તેજાબ - 8 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તેજાબ - 8

૮. દુશ્મનની ચાલાકી...!

 બંકરમાં ગુંજતો ધુઆંધાર ગોળીઓ છૂટવાનો તથા ચીસોનો અવાજ હવે થોડો ઓછો થઈ ગયો હતો.

 મોટા ભાગના ત્રાસવાદીઓ માર્યા ગયા હતા.

 છતાંય હજુ પણ ઘણી જગ્યાએ સૈનિક તથા ત્રાસવાદીઓ વચ્ચે યુદ્ધ ચાલતું હતું.

 નાસીરખાન બંકરના છેડે પાછળના ભાગમાં આવેલા એક રૂમમાં હતો. આ રૂમમાં જ નાસી છૂટવાનો ગુપ્ત માર્ગ હતો. અત્યારે બે ત્રાસવાદીઓ પૂરી તાકાત અને સ્ફૂર્તિથી રૂમની એક દીવાલ તોડતા હતા. દીવાલની બરાબર પાછળ એક સુકાયેલો કૂવો હતો અને આ કૂવો ‘ટાઈગર હિલ’ની નજીકમાં જ હતો. કટોકટીના સમયે કૂવાના માર્ગેથી નાસી છૂટવાના હેતુથી જ આ ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો હતો.

 દીવાલમાંથી ત્રણ-ચાર ઇંટો નીકળતાં જ કૂવો દેખાવા લાગ્યો.

 ‘તમારા હાથ જરા ઉતાવળથી ચલાવો.’ નાસીરખાન ચિંતાતુર અવાજે બોલ્યો.

 અત્યારે રેશમા, અનવર તથા બીજા એક-બે ત્રાસવાદીઓ પણ ત્યાં જ હતાં.

 રેશમા થોડી પળો પહેલાં જ ત્યાં આવી હતી.

 ‘હવે આપણું અહીં વધુ સમય સુધી રોકાવું યોગ્ય નથી, બાબા...!’ એણે ભયભીત અવાજે કહ્યું, ‘આપણા મોટા ભાગ્નાજેહાડીઓ માર્યા ગયા છે અને જે બચ્યા છે તેઓ ચારે તરફથી સૈનિકો વચ્ચે ઘેરાયેલા છે. આપણા હથિયારો પણ સૈનિકોએ કબજે કરી લીધાં છે.’

 ‘અને પરવેઝ....?’ નાસીરખાને ખમચાટભર્યા અવાજે પૂછ્યું.

 ‘પરવેઝસાહેબ વિશે સ્પષ્ટ રીતે કશુંય કહી શકાય તેમ નથી.’ રેશમા બોલી, ‘કેપ્ટન દિલીપ સાથે તેમની લડાઈ ચાલુ જ છે. જો તેઓ દિલીપ પર કાબૂ મેળવી લેશે તો બંકરમાંથી બહાર નીકળવાનું કામ તેમણે માટે કંઈ મુશ્કેલ નથી.’

 એ જ વખતે દીવાલમાંથી કેટલીયે ઇંટો ઉખડીને બીજી તરફ જઈ પડી. સાથે જ કોઈ પણ માણસ સહેલાઈથી રૂમમાંથી કૂવામાં જઈ શકે એટલો માર્ગ દીવાલમાં થઈ ગયો.

 એ જ પળે એકસામટી કેટલીયે ચીસો તેમના કાને અથડાઈ.

 આ ચીસો તેમના જેહાદીઓની જ હતી. 

 ‘આપણા બીજા પણ થોડા સાથીદારો સૈનિકોની ગોળીનો ભોગ બની ગયા લાગે છે, બાબા !’ એક ત્રાસવાદી ભયથી કંપતા અવાજે બોલ્યો.

 ‘યા ખુદા...’ નાસીરખાન બંને કાનની બૂટ પકડતાં બબડ્યો, ‘આ તું અમને ક્યાં ગુનાની સજા કરે છે ? અમારા પર આવો જુલમ શા માટે વરસાવે છે ?’

 અનવર બીજા રૂમમાંથી એક લાંબી સીડી લાવીને સીડી સહિત ગુપ્ત માર્ગેથી કૂવામાં પહોંચી ગયો. પછી એણે કૂવામાં એક જગ્યાએ સીડી ગોઠવી દીધી. સીડી લાંબી હોવાને કારણે તે સહેલાઈથી કૂવાની પાળ સુધી પહોંચી જતી હતી.

 ‘ચાલો બાબા....!’ એણે બાકોરામાંથી અંદર ડોકિયું કરતાં કહ્યું, ‘અહીંથી નીકળી જવાની બધી તૈયારીઓ થઈ ગઈ છે.’

 નાસીરખાન, રેશમા તથા બંને ત્રાસવાદીઓ બાકોરામાં થઈને કૂવામાં પહોંચી ગયાં.

 ત્યાર બાદ સીડી દ્વારા ઉપર પહોંચવામાં તેમણે જરા પણ વાર ન લાગી.

 ઉપર દૂર દૂરથી ‘ટાઈગર હિલ’નાં ગગનચુંબી શિખરો અંધકારમાં પણ તેઓ જોઈ શકાતાં હતાં.

 બંકરમાં હજુ પણ લડાઈ ચાલુ જ હતી.

* * *

 ૧૬ ગ્રેનેડીયર્સ બટાલિયનની લશ્કરી છાવણીમાં એ દિવસે કોઈક મોટાં ઉત્સવ જેવું વાતાવરણ હતું. બધા સૈનિકો ખુશખુશાલ દેખાતા હતા. ઘાટીમાં ઘણા દિવસો પછી ભારતીય સૈનિકોને આવી સફળતા મળી હતી અને આ સફળતા દિલીપને કારણે મળી છે એ વાત બધા જાણતા હતા.

