ઝવેરચંદ મેઘાણી
૧. અમલદાર આવ્યા
ગીરના નાકા ઉપર એક સરકારી થાણું હતું. અમલદારી ભાષામાં એ ‘આઉટ-પોસ્ટ’ તરીકે ઓળખાતું. પંદર પેદલ સિપાહી તથા પાંચ ઘોડેસવારોની પોલીસ-ફોજ ત્યાં રહેતી. ત્રીજા દરજ્જાના અધિકારીનો મૅજિસ્ટ્રેટ રહેતો. નાનું એક દવાખાનું સંભાળવા દાક્તર રહેતો. તેને કોઈ કમ્પાઉન્ડર ન મળતો. મૅજિસ્ટ્રેટ ‘થાણદાર સાહેબ’ કહેવાતા. પોલીસ અમલદારનું લોકનામ ‘જમાદાર સાહેબ’ હતું. થાણદારના હાથમાં ઈન્સાફી ઉપરાંત વસૂલાતની પણ સત્તા હતી.
ખરું જોતાં આવી બેવડી સત્તાવાળો થાણદાર જ મુખ્ય હકેમ ગણાય. છતાં પોલીસના ચકચકિત પોશાક, કારતૂસ વગરની છતાં બૂઠાં સંગીનો વડે ઝગારા મારતી ‘બ્રિજિલોડ’ બંદૂકો હંમેશા પ્રભાતની કવાયતના ધમધમાટ, અને મૅજિસ્ટ્રેટની કચેરી પર રોજ બદલાતી ગાર્ડ-ટુકડીના ખડે પગે પહેરા, કલાકે-કલાકે બજતી ઝાલરના ડંકા, રાતના દસથી ચાર સુધીની લાંબા સૂરોની ત્રેવડી આલબેલો, ઘોેડેસવારોની રોજ સાંજની બબે ગાઉ સુધીની ‘રૉન’ (રાઉન્ડ) - એ બધાનો પ્રભાવ લોકો પર વિશેષ પડતો. આથી થાણદાર અને જમાદાર વચ્ચેની સત્તાની સરસાઈ એક ધૂંધવાતા છાણાની જેમ, અહર્નિશ ખુલ્લી-અણખુલ્લી, ચાલ્યા જ કરતી.
આ આઉટ-પોસ્ટ પર બદલી થઈ આવનાર દરેક માણસ પોતાને કાળા પાણીની સજા થઈ સમજતો. અહીંની બદલી અટકાવવા માટે એ રાજકોટની ઉપરી-ઑફિસમાં લાગવગ, ફળ-મેવાના કરંડિયા તેમ જ રોકડ નાણાંના પણ પ્રયોગો અજમાવતો.
ઉપરી-ઑફિસના શિરસ્તેદારો જે નોકરો પોતપોતાની ન્યાતના ન હોય તે બધાને કાં તો તુચ્છ અથવા વિરોધીઓ લેખતા. ઉપરી-ઑફિસમાં નાગર, બ્રાહ્મણ ને વાણિયા - એમ ત્રણ કોમોની ખટપટ ચાલતી. ને સામી કોમના માણસને હેરાન કરવો હોય ત્યારે શિરસ્તેદાર પોતાના ગોરા અધિકારીની સમક્ષ ઘણે ભાગે એ રીતની જ દરખાસ્ત મૂકતો કે અમુક આઉટ-પોસ્ટ પર કડક આદમીને મૂકવાની જરૂર છે : તાબાની વસ્તી અતિશય ફાટી ગઈ છે, માટે ફલાણા બાહોશ અમલદારને ત્યાં મૂકવો જોઈએ.
અંગ્રેજ અધિકારીઓ તે કાળમાં ઘણુંખરું લશ્કરી ખાતામાંથી જ આવતા. તેઓને કડક બંદોબસ્તની વાત જલદી ગળે ઊતરી જતી.
