તેજાબ - 12 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેજાબ - 12

૧૨. બ્લેક ટાઈગરનો ભેદ..

 દિલીપનો અવાજ સૌને માટે બોમ્બવિસ્ફોટ કરતાં પણ વધુ ખતરનાક પુરવાર થયો.

 ‘અ...આ....’ ચીફ સિક્યોરીટી ઓફિસર દહેશતભર્યા અવાજે બોલ્યો, ‘દિલીપ પાછો કેવી રીતે આવી ગયો ? એ તો અહીંથી વિદાય થઈ ગયો હતો.’

 પરંતુ બધા જાણે હિપ્નોટિઝમની અસર હેઠળ આવી ગયા હોય એમ બાઘાચકવા થઈ ગયા હતા.

 એક વખતે ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેનની છત પર ત્રણ માનવઆકૃતિઓ દેખાઈ.

 એ ત્રણેય હતા – કેપ્ટન દિલીપ, કર્નલ સુરેન્દ્ર ત્યાગી તથા બ્રિગેડિયર જશપાલસિંઘ !

 ‘દિલીપે આપણને છેતર્યા છે, બાબા. અંધારામાં રાખ્યા છે.’ ચીફ સિક્યોરીટી ઓફિસરે તીવ્ર અવાજે કહ્યું, ‘એ અહીંથી ગયો જ નહોતો. એણે અહીંથી જવાનું માત્ર નાટક જ કર્યું હતું.’

 ‘હા, એમ જ હોવું જોઈએ.’ નાસીરખાન પોતાની બગલઘોડી પર ઊછળતાં બોલ્યો.

 એ જ વખતે ત્રણેયે ટ્રેનની છત પર ઊભાં ઊભાં પોતાના હાથમાં જકડાયેલી સ્ટેનગનમાંથી ગોળીઓનો વરસાદ વરસાવ્યો.

 રાતના ભેંકાર સન્નાટામાં ગોળીઓના ભીષણ ધડાકા વચ્ચે કેટલાય ત્રાસવાદીઓની ચીસો ગુંજી ઊઠી.

 તેમની વચ્ચે નાસભાગ મચી ગઈ.

 ગોળીઓની હડફેટથી બચેલા ત્રાસવાદીઓ વળતી જ પળે છલાંગો મારતાં ત્યાં જ યાર્ડમાં ઊભેલી એક ટ્રેન પાછળ છુપાઈ ગયા. તેમના ત્રણ સાથીદારો માર્યા ગયા હતા.

 ‘બેવકૂફો !’ દિલીપનો બુલંદ અવાજ યાર્ડમાં પડઘા પાડતો ગુંજી ઊઠ્યો, ‘મે જ્યારે ‘સમજોતા એક્સપ્રેસ’ની તલાશી લીધી ત્યારે જ હથિયારો મારી નજરે ચડી ગયા હતાં, પરંતુ મને હથિયારોની ખબર પડી ગઈ છે એવું મે કોઈની સમક્ષ જાહેર ન કર્યું. કરણ કે હું હથિયારોની સાથે સાથે તમને બધાને પણ સપડાવવા માગતો હતો. અહીંનો ચીફ સિક્યોરીટી ઓફિસર તમારી સાથે ભળેલો છે એની પણ મને ‘બ્લેક ટાઈગરે’ આપેલી બાતમીથી ખબર પડી ગઈ હતી.’

 ‘બ્લેક ટાઈગર ! બ્લેક ટાઇગર !’ બીજી ટ્રેન પાછળ છુપાયેલો નાસીરખાન ધૂંધવાતા અવાજે બબડ્યો, ‘આ બ્લેક ટાઈગર કઈ બલા છે....શું ઈચ્છે છે ને શા માટે આદું ખાઈને આપણી પાછળ પડ્યો છે, એ જ મને તો કંઈ નથી સમજાતું.’

 ‘બાબા !’ ચીફ સિક્યોરીટી ઓફિસર ભયભીય અવાજે બોલ્યો, ‘આ ત્રણેય તો જીવતા રહેશે તો આપણે માટે ખૂબ જ ખતરનાક નીવડશે. હું તો મફતમાં જ માર્યો જઈશ.’

 ‘ચિંતા ન કર. આ ત્રણેયમાંથી કોઈ નહીં બચે.’

 અનવરે ડબ્બાની બાજુમાંથી ડોકું બહાર કાઢીને ‘સમજોતા એક્સપ્રેસ’ તરફ નજર કરી.

 વળતી જ પળે એના ચહેરા પર દુનિયાભરનું અચરજ ઊતરી આવ્યું.

 ‘શું થયું ?’ એના ચહેરાના હાવભાવ પારખીને નાસીરખાને પૂછ્યું.

 ‘સમજોતા એક્સપ્રેસ’ની છત પર તો હવે કોઈ નથી, બાબા !’ અનવરે જવાબ આપ્યો.

