મોજીસ્તાન (97)
વહેલી સવારે ખડકી ખખડી એટલે નગીનદાસની આંખ ખુલી. અમદાવાદથી મહેમાનો આવવાના હતા પણ એતો છેક અગિયાર વાગ્યે આવવાના હતા.એમના સ્વાગતની તૈયારીઓ પણ થઈ નહોતી. મીઠાલાલને રસોઈનો જે ઓર્ડર આપેલો એ કેન્સલ કરીને તાત્કાલિક જગા મહારાજને ઓર્ડર આપવાનો હતો. કુટુંબમાં નીના ભાગી ગઈ એ સમાચાર મળી ગયા જ હશે એટલે સવાર પડતાં જ બધા પરિવારજનો ઘેર ઉભરાઈ જવાના હતા.પણ આટલી વહેલી સવારે કોણ આવ્યું હશે એનું અનુમાન નગીનદાસ કરી શક્યો નહિ.જલ્દી ઉઠીને એ ફળિયામાં આવ્યો. નયના પણ જાગીને બહાર આવી હતી.
નગીનદાસે ખડકી ખોલી.સામે ઉભેલી નીનાને જોઈ શું બોલવું એની એને સમજ ન પડી.પણ નીનાને બધી જ સમજ પડી ગઈ હતી.
"પપ્પા,મને માફ કરી દેજો.હું ટેમુ સાથે ગઈ હતી પણ ભાગી નહોતી." કહી નીના ઘરમાં આવી.
નગીનદાસ કંઈ બોલ્યો નહિ પણ દીકરી ઘેર પરત ફરી એ જોઈ એ ખુશ થયો.આખરે જે ચિંતાઓમાં એને આખી રાત ઊંઘ નહોતી આવી એ બધી જ ચિંતાઓ પળવારમાં દૂર થઈ ગઈ.
નીના અંદર જઈને નયનાને વળગી પડી, "મા મને માફ કરી દે. મારે આવું નહોતું કરવું.હું ટેમુને પ્રેમ નથી કરતી,અમે ફક્ત દોસ્ત છીએ. એ બીચારાએ એના પપ્પાની પરવા કર્યા વગર મને મદદ કરી છે.અને મા તું પણ મારી સાચી દોસ્ત નીકળી.તેં પણ તારા પતિની પરવા કર્યા વગર મને મદદ કરી."
''એ તો મા તરીકેની મારી ફરજ હતી બેટા, પણ તું પાછી કેમ આવી ? ટેમુ તારો દોસ્ત જ છે તો તું એની સાથે કેમ નાસી ગઈ ? તું શું કરવા માંગે છે ? તું ગઈ પછી તારા પપ્પા પણ સમજી ગયા છે. બેટા અમે તને તારી ઈચ્છા વિરુદ્ધ વિરલ જોડે નહિ પરણાવીએ.." કહી નયનાએ નીનાની પીઠ પર હાથ ફેરવ્યો.
નગીનદાસ પણ ઘરમાં આવી ગયો હતો.મા દીકરીનું મિલન જોઈ એની આંખ ભરાઈ આવી.
"બેટા તેં બવ કીધું'તું પણ હું જ ન માન્યો.મને એમ હતું કે...પણ હવે જવા દે એ બધી વાતો.આજે એ લોકો આવવાના જ છે.આપણે બધી ચોખવટ રૂબરૂમાં જ કરી લેશું." કહી નગીનદાસે નીનાના માથા પર હાથ મુક્યો.નીના એના પપ્પાને વળગી પડી.
આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું.
*
ટેમુએ ઘરની ડેલી પાસે જઈ એનું એઇટી ઉભું રાખ્યું ત્યારે સાડાપાંચ થયા હતા.દોઢેક કલાકમાં એણે નીનાને એના ઘેર પહોંચાડી હતી.એઇટી પરથી ઉતરીને એણે સાંકળ ખખડાવી પણ કોઈએ ખોલ્યું નહિ.
