્યું.
-----------------------------------------
(મોજીસ્તાન ભાગ 1 સંપૂર્ણ)
-----------------------------------------