 ‘શું વાત કરે છે ?’

 બધાએ સામે ઊભેલી ‘સમજોતા એક્સપ્રેસ’ તરફ જોયું.

 અનવરની વાત સાચી હતી.

 ટ્રેનની છત પર અત્યારે ત્રણમાંથી કોઈ નહોતું.

 તેઓ કશુંય સમજે એ પહેલાં જ તેમણે પોતાની પાછળ કશીક હિલચાલનો આભાસ મળ્યો.

 બધાએ તરત જ પીઠ ફેરવીને પાછળ નજર કરી.

 વળતી જ પળે સમગ્ર યાર્ડ ફરીથી એક વાર ગોળીઓના ધમાકાથી ગુંજી ઊઠ્યું. 

 ત્રાસવાદીઓ પોતપોતાની રાઈફલો સંભાળે એ પહેલાં જ તેમની લાશો ઢળવા લાગી.

 તેમની દારુણ ચીસોથી વાતાવરણ ખળભળી ઊઠ્યું.

 એ જ દરમિયાન થોડા ત્રાસવાદીઓને નાસવાની તક પણ મળી ગઈ.

 ચીસો વચ્ચે તેમનાં પગલાંનો અવાજ પણ ગુંજ્યો.

 હવે ત્યાં આઠ ત્રાસવાદીઓના મૃતદેહો પડ્યા હતા.

 આ આઠ જણમાં ચીફ સિક્યોરીટી ઓફિસરનો પણ સમાવેશ થઈ જતો હતો.

 પોતાની કરણીની સજા એને મળી ગઈ હતી.

 ‘ત્રણ ત્રાસવાદીઓ નાસી છૂટ્યા છે.’ દિલીપે જોરથી બૂમ પડી, ‘તેમને પણ શોધો. તેઓ યાર્ડમાં જ ક્યાંક હોવા જોઈએ.’

 ત્યાર બાદ દિલીપ, કર્નલ સુરેન્દ્ર ત્યાગી તથા જશપાલસિંઘ આખા યાર્ડમાં ફરી વળ્યા.

 પરંતુ ત્રણેય ત્રાસવાદીઓનો ક્યાંય પત્તો ન લાગ્યો. 

 તેઓ કોણ જાણે ક્યાં ગુમ થઈ ગયા હતા.

 ગોળીઓની રમઝટ તથા ચીસો સાંભળીને હવે અટારી સ્ટેશનના અન્ય સુરક્ષા કર્મચારીઓ પણ ધીમે ધીમે ત્યાં એકઠા થવા લાગ્યા હતા.

 જે ત્રણ ત્રાસવાદીઓ નાસી છૂટ્યા હતા એ હતા – નાસીરખાન, રેશમા તથા અનવર !

* * *

 એ જ રાત્રે દિલીપે ફરી એક વાર ટ્રાન્સમીટર પર નાગપાલનો સંપર્ક સાધ્યો.

 ‘શું સમાચાર છે, દિલીપ ?’ નાગપાલે ઉત્સુક અવાજે પૂછ્યું. 

 ‘સમાચાર તો ખૂબ જ સારા અને ઉત્સાહજનક છે અંકલ !’ દિલીપે પ્રસન્ન અવાજે કહ્યું, ‘આજે અમે પાકિસ્તાનથી સમજોતા એક્સપ્રેસ ટ્રેનમાં મોકલાયેલી હથિયારોની ખેપને પણ ત્રાસવાદીઓ સુધી નથી પહોંચવા દીધી. બધાં હથિયારો અમે કબજે કરી લીધાં છે. બંકરનો ખડૂસલો બોલાવ્યા બાદ ત્રાસવાદીઓ પર આ અમારો બીજો મોટો પ્રહાર હતો.’

 ‘વેરી ગુડ...! કોન્ગ્રેચ્યુલેશન, પુત્તર !’

 ‘થેંક યૂ અંકલ ! હવે મારા સવાલનો જવાબ આપો’, દિલીપ ઉત્સુક અવાજે બોલ્યો, ‘અત્યારે આપણા આઈ.આર.એસ. ઉપગ્રહની શું પોઝિશન છે ?’

 ‘એની પોઝિશન તારી સૂચના પ્રમાણે થઈ ગઈ છે.’ 

 ’ઓહ...તો તેને પાકિસ્તાનના મિસાઈલ સેંટર પરથી ખસેડીને બોર્ડેરલાઇન પર કેન્દ્રિત કરી નાખવામાંઆવ્યો છે, ખરું ને ?’ 

 ‘હા....’

 ‘થેંક યૂ.’