ગઈકાલે નગીનદાસ સાથે દાંડિયા ખેલીને ઘેર આવેલા મીઠાલાલે પુત્રના પરાક્રમ વિશે ટેમુની માને કહ્યું ત્યારે ટેમુની મા એકદમ ખિજાઈ ગઈ હતી.થોડા સમય પહેલા નગીનદાસ સાથે થયેલી માથાકૂટ એને યાદ આવી હતી.આજે ટેમુ કહ્યા વગર જ નીનાને લઈને ભાગી ગયો એટલે એની મા ગુસ્સે થઈ હતી.એને કોઈ છોકરો છોકરી આવી રીતે પ્રેમમાં પડીને ભાગી જાય એ બિલકુલ પસંદ નહોતું.
"મારો રોયો, જી મનમાં આવે ઈ જ કરવાનું. બાપને તો ગણતો જ નથી અને હું એની મા કંઈ હજી મરી નથી ગઈ તે મને પૂછ્યા વગર પરણવા ઉપડે ! આ ઘરમાં હું ઈ નગીનની છોડીને પગ મુકવા નઈ દવ,કય દવ છું તમને હા."
"ઈમ નો હોય હવે,ઈ બેયને જીવ મળી જ્યા હોય તો ભલે પૈણી જાય.છોડી તો ભારે રૂપાળી ને ભણેલી છે.દીવો લયન ગોતવા જશ તોય આવી છોડી તો નય જ મળે હમજી ? આપણી નાતમાં તો છોડીયુંને કોય ભણાવતું જ નથી.
આમાં આપડે કાંઈ ગુમાવવાનું નથી.જરીક ટાઢી પડ્ય ને લાંબો વચાર કર્ય.જી થાય ઈ હારા હાટુ જ થાય ભૂંડી." મીઠાલાલે નરમ અવાજે કહ્યું હતું.
"પણ મારી રજા ચીમ નો લીધી ? હું ઈની મા નથી ?''
"હેં ? તું ઈની મા નથી ? શું વાત કરછ ?"
"તમારું નામ મીઠાલાલ સે પણ મીઠાનો તો સાંટો'ય નથી તમારામાં. મેં ઈને નવ મઈના પેટમાં રાખીને જનમ દીધો સે તો ઈની મા હું જ હોવ ને ભૂંડ્યો."
"તે હંધાય બયરા નવ મઈના પેટમાં રાખીને જ છોકરા જણે સે.તેં કાંય નવી નવાઈનો નથી જણ્યો. બસ્સા મોટા થાય અટલે ઈને પાંખુ આવે ને ઉડી જાય. બધું તમને પુસી પુસીને નો કરે." મીઠાલાલનો મગજ પણ હવે આંટા મૂકી દેવાની તૈયારીમાં હતો.
"ઈ તો તમે જણો તો ખબર્ય પડે. મારે એવી ભણેલી વહુ લાવવી જ નથી.ભણેલી હોય અટલે ભેગી શેની રેશે.ઈને ભણતરનો પાવર હોય,ને પાસી નોકરી કરવા જાય અટલે ઘરનો ઢહરડો આખી જિંદગી મારે જ કરવાનો ! હું તો હવે સાવ થાકી ગઈ છું.ઈમ હતું કે હવે ટેમુડાને પૈણાવશું અટલે કામ વવ ઉપાડી લેહે ને મારે નિરાંત થઈ જાહે. પણ આતો ઈના ઈ જ દિ રે.સામુકનું મારે વવનું કામ સ્હોતે કરવું પડે. સાંજે આવે નોકરી કરીને થાકીપાકી.ઈની સાટું રસોઈ તો મારે જ બનાવી રાખવી પડે.પસી રવિવારે રજા હોય તો ઈ બેયને ચ્યાંક બાર્ય જાવું હોય.મારે ધડીકા જ લેવાના ને આખી જિંદગી !" આમ કહીને ટેમુની મા રડવા લાગી.
