"મિસ નિયતિ તમારા પુસ્તકનું વિમોચન ગત સપ્તાહે જ થયું અને જોતજોતામાં પ્રથમ આવૃત્તિ વેચાઈ ચૂકી છે અને બીજી આવૃત્તિનું પણ પ્રિબુકિંગ થઇ ગયું છે આ અંગે તમારું શું કહેવું છે ?"
નિયતિ કાંઈ જવાબ આપે એ પહેલાં જ એક બીજા પત્રકારે સવાલ કર્યો "મિસ નિયતિ શુ આ વાર્તાને તમારા જીવન સાથે કોઈ સંબંધ છે ? શુ આ વાર્તા કોઈ સત્યઘટના છે ?"
નિયતિનાં પ્રથમ જ પુસ્તકને મળેલો બહોળો પ્રતિસાદ જોઈને તેના પ્રકાશક અરુણે એક પાર્ટી યોજી હતી. જેમાં શહેરના પત્રકારોને પણ બોલાવવામાં આવ્યા હતા. નિયતીએ સ્વપ્ને પણ નહોતું ધાર્યું કે તેના આ પ્રથમ પુસ્તકને આટલું બધું પસંદ કરવામાં આવશે.
પત્રકારોના સવાલોનો દોર શરૂ જ હતો, નિયતિ આ બધા માટે તૈયાર જ નહોતી, તે મુંજાય રહી હતી કે શું જવાબ આપવો. ત્યાં દૂરથી તેની મૂંઝવણનું અનુમાન લગાવીને mr. રાજવીર તેની મદદે આવ્યા, "અરે અરે બિચારી નિયતીને જરા મોકો તો આપો કાંઈક જવાબ આપવાનો, આમ એક ધાર્યા તીર ચલાવશે તો એ તો શું એની જગ્યાએ હું હોઉં તો હું પણ મુંજાય જાઉં અને હજી તો પાર્ટી શરૂ જ થઈ છે તમે પણ એન્જોય કરો અને સૌને કરવા દયો. તમારા સવાલ જવાબ માટે પણ આપણે સમય ફાળવશું, Now let's enjoy the party."
નિયતિએ મનમાં હાશકારો અનુભવ્યો કારણ કે પત્રકારો હવે દૂર થઈ ગયાં હતાં . પાર્ટીમાં ઘણા નામી સાહિત્યકારો પણ આવ્યા હતાં , અમુક દિલથી શુભેચ્છાઓ આપી રહ્યાં હતાં તો અમુક નિયતિની આ સફળતાથી જલતા હતાં, એમને લાગતું હતું કે આ બધું કાંઈક તો લાગવગનું જ પરિણામ છે અને કેટલાક તો નિયતિ અને રાજવીર વચ્ચે કાંઈક રંધાઈ રહ્યું હોવાની વાતો કરીને હસી રહ્યા હતાં. લોકો આવા જ તો હોય છે. કોઈ પણ સ્ત્રીનું નામ કોઈની પણ સાથે જોડી દેતા ક્યાં અચકાય છે?, જો કે નિયતિ થોડી નર્વસ હતી. પત્રકારો સાથે કઇ રીતે વાતચીત કરવી તેની સમજ નહોતી તેને. એટલે mr. રાજવીર નિયતિને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવા પાસે આવ્યા હતા.એ પોતે પણ પરણિત છે અને સમાજમાં પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે.
"Miss નિયતિ, હવે થોડા રિલેક્સ થઈ ગયા હશો. જુઓ આમ ગભરાવવાનું ના હોય ચાલો તમને થોડી ટિપ્સ આપું."
Mr. રાજવીરની વાત સાંભળીને નિયતિએ જવાબ આપ્યો "સોરી સર, મારે કારણે તમારે આમ વચ્ચે આવીને કહેવું પડ્યું."
"અરે એમાં સોરી ના હોય કહેવાનું, અરુણ અને હું પાક્કા મિત્રો પણ છીએ અને આ પ્રકાશનમાં પાર્ટનર પણ છીએ. એટલે એની દરેક પાર્ટીમાં હું તો હોવાનો જ. તમે આમ જ આગળ વધતા રહેશો તો આપણે અવાર નવાર મળતા રહીશું. માટે સંકોચ ન રાખો."
"આપને મળીને આનંદ થયો, મારા માટે આ પહેલો જ અનુભવ છે એટલે થોડી નર્વસ છું."
"આવો અહીં આ તરફ બેસીએ, થોડા સૂચન આપું જે તમને આ પત્રકારો સાથે વાતચીતમાં કામ લાગશે." કહીને mr. રાજવીર નિયતીને એક બાજુ રહેલા સોફા તરફ લઈ ગયા. થોડી વારની ચર્ચા બાદ નિયતિમાં ઘણો આત્મવિશ્વાસ આવી ગયો. મનની મૂંઝવણ દૂર થઈ ગઈ અને સૌના સવાલોના જવાબ આપવા મનથી તૈયાર પણ થઈ ગઈ.
નક્કી કરેલા સમયે સૌને પોતાનું સ્થાન ગ્રહણ કરવાનું કહેવામાં આવ્યું અને સૌની સામે અમુક ખુરશીઓ ગોઠવી, જેમાં mr. રાજવીર, અરુણ અને અન્ય બે નામાંકિત સાહિત્યકારો સાથે નિયતિ બેઠી.
અમુક વાતોના જવાબ અરુણે આપ્યા બાદ સૌ નિયતીને પ્રશ્ન પૂછવા માંગતા હતા તેથી નિયતીએ આગળ આવીને સૌનું અભિવાદન કર્યું અને પત્રકારોના જવાબ આપવાનું શરૂ કર્યું. ફરી એ જ સવાલ આવ્યા જે થોડા સમય પહેલા પુછાતાં તે નર્વસ થઈ ગઈ હતી. પણ હવે તે જવાબ આપવા લાગી.
