સોરઠ તારાં વહેતાં પાણી - 32 Zaverchand Meghani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સોરઠ તારાં વહેતાં પાણી - 32

૩૨. વાતાવરણ ભણાવે છે

વિક્રમપુરના દરિયાને આલેશન બારું હતું. એ બારાની દખણાદી દિશામાં ભેંસોનું ખાડું માંદણે પડી મહાલતું હોય તેવા કાળા, જીવતાજાગતા જણાતા ખડકો હતા. લોકવાણીએ એનું ‘ભેંસલા’ નામ પાડ્યું હતું. ત્યાં આઠેય પહોર અફલાતાં મોજાં ફીણ મૂકતાં હતાં. વિરાટ મહિષાસુર વારિધિ જાણે કે વાગોળ્યા કરતો હતો. પાડાઓનું એકાદ ધણ ચાલ્યું જતું હશે તેમાં એકાએક જાણે દરિયાનાં પાણી તેના ઉપર ફરી વળ્યાં હશે ! કેટલાક નાસીને બહાર નીકળ્યા હશે, કેટલાક ગૂંગળાઈને અંદર રહ્યા હશે; એટલે જ, આ બહાર દેખાતા ખડકોની પાધરી કતારમા ંજ કેટલાક ખડકો અઢી-ત્રણ ગાઉ સુધી પાણીની નીચે પથરાયા હતા. ‘વીજળી’ આગબોટ ગરક થઈ ગયાનું પણ આ એક ઠેકાણું મનાતું.

પિનાકીના મીટ સંધ્યાના ભૂખરા ઉજાસમાં એ ભેંસલા ખડકો પર ઠરેલી હતી. રાજના એક અધિકારી એને બંદર વિશેની વાતો કરતા હતા. એક ખારવો પોતાની જળચર જેવી આંખો તગતગાવતો ‘વીજળી’ આગબોટના ભૂત વિશેની વાતો હાંકતો હતો. દૂર એક દરબારી ઘોડાગાડી ઊભી હતી.

પ્રૌઢ વયના ઠાકોર સાહેબ ચોથી વારના લગ્નનું એક રહસ્ય બરાબર પકડી શક્યા હતા, કે યુવાન રાણીના નાનામોટા કોડ જેવા જાગે તેવા ને તેવા પૂરવા જોઈએ, નહિ તો લગ્નરસ ખાટો થઈ જાય. પ્રથમનાં લગ્નોમાંથી જડેલો આવો અનુભવ અત્યારે ઉપયોગમાં આવતો હતો.

એટલે જ તેમણે નવાં રાણી સાહેબની ઇચ્છા થવાથી પિનાકીને વિક્રમપુર તેડાવ્યો હતો. પિનાકી રાજ્યનો માનીતો મહેમાન હતો. અતિથિગૃહમાં એને માટે રોજની ચાર-ચાર મોટી આફૂસ કેરીનાં ફળો આવતાં.

ઠાકોર સાહેબની અને રાણી સાહેબની જોડે એની પહેલી મુલાકાત થઈ ચૂકી હતી. રાણી સાહેબે પિનાકીને બૅરિસ્ટર થવાનો આગ્રહ કર્યો; કેમકે વકીલાતના કામમાં જે વાચાની કળા તેમ જ અભિનયના મરોડ જોઈએ તે પિનાકીામં એમને શાળાના મેળાવડાને પ્રસંગે દેખાયા હતા.

“રાજ તમને મદદ કરશે,” રાણી સાહેબે બોલ પણ આપી દીધો. “કેમ - નહિ, ઠાકોર સાહેબ ?” રાણીએ પતિને પૂછ્યું.

“આપનું દાન સુપાત્રે જ છે.” ઠાકોર સાહેબે પત્નીનો બોલ ઝીલ્યો.

“પછી અહીંયા જ વકીલાત કરશો ને ?” રાણી સાહેબે પૂછ્યું.

“વકીલાત શા માટે ?” ઠાકોરે માગ્યા પહેલાં જ ઢગલો ધર્યો : “એમનામાં દૈવત દેખશું તો ન્યાયાધીશી જ નહિ આપીએ ?”

પિનાકીના હૃદયમાંથી તો મનોરથોના ગબારા ચડ્યા. જીવનનું ગગન જાણે કે સિદ્ધિઓના તારામંડળ વડે દેદીપ્યમાન બની ઊઠ્યું.

“પાંચેક વર્ષનો ગાળો છે તમારે તૈયાર થવાનો,” એમ જ્યારે ઠાકોર સાહેબે યાદ કરાવ્યું ત્યારે પિનાકી પાછો પછડાયો. શિક્ષણની તાલીમમાં હનુમાન-કૂદકો હોતો નથી.

“પણ બારિસ્ટર થવાની જરૂર ખરી ? રાજના ન્યાયાધીશને માટે અહીંનું જ ભણતર ન ચાલે ?” રાણીએ પૂછ્યું.

“શા માટે ન ચાલે ? રાજ તો મારું છે ને ! જેના માથે આપણે હાથ મૂકીએ એની તો વિદ્યા પણ ઊઘડે.”