 યોજના મુજબ તેમણે આખા તાલોમકેન્દ્રનો ખાત્મો બોલાવી દીધો હતો. એટલું જ નહીં, ત્યાંથી જંગી માત્રામાં શસ્ત્રો પણ કબજે કર્યા હતા. બંકર છોડતાં પહેલાં એમણે ત્યાં શક્તિશાળી ટાઈમબોમ્બ ગોઠવી દીધા હતા જેને કારણે સમગ્ર બંકરના ભુક્કા બોલી ગયા હતા. 

 બધા ત્રાસવાદીઓની કબર ત્યાં જ બની ગઈ હતી.

 દિલીપે બેભાન પરવેઝને લાવીને ફોજી છાવણીના કેદખાનામાં પૂરી દીધો હતો. દિલીપને એક જ વાતનું દુખ હતું; નાસીરખાન છટકી ગયો હતો. એનો પત્તો નહોતો લાગ્યો. બાકી તે પરવેઝની સાથે સાથે એને પણ પકડવા માગતો હતો.

 સવાર પડી ગઈ હતી. ચારે તરફ અજવાળું પથરાયેલું હતું.

 રાત્રે શરૂ થયેલ બરફવર્ષા હવે થંભી ગઈ હતી. વાતાવરણમાં હાડ થીજવતી ઠંડક પ્રસરેલી હતી.

 સવારે ઓફિસરો સાથે ચા-નાસ્તો પતાવ્યા બાદ દિલીપ કેદખાનામાં પહોંચ્યો.

 એણે કેદખાનાનો દરવાજો ઉઘાડ્યો.

 આ એ જ કેદખાનું હતું કે જ્યાં પહેલાં સલીમ રઝાને રાખવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે એ ત્યાં ક્યાંય નહોતો દેખાતો. 

 કેદખાનાની ખરબચડી જમીન પણ એક ખૂણામાં પરવેઝ બેઠો હતો. એના હાથ-પગ મજબૂતીથી બાંધેલા હતા. થોડી વાર પહેલાં જ તે ભાનમાં આવ્યો હતો અને ભાનમાં આવ્યા પછી એણે પોતાની જાતને આ કેદખાનામાં જોઈ હતી.

 ‘કેમ છો પરવેઝ ?’ દિલીપ ધીમે ધીમે તેની તરફ આગળ વધતાં બોલ્યો.

 પરવેઝે કંઈ જવાબ ન હતો.

 ‘અત્યારે તું ભારતીય લશ્કરની કેદમાં છો એ તો તને સમજાઈ જ ગયું હશે.’ દિલીપે સહેજ થંભીને પોતાની આંગળીઓ વચ્ચે જકડાયેલી સિગારેટમાંથી કસ ખેંચ્યા બાદ પુનઃ આગળ વધતાં કહ્યું, ‘રાત્રે હું તને બંકરમાંથી બેભાન હાલતમાં જ અહીં લાવ્યો હતો.’

 આ વખતે પણ પરવેઝ કશુંય બોલ્યા વગર ચૂપચાપ એની સામે તાકી રહ્યો.

 ‘આ ઉપરાંત હું તને એક બીજાં આનંદના સમાચાર આપવા માગું છું.’ એણે ચૂપ જોઈને દિલીપ ફરીથી બોલ્યો ‘જે બંકરમાં તમે લોકો ત્રાસવાદીઓ આતેનું તાલીમકેન્દ્ર ચલાવતા હતા એનો જડમુળથી નાશ થઈ ગયો છે. અમે શક્તિશાળી ટાઈમબોમ્બ ફીટ કરીને બંકરના ભુક્કા બોલાવી દીધા છે 

. હવે ત્યાં ફક્ત બંકરનો કાટમાળ જ પડ્યો છે. બંકરમાં જેટલા ત્રાસવાદીઓ હતા એ બધા મોતને ઘાટ ઊતરી ગયા છે.’

 ‘બ...બધા જ...?’ પરવેઝે કંપતા અવાજે પૂછ્યું.

 ‘હા...’

 પરવેઝની આંખો સામે નાસીરખાનનો ચહેરો તરવરી ઊઠ્યો.

 શું બાબા પણ માર્યા ગયા હશે ? એણે મનોમન વિચાર્યું. જો બાબા મૃત્યુ પામ્યા હશે તો તો આ મિશનની કરોડરજ્જુ જ ભાંગી જશે.તો તો પછી કાશ્મીરની ધરતી પર ત્રાસવાદીઓ માટે તાલીમકેન્દ્રો ખોલવાનું પાકિસ્તાનનું સપનું ભાગ્યે જ સાકાર થશે.

 ‘શું વિચારે છે, પરવેઝ.?’ દિલીપે સીગારેટનો એક વધુ કસ ખેંચતાં પૂછ્યું.

 ‘ક....કંઈ નહીં..!’

 ‘હું અત્યારે તને એક ફર્સ્ટ ક્લાસ, સુંદર મજાની ભેટ આપવા માટે અહીં આવ્યો છું.’ પરવેઝની નજીક પહોંચીને ઊભો રહેતાં દિલીપ બોલ્યો, ‘ભેટ જોઈને તને ખૂબ જ આનંદ થશે એની મને પૂરી ખાતરી છે.’

 ‘ભ...ભેટ..?’ પરવેઝે ચમકીને પૂછ્યું.

 એના દિમાગમાં તરત જ જોખમની ઘંટડી રણકી ઊઠી.

 ‘હા...! એ ભેટ ગઈ કાલથી તારી રાહ જુએ છે. હું હમણા જ તને એનાં દર્શન કરાવું છું.’ વાત પૂરી કર્યા બાદ દિલીપ કેદખાનામાં જમણી તરફ આગળ વધ્યો.

 ત્યાં થોડે દૂર એક નાનકડો રૂમ હતો. દિલીપ એ રૂમમાં દાખલ થઈ ગયો અને થોડી પળો પછી એક સ્ટ્રેચરને ધકેલતો ધકેલતો બહાર નીકળ્યો.

 કોઈક અજ્ઞાત આશંકાથી પરવેઝના ધબકારા એકદમ વધી ગયા.