"મને જરાય આશા નહોતી કે મારી આ વાર્તા સૌને આટલી બધી પસંદ આવશે, ખરેખર ખૂબ ખુશી છે કે મારા વિચારો, મારું કથન, મારી આ વાર્તા સૌને ખૂબ ગમી છે. હું સૌની દિલથી આભારી છું."
"Miss નિયતિ, શું આ વાર્તાનો તમારા જીવન સાથે સંબંધ છે,? શુ આ વાર્તા સત્યઘટના છે,?"
"હા આ એક સ્ત્રીની સત્યઘટના છે, એક સ્ત્રી જેણે આ બધું અનુભવ્યું છે. જે આ જીવન જીવી છે સાવ મૂંગા મોઢે, મેં બસ તેની આ જીવનયાત્રાને શબ્દોનું રૂપ આપ્યું છે"
"કોણ છે એ સ્ત્રી ? વાર્તાનું પાત્ર વયસ્ક છે અને તમે હજી નવયુવાન !, તો પછી એ સ્ત્રી કોણ છે ?"
"મારી મા", આટલું કહેતા જ હોલમાં સોપો પડી ગયો, ક્ષણભર સૌ સ્તબ્ધ થઈ ગયા, નિયતીએ આગળ કહ્યું, "સામન્ય રીતે મા એમ વિચારતી હોય છે કે મારું સંતાન આજે ભૂખ્યું ના રહે અને એક બાપ એમ વિચારે છે કે મારું સંતાન આવતી કાલે ભૂખ્યું ના રહે પણ અહીં મારી મા નાં ભાગે જ આ બંને વિચારવાનું આવ્યું. સાસુ સસરા અને પતિથી ઉપરવટ જઈને એણે મને એટલે કે એક દીકરીને જન્મ આપ્યો બસ આ જ ભૂલની સજામાં એણે પોતાના જ ઘરમાં કારાવાસ ભોગવ્યો. ગ્રેજ્યુએટ થયેલી મારી મા ને ઘરની બહાર નીકળવા મનાઈ ફરમાવવામાં આવી. સાસુના મહેણાં ટોણા, પતિનો માર બધું જ સહન કરતાં મને જન્મ આપ્યો. હું દસ વર્ષની થઈ ત્યારે મારા દાદા દાદી અને પપ્પા એક સગાને ત્યાં લગ્નમાં ગયા હતા, મારાં અને મમ્મી સાથેના રૂખા વર્તનના કારણે અમે ઘરે જ હતા. લગ્નમાંથી પાછા ફરતા રસ્તામાં એક અકસ્માતમાં દાદી અને પપ્પાનું મૃત્યુ થયું અને દાદાને આજીવન પથારીવશ થવું પડ્યું. દાદાની સંભાળ રાખવાં માટે મા નોકરી પણ નહોતી કરી શકતી. અંતે ઘરે સિલાઈ કામ શરૂ કર્યું અને મા-બાપ અને દીકરીની ભૂમિકા ભજવતી રહી. એના માટે આકાશ ફક્ત અમારા ઘરની અગાસીમાંથી દેખાય એટલું જ હતું. દાદા પથારીવશ થયા છતાં મને અને મા ને સંભળાવવામાં કાંઈ બાકી નહોતા રાખતા. એમના અંતિમ દિવસોમાં પણ માએ ચાકરી કરવામાં કાંઈ બાકી ના રાખ્યું અને દાદાએ મા ને દુઃખી કરવામાં કાંઈ કસર ન છોડી."
"અંતે મા ની સહનશક્તિએ હાથ ઊંચા કરી દીધા, સતત ઉપેક્ષા, મહેણાં, એકલે હાથે બધું જ કરવા છતાં મળતા અપજશે મા ને તોડી નાખી. મારા કોલેજનું છેલ્લું વર્ષ, ફક્ત એક મહિનો બાકી અને મા બેભાન થઈ ગઈ. ભાનમાં આવો ત્યારે તેણે સુધબુધ ગુમાવી દીધી હતી.કદાચ ઈશ્વર મને સાથ આપવા ઈચ્છે છે એટલે જ મારું પ્રથમ પુસ્તક આટલું પ્રસિદ્ધ થયું. આ રોયલ્ટીના પૈસામાંથી હું મારી મા ની સારવાર કરવા માગું છું. વર્ષો પહેલા પરિવારની વિરુદ્ધ જઈને મને જન્મ આપવાનો તેમનો નિર્ણય જરાય ખોટો નહોતો, તેમણે કોઈ જ ભૂલ નથી કરી તે સાબિત કરવા માગું છું. ઘરની આગાસીમાંથી દેખાય એટલું જ નહીં પણ આ અનંત આકાશ એને બતાવવા માંગુ છું."
બોલતાં બોલતાં નિયતિનાં ગળે ડૂમો ભરાઈ ગયો અને આંખમાંથી આંસુ જાણે ટપકવાની મંજૂરી માંગતા પરાણે રોકાઈ ગયા હતા.
વ્યક્તિને જોઈને જ પારખવાની જબરી કોઠાસૂઝ ધરાવતા mr રાજવીર તરત જ ઉભા થયા અને બોલ્યા "હું અને અરુણ miss નિયતિનાં માતૃશ્રીનાં ઈલાજમાં બનતી બધી સહાય કરવા તૈયાર છીએ." આ સંભાળતા જ જાણીતા સાહિત્યકારો પૈકીનાં ઘણાએ સહાય કરવાની સહમતી દર્શાવી.
પારૂલ ઠક્કર 'યાદ'
ભાવનગર