મીઠાલાલ પણ થોડો ઢીલો પડી ગયો.છોકરો કાયમ એનું ધાર્યું જ કરતો આવ્યો હતો.ક્યારેક એને મારવા લીધો હતો ત્યારે આ એની મા જ આડી ફરી હતી.હવે જ્યારે સાવ હાથથી ગયો ત્યારે રડવા બેઠી હતી.મીઠાલાલ જઈને ટેમુની મા પાસે બેઠો.એના આંસુ લૂછીને કહ્યું,
"જો હવે તું આમ રોવા નો બેહ. તેં જ લાડકોડ કરીને મોટો કર્યો છે. હવે આપડી સાટું થઈને ઈની જિંદગી કાંય બગાડાય ? આપડે માવતર કેવાવી.વહુ નોકરી કરશે તો પગાર લાવીને તારા હાથમાં નઈ મૂકે ? તું તુંતારે બે કામવાળી રાખી લેજે ને ! હેયને ઓસરીની ધારે બેહીને આખો દી કામ ચીંધ્યા કરજે.અલી એય આ કર્ય ને અલી એય ઓલ્યું કર્ય..તારે શું કામ ઢહરડો કરવો પડે.કામવાળીયું રાખીશું..એકાદી હું દુકાનમાંય રાખી લશ એટલે તારે સાવ નિરાંત હે હે હે..!" કહી મીઠાલાલ હસ્યો.
" ના હો દુકાનમાં નથી રાખવાની. અને બે કામવાળીની કાંય જરૂર નથી.એકાદી રાખશું રાખવી હોય તો. કામવાળી રાખવી એટલે તમે પાછા કામે નો જાવ તો ? મારે ઈ કાંય કરવું નથી."
"તો એક રાખશું બસ ! ઘરમાં સાફ સફાઈ થઈ જાય એટલે દુકાનમાંય કરે ને ઈતો."
"ના હો દુકાનમાં તો હું ઈને આવવા'ય નઈ દવ.મીંદડો બેઠો હોય નયાં કબૂતરીને નો મોકલાય.તમારી મને હંધિય ખબર છે.શું કામ તમારે કામવાળી રાખવી છે ઈં. મારા હાથ હજી ભાંગી નથી જ્યા. ભલે ટેમુડો ને ઈની વવ જલસા કરે.ઈ ચ્યાં કોક છે.વવને નોકરી કરવી હોય તો ભલે કરે."
"લે હમણે તો તું કે'તી નો'તી ? કે મારે હવે ચેટલુક કરવું ઈમ ?"
"ઈ તો કરો તો ખબર્ય પડે !"
"હા તે તું જેમ કશ ઈમ કરીશું બસ ? " મીઠાલાલે ખુશ થઈને કહ્યું.
બંનેએ પછી વાળું કર્યું અને ટેમુની ચિંતા કરતા કરતા સુઈ ગયા.છેક સવારે ડેલી ખખડી ત્યારે મીઠાલાલની ઊંઘ ઊડી.
ડેલી ખોલીને મીઠાલાલે ટેમુને એઇટી લઈને એકલો જ આવેલો જોયો.નીનાને જોવા મીઠાલાલે બજારમાં ડોકું કાઢીને બંને તરફ જોયું.
"હું એકલો જ આવ્યો છું.નીનાને હું મારા માટે નો'તો ભગાડી જ્યો. માલીકોર્ય ઘરવા દયો.હું હંધિય વાત કરું છું.'' મીઠાલાલને ફાંફાં મારતો જોઈ ટેમુએ કહ્યું.
"હું કાલે બધી વાત કરીશ. અત્યારે મને બહુ ઊંઘ આવે છે." ઘરમાં આવીને ટેમુએ એઇટી એની જગ્યાએ ઉભું કરીને કહ્યું.અને તરત એની રૂમમાં જઈને સુઈ ગયો. ફરીવાર મીઠાલાલ અને કડવી ટેમુને જોઈ રહ્યા.
"મારો રોયો કેવા સોઘડિયામાં જન્મ્યો સે ઈ તો જોવરાવો ? આ ક્યાંય મંગાળે મશ વાળે ઈમ લાગતું નથી..!" કડવીએ મીઠાલાલ પર ગુસ્સો ઠાલવ્યો.