 ‘આમાં આભાર માનવા જેવી કોઈ વાત નથી, પુત્તર !’ નાગપાલનો ગંભીર અવાજ ગુંજ્યો, ‘આ મિશન આખા દેશનું છે. તમામ ભારતીયોનું છે. આ મિશનમાં આપણી સાથે સાથે હિન્દુસ્તાનનો એકેએક નાગરિક જોડાયેલો છે. હવે એક બીજા આનંદના સમાચાર પણ સાંભળીને લે. આઈ.આર.એસ. ઉપગ્રહે અંકુશરેખાની થોડી તસવીરો પણ મોકલી છે. આ તસવીરો પરથી કમાન્ડોઝની સ્થિતિ વિશે ઘણી માહિતી આપણને મળી છે. તસવીરમાં સરહદની પેલે પાર મશ્કોહ ઘાટીવાળા વિસ્તારમાં અમુક લશ્કરી છાવણીઓ દેખાઈ છે. ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થયેલી તસવીરો પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે ત્યાં પાકિસ્તાની સૈનિકોની હિલચાલ પણ વધુ પ્રમાણમાં છે. કમાન્ડોઝ મશ્કોહ ઘાટીવાળા વિસ્તારમાં જ મોજૂદ હોય એવું લાગે છે.’

 ‘ઓહ....’

 ‘તારે ઉપગ્રહ દ્વારા પ્રાપ્ત થયેલી તસવીરો જોવી હોય તો હું મોકલવાની વ્યવસ્થા કરું.’

 ‘ના, એની કંઈક જરૂર નથી અંકલ !’ દિલીપ બોલ્યો, ‘બસ, આઈ.આર.એસ. ઉપગ્રહ દ્વારા બોર્ડેરલાઈન પર થોડા દિવસો સુધી ચાંપતી નજર રખાવો અને ક્યાંય કોઈ અજુગતી હિલચાલ કે બનાવ બને તો તરત જ મને જાણ થાય એવી ગોઠવણ કરો.’

 ‘ભલે, થઈ જશે. બીજું કંઈ ?’

 ‘ના, બીજું કંઈ નથી.’

 ‘ઓ.કે. ગુડ બાય.’

 ‘ગુડ બાય !’ કહીને દિલીપે સંપર્ક કાપી નાખ્યો.

* * *

 ભૂગર્ભમાં આવેલ ત્રાસવાદીઓના અડ્ડામાં શોકમય વાતાવરણ હતું.

 બધા ત્રાસવાદીઓ ગમગીન, ઉદાસ અને ચિંતાતુર ચહેરે બેઠા હતા.

 ત્રાસવાદીઓની સંખ્યા પણ બહુ નહોતી.

 માત્ર આઠ-દસ જણ જ હતા. જેમાં નાસીરખાન, રેશમા તથા અનવરનો પણ સમાવેશ થઈ જતો હતો.

 ‘આ બરાબર નથી થયું.’ નાસીરખાન શોકમગ્ન હાલતમાં બબડતો હતો, ‘આજના બનાવની આપણા કાલના ભવિષ્ય પર બહુ માઠી અસર થશે.’

 અનવર અવારનવાર પોતાનો જમણો ખભો દબાવતો હતો.

 એના જમણા ખભામાં એક ગોળી વાગી હતી. ગોળી તો કાઢી લેવામાં આવી હતી પરંતુ ખભામાં હજુ પણ અસહ્ય પીડા થતી હતી. 

 ‘બાબા !’ એ વેદનાથી કણસતા અવાજે બોલ્યો, ‘જ્યારથી આ દિલીપડો ઘાટીમાં આવ્યો છે, ત્યારથી જ આપણા માઠા દિવસો શરૂ થઈ ગયા છે. ડગલે ને પગલે આપણે નિષ્ફળતાનું મોં જોવું પડે છે. એક સાંધીએ ત્યાં તેર તૂટે એવી હાલત આપણે માટે સર્જાય છે.’

 ‘સૌથી અગત્યની વાત તો એ છે બાબા, કે....’ રેશમાએ ચિંતાતુર અવાજે કહ્યું, ‘કમાન્ડોઝની ઘૂસણખોરીનો દિવસ નજીક આવતો જાય છે. કમાન્ડોઝને સફળતાથી ઘુસાડવા માટે આપણી પાસે પૂરતા પ્રમાણમાં શસ્ત્રો નથી. અધૂરામાં પૂરું કરવું હોય તેમ છેલ્લા થોડા દિવસોમાં આપણા ઘણા બહાદુર સાથીદારો માર્યા ગયા છે’

 ‘ખરેખર વિકટ પરિસ્થિતિ છે.’ નાસીરખાને પોતાના રૂ જેવા સફેદ વાળમાં હાથ ફેરવ્યો, ‘પરવેઝ પણ એ લોકોની ચુંગાલમાં સપડાઈ ગયો. આપણી પાસે જેટલા દિલેર સાથીદારો હતા એ બધા એક એક કરીને ખતમ થતા જાય છે.’

 ‘હું એક સલાહ આપું, બાબા ?’ નાસીરખાનની સામે ઊભેલા એક યુવાન ત્રાસવાદીએ સહેજ ખમચાટભર્યા અવાજે કહ્યું. 