“તો આને આંહીં જ તાલીમ આપશું ?”

“જરૂર; મેટ્રિક થઈ જવા દો.”

ઠાકોર સાહેબે રાણી પાસેથી પિનાકી પ્રત્યેની મમતાનું કારણ ક્યારનું જાણી લીધું હતું. ભાંડરડાંની માફક જેઓ ભેળાં રમ્યાં-ઊછર્યાં હતાં તેમનો અન્યોન્ય ઉપકારભાવ ઠાકોર સાહેબને અંતરે વસ્યો હતો. ઠાકોર પ્રૌઢત્વમાં પાકટ થઈ ગયા હતા. એમનામાં ઈર્ષ્યાની આગ નહોતી ને એનો મોટામાં મોટો ગુણ હતો. પડદાનો ત્યાગ કરવાની તેમની હિંમત આ વાતને આભારી હતી. પિનાકીના આચરણની છાપ પણ એમના દિલ પર ચોખ્ખી પડી હતી : એની આંખો ગંભીર હતી. તેના હાવભાવમાં કુમાશ હતી : તનમનાટ નહોતો.

‘અહીં દેવુબા સુખી છે. એને જોઈએ તે જડે છે. એની સુંવાળી ઊર્મિઓ પણ સચવાય છે. હું એને સુખમાં જોયા કરું તો મને બીજી કોઈ મનેચ્છા નથી.’ આ હતો પિનાકીનો મનોભાવ.

તે દિવસે રાતે વિક્રમપુરના દરિયાનો કંદેલિયો બુઝાયો. દીવાદાંડીઓના દીવાઓ ન ચેતાવવાનો સરકારી હુકમ બંદરે બંદરે ફરી વળ્યો હતો.

કંદેલિયો ઠર્યો ! ઘેરઘેર વાત ફરી વળી. ગામડાંને ફાળ પડી. કંદેલિયો ઠર્યો ! થઈ રહ્યું. જરમર આવ્યા ! અંગ્રેજની ધરતી ડોલી. કંદેલિયો ઓલવાયો. આ બનાવ અદ્‌ભુત બન્યો. જમાના ગયા, પણ કંદેલિયો ઝગતો હતો. રાજા પછી રાજા દેવ પામયા, છતાં કંદેલિયાને કોઈએ શોક નહોતો પળાવ્યો. કંદેલિયાને ઓલવવાવાળી આફત કોઈ અસાધારણ હોવી જોઈએ.

‘એમડન’ નામની એક જર્મન જળ-નાગણી ઉલ્કાપાત મચાવી રહી છે. અંગ્રેજ જહાજોના મોટા માતંગોને એ ભાંગી ભુક્કા કરે છે. બંદરો અને બારામાં પેસી જઈને એ સત્યાનાશ વાળે છએ, મુંબઈના કંદેલિયા પણ ઓલવી નાખેલ છે. રાતભર ‘એમડન’ના ભણકારા વાગે છે. દરિયાની મહારાણી ગણાતી બ્રિટાનિયા પોતાના હિન્દ જેવા સામ્રાજ્યને કિનારે સંતાકૂકડી રમતી આ નાચીજ નાવડીને પણ નથી ઝાલી શકતી ! સરકારની ગજબ ઠએકડી મંડાઈ ગઈ સોરઠને તીરેતીરે. જર્મનીનો સાથ લઈને નવકૂકરી રમનારાઓએ પોતાની મૂછે તાવ દીધા. અને સૂર્યપુરના ઠાકોરે પોતાના પાડોશી પરગણાને બથાવી પાડવાનો કાળ પાકેલો દેખ્યો.

પિનાકીનું અજ્ઞાની મગજ આટલી વાત તો વણસમજ્યે પણ પામી ગયું કે અંગ્રેજ અજેય નથી : જગતને છાવરી નાખીને પડેલો અંગ્રેજ પણ ત્રાજૂડીમાં ડોલી રહ્યો છે : શેરને માથે સવા શેર : અંગ્રેજનું માથું ભાંગનાર સત્તાઓ દુનિયામા પડી છે. ચૌટે ને ચોરે બેસતાં, અંગ્રેજ ટોપીને ભાળવાં વાર જ ભાગવા ટેવાયેલાં લોક આજ અંગ્રેજ સત્તાના દોઢ સૈકાને અંતે એટલું તો વિચારતાં થઈ ગયાં કે અંગ્રેજ અપરાજિત બળિયો જોદ્ધો નથી. પિનાકી એ પ્રકારના લોકમતનું બચ્ચું બન્યો. કોણ જાણે આ કારણથી જ એને અંગ્રેજ શહેનશાહ તેમ જ મહારાણીનાં મોરાં નિશાળોમાં ટંગાતાં હતાં તેના તરફ નફરત આવી. ઇંગ્લંડના ઇતિહાસની ચોપડીમાં જે ચિત્રો હતાં તેમાંનાં પુરુષ-ચિત્રોને એણે કાળાંકાળાં કરી નાખ્યાં, એકાદ સ્ત્રી-ચિત્રને એણે મૂછો આલેખી !