'તારો છોકરો છે.એટલે આશા રાખવી નકામી છે."
"હું કાંય બજારેથી વેચાતો નથી લાવી.મારો સે એટલો તમારોય સે એટલે મૂંગા મરજો કવ સુ !"
"તમારે બેય મા દીકરાને જે કરવું હોય ઈ કરો.મને નો બોલાવતા કોય હવે.નકર મારા જેવો કોઈ ભૂંડો નહિ ભાળો બીજો." મીઠાલાલ પણ હવે ગુસ્સે થયો હતો.
કડવીએ થોડીવાર કકળાટ કર્યો. પછી ઘરકામમાં વળગી ગઈ.
*
આજ હુકમચંદ ખૂબ ખુશ હતો. મન પરથી બધો જ બોજ ઉતરી ગયો હતો.જ્યારે માણસ જીવનની આંધળી દોટ થંભાવીને બેઘડી પોરો ખાવા ઉભો રહે છે ત્યારે કદાચ એની હાંફ ઉતરતો હશે.એ સમયે કોઈ સમજાવવાવાળું મળે કે ભાઈ તું શું કામ આટલું દોડી રહ્યો છો ? ત્યારે માણસની આંખ ઉઘડતી હશે.હુકમચંદની આંખ મુનિશ્રીએ ઉઘાડી હતી.કારણ વગરની સાવ નકામી ઉપાધિઓ ઉપાડીને પોતે દોડી રહ્યો હતો.અને રાજકારણના કીચડમાં ફસાઈ ગયો હતો.કાવાદાવા અને કારસ્તાન કરવામાં ક્યાંય આગળ નીકળી ગયેલો હુકમચંદ આખરે ઘેર પાછો ફર્યો હતો.એની દીકરી અને એની પત્ની એની રાહ જોતા હતાં. જીવ કરતાંય વહાલી દીકરી સામે જોવાનું પણ એ ભૂલી ગયો હતો.વેરભાવના મનમાં રાખીને મારવા મરવા પર આવેલો હુકમચંદ આખરે પસ્તાવાની ગંગામાં નહાઈને હળવોફૂલ બની ગયો હતો.
ડેલીમાં બેસીને એણે આજ હુક્કો ગગડાવ્યો હતો.ચંચો, જગો અને નારસંગ પણ આવીને બેઠા હતા.હુકમચંદે તભાભાભા અને તખુભાને પણ આજ પોતાની ડેલીમાં બોલાવ્યા હતા.
કયારેય એવું બન્યું નહોતું કે તખુભા હુકમચંદના ઘેર ગયા હોય.પહેલા બને હરીફ હોવાથી એકબીજાની જાસૂસી કર્યા કરતાં. જાદવો, ખીમો અને ભીમો તખુભા માટે અને ચંચો,જગો અને નારસંગ હુકમચંદ માટે કામ કરતા હતા.
ચંચો તખુભાને આમંત્રણ આપવા આવ્યો ત્યારે એમને ખૂબ નવાઈ લાગી હતી. હુકમચંદ દવાખાને હતો ત્યારે એની ખબર પોતે જોઈ આવ્યા હતા.એ વખતે હુકમચંદ સાજો થયો નહોતો.કોઈએ એને પકડીને ક્યાંક પુરી રાખ્યો હતો અને ખૂબ માર માર્યો હતો એ જોઈ તખુભા ઘડીક તો ખુશ થયા હતા.પણ આખરે હુકમચંદ પોતાના ગામનો જ હતો.એટલે એમને દયા આવી હતી.છતાં તખુભા હુકમચંદના મામલામાં પડવા માંગતા નહોતા.'કરે એ ભરે' એમ માનીને એમણે હુકમચંદને એની હાલત પર છોડી દીધો હતો. જો કે હુકમચંદે ક્યારેય તખુભાની મદદ લીધી નહોતી કારણ કે એ પોતે જ કાવાદાવા કરવામાં પાક્કો ખેલાડી હતો.પણ શેરને માથે સવા શેર હોય જ એમ રણછોડ એને ભારે પડ્યો હતો.હુકમચંદે જો સાવધાની ન રાખી હોત તો ખુમાનસંગ એનું કાટલું કાઢયા વગર રહેવાનો નહોતો.