 એ સ્ટ્રેચર પર સફેદ ચાદરથી ઢાંકેલો એક મૃતદેહ પડ્યો હતો.

 દિલીપે પરવેઝની સામે પહોંચીને સ્ટ્રેચર ઊભું રાખી દીધું.

 ‘અ...આ કોની લાશ છે ?’ પરવેઝે કંપતા અવાજે પૂછ્યું.

 ‘તારી નજરે જ જોઈ લે કે કોની લાશ છે.’ આટલું કહીને દિલીપે એક આંચકા સાથે મૃતદેહના ચહેરા પરથી ચાદર ખસેડી નાખી.

 મૃતદેહને ઓળખતાં જ પરવેઝ ઊછળી પડ્યો. એના મોંમાંથી ચીસ નીકળતાં નીકળતાં રહી ગઈ.

 એ મૃતદેહ સલીમ રઝાનો હતો.

 ‘સ....સલીમ રઝા...!’

 ‘કેમ...ભેટ ગમી કે નહીં ?’ દિલીપે કટાક્ષભર્યું સ્મિત રેલાવીને પરવેઝ સામે જોતાં પૂછ્યું.

 પરવેઝનો ચહેરો જાણે સમગ્ર લોહી નિચોવી લેવામાં આવ્યું હોય એમ ધોળો પૂણી જેવો થઈ ગયો હતો.

 જ્યારે દિલીપ સિગારેટના કસ ખેંચતો કેદખાનામાં આમથી તેમ આંટા મારતો હતો.

 ‘સ...સલીમ તમારા કબજામાં હતો ?’ છેવટે પરવેઝે હિંમત એકઠી કરીને પૂછ્યું.

 ‘હા...’ દિલીપે જવાબ આપતાં કહ્યું,’સલીમ જ્યારે મુંબઈના વી.ટી. સ્ટશન પર બોમ્બ મૂકવા માટે ગયો હતો ત્યારે જ મુંબઈની પોલીસે તેને પકડી લીધો હતો.

 ‘પણ એણે તો ત્યાર પછી પણ ટ્રાન્સમીટર પર મારી સાથે વાત કરી હતી.’

 ‘એ વાત સલીમે પોતે નહોતી કરી પરવેઝ..!’ દિલીપ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો,’તારી સાથે મેં જ ટ્રાન્સમીટર પર વાત કરાવી હતી. સલીમ તરફથી અમને પુરેપુરો સહકાર મળતો હતો અને તેને મોતને ઘાટ ઉતારવાની મારી બિલકુલ ઈચ્છા નહોતી. સલીમને કારણે જ અમને ત્રાસવાદીઓના તાલીમકેન્દ્ર વિશે જાણવા મળ્યું હતું, તારે વિશે માહિતી મળી હતી. એટલું જ નહીં, પાકિસ્તાની કમાન્ડોઝ ભારતમાં ઘૂસણખોરી કરવાના છે એ પહેલાં ત્રાસવાદીઓને સપ્લાય કરવા માટે શસ્ત્રોની ખેપ આવવાની છે એ બધું અમને સલીમે જ જણાવ્યું હતું.’

 ‘સલીમ તમને આટલો બધો સહકાર આપતો હતો તો પછી તમે એને શા માટે મારી નાખ્યો ?’ પરવેઝે નર્યા આશ્ચર્યથી દિલીપ સામે તાકી રહેતાં પૂછ્યું.

 ‘મેં હમણા જ કહ્યું તેમ સલીમને મારવાની મારી બિલકુલ ઈચ્છા નહોતી.’ દિલીપ બોલ્યો, ‘પોતાના આ અંજામ માટે એ પોતે જ જવાબદાર છે.’

 ‘કેવી રીતે..?’

 ‘કાલે સલીમે એક ભયંકર ભૂલ કરી હતી.’ દિલીપનો અવાજ એકદમ શાંત અને ગંભીર હતો, ‘કાલે એણે સહેજ તક મળતાં જ કેદખાનામાંથી છૂટવાનો પ્રયાસ કર્યો. આ પ્રયાસની કિંમત તેને પોતાના જીવથી ચૂકવવી પડી. મેં તરત જ એને ગોળી ઝીંકી દીધી. ગોળી વાગતાં જ એ વગર ટીકીટે ખુદાગંજ પહોંચી ગયો. બસ, ખેલ ખતમ..!’

 દિલીપની વાત સાંભળીને પરવેઝનો ફિક્કો ચહેરો વધુ ફિક્કો પડી ગયો.

 ‘હવે હું તને એક સવાલ પૂછું છું.’ સલીમના મૃતદેહ પર પુનઃ કપડું ઢાંક્યા બાદ દિલીપ સ્ટ્રેચરને પાછળ સરકાવીને પરવેઝ સામે જોતાં બોલ્યો, ‘હથિયારોની ખેપ ભારતમાં ક્યારે ને કેવી રીતે આવવાની છે એ તારે મને જાણાવવાનું છે.’ કહેતાં કહેતાં સહજ ભાવે જ ગજવામાંથી પોતાની રિવોલ્વર કાઢીને હાથમાં રમાડવા લાગ્યો, ‘પરંતુ જવાબ આપતી વખતે એક વાત ખાસ ધ્યાનમાં રાખજે.’

 ‘શ...શું ?’

 ‘જો તું જુઠાણું ચલાવીશ અથવા તો ચાલાક બનવાનો પ્રયાસ કરીશ તો તને શૂટ કરતાં હું સહેજ પણ નહીં અચકાઉં. સલીમ અમને પુરેપુરો સહકાર આપતો હતો પરંતુ તેમ છતાંય મેં બેધડક તેને શૂટ કરી નાખ્યો હતો.’ આ વખતે દિલીપના કઠોર અવાજમાં ચેતવણીનો સૂર પણ સ્પષ્ટ રીતે પરખાઈ આવતો હતો.

 દિલીપનું કથન સાંભળીને પરવેઝના ગળાનો કાકડો જોરથી ઊંચોનીચો થયો.