શીતળ નામના સ્ટેશન પર બે દિવસોથી બે બળદ-ગાડાં છૂટેલાં હતાં. બેકાર બળદો કંટાળી કંટાળી ઊભા થતા, ને પાછા બેસતા. કાબરા બળદનું છોલાયેલું કાંધ ઠોલતો કાગડો જોરાવરીથી પૈસા ઉઘરાવનાર ફકીરની યાદ આપતો હતો. બળદનું પૂંછડું ભગ્નહૃદયી પ્રેમિકાની પેઠે નિરુત્સાહે ઊપડતું હતું, તેથી કાગડો બે-ચાર વાર ઊડીઊડી નિર્ભય બન્યો હતો. બન્ને ગાડા-ખેડુ કણબીઓએ પોતાના બળદ પાસે નીરેલ કડબ ખાવા આવતી બાડી ગાયને ‘હો હો ગાવડી !’ કહી હોકારવાનુંય છોડી દીધું હતું. ચલમમાં પીવા માટે ગોળના પાણીમાં કેળવેલી ગડાકુની ચામડાની કોથળીમાં બાકી રહેલો કસ લૂછતો હતો. સાથે આવેલા બે પસાયતા (ગ્રામ ચોકિયાત) પૈકીનો એક જણ બાજુના વડ નીચે બેઠેલા એક બાવા પાસે જઈ પોતાનું પિત્રાઈનું મોત થાય તેવું કંઈક મંત્રતંત્ર કરાવતો હતો. બીજો જુવાન પસાયતો નાના આભલામાં જોઈ વારેવારે પોતાનાં ઓડિયાં ઓળતો હતો.
સ્ટેશનના ગોદામ પરથી મરચાંના કોથળા એક કાળા વૅગનમાં પછડાતા હતા. તેની ઝીણી રજ ઊડવાથી ચોપાસ ‘ખોં-ખોં’ થઈ રહ્યું હતું.
સ્ટેશન-માસ્તરની સગર્ભા સ્ત્રી એક વરસના છોકરાને તેડીને પોતાના ઘરને ઓટે ઊભીઊભી બૂમો પાડતી હતી : “ખબરદાર - એઈ ગાડાવાળાઓ, કોઈને છાણના પોદળા લેવા ન દેશો.”
“એ હો બેન.” કહીને ગાડા-ખેડુ એક સાંધાવાળાને છાને સ્વરે મર્મ કરતો હતો : “માસ્તરાણી છે ને ?”
“નહિ ત્યારે ?” સાંધાવાળો સામા સવાલથી ગાડાવાનોના આવા અજ્ઞાનની નવાઈ દાખવતો હતો.
“તે છાણછાણ કાં કૂટી રહી છે ?”
“શું કરીએ, ભઈ ?” સાંધાવાળો કશીક ફરિયાદ કરવા જતો હતો.
“આ વાણિયાબામણાંને ભારેવગાં થાય ત્યારે શું છાણનાય ભાવા થાતા હશે ?” બીજા ગાડા-ખેડુએ આંખ ફાંગી કરી કહ્યું.
“શી આ વાતો કરો છો તમે ?” લાંબા વાળવાળો જુવાન પસાયતો કાંઈ સમજતો નહોતો.
“ઈ સમજવાની તમારે હજી વાર છે, સુરગભાઈ !”
“તમે ઓડિયાં તો ઠીકઠાક કરી લ્યો ! પછેં સમજાશે !”
કેડ-ભાંગલો સ્ટેશનનો કાયમી ભિખારી પણ આ હસવામાં ભળ્યો. એની કમરથી નીચેનું અંગ ઘવાયેલા સારસ પક્ષીના ટાંટિયાની પેઠે લબડતું હતું.
સાંધાવાળાએ એ માનવ-કીડા તરફ ફરીને કહ્યું : “તું તો દાંત કાઢ્ય જ ને, મારા બાપ ! તેંય કસબ કરી જાણ્યું દુનિયામાં. બે હજાર ભેગા કરી લીધા ભીખમાંથી ને ભીખમાંથી.”
“સાચેસાચ ?” ગામડિયા ચમક્યા.
“પૂછો મોટા માસ્તરને.”
“ક્યાં સાચવે છે ?”
“મામદ ખાટકીને ચોપડે વ્યાજ ચડાવે છે લૂલિયો.”
“હેં એલા ?”
“હવે, ભઈ, વાત મૂકોને !” એમ કહેતો પગ-ભાંગલો ભિખારી બેઠક ઘસડતો-ઘસડતો મોટી ખડમાંકડીની માફક ચાલ્યો ગયો. દૂર બેસીને એ હિંસક નજરે સાંધાવાળા તરફ તાકી રહ્યો.
સાંધાવાળાએ ફાંગી આંખ કરીને ગાડાવાળાઓને કહ્યું : “ખબર છે ? કમ નથી, હો ! શી વેતરણ કરે છે - જાણો છો ?”
સાંભળનારાઓના કાન ચમક્યા.
“એને પરણવું છે : હે-હે-હે-હે...”
અને પાંચ જણા નિચોવાતા કપડાની માફક મરડાઈને હસ્યા.
દૂરથી શંકાશીલ બનેલી સ્ટેશન-માસ્તરની વહુએ તીણી ચીસે પૂછ્યું : “અલ્યા, કેમ દાંત કાઢો છો ?”