 ‘બોલ...’ નાસીરખાને પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

 ‘આપણે અત્યારની પરિસ્થિતિથી આઈ.એસ.આઈ.ના ચીફ કુરેશીસાહેબને વાકેફ કરવા જોઈએ. તેઓ આપણે માટે હથિયારોની બીજી કોઈક વ્યવસ્થા કરશે.’

 ‘ના....’ નાસીરખાનના ગળામાંથી હિંસક પશુના ઘુરકાટ જેવો અવાજ નીકળ્યો, ‘આ જંગ આપણો છે. આપણો પોતાનો. આપણે બીજાઓના એટલા મોહતાજ પણ ન બનવું જોઈએ કે ડગલે ને પગલે આપણને મદદની જરૂર પડે. શસ્ત્રોની વ્યવસ્થા હવે આપણે પોતે જ કરવી પડશે.’

 ‘પણ આપણે હથિયારોની વ્યવસ્થા ક્યાંથી કરીશું, બાબા ?’ રેશમાએ સહેવ વ્યાકુળ અવાજે પૂછ્યું.

 ‘એનો પણ એક ઉપાય મેં વિચાર્યો છે. મારા મગજમાં એક યોજના છે.’

 ‘શું ?’

 નાસીરખાન તેમને પોતાની યોજનાની વિગતો જણાવવા લાગ્યો.

*******

 સૂર્યોદય થયો અને ચારે તરફ અજવાળું ફેલાતાં જ ૧૮ ગ્રેનેડીયર્સ બટાલિયનની લશ્કરી ચોકી પર જબરદસ્ત ધમાચકડી મચી ગઈ.

 શોરબકોર સાંભળીને દિલીપની ઊંઘ ઊડી ગઈ. એ જલદી જલદી પોતાના નાઈટગાઉનની દોરી બાંધતો બહાર નીકળ્યો. ચોકીના આંગણામાં અનેક સૈનિકો મોજૂદ હતા. એલ્યોર પહાડી તથા આજુબાજુનાં શિખરો પર જે સૈનિકો પહેરો ભરતા હતા તેઓ પણ નીચે ઊતરી આવ્યા હતા.

 તેમનામાંથી થોડા સૈનિકો આમતેમ દોડાદોડી કરતા હતા.

 ફોજીચોકી પર કશુંક અવનવું બન્યું છે એ સ્પષ્ટ રીતે દેખાઈ આવતું હતું.

 ‘શું થયું ?’ દિલીપે તેમની પાસે પહોંચીને પૂછ્યું.

 ‘મિસ્ટર દિલીપ !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગી ચિંતાતુર અવાજે બોલ્યો ‘રાત્રે ત્રાસવાદીઓ ચોકીના શસ્ત્રાગારમાંથી મોટી સંખ્યામાં શસ્ત્રો લૂંટી ગયા છે.’

 ‘શું...?’ દિલીપે ચમકીને પૂછ્યું.

 ‘હા, મિસ્ટર દિલીપ !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગીનો અવાજ પૂર્વવત ચિંતાતુર હતો, ‘તેઓ મોટા પ્રમાણમાં રાઈફલો, કારબાઈનો, મોર્ટાર બોમ્બ, હેન્ડગ્રેનેડ બોમ્બ તથા રોકેટ લોન્ચરો લૂંટી ગયા છે. રાત્રે તેઓ આ બધાં શસ્ત્રોનો મોટો જથ્થો ઉઠાવી ગયા છે.’

 સુરેન્દ્ર ત્યાગીની વાત સાંભળીને દિલીપનાં રોમેરોમ ઊભાં થઈ ગયાં.

 ‘પણ આજુબાજુનાં શિખરો પર સૈનિકોનો આટલો કડક ચોકીપહેરો રહે છે તો પછી ત્રાસવાદીઓ કેવી રીતે શસ્ત્રો લૂંટી શક્યા ?’ એણે નર્યા અચરજથી પૂછ્યું.

 ‘મિસ્ટર દિલીપ !’ બ્રિગેડિયર જશપાલસિંઘ શસ્ત્રાગાર તરફથી આવતાં સહેજ નંખાઈ ગયેલા અવાજે બોલ્યો, ‘જે કંઈ બન્યું એમાં આપણી જ ભૂલછે.’

 ‘આપણી ભૂલ ?’ દિલીપના અચરજનો પાર ન રહ્યો.

 ‘હા...’

 ‘કેવી રીતે ?’