 ‘બોલ, હથિયારોની ખેપ ક્યારે ભારત આવવાની છે ?’ દિલીપે એની સામે રિવોલ્વર તાકતાં પૂછ્યું.

 ‘હ..હું ખરેખર આ બાબતમાં કશુંય નથી જાણતો.’

 પરવેઝની વાત પૂરી થતાંની સાથે જ દિલીપની રીવોલ્વરમાંથી આગનો લિસોટો વેરતી એક ગોળી છૂટી.

 ગોળીના ધડાકાની સાથે સાથે પરવેઝની ચીસ પણ ગુંજી ઊઠી.

 ગોળી પરવેઝના પગમાં વાગી હતી અને ત્યાંથી હવે લોહીનો ફુવારો ઊડતો હતો.

 ‘મેં તને કહ્યું હતું ને કે...’ દિલીપના અવાજમાં કારમો રોષ ગાજતો હતો, ‘હું તારા પર ગોળી છોડતાં બિલકુલ નહીં અચકાઉં. સીધી રીતે મારા સવાલનો જવાબ આપવામાં જ તારું કલ્યાણ છે.’

 ‘મ...મારા પર ભરોસો રાખો, મિસ્ટર દિલીપ...!’ પરવેઝ પોતાનો ઘવાયેલો પગ પકડીને ભયથી કંપતા અવાજે બોલ્યો, ‘પાકિસ્તાનથી હથિયારોની ખેપ ક્યારે આવવાની છે એની ખરેખર હજુ સુધી મને કંઈ ખબર નથી.’

 દિલીપની આંગળી ફરીથી ટ્રિગર તરફ આગળ વધી.

 ‘ના...’ પરવેઝ ભયભીત અવાજે જોરથી બોલી ઊઠ્યો, ‘ના...’

 દિલીપ અટકી ગયો.

 ‘બાય ગોડ...!’ પરવેઝ પૂર્વવત અવાજે બોલ્યો, ‘મને ખરેખર કંઈ ખબર નથી. પ્લીઝ, મારા પર ભરોસો રાખો. જો મને ખબર હોત તો હું ચોક્કસ તમને જણાવી દેત.’

 ‘કેમ....? શા માટે ખબર નથી..?’ આ વખતે દિલીપે સહેજ નરમ અવાજે પૂછ્યું.

 ‘મિસ્ટર દિલીપ, પાકિસ્તાનથી ક્યારે અને કેવી રીતે હથિયારો આવવાનાં છે એની માહિતી મને અથવા તો નાસીરબાબાને બે દિવસમાં આપવામાં આવશે.’

 ‘માહિતી કોણ આપવાનું છે ?’

 ‘આઈ.એસ.આઈ. ના ચીફ જનાબ અબ્દુલ વહીદ કુરેશીસાહેબ.’

 કુરેશીનું નામ્સામ્ભાલીને દિલીપ ચમક્યો. થોડા સમય પહેલાં જ તે કુરેશી સાથે અથડામણમાં આવી ચૂક્યો હતો. (કુરેશીએ રશિયામાં ભારતના વડાપ્રધાનનું અપહરણ કરીને કારગિલ યુદ્ધ વખતે પકડાયેલા કેદીઓને છોડાવવાનું જે કાવતરું ઘડ્યું હતું તેને દિલીપ તથા નાગપાલે જીવસટોસટનું જોખમ ખેડીને નિષ્ફળ બનાવ્યું હતું. વધુ માટે વાંચો “પ્રહાર “)

 ‘કુરેશી તારી સાથે ટ્રાન્સમીટર પર વાત કરવાનો છે ?’ દિલીપે પૂછ્યું.

 ‘હા...’

 ‘તારું ટ્રાન્સમીટર ક્યાં છે ?’

 ‘પરવેઝ ચુપ રહ્યો.

 વળતી જ પળે દિલીપની રિવોલ્વરની મૂઠ પૂરી તાકાતથી એના મોં પર ઝીંકાઈ. પરવેઝ તીવ્ર પીડાથી હચમચી ઊઠ્યો. આ પીડામાંથી તે સ્વસ્થ થાય એ પહેલાં જ દિલીપે વજનદાર બૂટની લાત એના પેટ પર ફટકારી દીધી.

 પરવેઝનો ચહેરો પારાવાર પીડાને કારણે તરડાઇ ગયો.

 ‘મારા સવાલનો જવાબ આપ, પરવેઝ...!’ દિલીપે કર્કશ અવાજે કહ્યું, ‘મારા તરફથી કોઈ પણ જાતની ડાયા કે રહેમની આશા રાખીશ નહીં.’

 ‘ટ...ટ્રાન્સમીટર મારા પેન્ટના અંદરના ખિસ્સામાં છે.’ પરવેઝ હાંફતા અવાજે બોલ્યો.

 દિલીપે એના પેન્ટના અંદરના ગજવામાંથી ટ્રાન્સમીટર કાઢી લીધું.

 અત્યારે એના હોઠ પર સફળતાભર્યું સ્મિત ફરકતું હતું.

 ત્યાર બાદ પરવેઝને એ જ હાલતમાં પડતો મૂકીને તે લાંબાં લાંબાં ડગલાં ભરતો ત્યાંથી બહાર નીકળી ગયો.

*******

 નાસીરખાન, રેશમા, અનવર તથા બાકી બચેલા બે ત્રાસવાદીઓ અત્યારે ભૂગર્ભમાં આવેલા એક નાનકડા ખંડમાં મોજુદ હતાં. બન્કરમાંથી નાસી છુટ્યા પછી તેમણે અહીં આશરો લીધો હતો. આ સ્થળે પણ ત્રાસવાદીઓનો જ એક અડ્ડો હતો અને તે દ્રાસ સેક્ટરમાં મટીયન જતી સડકની બરાબર નીચે ભૂગર્ભમાં હતો. નજીકમાં કુકરથાંગ નામનું એક ગામડું હતું.