"પછી કાંય જાણવા મળ્યું ? કોણે આ કાળોકામો કર્યો છે ઈ ? પ્લાન તો પતાવી દેવાનો જ હતો એવું લાગ્યું..!" તખુભાએ ડેલીમાં બેઠક લઈને કહ્યું.
"જાણવાની ક્યાં જરૂર હતી તખુભા.મને ખબર જ છે કે કોણે કર્યું છે.પણ હવે મારે મારગ બદલી નાખવો છે.મુનિની આજ્ઞા માથે ચડાવીને મેં એને માફ કરી દીધો છે.મુનિ ન મળ્યા હોત તો ઈ આજ જીવતો નો હોત." હુકમચંદે કહ્યું.
"મારગ બદલવો છે ઈમ ? અટલે રાજકારણ મૂકી દેવું છે ? તો તો તખુભાને જ ફરીવાર સરપંચ બનાવી દયો." ભાભાએ કહ્યું.
"તખુભા એમ કોકના દીધેલા પદ ઉપર નો બેહે. સરપંચ બનવું હશે તો હું ચૂંટણી જીતીને સરપંચ બનીશ.હુકમચંદને જેને બનાવવો હોય એને બનાવે." તખુભાએ કહ્યું.
"હું એમ વાત નથી કરતો.મારગ બદલવો છે,મૂકી નથી દેવો.આજ પછી હુકમચંદ સત્યના માર્ગ પર જ ચાલશે એ કહેવા તમને મેં બોલાવ્યા છે.ભાભા મને નિયમ લેવડાવશે અને તખુભા સાક્ષી રહેશે.જ્યારે પણ હું કોઈ ખોટું કામ કરૂં ત્યારે તમે મને ઉભો રાખી દેજો.લોકોની સાચી સેવા જ કરવી છે હવે.મારે કોઈ અંગત સ્વાર્થ રહ્યો નથી."
હુકમચંદની વાત સાંભળીને તખુભા અને ભાભા અચરજથી એને જોઈ રહ્યા.એક સંતનો આટલી હદે કોઈ દુષ્ટ માણસ પર પ્રભાવ પડે એ નજરોનજર જોવા મળ્યું હતું.
તભાભાભાએ તરત તુલસીપત્ર અને પાણી મંગાવ્યું. ચંચો દોડીને બંને વસ્તુ લઈ આવ્યો. તભાભાભાએ હુકમચંદના હાથમ તુલસીનું પાન મુકાવીને પ્રણ લેવડાવ્યું કે આજ પછી હુકમચંદ હંમેશા સત્યના માર્ગે ચાલશે.
ચા પાણી કરીને બધા છુટા પડ્યા પછી વીજળી આવીને હુકમચંદને ભેટી પડી.હુકમચંદે એના માથે હાથ ફેરવીને કહ્યું, " બેટા તું રવિને કહે કે એના પિતાને લઈને આપણા ઘેર તારું માગું નાંખવા આવે.હું તારી મરજી મુજબ જ તને પરણાવીશ. રણછોડનું ઘર ખાધે પીધે સુખી જ છે.અને રવિ દીકરાએ જ મને એના ગોડાઉનથી હોસ્પિટલ પહોંચાડ્યો હતો.મને છોડાવવા જ એ બંને છોકરા આવ્યા હતા એ પણ મને ખબર પડી છે.તને એ ખૂબ જ સુખી રાખશે."
"પપ્પા..આ....તમે કેટલા સારા છો.પહેલા હતા એવા જ બની ગયા તમે.આઈ લવ યુ પપ્પા.." વીજળીની આંખમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા.