 ‘શિખરો પર ચોક્કસ સૈનિકોનો પહેરો રહે છે.’ જશપાલસિંઘ બોલ્યો, ‘પરંતુ સૈનિકોનું ધ્યાન ચોકી તરફ નથી હોતું. તેઓ દૂરબીનની મદદથી ઘાટીમાં દૂર દૂર સુધી નજર રાખતા હોય છે. એટલું જ નહીં, તેમની પીઠ ચોકી તરફ હોય છે. બસ, ત્રાસવાદીઓએ તેમની આ જ સ્થિતિનો લાભ ઉઠાવ્યો. આમેય ત્રાસવાદીઓ આપના જ શસ્ત્રાગારમાંથી શસ્ત્રો લૂંટવાની હિંમત દાખવશે એ વાતની તો આપણે કલ્પના પણ કરી શકીએ તેમ નહોતા. ઘાટીમાં આ જાતનો બનાવ તો આ પહેલી જ વાર બન્યો છે.’

 દિલીપે ગાઉનના ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવી.

 અત્યારે એ બહુ જ મૂંઝવણ અનુભવતો હતો.

 ‘તમે લોકો એક વાત બરાબર સમજી લો.’ એણે સીગારેટનો કસ ખેંચતાં કહ્યું.

 ‘શું?’

 ‘હવે ટૂંક સમયમાં જ સરહદ પરથી ઘૂસણખોરી થશે, કારણ કે ઘૂસણખોરી માટે ત્રાસવાદીઓ પાસે એક જ વસ્તુ ખૂટતી હતી –શસ્ત્રો. હવે શસ્ત્રો પણ તેમણે મેળવી લીધાં છે.’

 ‘તમે સાચું કહો છો, મિસ્ટર દિલીપ !’ કર્નલ સુરેન્દ્ર ત્યાગી વ્યાકુળ અવાજે બોલ્યો, ‘આપણે ઘૂસણખોરીનો સામનો કરવો પડશે એ વખત હવે આવી ગયો છે. આપણે હવે વધુ સાવચેતી રાખવી પડશે.’

 વાતાવરણમાં રહસ્યમય સન્નાટો છવાઈ ગયો.

 ત્યાર બાદ સૈનિકોને જરૂરી સૂચના આપીને દિલીપ ફોજીચોકીના પોતાના રૂમમાં પાછો ફર્યો અને ઝપાટાબંધ તૈયાર થવા લાગ્યો.

 એ હવે પોતાનું સમગ્ર ધ્યાન મશ્કોહ ઘાટી તરફ કેન્દ્રિત કરવા માગતો હતો.

 એ વિસ્તારમાંથી જ ઘૂસણખોરી થવાની વધુ શક્યતા હતી.

 અચાનક એના ટ્રાન્સમીટરમાંથી બીપ બીપ નો અવાજ ગુંજવા લાગ્યો.

 દિલીપે તરત જ ઓવરકોટના ચોરખિસ્સામાંથી ટ્રાન્સમીટર સેટ કાઢી હેડફોન કાન પર મૂકીને માઈક હાથમાં પકડ્યું.

 ‘હલ્લો...હલ્લો..’ એણે માઈકમાં સહેજ ઊંચા અવાજે કહ્યું, ‘કેપ્ટન દિલીપ સ્પીકિંગ!’ 

 ‘મિસ્ટર દિલીપ !’ સામે છેડેથી એક ઘોઘરો અવાજ એના કાને અથડાયો, ‘હું બ્લેક ટાઈગર બોલું છું.’

 બ્લેક ટાઈગરનો અવાજ સાંભળતાં જ દિલીપ સજાગ થઈ ગયો.

 એની બધી ઇન્દ્રિયો જાગૃત બની ગઈ.

 ‘યસ બ્લેક ટાઈગર ! શું સમાચાર છે ?’ એણે ધીમા પણ ગંભીર અવાજે પૂછ્યું.

 ‘સમાચાર ખૂબ જ સનસનાટીથી ભરપૂર છે, મિસ્ટર દિલીપ !’ બ્લેક ટાઈગરનો ઘોઘરો અવાજ તેને સંભળાયો, ‘ત્રાસવાદીઓએ ફોજીચોકીના શસ્ત્રાગારમાંથી પુષ્કળ માત્રામાં શસ્ત્રો લૂંટી લીધાં છે એ સમાચાર તો તમને મળી જ ગયા હશે.?’

 ‘હા, મળી ગયા છે ! ખરેખર હચમચાવી મૂકે એવી વાત છે.’ દિલીપ બોલ્યો.

 ‘તો હવે એના કરતાં પણ વધુ હચમચાવી મૂકે એવા સમાચાર સાંભળો.’

 ‘શું?’

 ‘કમાન્ડોઝની ઘૂસણખોરીનો દિવસ નક્કી થઈ ગયો છે.’

 ‘એમ ?’ દિલીપે ચમકીને પૂછ્યું.

 ‘હા...’

 ‘ક્યારે ?’

 ‘પરમ દિવસે.’

 ‘પરમ દિવસે કેટલા વાગ્યે ?’