 ભૂગર્ભનો રસ્તો નાનાં-મોટાં શિખરો વચ્ચે હતો. શિખરોની વચ્ચે પડેલો એક મોટો પથ્થર ખસેડ્યા પછી ભૂગર્ભમાં જવાની સીડી સ્પષ્ટ દેખાતી હતી.

 દિવસનો સમય હોવા છતાંય ભૂગર્ભના હોલમાં અજવાળા માટે ચાર-પાંચ મશાલો સળગતી હતી.

 મશાલોના પીળા પ્રકાશમાં હોલનું વાતાવરણ ખૂબ જ રહસ્યમય ભાસતું હતું.

 ત્યાં જમીન પર ચટાઈઓ પાથરેલી હતી જેના પર અત્યારે પંદર-વીસ ત્રાસવાદીઓ બેઠા હતા. એ બધા ત્રાસવાદીઓ બીજાં સંગઠનના હતા અને આ ભૂગર્ભમાં તેમનો કાયમી વસવાટ હતો.

 સમગ્ર હોલમાં ગમગીનીભર્યો સન્નાટો છવાયેલો હતો.

 ‘ટાઈગર હિલ’ વાળા બંકરમાં ભારતીય સૈનિકોએ જે બરબાદી કરી હતી...જે કોપ વરસાવ્યો હતો, એણે બધાંને હચમચાવી મુક્યાં હતાં. એ બનાવના આઘાતમાંથી તેઓ હજુ પણ જાણે કે બહાર નહોતાં આવ્યાં.

 બંકરનાં દૃશ્યો નજર સામે તરવરતાં જ તેમનાં કાળજાં ફફડી ઉઠતાં હતાં.

 ત્યાં પોતાના સાથીદારોની તેમણે ભારતીય સૈનિકોના હાથે જે દુર્દશા થતી જોઈ હતી તેની કલ્પના માત્રથી જ એમનાં રૂંવાડાં ઊભાં થઈ જતાં હતાં.

 ‘જે કંઈ થયું છે તે બરાબર નથી થયું.’ છેવટે નાસીરખાન ચુપકીદીનો ભંગ કરતાં બોલ્યો, ‘આપણા લગભગ બધા જ જેહાદીઓ માર્યા ગયા છે. એક તો આપણી પાસે પહેલેથી જ શસ્ત્રોની કમી હતી અને હવે જે થોડાંઘણાં શસ્ત્રો હતાં એ પણ ભારતીય સૈનિકોના કબજામાં ચાલ્યાં ગયાં છે.’

 ‘આપ હથિયારોની ચિંતા ન કરો, બાબા.’ ત્યાં જ રહેતા એક ત્રાસવાદીએ કહ્યું, ‘અમારી પાસે પણ થોડાં હથિયારો છે.’

 ‘એનાથી શું વળે...?’ નાસીરખાન બોલ્યો, ‘એટલાં હથિયારોના જોર પર ક્યાં સુધી આ જંગ ચાલુ રાખી શકીશું ?’

 હોલમાં ચુપકીદી છવાઈ ગઈ. નાસીરખાનની વાત પણ મુદ્દાની હતી.

 ‘બાબા...!’ રેશમાએ કહ્યું, ‘આપણા આ જંગનો બધો આધાર હવે પાકિસ્તાનથી આવનારી હથિયારોની ખેપ પર જ છે એમ કહું તો અતિશયોક્તિ નહીં ગણાય.’

 ‘તારી વાત મુદ્દાની છે. પરંતુ હથિયારોની એ ખેપ તો કોણ જાણે ક્યારે ને કેવી રીતે આવશે.’ નાસીરખાન ચિંતામિશ્રિત વ્યાકુળ અવાજે બોલ્યો, ‘આ બાબતમાં આપણે કશુંય નથી નથી જાણતાં અને સૌથી મોટી વાત તો એ છે કે પરવેઝનો પણ કંઈ પત્તો નથી.’

 ‘એક વાત કહું, બાબા ?’ અનવરે સહેજ ગભરાટભર્યા અવાજે પૂછ્યું.

 ‘બોલ...’ નાસીરખાને પ્રશ્નાર્થ નજરે એની સામે જોયું.

 ‘પરવેઝસાહેબ વિશે જ્યારે જ્યારે હું વિચારું છું, ત્યારે કોણ જાણે કેમ મને એવું લાગે છે કે તેઓ હવે હયાત નથી.’

 ‘આ તું શું બકે છે ?’ નાસીરખાન જોરથી બરાડ્યો.

 ‘હું સાચું જ કહું છું, બાબા !’ અનવર કંપતા અવાજે બોલ્યો, ‘કોણ જાણે કેમ મારું અંતરમન કહે છે કે પરવેઝસાહેબ કેપ્ટન દિલીપના હાથે શહીદ થઈ ગયા છે.’

 અનવરની વાત સાંભળીને નાસીરખાનને પરસેવો વળી ગયો.

 પરવેઝના મોતની કલ્પના માત્રથી જ એના છક્કા છૂટી ગયા હતા.

* * *

 એ આખો દિવસ દિલીપ વ્યસ્ત રહ્યો. સરહદના જે વિસ્તારમાંથી ઘૂસણખોરી થવાની શક્યતા હતી, એ બધા વિસ્તારોનું એણે હેલીકોપ્ટરમાં બેસીને નિરીક્ષણ કર્યું. કૂપવાડા સેક્ટરની ગુલામ રીઝ પહાડી, ડોડા સેક્ટરનો કળણ વાળો વિસ્તાર, મશ્કોહ ઘાટીની ખાઈઓ તેમજ ‘ટાઈગર હિલ’ની આજુબાજુનો વિસ્તાર...આ બધાં સ્થળોનું એણે બારીકાઇથી અવલોકન કર્યું હતું.

 એ આ બધા વિસ્તારોનું અવલોકન કરીને પાછો ફર્યો ત્યારે બપોરનો સમય થઈ ગયો હતો. કર્નલ સુરેન્દ્ર ત્યાગી એની સાથે જ હતા. ત્યાગીએ તેને એક એક સ્થળ તથા પાકિસ્તાની લશ્કરની હિલચાલથી સંપૂર્ણ રીતે માહિતગાર કર્યો હતો.