એ ક્ષણ હુકમચંદ માણી રહ્યો.જીવનમાં કેટલીક પળો એવી આવતી હોય છે કે જે અત્યંત અમૂલ્ય હોય છે.બાપ અને બેટી વચ્ચેના પ્રેમની એ પળ અત્યંત સુંદર હોય છે.બહુ ઓછા લોકો એવા નસીબદાર હોય છે જેમના જીવનમાં દીકરીનો અમૂલ્ય પ્રેમ હોય છે.
*
ડો.લાભુ રામાણીને પણ હુકમચંદના સમાચાર મળ્યા હતા.અમદાવાદ હતા ત્યારે હુકમચંદનું અપહરણ થયું હતું.પણ જ્યારે હુકમચંદ મળી આવ્યો ત્યારે ડોકટર ગામમાં હાજર થઈ ગયા હોવાથી હુકમચંદની ખબર જોવા જઈ શકાયું નહોતું.ડોક્ટરને હમણાં ફુરસદ પણ મળતી નહોતી કારણ કે રોગચાળો હમણાં વકર્યો હતો.
ડોકટર આવ્યા તે દિવસે તખુભા દવાખાને આવ્યા હતા.ડોકટરની કેબિનમાં બેસીને તખુભાએ ચંપા વિશે પૂછ્યું ત્યારે ચંપા દવા આપવા ડોકટરની કેબિનમાં આવતી હતી. પોતાની વાત સાંભળીને એ કેબિનના દરવાજે જ ઉભી રહી ગઈ.તખુભાએ ડોક્ટરને જે સલાહ આપી એ સાંભળીને મનોમન એ મુંજાઈ ગઈ.પણ ડોકટરે જે જવાબ આપ્યો એ સાંભળીને ડોકટર પ્રત્યે એને વધુ માન થયું.પણ તખુભા સુધી વાત પહોંચી એ એને ગમ્યું નહિ.તખુભા દવા લઈને ગયા પછી એ ડોકટરની કેબિનમાં આવી.
"તખુભા શું કહેતા હતા તમને ?" ચંપાએ ડોક્ટરને પુછ્યું.
"કંઈ નહીં એ તો ગામની વાત કરતા હતા.કહેતા હતા કે તમે બહુ લાંબી રજાઓ લીધી." ડોકટરને ચંપાને કહેવું ઉચિત ન લાગ્યું.
"એ સિવાય બીજું કંઈ નો કીધું ? મારી કંઈક વાત થઈ'તી ને ?"
"તારી વાત ? ના રે ના. તખુભા તારી શું વાત
કરે ?"
"સાચું ના કહો તો મારા સમ છે તમને. મેં બધું જ સાંભળ્યું છે પણ તમારા મોઢે સાંભળવું છે."
ડોકટર ચંપાને તાકી રહ્યા.ચંપાનો ચહેરો ઉતરી ગયો હતો.
"આપણા પ્રેમ પ્રકરણ વિશે કહેતા હતા.મને સલાહ આપતા હતા કે આ ઉંમરે તમારી જેવા માણસને આવું શોભે નહિ." ડોકટરે સહેજ હસીને કહ્યું.
"એમની વાત સાચી છે.આપણી વચ્ચે જે સબંધ છે એને લોકો લફરું કહે છે.અને મારા અને તમારા માટે 'ચાલુ' શબ્દ વાપરે છે.
આખા ગામને ખબર પડી ગઈ છે. હવે મારે શું કરવું ?"