 ‘પરમ દિવસે રાત્રે બરાબર બે વાગ્યે પાકિસ્તાની કમાન્ડોઝ મશ્કોહ ઘાટીની ભયંકર ખાઈઓ પાર કરીને ભારતની સરહદમાં દાખલ થશે. એ જ સમયે ભારતીય સૈનિકો પર બંને તરફથી ભીષણ ગોળીબાર પણ કરવામાં આવશે. સરહદની પેલે પારથીપાકિસ્તાની ફોજ અને આ તરફથી ત્રાસવાદીઓ ગોળીબાર કરશે. જોકે અત્યારે ત્રાસવાદીઓની સંખ્યા ઓછી છે, પરંતુ કાલે બારામૂલા તથા ગુલમર્ગથી પણ ઘણા ત્રાસવાદીઓ અહીં પહોંચી જશે.’

 ‘ઓહ...તો આનો અર્થ એ થયો કે ઘૂસણખોરી માટે જોરશોરથી તડામાર તૈયારીઓ ચાલે છે, એમ ને?’

 ‘હા...’

 ‘ઘૂસણખોરીના સમયમાં કોઈ ફેરફાર થવાની શક્યતા તો નથી ને?’ દિલીપે શંકાભર્યા અવાજે પૂછ્યું.

 ‘ના..’ સામેથી ગુંજતો બ્લેક ટાઈગરનો અવાજ મક્કમ હતો, ‘પરમ દિવસની રાત્રે બે વાગ્યે કોઈ પણ સંજોગોમાં અચૂક ઘૂસણખોરી થશે જ. આ ઉપરાંત મારે તમને એક બીજી પણ અગત્યની વાત જણાવવી છે.’

 ‘શું?’

 ‘હું તમને મળવા માગું છું, મિસ્ટર દિલીપ ! કમસે કમ એક વખત તમારી સામે મારા ચહેરા પરથી નકાબ ઉતારી નાખવાની મારી ઈચ્છા છે.’

 દિલીપને જોરદાર આંચકો લાગ્યો.

 ‘તું સાચું કહે છે ?’

 ‘હા, મિસ્ટર દિલીપ ! હું એક વખત ચોક્કસ તમને મળવા માગું છું.’

 બ્લેક ટાઈગરનું કથાન સાંભળીને દિલીપ રોમાંચ અનુભવવા લાગ્યો.

 ‘ક્યારે મળીશ?’

 ‘આજે રાત્રે જ.’

 ‘કઈ જગ્યાએ ?’

 ‘કુકરથાંગ ગામ પાસે રાજા-રજવાડાંના યુગની એક ખૂબ જ પ્રાચીન હવેલી છે. અત્યારે તો હવેલીનાં માત્ર ખંડેરો જ રહ્યાં છે.હું એ જ ખંડિયેરમાં તમને મળવા માગું છું. આજે રાત્રે બરાબર બાર વાગ્યે હું ત્યાં તમારી રાહ જોઇશ.’

 ‘ભલે..’ દિલીપ ગંભીર અવાજે બોલ્યો, ‘હું સમયસર ત્યાં પહોંચી જઈશ.’

 ‘ઓ. કે....ગુડબાય...’

 ‘ગુડ બાય...’

 દિલીપે ટ્રાન્સમીટર બંધ કર્યું.

 એ હજી પણ પોતાના સમગ્ર દેહમાં રોમાંચભરી ધ્રુજારી અનુભવતો હતો.

 આજે રાત્રે બ્લેક ટાઈગર સાથે પોતાની મુલાકાત થવાની છે એ વાત જ રોમાંચ પમાડવા માટે પૂરતી હતી. અલબત્ત, બ્લેક ટાઈગર કોણ હશે એનું અનુમાન એણે કરી લીધું હતું.

 એનું અનુમાન સાચું છે કે ખોટું એની ખાતરી આજે રાત્રે થઈ જવાની હતી.

 દિવસ પણ કશીયે નવાજૂની વગર પસાર થઈ ગયો.

 રાત્રે તૈયાર થઈને દિલીપ પોતાના રૂમમાંથી બહાર નીકળ્યો અને ફોજીચોકીના કમ્પાઉન્ડમાં ઊભેલી એક મિલિટરી જીપ તરફ આગળ વધ્યો.

 ૧૮ ગ્રેનેડીયર્સ બટાલિયનના સૈનિકો હવે પૂરી ચોકસાઈથી પહેરો ભરતા હતા.

 ‘એલ્યોર પહાડી’ પર પણ મોટી સંખ્યામાં સૈનિકો મોજૂદ હતા. એટલું જ નહીં, તેઓ હવે ચોકી પર નજર રાખતા હતા.

 દિલીપ જીપ પાસે પહોંચ્યો એ જ વખતે તેને બ્રિગેડિયર જશપાલસિંઘપોતાની તરફ આવતો દેખાયો.

 ‘હલ્લો, મિસ્ટર દિલીપ !’ એણે દૂરથી જ ઉષ્માભેર કહ્યું.

 ‘હલ્લો...’ દિલીપ ધીમેથી માથું હલાવતાં બોલ્યો.

 જશપાલસિંઘ એની પાસે આવ્યો.