 સરહદનો આ વિસ્તાર ખરેખર ખૂબ જ ખતરનાક હતો.

 દિલીપનું હેલીકોપ્ટર લશ્કરની છાવણીમાં ઊતર્યું ત્યારે બપોરના બે વાગ્યા હતા.

 ‘મિસ્ટર દિલીપ...!’ સુરેન્દ્ર ત્યાગી બોલ્યો, ‘સરહદની હાલત પરથી સ્પષ્ટ રીતે જણાઈ આવે છે કે હજુ કમસે કમ બે-ત્રણ દિવસ સુધી ઘૂસણખોરી નહીં થાય. સાધારણ રીતે જ્યારે ઘૂસણખોરી થવાની હોય એના કેટલાય દિવસ પહેલાં જ સરહદ પર પાકિસ્તાની લશ્કરની હિલચાલ વધી જાય છે. તેમની તોપના મોં સામેની તરફ ફરી જાય છે અને સરહદ પર હેલીકોપ્ટરોનાં ચક્કર વધી જાય છે. પરંતુ અત્યારે એવું કશું જ નથી દેખાતું.’

 ‘હમણાં ઘૂસણખોરી થશે પણ નહીં.’ દિલીપે બેદરકારીથી ખભા ઊછાળતાં કહ્યું.

 ‘કેમ ?’

 ‘કારણ કે ત્રાસવાદીઓની યોજના મુજબ પહેલાં હથિયારોની ખેપ આવશે.’

 ‘બરાબર છે, પરંતુ હથિયારોની ખેપ ક્યારે આવશે એની પણ અત્યારે તો આપણને કંઈ ખબર નથી.’ સુરેન્દ્ર ત્યાગી વ્યાનુકુળ અવાજે બોલ્યો.

 ‘ચિંતા ન કરો...ટૂંક સમયમાં જ એ વાતની પણ ખબર પડી જશે.’

 દિલીપ ઓવરકોટનાં બંને ગજવામાં હાથ નાખીને છાવણીની ઈમારત તરફ આગળ વધતો હતો.

 અચાનક એના જમણા હાથમાંથી બીપ...બીપ...નો અવાજ ગુંજવા લાગ્યો. આ અવાજ પરવેઝના ટ્રાન્સમીટરમાંથી ગુંજતો હતો.

 કોઈક પરવેઝ સાથે વાત કરવા માંગતું હોય એવું લાગતું હતું.

 દિલીપે તરત જ ગજવામાંથી ટ્રાન્સમીટર કાઢીને ચાલુ કર્યું.

 ‘હલ્લો...હલ્લો..!’ વળતી જ પળે ટ્રાન્સમીટરના સ્પીકરમાંથી અવાજ ગુંજવા લાગ્યો, ‘પરવેઝ....પરવેઝ....!’

 અવાજ સાંભળીને દિલીપના રૂંવાડા ઊભાં થઈ ગયાં.

 હજારો માણસોના અવાજો વચ્ચેથી પણ તે આ અવાજને અલગ તારવી શકે તેમ હતો.

 એ અવાજ આઈ.આઈ.આઈ. ના ચીફ અબ્દુલ વહીદ કુરેશીનો હતો.

 કુરેશી પરવેઝ સિકંદર સાથે વાત કરવા માગતો હતો.

 દિલીપે તરત જ ટ્રાન્સમીટર ઓફ કરી નાખ્યું.

 ‘શું થયું....?’ દિલીપની સાથે ચાલી રહેલા કર્નલ સુરેન્દ્ર ત્યાગીએ ચમકીને પૂછ્યું.

 ‘આઈ.એસ.આઈનો ચીફ પરવેઝ સાથે વાત કરવા માગે છે.’ કહીને દિલીપ તરત જ કેદખાના તરફ દોડી ગયો.

  એ જ્યારે કેદખાનામાં પહોંચ્યો ત્યારે પરવેઝ ગાઢ ઊંઘમાં સૂતો હતો. દિલીપે ઢંઢોળીને તેને ઉઠાડ્યો.

 ‘શું વાત છે ?’ પરવેઝ ચમકીને બેઠો થઈ ગયો.

 ‘અબ્દુલ વહીદ કુરેશી તારી સાથે વાત કરવા માગે છે.’ દિલીપે પોતાની રિવોલ્વર કાઢીને હાથમાં લીધી અને ટ્રાન્સમીટર પરવેઝ સામે લંબાવ્યું, ‘લે, કર વાત...!’

 અબ્દુલ વહીદ કુરેશીનું નામ સાંભળીને પરવેઝના દેહમાં પણ ધ્રૂજારી ફરી વળી.

 એણે ટ્રાન્સમીટર લેવા માટે હાથ લંબાવ્યો.

 ‘એક વાતનું ખાસ ધ્યાન રાખજે, પરવેઝ !’ કહેતાં કહેતાં અચાનક જ દિલીપનો અવાજ એકદમ કઠોર અને કર્કશ થઈ ગયો, ‘જો તું કોઈ જાતની ચાલબાજી રમવાનો પ્રયાસ કરીશ તો તારી હાલત પણ સલીમ જેવી જ થશે. તું અત્યારે ભારતીય સૈનિકોના કબજામાં છે એવું તારે કોઈ રીતે કુરેશીને નથી જણાવવાનું. હથિયારોની ખેપ ક્યારે ને કેવી રીતે ત્રાસવાદીઓ સુધી પહોંચવાની છે એ તારે એની પાસેથી જાણી લેવાનું છે, સમજ્યો ?’

 પરવેઝે હકારમાં માથું હલાવ્યું.

 દિલીપે પરવેઝના હાથમાં ટ્રાન્સમીટર પકડાવી દીધું અને રિવોલ્વર એના લમણા સામે તાકી.

 પરવેઝે ટ્રાન્સમીટર ચાલુ કર્યું.