બીજો કંટાળો એણે વળતા જ દિવસે વિક્રમપુરના રેલવે-સ્ટેશન પર અનુભવ્યો. દરબારી ‘લૅન્સર્સ’ની એક ટુકડી લડાઈના યુરોપી મોરચા પર જવાને ઊપડતી હતી. તેઓના ગળામાં ફૂલહાર હતા. તેઓનાં ભાલાં ઉપર રાખડીઓ હતી. તેમનાં કપાળમાં કંકુના ચાંદલા હતા. પ્લૅટફૉર્મની અંદર તેઓનાં નાનાં-મોટાં બાળબચ્ચાં રડતાં હતાં. બહાર થોડે છેટે તેઓની પત્નીઓ પરદામાં પુરાઈને ઊભી હતી. મોરચા પર જઈ રહેલ આ રજપૂતોનાં મોં પર વિભૂતિ નહોતી. પોતે કઈ દેશરક્ષા, જાતિરક્ષા કે કુળરક્ષાને કારણે, કોની સામે લડવા જઈ રહેલ છે તેની તેમને ગમ નહોતી. પડઘમના શૂરાતન-સ્વરો અને જંગનાં આયુધો તેમના આત્માની અંદર જોર નહોતાં પૂરી શકતાં. તેમનાં ગળાંમાંથી કોઈ હાકલ ઊઠતી નહોતી. તેમની મુખમુદ્રા પરનો મરોડ વીરરસના વેશ ભજવનાર નાટકીય પાત્રોનો હોય તેમ દીસી આવતું હતું. ને આગગાડી જ્યારે તેમને ઉઠાવી ચાલી ત્યારે એ કલાક-બે કલાકનો તમાશો પોતાની પછવાડે કોઈ અકારણ નિષ્પ્રયોજનતાની શૂન્યતા પાથરતો ગયો. એક અવાસ્તવિક લીલા ખતમ થઈ ગઈ. ને પાછાં વળતાં લોકોએ વાતો કરી કે ‘બિચારા ઘેટાંની માફક રેં’સાશે.’

ત્રીજા દિવસે વિક્રમપુરમાં બીજી ઝલક છાઈ ગઈ - મિસિસ ઍની બૅસન્ટનું આગમન થયું. ‘હોમરૂલ’ નામનો એક મંત્ર પઢાવનારી એ સિત્તેર વર્ષની વિદેશી ડોશી ભારતવાસી જુવાનોની મૈયા થઈ પડી હતી. ગોરી ડોશી હિંદી સાડી ને ચંપલો પહેરતી હતી. ગળામાં માળા ધારણ કરતી ને ‘ભગવદ્‌ગીતા’ના ઘોષ ગજવતી; સરકારને મુક્કો ઉગામી ડારતી, ને હિન્દુ ધર્મનાં રહસ્યો ઉકેલતી.

ત્રણ મહિનાની નજરકેદ ભોગવીને ‘મૈયા’ દેશ ઘૂમવા નીકળી હતી. મુકામે મુકામે એની ગાડીના ઘોડા છોડી નાખવામાં આવતા ને યુાવનો ગાડી ખેંચતા. એની સભાઓ ભરાતી ત્યારે એની ચંપલો પાસે બેસવામાં પણ એક લહાણ લેખાતી.

વિક્રમપુરે પણ એને અછોઅછો વાનાં કર્યાં. એની ભૈરવ-વાણ સાંભળવા મેદની મળી, ને એ મેદની સમક્ષ પોતાની પ્રભુપ્રેરિત શ્રદ્ધાના જોરે એણે જાહેર કર્યું કે “યુરોપનું યુદ્ધ એ અંતરીક્ષમાં લડાતી દૈવી તેમ જ આસુરી શક્તિઓની લડાઈનું પ્રતિબિંબ છે. ઇંગ્લંડ, રશિયા અને ફ્રાન્સ છે દૈવી શક્તિઓના પ્રતિનિધિઓ, ને જર્મની, તુર્કી વગેરે શત્રુઓ છે અસુરોના પક્ષકારો. આખરે વિજય છે દૈવી સત્ત્વોનો - એટલે કે ઇંગ્લંડનો, ફ્રાન્સનો, રશિયાનો.”

સાંભળતાંની વાર પિનાકી સ્તબ્ધ બન્યો. એની વીરપૂજા પર કોઈ શ્યામ છાયા પડી. એનું દિલ રસભર્યા કટોરા જેવું ધરતી પર પટકાઈને તૂટી પડ્યું. અંગ્રેજી સાતમું ધોરણ ભણનારો વિદ્યાર્થી આવી કોઈ વહેમની દુનિયામાં દાખલ થવા તૈયાર નહોતો. નહિ નહિ : કોઈ પણ દેશનેતાને કહ્યે નહિ : પ્રભુ પોતે નીચે ઊતરીને કહે તોપણ નહિ ! ભાંગી ગયેલી પૂતળીના કકડાને બે ઘડી હાથમાં ઝાલી રાખીને પછી પડતા મૂકતા બાળક જેવો પિનાકી સભામાંથી પાછો વળ્યો, ને વળતે દહાડે રાજકોટ ચાલ્યો.