 ‘આટલી મોડી રાત્રે અહીં શું કરો છો ?’ દિલીપે પૂછ્યું.

 ‘કંઈ નહીં......ઊંઘ નહોતી આવતી એટલે કમ્પાઉન્ડમાં લટાર મારવા નીકળ્યો છું.’ જશપાલસિંઘે જવાબ આપ્યો અને પૂછ્યું, ‘પણ અત્યારે તમે ક્યાં જાઓ છો ?’

 ‘એક જરૂરી કામસર બહાર જાઉં છું.’

 ‘ના....આટલી મોદી રાત્રે આ રીતે તમારું એકલા જવું યોગ્ય નથી. આ આખોય વિસ્તાર ત્રાસવાદીઓનો છે અને અહીં અવારનવાર છમકલાં થતાં રહે છે. તેમ છતાંય જો તમારું જવું એકદમ અનિવાર્ય હોય તો હું તમારી સાથે આવું છું.’

 ‘ના, મિસ્ટર સિંઘ !’ દિલીપે તરત જ તેને અટકાવ્યો, ‘હું એવી જગ્યાએ જવા માંગું છું કે જ્યાં મારે એકલાએ જ જવું પડશે.’

 ‘એવી તે કઈ જગ્યા છે એ ?’ જશપાલસિંઘે ભવાં સંકોચીને પૂછ્યું.

 એની આંખોમાં શંકાનાં કૂંડાળા રચાયા.

 ‘હાલતુરત આ બાબતમાં હું તમને વધુ કંઈ જણાવી શકું તેમ નથી.’ દિલીપ બોલ્યો, ‘તમે બસ એટલું જાણી લો કે મારે તાબડતોબ ત્યાં એકલા પહોંચવું પડે તેમ છે.’

 ‘મિસ્ટર દિલીપ !’ જશપાલસિંઘે કહ્યું, ‘તમારી વાત ખૂબ જ અટપટી છે.’

 ‘હા...’

 ‘છતાંય કંઈક તો જણાવો.’

 દિલીપ વ્યાકુળ થઈ ગયો.

 જશપાલસિંઘ પોતાને સહેલાઈથી નહીં જવા ડે એ વાત તે સમજી ચૂક્યો હતો.

 એની નજર વારંવાર પોતાની કાંડાઘડિયાળ પર પહોંચી જતી હતી.

 અગિયાર વાગીને ઉપર પાંત્રીસ મિનિટ થઈ ગઈ હતી.

 એણે પચીસ મિનિટમાં કુકરથાંગ ગામ સુધી પહોંચવાનું હતું..

 ‘ઓ.કે....હું એક શરતે તમને બધું કહેવા માટે તૈયાર છું.’ છેવટે એ બોલ્યો.

 ‘કેવી શરત ?” 

 ‘હું ક્યાં જાઉં છું એ વાત તમારે કોઈ ત્રીજા માણસને નહીં કહેવાની.’

 ‘મને મંજૂર છે.’

 ‘તો સાંભળો...’ કહેતાં કહેતાં દિલીપનો અવાજ એકદમ ધીમો થઈ ગયો, ‘આજે બ્લેક ટાઈગર સાથે મારી મુલાકાત થવાની છે.’

 ‘શું વાત કરો છો ?’ જશપાલસિંઘની આંખો નર્યા અચરજથી વિસ્ફારિત બની ગઈ, ‘બ્લેક ટાઈગર સાથે મુલાકાત ?’

 ‘હા...’

 ‘કંઈ જગ્યાએ ?’

 ‘કુકરથાંગ ગામ પાસે કોઈક પ્રાચીન હવેલીના ખંડેરમાં. બાર વાગ્યે બ્લેક ટાઈગર ત્યાં આવવાનો છે. પરંતુ જો હું કોઈને સાથે લઈ જઈશ તો બ્લેક ટાઈગર મારી નજીક પણ નહીં ફરકે.’

 ‘ઓહ....’ જશપાલસિંઘ બબડ્યો.

 ‘હવે હું જાઉં છું. મારે હજુ કુકરથાંગ પહોંચવાનું છે.’ દિલીપે વ્યાકુળતાથી પોતાની કાંડાઘડિયાળમાં નજર કરતાં કહ્યું. ત્યાર બાદ તે જીપનો દરવાજો ઉઘાડીને ડ્રાયવિંગ સીટ પર બેસી ગયો, ‘ઓ.કે., ગુડનાઈટ મિસ્ટર સિંઘ !’

 ‘ગુડનાઈટ !’

 વળતી જ પળે જીપનું એન્જિન ગર્જી ઊઠ્યું.

 દિલીપે ક્લચ દબાવી જીપને ગિયરમાં નાખીને મજબૂતીથી સ્ટીયરિંગ પકડી લીધું.

 મિલિટરીની શક્તિશાળી જીપ કમ્પાઉન્ડમાંથી બહાર નીકળીને કુકરથાંગ ગામ તરફ દોડવા લાગી.