 ‘હલ્લો...’ એ ધીમા અવાજે બોલ્યો.

 ‘કોણ, પરવેઝ ?’

 ‘જી, જનાબ...’

 ‘હું કુરેશી બોલું છું.’ સામે છેડેથી કુરેશીનો હિંસક પશુના ઘુરકાટ જેવો અવાજ તેને સંભળાયો, ‘હું ક્યારનોય તારો સંપર્ક સાધવાનો પ્રયાસ કરું છું. તારું ટ્રાન્સમીટર બગડી ગયું છે કે શું ?’

 ‘ના, સર..! વાત એમ છે કે હું સૂતો હતો.’ પરવેઝ દિલીપ સામે જોતાં બોલ્યો, ‘ટ્રાન્સમીટરના સિગ્નલનો અવાજ સાંભળીને હમણાં જ મારી ઊંઘ ઊડી છે.’

 ‘નાલાયક ! બેવકૂફ !’ સામેથી કુરેશી જોરથી તાડૂક્યો, ‘આ સૂવાનો સમય છે ? સાંભળ, કાલે રાત્રે કેપ્ટન દિલીપ તથા ભારતીય સૈનિકોએ ભેગા થઈને આપણા પહેલાં તાલીમકેન્દ્રનો નાશ કરી નાખ્યો છે એવું મને જાણવા મળ્યું છે. શું આ વાત સાચી છે ?’

 ‘હા...’

 ‘અને આપણા બાકીના સાથીદારો ક્યાં છે ?’

 ‘સર, આ હુમલામાં આપણા લગભગ તમામ સાથીદારો શહીદ થઈ ગયા છે. કોઈ નથી બચ્યું.’

 ‘અને નાસીરખાન..?’

 ‘બાબાનો પણ કંઈ પત્તો નથી કે તો ક્યાં ને કેવી હાલતમાં છે.’

 ‘યા ખુદા..’

 એકાએક સામે છેડે સન્નાટો છવાઈ ગયો.

 આ સમાચારથી કદાચ કુરેશી પણ આઘાત પામ્યો હતો.

 ‘અત્યારે તારી બાજુમાં કોણ છે ?’ અચાનક કુરેશીએ અણધાર્યો સવાલ પૂછ્યો.

 ‘ક....કોઈ નથી !’ પરવેઝ લથડતા અવાજે બોલ્યો.

 ‘ના....કોઈક તો છે જ..!’ આ વખતે કુરેશીના અવાજમાં શંકાનો સૂર હતો.

 ‘કોઈ નથી, સર !’ પરવેઝ સામે પોતાના અવાજને સ્વસ્થ રાખવાનો ભરચક પ્રયાસ કરતાં બોલ્યો.

 લાઇન પર ફરીથી ચુપકીદી છવાઈ ગઈ.

 દિલીપે રિવોલ્વરની નળી હલાવીને ઝપાટાબંધ પરવેઝને કંઈક સંકેત કર્યો.

 ‘હથિયારોની ખેપ અહીં ક્યારે ને કેવી રીતે આવશે, સર...?’ દિલીપનો સંકેત સમજીને પરવેઝે પૂછ્યું.

 પરંતુ કુરેશી તરફથી કોઈ પ્રત્યુત્તર ન મળ્યો.

 ‘હલ્લો..’ પરવેઝ સહેજ ઊંચા અવાજે બોલ્યો, ‘મારી વાત સાંભળો છો ને સર...? હથિયારોની ખેપ અહીં ક્યારે ને કેવી રીતે આવવાની છે ?’

 પરંતુ જવાબમાં ‘ખટ’ અવાજ સાથે સામે છેડેથી સંપર્ક કપાઈ ગયો.

 પરવેઝના મોંમાંથી ઊંડો નિસાસો સરી પડ્યો. એણે ટ્રાન્સમીટરવાળો હાથ નીચો કરી નાખ્યો.

 ‘શું થયું...?’

 ‘કુરેશીસાહેબે સંપર્ક કાપી નાખ્યો છે.’ પરવેઝ વ્યાકુળ અવાજે બોલ્યો, ‘તેમણે કદાચ અહીંના વાતાવરણ પર કંઈક શંકા ઊપજી હોય એવું લાગે છે.’

 ‘તેં તો કુરેશીને કંઈ સંકેત નથી આપ્યો ને...?’

 ‘ના, બિલકુલ નહીં.’

 દિલીપે પરવેઝના હાથમાંથી ટ્રાન્સમીટર આંચકી લીધું.

 કુરેશી અનહદ ચાલક છે એ વાત તે જાણતો હતો.

 કુરેશીની ચાલાકીને કારણે જ અત્યારે તેને હથિયારોની ખેપ વિશે એક અગત્યની માહિતી મળતાં રહી ગઈ હતી. 

 તે એક ઊંડો શ્વાસ લઈને કેદખાનાના દરવાજા તરફ આગળ વધી ગયો.

* * *

 ભૂગર્ભમાં આવેલા ત્રાસવાદીઓના અડ્ડામાં મોજૂદ બધા ત્રાસવાદીઓ કામે લાગી ગયા હતા. ત્યાં જે થોડાઘણા હથોયારો હતાં તેની ચકાસણી થતી હતી. જે હથિયારો ખરાબ હતાં તેને રીપેર કરવાના પ્રયાસો ચાલુ હતા.

 એ જ વખતે નાસીરખાનને એક નવા સમાચાર મળ્યા કે જે સાંભળીને તે હચમચી ઊઠ્યો. ભારતીય ફોજમાં જે દગાબાઝ ઓફિસર હતો એણે જ સમાચાર આપ્યા હતા કે પરવેઝ સિકંદર અત્યારે લશ્કરના કબજામાં છે અને સલીમ રઝાને ગઈ કાલે જ કેપ્ટન દિલીપે શૂટ કરી નાખ્યો છે.