“એકાદ દી આંહીં આવીએ તો દાંતેય ન કાઢવા અમારે ?” ગાડાખેડુએ ધીરેથી બીજી તરફ જોતાંજોતાં કહ્યું.
ને બીજાએ ઉમેર્યું : “ઘરે પોગ્યા પછી તો રોવાનું છે જ ને, બાઈ !”
“રહો તમે, રોયાઓ ! એલા, સાહેબને બોલાવી લાવ. એને સીધા કરે.” માસ્તર-પત્નીએ સાંધાવાળાને હુકમ કર્યો.
“એ લ્યો, બોલાવું.” કહી સાંધાવાળો આ સ્વાભાવિક ભાઈબંધો પ્રત્યે આંખો મારતો સ્ટેશન તરફ ચાલ્યો ગયો.
“ગાડી છૂટી...છે...” વો માસ્તરનો પુકાર પડ્યો. ડંકા બજાવીને થોડી વારે સાંધાવાળો સાંધાનો હૅન્ડલ દબાવી, ઉપર ઘોડો પલાણીને બેસી ગયો. મડદા જેવા સ્ટેશનમાં નવસૃષ્ટિ સળવળી ઊઠી. ગાડી આવી ત્યારે ચારેય ગામડિયા દરવાજાની બહાર ‘રેલિંગ’ની પડઘી ઉપર પાંજરાપોળની પીંજરાગાડીમાંથી ડોકિયું કરી જોતાં ઓશિયાળાં કૂતરાંની માફક તાકી રહ્યા.
હાંફતી-હાંફતી ગાડી ઊભી રહી. કેટલાંક ઉતારુઓ ઊતરતાં હતાં, તેમાં અમલદાર કયો તે આ ચાર જણ એકદમ નક્કી ન કરી શક્યા. ભૂલભૂલમાં ભળતા પોશાકવાળા બે-ચારેકને સલામો પણ કરી નાખી.
આખરે એક આધેડ આદમી દરવાજા પર આવ્યો. એના હાથમાં પાતળી, રાતી, પીળી પડી ગયેલ જસતના ટોપકાવાળી સોટી હતી. સોટીને એ પોતાની ખાખી બ્રિચીઝના, થીગડું મારેલ પિંડીના ભાગ ઉપર પટકાવતો હતો. એની ભરાવદાર કાબરી મૂછોના થોભિયાએ પાકી ખાતરી કરાવી આપી કે આ જ આપણા સાહેબ.
ચારેય જણાએ ‘મે’રબાન !’ એમ બોલી સલામ કરવા કપાળ પર ચતો હાથ મૂક્યો - કેમ જાણે ખેતરમાં કામ કરતાકરતા પરસેવો લૂછતા હોય !
સોટી વતી સલામો ઝીલીને પ્રભાવશાળી બનવા મથતા એ પુરુષે ભરાવદાર અવાજે પૂછ્યું : “એલા, ભેખડગઢથી કોણ તમે જ આવ્યા છો કે ?”
“હા, મે’રબાન, બે દીથી બેઠા છીએ.” મોટેરો પસાયતો બોલ્યો. અમલદારે પ્રસન્નતા બતાવી, એથી ઉમંગમાં આવી જઈ એક ગામડાવાળાએ કહ્યું : “આપ સાહેબની બહુ વાટ જોઈ. કાં’ક કામ આવી ગયું હશે ને ! નીકર તો કાંઈ ડાયું માણહ ગાડી ચૂકે ?”
અમલદારે પસાયતાને કહ્યું : “સામાન લઈ લ્યો આપણો.”
પ્લૅટફૉર્મ પર અમલદારની સ્ત્રી ગાડીમાંથી સામાન ફગાવતી હતી, ને અમલદારની પુખ્ત દીકરી સવાએક મહિનાના નાના બચ્ચને તેડી બાજુએ ઊભી હતી. દસ વર્ષનો એક છોકરો અમલદારની કીરીચ (વિલાયતી તરવાર) ઉપાડીને ઊભો હતો.
સામાન ઊતરી રહ્યો. સહુ નીચે આવી ગયાં. ગાડી ઊપડી અને ‘ખોં-ખાં’ ખાંસી ખાતી શહેરી શેઠાણી જેવી મહામહેનતે ચાલી ગઈ.
એક બૂઢો પુરુષ પણ અમલદારની જોડે હતો. તેણે કહ્યું : “અરે વહુ ! સહુ હાલો, એકએક દાગીનો ઉઠાવી લેશું.”
હમાલનું કામ કરતી સાંધાવાળાની સ્ત્રીઓ નિરાશ થઈને ત્યાં ઊભેલી હતી. તેઓના હાથની ઈંઢોણીઓ ભિખારીઓના રામપાત્ર જેવી દેખાતી હતી.