Letter to mother's daughter books and stories free download online pdf in Gujarati

મા નો દીકરીને પત્ર

મા નો દીકરીને પત્ર

બેટા આજના તારા આ જન્મદિવસ નિમિત્તે મારે તને ગિફ્ટમાં મારા આ શબ્દો જ આપવા છે. આ એ શબ્દો છે જે હું તારા સુધી પહોંચાડવા તો માંગતી હતી પણ ક્યારેક લાગણીવશ તને ભેટી જરૂર પડી પણ કહી ન શકી. મારાં દિલના શબ્દો બહાર ન આવી શક્યા અને દિલમાં જ રહી ગયા, પણ આજે આ શબ્દોને હું પત્રનું રૂપ આપીને તારા સુધી પહોંચાડી રહી છું. આશા છે મારી આ ભેટ તને ખુબ ગમશે, અને મારી આ લાગણી, મારાં આ શબ્દોને તું તારા દિલના ઊંડાણથી મહેસુસ કરી શકીશ.

આમ જો તો આ દુનિયા ખૂબ જ સુંદર છે, છતાં નિષ્ઠુર પણ છે. કપટી અને સ્વાર્થી છે આ દુનિયાના લોકો...
મારી ભલીભોળી દીકરી સુખેથી ગૌરવભેર જીવી શકશે ??? દુઃખ તેને દૂરથી પણ સ્પર્શી તો નહીં જાય ને ????? આવી અગણિત કાંઈ કેટલીય ચિંતાઓ મને ઘેરી વળે છે. અને આ બધી ચિંતાઓના કારણે ઘણીવાર પ્રેમથી તો ક્યારેક ગુસ્સાથી કેટલાય જિંદગીના પાઠ તને શીખવતી રહી છું.એમનો એક પાઠ તને આજે અહીં સમજાવી રહી છું. ખુબ ધ્યાનથી બધું વાંચજે અને સમજજે બેટા.
આજકાલ વિદેશી સંસ્કૃતિનું આંધળું અનુકરણ થઇ રહ્યું છે આ વેલેન્ટાઇન વિકના નામે, પ્રેમના સાત દિવસ...!! શું પ્રેમ ફકત સાત દિવસ પૂરતો સીમિત હોય ખરો? શું પ્રેમની અભિવ્યક્તિ ફકત આ સાત દિવસ જ હોય? બાકીના દિવસોમાં પ્રેમ અભિવ્યક્ત નાં થઇ શકે? મને તો એ નથી સમજાતું કે પ્રેમના સાત દિવસ છે કે આ સાત દિવસ પૂરતો જ પ્રેમ? તું સમજે છે ને બેટા હું શું કહેવા માંગુ છું? પ્રેમ એક સુંદર અનુભૂતિ છે, એક સુંદર અહેસાસ, પ્રેમનો આમ દેખાડો ના હોય બેટા, આવા કહેવાતા પ્રેમની ખોટી માયાજાળમાં તું ગુંચવાતી નહીં, પ્રેમ અને મોહ વચ્ચે સાવ પાતળી ભેદ રેખા છે, મોહ એટલે ક્ષણિક આકર્ષણ, અને પ્રેમ એટલે... એક સુંદર અનુભૂતિ, જેનું શબ્દોમાં વર્ણન શક્ય જ નથી, એને મહેસુસ કરી શકાય પણ વર્ણવી ન શકાય, મુલવી n શકાય.
તું ખૂબ ડાહી અને સમજુ છે. મમ્મીના આ "ભાષણ", મારી વ્યર્થ લાગતી ચિંતા અને ક્યારેક તારા પર મુકાયેલા અણગમતા પ્રતિબંધ પાછળનો મર્મ તું ખૂબ સારી રીતે સમજે છે .

જ્યારે હું તારી ઉંમરની હતી, ત્યારે મને આવા પાઠ સમજાવવા માટે મારી પાસે મારી મા નોહતી, અને ના કોઈ મિત્ર હતી મારી..પણ તારી પાસે અને તારી સાથે હંમેશા હું છું, એક મા તરીકે પણ અને એક મિત્ર તરીકે પણ.
સાચા પ્રેમના એહસાસ અને દેખાડાની લાગણી વચ્ચેની પાતળી ભેદરેખા તું જોઈ શકે એ માટે આજે આ બધું લખુ છું. જેથી ઉમરના આગળના પડાવમાં તું રસ્તો ભૂલી ન જાય, જીવનની આ સફરમાં ખોટા મોહની તને ઠોકર ન લાગે અને તારી યુવાનાવસ્થાનો આ સમયગાળો તું આનંદથી માણી શકે. તું સમજી શકીશને મને અને મારી તારા પ્રત્યેની આ લાગણીને...!

હું કદાચ પરફેક્ટ મા છું કે નહિ એ નથી જાણતી, પણ એક મા ની સાથે સાથે હું તારી ખુબ સારી મિત્ર બનવા માંગુ છું, તું એક પરફેક્ટ દીકરી છે, અને તારા જેવી દીકરી પામીને હું મારી જાતને ધન્ય માનું છું.

બસ એટલું કહીશ કે એક મિત્રની જેમ મારી સાથે તારી હર ખુશી, હર તકલીફ share કર, મા બનીને સમજાવી શકું છું અને મિત્ર બનીને સાથ પણ આપી શકું છું, હંમેશા આગળ વધ, સ્ટ્રોંગ બન, બહુ સરળ ન બન. તું સ્ટ્રોંગ બનીશ તો હું સ્ટ્રોંગ રહીશ.

Love you so much my "લાડકી".
લિ. તારી મમ્મી.

પારૂલ ઠક્કર "યાદ"
ભાવનગર

બીજા રસપ્રદ વિકલ્પો