 બ્રિગેડિયર જશપાલસિંઘ હજુ પણ સ્તબ્ધ બનીને કમ્પાઉન્ડમાં જ ઊભો હતો.

 દિલીપની જીપ પૂરપાટ વેગે ઉબડખાબડ માર્ગ પર ધસમસતી હતી.

 સુસવાટાભેર ફૂંકતા ઠંડા પવનથી બચવા માટે દિલીપે ઓવરકોટનો કોલર ઊંચો ચડાવી રાખ્યો હતો.

 એના દિમાગમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું.

 થોડી વાર પછી એણે કુકરથાંગથી થોડે દૂર આવેલી હવેલી પાસે પહોંચીને જીપ ઊભી રાખી.

 અહીં સુધી પહોંચવામાં તેને ખાસ કોઈ તકલીફ નહોતી પડી.

 પ્રાચીન હવેલીનાં એ ખંડેરો સત્તરમી સદીનાં લાગતાં હતાં.

 દિલીપે હવેલીનું નિરીક્ષણ કર્યું. એક જમાનામાં આ હવેલી કોઈક રજવાડાની શાન હોવી જોઈએ એવું લાગતું હતું. કેટલાય એકરમાં વિસ્તરેલી હવેલી લાલ પથ્થરની બનેલી હતી. તેમાં ઠેકઠેકાણે ઝરૂખા દેખાતા હતા. અંદર લાંબી-પહોળી લોબીઓ તથા વિશાળ હોલ હતા.

 હવેલીની નિર્માણપદ્ધતિ મોગલકાળની યાદ તાજી કરાવતી હતી. 

 પરંતુ આજે આ શાનદાર હવેલીની મોટા ભાગની દીવાલો તથા છત તૂટેલાં હતાં. ઠેકઠેકાણે કરોળિયાની જાળ તથા ધૂળના ઢગલા દેખાતા હતા.

 દિલીપ સાવચેતીથી નકશીકામ કરેલા એક દરવાજા પાસે પહોંચીને ઊભો રહ્યો. અંધારું હોવા છતાંય થોડા પ્રયાસોથી તે બધું સ્પષ્ટ રીતે જોઈ શકતો હતો. 

 પરંતુ બ્લેક ટાઈગર તેને ક્યાંય ન દેખાયો.

 દિલીપે દરવાજા પાસે જ ઊભા રહીને તેની રાહ જોવાનું નક્કી કર્યું.

 બાર વાગી ગયા હતા.

 પાંચેક મિનિટ પછી અચાનક તેને અંદર કોઈકની હાજરીનો આભાસ મળ્યો. વળતી જ પળે એણે ઓવરકોટના ગજવામાંથી પોતાની રિવોલ્વર ખેંચી કાઢી.

 ‘કોણ છે ?’ એણે જોરથી બૂમ પાડી.

 પરંતુ કોઈ જવાબ ન મળ્યો.

 ‘કોણ છે અહીં ?’ એણે ફરીથી બૂમ પડી.

 પરંતુ આ વખતે પણ પહેલાંની માફક જ ઘેરી ચુપકીદી છવાયેલી રહી.

 દિલીપ બિલ્લીપગે દરવાજો વટાવીને વિશાળ, લાંબી-પહોળી લોબીમાં પહોંચ્યો.

 લોબીમાં પણ કોઈ નહોતું.

 અલબત્ત, કોઈકનાં પગલાંનો અવાજ સતત ગુંજતો હતો. 

 દિલીપ ત્યાં જ ઊભો રહી ગયો. એણે રિવોલ્વર પોતાની છાતીથી એકાદ ફૂટ દૂર સામેની દિશામાં તાકી રાખી હતી.

 લોબીના વળાંક પર આવીને પગલાંનો અવાજ અટકી ગયો. દિલીપ ત્યાં ઊભો છે એ વાત કદાચ આગંતુક પણ સમજી ચૂક્યો હતો અને એટલા માટે જ તે લોબીમાં વળવાને બદલે અટકી ગયો હતો.

 ‘કોણ છે...?’ દિલીપે પુનઃ બૂમ પાડી, ‘જે કોઈ હોય તે સામે આવો.’

 થોડી પળો બાદ ફરીથી પગલાંનો અવાજ ગુંજી ઊઠ્યો.

 આ વખતે અવાજ દિલીપ તરફ જ આવતો હતો. 

 આગંતુક બ્લેક ટાઈગર જ હતો એમાં શંકાને કોઈ સ્થાન નહોતું.

 તે નજીક આવ્યો કે તરત જ દિલીપ એને ઓળખી ગયો.

 અને બ્લેક ટાઈગર બીજું કોઈ નહીં પણ રેશમા જ હતી....!

 નાસીરખાન, અનવર વગેરે ત્રાસવાદીઓની સાથીદાર રેશમા.....!

**************