 બંને સમાચાર હચમચાવી મૂકનારા હતા. નાસીરખાનના દેહમાં ખોફ્ભરી ધ્રૂજારી ફરી વળી. તેને મનોમન દિલીપ પર ખૂબ જ રોષ ચડતો હતો. જ્યારથી દિલીપે ઘાટીમાં પગ મૂક્યો હતો ત્યારથી જ તેમના પર કોપ વરસતો હતો. ડગલે ને પગલે તેમણે નિષ્ફળતાનો સામનો કરવો પડતો હતો.

 બપોરના સવા બે વાગ્યા હતા.

 બધા ત્રાસવાદીઓ સાથે મળીને જમવાની તૈયારી કરતા હતા.

 અચાનક નાસીરખાનના ટ્રાન્સમીટરમાંથી બીપ.....બીપનો અવાજ ગુંજવા લાગ્યો.

 ‘યસ...’ એણે પોતાનું ટ્રાન્સમીટર ચાલુ કરતાં કહ્યું, ‘નાસીરખાન સ્પીકિંગ....!’

 ‘હું કુરેશી બોલું છું, બાબા....!’

 ‘ક....કુરેશીસાહેબ..!’

 આઈ.એસ.આઈ.ના ચીફ કુરેશીનો અવાજ સાંભળીને નાસીરખાન એકદમ સજાગ બની ગયો.

 ‘હા...’

 ‘શું સમાચાર છે, સર...?’

 ‘સમાચાર સારા નથી..’ સામેથી કુરેશીનો ગંભીર અવાજ તેને સંભળાયો, ‘મેં હમણાં જ ટ્રાન્સમીટર દ્વારા પરવેઝ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દુશ્મનોની ચુંગાલમાં ફસાઈ ગયો હોય એવું મને લાગે છે.’

 ‘આપનું અનુમાન બિલકુલ સાચું છે, સર..!’ નાસીરખાન તરત જ બોલી ઊઠ્યો, ‘હમણાં જ મને જાણવા મળ્યું છે કે પરવેઝ અત્યારે કેપ્ટન દિલીપના કબજામાં છે. ખેર, હથિયારોની ખેપ વિશે તો આપે એને કંઈ નથી જણાવ્યું ને ?’

 ‘ના...’

 કુરેશીનો જવાબ સાંભળીને નાસીરખાનના ચહેરા પર રાહતના હાવભાવ ઊપસી આવ્યા. આ દરમિયાન કુરેશીનું નામ સાંભળીને રેશમા સહિત લગભગ બધા ત્રાસવાદીઓ નાસીરખાનની આજુબાજુમાં એકઠા થઈ ગયા હતા.

 ‘હથિયારોની ખેપ અહીં ક્યારે પહોંચશે, સર ?’ નાસીરખાને પૂછ્યું.

 ‘પરમ દિવસે !’ સામે છેડેથી કુરેશીએ જવાબ આપ્યો, ‘અને બધાં હથોયારો ‘સમજોતા એક્સપ્રેસ’ દ્વારા તમારા સુધી પહોંચશે.’

 ‘આપ ‘સમજોતા એક્સપ્રેસ’ ટ્રેનની વાત કરો છો, સર...?’ 

 ‘હા...’

 ‘એ ટ્રેનમાં હથિયારો કઈ જગ્યાએ હશે ?’

 ‘આ બાબતમાં તમને જલાલુદ્દીન પાસેથી જાણવા મળી જશે.’

 ‘જલાલુદ્દીન ? એ વળી કોણ છે ?’ નાસીરખાને ચમકીને પૂછ્યું.

 ‘જલાલુદ્દીન પાકિસ્તાનનો એક યુવાન અને બાહોશ જાસૂસ છે. તે એ જ ટ્રેનમાં મુસાફરી કરતો હશે.’

 ‘એ તો બરાબર છે, પણ અમારે તેને કેવી રીતે ઓળખવો ?’

 ‘જલાલુદ્દીનને ઓળખવો એકદમ સહેલો છે. એના માથા પર આ ઉંમરે પણ ટાલ છે. તે હંમેશા ચટ્ટાપટ્ટાવાળું પેન્ટ અને એવી જ ડીઝાઇનનો શર્ટ પહેરે છે. આ વસ્ત્રોમાં એનો દેખાવ સરકસના કોઈક જોકર જેવો લાગે છે. પરંતુ વાસ્તવમાં તે જોકર છે નહીં ! લોકોને થાપ આપવા માટે જ તે હાસ્યાસ્પદ વસ્ત્રો પહેરે છે. હવે તો એણે ઓળખવામાં તમને તકલીફ નહીં પડે એહ હું માનું છું.’ 

 ‘ના, જરા પણ તકલીફ નહીં પડે. બીજો કોઈ હુકમ હોય તો ફરમાવો.’

 ‘હથિયારો ઘાટીમાં પહોંચે કે તરત જ તમારે લોકોએ જોરશોરથી કમાન્ડોઝની ઘૂસણખોરી પાર પાડવા માટે કામે લાગી જવાનું છે, બાબા...! કેપ્ટન દિલીપના ઘાટીમાં આવવાથી કે પરવેઝના પકડાવાથી આ મિશન બિલકુલ ન અટકવું જોઈએ. જો આપણને ઘાટીમાં જ જેહાદીઓના તાલીમકેન્દ્રો ખોલવામાં સફળતા મળશે તો આપણે કાશ્મીરની આઝાદીનો અડધો જંગ જીતી લીધો છે એમ જ તમે માનજો. આપણે જેટલા વધુ જેહાદીઓ તૈયાર કરીશું એટલા જ ભારતીય સૈનિકોના દાંત ખાટા થશે.’

 ‘આપ સાચું કહો છો, કુરેશીસાહેબ !’ નાસીરખાન ઉત્સાહભેર બોલ્યો.

 ‘સારું.....હવે હું ટ્રાન્સમીટર ઓફ કરું છું, બાબા ! ખુદા હાફીઝ....!’

 સામે છેડેથી સંપર્ક કપાઈ ગયો.

 નાસીરખાનના ચહેરા પર હવે રોનક ફરી વળી હતી.

*********