"અબ પસ્તાવે ક્યા હોવેત, જબ ચીડિયા ચુગ ગઈ ખેત ! ડિયર ચંપુ, જે થવાનું હતું એ થઈ ગયું. તને શું લાગે છે ? મને નથી ખબર ? આવા સબંધ ક્યારેય છુપા રહેતા નથી હોતા.ક્યારેક તો કોઈ ને કોઈ જોઈ જ જાય.અને સમાજને એ ક્યારેય સ્વીકાર્ય હોતા જ નથી.કારણ કે સમાજને ટકાવી રાખવા કેટલાક નિયમોની દીવાલો ચણવામાં આવી છે.એટલે જાહેરમાં બધાએ એ નિયમો પાળવા ફરજિયાત હોય છે.પણ ખાનગીમાં કોઈને પાળવા નથી.સો માણસમાં તખુભા જેવો એકાદ એવો વિરલો નીકળે કે જે સીધો હોય.અમુક લોકોને જીવનમાં ક્યાંય વળાંક આવતો જ નથી એટલે એટલે સીધા રસ્તે જતા હોય છે.બાકી તક મળે તો સાધુ પણ સુંદરી સાથે સુઈ જતાં હોય છે. મળે તો કોઈ મૂકે એવા હોતા નથી. મારી પહેલા આ ગામના ઘણાએ તને દાણા નાખ્યા જ હશે.પણ તું એટલી સીધી હતી કે કોઈને ભાવ આપ્યો નહિ.પણ મારે તો તારી જરૂર જ હતી. એટલે મેં તને લાભ આપ્યો.અને તેં મને સાચવી લીધો.આપણે બંને રાજી છીએ.જો હું તારી મજબુરીનો લાભ લેતો હોઉં તો ચોક્કસ હું નાકાયક અને હરામખોર માણસ કહેવાઉં.લોકો તો વાતો કરવાના જ. કારણ કે પોતાને લાભ ન મળે એટલે બીજાની ઈર્ષા કરવી એ સામાન્ય લોકોનું લક્ષણ છે. પોતે કેમ સાચો સંત મહાત્મા હોય એમ બીજાની ટીકા કરતા કોઈ અચકાતો નથી.એટલે સમાજની આ ઊંચી વાડોમાં પહેલેથી જ લોકો છીંડા પાડતા આવ્યા છે.તું નાહકની ચિંતા ન કર.અને જો તને ડર લાગતો હોય તો હું તને આપણા સબંધમાંથી મુક્ત કરી દઈશ."
ચંપા ડૉક્ટરનું ભાષણ સાંભળીને વિચારમાં પડી ગઈ.એક તરફ એને ડોકટરની વાત સાચી લાગતી હતી તો બીજી તરત ગામલોકોનો ડર લાગતો હતો.
"કબૂતર બિલાડીને જોઈને આંખ બંધ કરી દે છે ત્યારે એ એમ સમજતું હોય છે કે બિલાડી હવે એને જોઈ નહિ શકે.પ્રેમમાં પડેલા લોકોનું પણ આવું જ હોય છે. આપણને એમ હોય છે કે કોઈને ખબર નહિ પડે અને કોઈને ખબર નથી. પણ હકીકતમાં એવું હોતું નથી.બધાને જ આપણા પ્રકરણની ખબર હોય છે પણ કોઈ મોં પર આપણને કહેતું નથી. આપણી ગેરહાજરીમાં આપણી વાતો થતી જ રહેવાની. સીતાજી તો પવિત્ર હતા તોય સમાજે એમને છોડ્યા નહોતા તો હું ને તું સુક્ષ્મ જંતુઓ છીએ માત્ર ! નાની એવી આ જિંદગીમાં લોકો શુ કહેશે એની ચિંતા કરીને જીવવા કરતા લોકોને જે કહેવું હોય એ કહે એમ રાખીને જીવનનો આનંદ લેવાનો.આપણે ક્યાં કોઈનું ખરાબ કરવું છે ? તો પછી જેને આપણી સાથે કોઈ લેવા કે દેવા જ નથી એવા લોકોની બીક રાખવી જ શુંકામ."
ડોકટર હજી વધુ લેક્ચર આપત પણ એમના ફોનની રિંગ વાગી. એમણે ભાષણ અટકાવીને ચંપા એક નજર ચંપા પર ફેંકી.
ચંપા મંદ મંદ મુશ્કેરાઈ રહી હતી.પણ ડોકટરે ફોનમાં જે વાત સાંભળી એને કારણે એમના ચહેરા પરથી લાઈટ ઓલવાઈ ગઈ હતી.
(ક્રમશ:)